ભોળો ભાભો
ભોળો ભાભો દલપતરામ |
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષી ઉડાડે છે;
જંગલી જનાવરોને બહુ બિવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકી તેને બિવરાવે છે;
ત્મારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે,
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે ?