ભજનનો વેપાર
ભજનનો વેપાર દાસી જીવણ |
ભજનનો વેપાર
કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર,
બેડલી ઉતારો ભવ પાર જી.
સરોવર જ્યારે ભર્યાં હતાં, ત્યાં પહેલી ન બાંધી પાળ જી,
આગળ નીર સૂકાઈ ગયાં, ત્યારે હાથ ઘસે શું થાય….. કર મન..
શેરી લગણ સુંદરી, ઝાંપા લગણ મા-બાપ જી,
તીર્થ સુધી બે બાંધવા, કોઈ ના’વે તારી સાથ….. કર મન.
હાડ જલે જેમ ગાંસડી ને, કેશ જલે જેમ ઘાસજી,
કે મન સરખી કાયા જલશે, લાગે નહીં પળ વાર…. કર મન.
આ રે કાયામાં કોણ સૂએ, કોણ જાગે ચોકીદાર ?
સૂરત જાગે, નુરત ઊંઘે, ચેતન ચોકીદાર…. કર મન.
હું ને મારું મૂકી દ્યોને, ખોટો આ સંસારજી,
દાસી જીવણ એણીપેરે બોલ્યા, પૂરો મનના કાજ…. કર મન.