ભાળ તું ભાળ તું સંમુખે શામળા!

ભાળ તું ભાળ તું સંમુખે શામળા!
નરસિંહ મહેતા



ભાળ તું ભાળ તું સંમુખે શામળા!

ભાળ તું ભાળ તું સંમુખે શામળા! ટાળ દુઃખ ટાળ દુઃખ આજ મારું,
નિગમ નેતિ રટે, આવડું નવ ઘટે, 'ભક્ત વત્સલ' પ્રભુ ! બિરૂદ તારું - ભાળ તું. ૧

અરજ સુણિ હરિ ! શું કહીએ ફરી ફરી, શ્રવણ ન્ સાંભલો નિદ્રા આવી ?
ધાઓ ધરણીધરા ! જાગજો જદુવરા ! દુષ્ટને હાથથી લ્યો મૂકાવી. - ભાળ તું. ૨

સત્યને પાળવા, અસત્યને ટાળવા પ્રગટોને પૂરણબ્રહ્મ પોતે,
અપજો ફૂલનો હાર કમળાપતિ ! સુંદરશ્યામ! સાંભરે જો તે. - ભાળ તું. ૩

સુખડા આપવા, દુઃખડા ટાળવા, 'અનાથના નાથ' તમે રે કહાવો,
નરસૈંયો બેઉ કર જોડીને વિનવે શામના ચરણનો લેવો લહવો - ભાળ તું. ૪