મગર અને શિયાળ
મગર અને શિયાળ ગિજુભાઈ બધેકા |
આ વાર્તાને આપ અહીં સાંભળી પણ શકો છો. |
મગર અને શિયાળ
એક હતી નદી. એમાં એક મગર રહે. એક વાર ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું. ટીપુંય પાણી ન મળે. મગરનો જીવ જાઉં જાઉં થવા લાગ્યો. મગર હાલીયે ન શકે ને ચાલીયે ન શકે.
નદીથી દૂર એક ખાડો હતો. એમાં થોડુંક પાણી રહ્યું હતું. પણ મગર ત્યાં જાય શી રીતે ? ત્યાંથી એક કણબી જતો હતો. મગર કહે : "એ કણબીભાઈ, એ કણબીભાઈ ! મને ક્યાંક પાણીમાં લઈ જા ને ! ભગવાન તારું ભલું કરશે." કણબી કહે : "લઈ જાઉં તો ખરો, પણ પાણીમાં લઈ જાઉં ને તું મને પકડી લે, તો ?" મગર કહે : "છટ્ છટ્, હું તને પકડું ? એવું બને જ કેમ ?"
પછી કણબી તો એને ઉપાડીને પેલા ખાડા પાસે લઈ ગયો ને પાણીમાં નાખ્યો. પાણીમાં પડતાંની સાથે જ મગર પાણી પીવા લાગ્યો. કણબી એ જોતો જોતો ઊભો રહ્યો, એટલામાં મગરે પાછા વળીને કણબીનો પગ પકડ્યો. કણબી કહે : "તેં નહોતું કીધું કે તું મને ખાઈશ નહિ ? તો હવે મને કેમ પકડે છે ?" મગર કહે : "જો, હું તો કંઈ તને પકડત નહિ. પણ મને ભૂખ એટલી બધી લાગી છે કે ખાધા વિના મરી જઈશ. એમાં ઊલટી તારી મહેનત નકામી જાય ને ? આઠ દિવસનો તો ઉપવાસી છું." કહી મગર કણબીને પાણીમાં ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા ઊભો રહે. આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ."
મગરે મનમાં વિચાર્યું : ભલે ને જરા ગમ્મત થાય ! એણે તો કણબીનો પગ મજબૂત પકડી રાખ્યો ને બોલ્યો : "પૂછ – તું તારે ગમે તેને પૂછ !" એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. કણબીએ એને બધી વાત કહીને પૂછ્યું : "તું જ કહે ને, બહેન ! આ મગર મને ખાય છે, એ તે કાંઈ ઠીક કહેવાય ?" ગાય કહે : "મગરભાઈ ! તમ તમારે ખાઈ જાઓ કણબીને. એની જાત જ ખરાબ છે. દૂઝણાં હોઈએ ત્યાં સુધી રાખે, ને ઘરડાં થયાં કે કાઢી મૂકે, કેમ કણબા ! સાચી વાત ને ?" એટલે મગર કણબીને જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા વાર થોભ. બીજા કોઈને આપણે પૂછીએ."
ત્યાં એક લૂલો ઘોડો ચરતો હતો. કણબીએ બધી વાત એને કહીને પૂછ્યું : "કહે ભાઈ ! આ કાંઈ સારું કહેવાય ?" ઘોડો કહે : "મહેરબાન ! સારું નહિ ત્યારે શું ખરાબ ? મારી સામું તો જો ? મારા ધણીએ આટલાં વરસ મારી પાસે ચાકરી કરાવી ને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો ! માણસની જાત જ એવી છે ! મગરભાઈ, ખુશીથી ખાઈ જા એને."
મગર તો પછી કણબીનો પગ વધારે જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરાક થોભી જા. હવે એક જ જણને પૂછી જોઈએ. પછી ભલે તું મને ખાજે." ત્યાંથી નીકળ્યું એક શિયાળ. કણબી કહે : "શિયાળભાઈ ! મહેરબાની કરીને જરા અમારો એક ન્યાય કરશો ?" દૂરથી શિયાળે કહ્યું : "શું છે, ભાઈ ?" કણબીએ સઘળી વાત કરી. શિયાળ એકદમ સમજી ગયું કે મગરનો વિચાર કણબીને ચટ કરી જવાનો છે. એટલે તે બોલ્યું : "હેં કણબી ! ત્યાં કોરી જગ્યાએ તું પડ્યો હતો ?" મગર કહે : "ના રે ના ! ત્યાં તો હું પડ્યો હતો." શિયાળ કહે : "હં હં, મને બરાબર સમજાયું નહોતું. ઠીક, પછી શું થયું ?" કણબીએ વાત આગળ ચલાવી. શિયાળ કહે : "શું કરું ? – મારી અક્કલ ચાલતી નથી; કાંઈ સમજાતું નથી. ફરીથી બરાબર કહે. પછી શું થયું ?" મગર જરા ચિડાઈને બોલ્યો : "જો, હું કહું છું. આ જો, હું ત્યાં પડ્યો હતો." શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું : "ક્યાં ? કેવી રીતે ?" મગર તો વાત કહેવાના તોરમાં આવી ગઈ. એણે કણબીનો પગ છોડ્યો અને પોતે ક્યાં ને કેવી રીતે પડી હતી તે બતાવવા લાગી.
તરત શિયાળે કણબીને ઈશારો કર્યો કે, ભાગ ! કણબી ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતાં ભાગતાં શિયાળ બોલ્યું : "મગરભાઈ, હવે સમજાયું કે તમે કેવી રીતે પડ્યા હતા તે ! કહો જોઈએ – પછી શું થયું ?" મગર તરફડતો પડ્યો રહ્યો ને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગ્યો.