મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મવરદી

← અબૂલ હસન અલ મસૂદી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ હસન અલ મવરદી
સઈદ શેખ
યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી  →


અબૂલ હસન અલ મવરદી (૯૭ર - ૧૦૫૮) ન્યાયશાસ્ત્રી

અબુલ હસન અલી ઇબ્ને મુહમ્મદ ઇબ્ને હબીબ અલ મવરદી પશ્ચિમાં Alboacen તરીકે ઓળખાય છે. તેઓ એક પ્રખર રાજકીય ચિંતક હતા. એક મહાન સમાજશાસ્ત્રી, ન્યાયવિદ અને મોહદ્દીસ (હદીસ ના જાણકાર) પણ હતા. તેમણે બગદાદમાં મુખ્ય ન્યાયાધીશનો હોદો સંભાળ્યો હતો, તથા અબ્બાસી ખલીફાના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ ન્યાયશાસ્ત્રમાં લખેલ ગ્રંથ 'અલ હાવી’ માટે વિશ્વ પ્રસિદ્ધ છે.

અલ મવરદી ઈ.સ. ૯૭ર માં બસરા, ઈરાકમાં જન્મ્યા હતા. ફિકહ (ઇસ્લામી ન્યાયશાસ્ત્ર)નું પ્રાથમિક શિક્ષણ પ્રસિદ્ધ ન્યાયધીશ અબૂલ વાહિદ અલ સીમરી પાસેથી મેળવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ બગદાદ જઈ શેખ અબ્દુલ હમીદ તથા શેખ અબ્દુલ્લા અલ બાકી જેવા ઉસ્તાદો પાસેથી શિક્ષણ મેળવ્યું. તેઓ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતા અને નૈતિકશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપૂણતા મેળવી લીધી હતી.

એમણે પોતાની કારકિર્દી કાઝી (ન્યાયાધીશ) તરીકે શરૂ કરી હતી. પોતાની કુશળ કાર્યશૈલીને કારણે તેઓ ખૂબ જ ઓછા સમયમાં પ્રગતિ સાધી બગદાદમાં અબ્બાસી ખલીફા અલ કાસિમ બિન અમ્રલ્લાહના દરબારમાં મુખ્ય ન્યાયધીશ તરીકે નિમાયા. ખલીફાએ બુવાહિદ અને સેલ્જુક સુલતાનો પાસે પોતાના એલચી તરીકે અલ મવરદીને મોકલ્યા, બુવાહિદે બગદાદ ઉપર કબ્જો જમાવી લીધો છતાંય અલ મવરદીને ખૂબ માનપાન આપવામાં આવતું હતું.

અલ મવરદીએ રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયોમાં મહત્વનું યોગદાન આપ્યું. આ વિષયોમાં તેમણે 'કિતાબ અલ અહકામ અલ સુલતાનીયા’, ‘કાન્ઝૂરી અલ વજારાહ’ અને ‘કિતાબ નસીહત અલ મુલ્ક' જેવા પુસ્તકોની રચના કરી. અલ મવરદીએ રાજ્યશાસ્ત્રના નિયમો રચ્યા. તેમના પુસ્તકોમાં ખલીફા, મુખ્યપ્રધાન, સાંસદ વગેરેની ફરજો તથા સરકાર અને નાગરિકો વચ્ચેની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુદ્ધ અને શાંતિ બન્ને પરિસ્થિતિઓમાં રાજ્યના કાર્યો તથા જવાબદારીઓની ચર્ચા વિચારણા કરી છે. અલ મવરદીએ ખલીફાની પસંદગી મતદારોની લાક્ષણિકતાઓ, ચરિત્રની પવિત્રતા અને બુદ્ધિની ક્ષમતા વિશેના સૂચનો લંબાણપૂર્વક ચર્ચ્યા છે. તેઓ “Doctrine of necessity’ ‘જરૂરીયાતનો સિદ્ધાંત' ના હિમાયતી હતા. તેઓ પ્રાદેશિક ગવર્નરોને અપાતી અમર્યાદ સત્તાના વિરોધી હતા. એમના પુસ્તકો 'અલ અહકામ અલ સુલતાનીયા” અને 'કાનૂન અલ વજારહ'ના ઘણી ભાષાઓમાં અનુવાદ થયાં છે.

નૈતિકશાસ્ત્રમાં માસ્ટરપીસ તરીકે ગણાતું ‘કિતાબ આદાબ અલ દુનિયા વલ દીન' નામક ગ્રંથની રચના અલ મવરદીએ કરી. કેટલાંક મુસ્લિમ રાષ્ટ્રોમાં આજે પણ આ ગ્રંથ ખૂબ લોકપ્રિય છે. અલ મવરદીએ સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું જેને પાછળથી ઇબ્ને ખલ્દૂને વિકસિત કર્યું.