મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફત્હ અલ ખાઝિની

← અબૂ મહમૂદ અલ ખુજન્દી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ ફત્હ અલ ખાઝિની
સઈદ શેખ
અબૂ જાફર મુહમ્મદ અલ ખાઝિન  →


અલ ખાઝિની

અબૂલ ફત્હ અબ્દુલ રહેમાન અલ ખાઝિની હાલના તુર્કમેનિસ્તાનના મર્વ શહેરમાં જન્મ્યો હતો. જન્મ વર્ષની માહિતી મળતી નથી પરંતુ એનું મૃત્યુ ઈ.સ. ૧૧૧૫ થી ૧૧૩૦ની વચ્ચે થયું હોવાનું ઇતિહાસકારો માને છે.

ખગોળશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર અને વૈજ્ઞાનિક ઉપકરણો શોધવામાં ફાળો આનાર અલ ખાઝિની મૂળતો મર્વના દરબારના ખજાનચી અને ન્યાયાધીશ અબૂલ હસનનો ગુલામ હતો. અબૂલ હસનને પોતાના ગુલામને ગણિત અને ફિલસૂફીનું શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું. અલ ખાઝિનીએ ભૌમિતિક વિજ્ઞાનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી અને ગણિતશાસ્ત્રી તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ સેલ્જૂક દરબારમાં કર્યો. એ વખતે મર્વ ખુરાસાનનું પાટનગર હતું અને ઈ.સ. ૧૦૯૭ થી ૧૧૫૭ સુધી સેલ્જૂક શાસક સંજર ઇબ્ને મલિક શાહની ગાદી હતી. સંજરના સમયમાં મર્વ સાહિત્યિક અને વૈજ્ઞાનિક ગતિવિધિઓનું કેન્દ્ર હતું અને અંત સમયમાં આ શહેર પોતાના પુસ્તકાલયો માટે જાણીતું હતું. અલ ખાઝિનીએ ખગોળ કોષ્ટકોની રચના કરી પ્રબંધ ગ્રંથ સંજર ઇબ્ને મલિકશાહને અર્પણ કર્યું હતું.

સંત જેવું એકદમ સાદગીભર્યું જીવન જીવતા. ઈનામોની લાલચ ન હતી. અમીરની પત્નિએ એમની ૧૦૦૦ દિરહમ મોકલ્યા હતા, જેને એમણે પરત કરી દીધા હતા. એવી જ રીતે ખગોળીય કોષ્ટકોની પૂર્તિ વખતે ઈમામ ગઝાલીના શિષ્ય શાફી ઇબ્ને અબ્દુલ રશીદે એમને ૧૦૦૦ દિરહમ મોકલ્યા હતા. એ પણ એમણે પરત કરી દીધા હતા.

અલ ખાઝિનીએ જે વૈજ્ઞાનિક કાર્યો કર્યા અને જે રચનાઓ કરી એ નીચે મુજબ છે.

ખગોળીય કોષ્ટકો વિશે 'અલઝિજ અલ સન્જરી', ખગોળીય ઉપકરણો વિશે 'રિસાલા ફીલ આ'લાત, અને 'કિતાબ મિઝાન અલ હિકમા'માં વજનનું વિજ્ઞાન તથા ત્રાજવાની બનાવટની કળા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અલ ખાઝિનીએ તૈયાર કરેલ હાઈડ્રોસ્ટેટીક બેલેન્સ (ત્રાજવું) એમને વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવામાં અજોડ સાબિત કરે છે. 'કિતાબ મિઝાન અલ હિકમા' યંત્રાશાસ્ત્રના ઇતિહાસકારો માટે એક મહત્વની રચના છે. અલ ખાઝિની ર૦ એવા ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. જેમણે મૌલિક અવલોકનો કર્યા હતા. કેનેડીએ એના ઝિજ (ખગોળીય કોષ્ટકો) ને બહુ ઉચ્ચ આંક્યા છે અને ગ્રહણ તથા દૃશ્યમાનતા સિદ્ધાંત (વિઝીબીલીટી થિયરી)ને મહત્વનાં ગણ્યાં છે.

અલ ખાઝિનીના ગ્રંથો ઇસ્લામી જગતમાં ઉપરાંત યુરોપમાં પણ પ્રસિદ્ધ હતા જેનો ઘણા લોકોએ લાભ ઉઠાવ્યો. જયોર્જ ક્રિસોકોક્સ (૧૩૩૫-૧૩૪૬) નામના ખગોળશાસ્ત્રી અને ભૂગોળવેત્તાએ તારાઓના કોષ્ટક માટે ખાઝિનીના 'સંજરી ઝિજ' નો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે થિયોડોર મેલીટોનીયસ (૧૩૬૦-૧૩૮૮) નામના કોન્સટેન્ટીનોપલના ખગોળશાસ્ત્રીએ પણ ખાઝિનીની કોષ્ટકોનો ઉપયોગ પોતાના કાર્યોમાં કર્યો હતો.

ખગોળીય કોષ્ટકો : આગળ જોયું એમ અલ ખાઝિનીએ 'સંજરી ઝિજ' ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી આનું પુરૂનામ 'અલ ઝિજ અલ મુઅતબર અલ સન્જરી અલ સુલતાની' હતું. બીજી રચના 'જામઅ અલ તવારિબ લિલ સન્જરી' સંજરના કાર્યક્રમ વિશે છે.

હમદલ્લા અલ કઝવીનીએ 'નુઝહતુલ કૂલૂબ'માં ભારતીય છાયાયંત્રના કોષ્ટકો આપ્યા છે જે મક્કાની દિશા 'કિબ્લા' જાણવા માટે ઈરાનમાં વપરાતા હતા. એણે દર્શાવ્યું છે કે આ કોષ્ટકો સુલતાન સંજરના કહેવાથી અલખાઝિનીએ તૈયાર કર્યા હતા.

સંગીત વાદ્યો વિશે પ્રબંધ :-

અલ ખાઝિનીએ સંગીત વાઘો વિશે પ્રબંધ ગ્રંથ 'રિસાલા ફીલ આલાત' લખ્યું. સાત ભાગમાં લખાયેલ આ પ્રબંધમાં દરેક વાદ્ય માટે એક ભાગ છે. વાદ્યોનો ઉપયોગ ઉપરાંત તેમના ભૌમિતિક પાયાઓ વિશે પણ આમાં ચર્ચા કરવામાં આવી છે.