મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ ઈદ્રિસી
← અબૂ મુહમ્મદ જાબિર ઈબ્ને અફલહ | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂ અબ્દુલ્લાહ અલ ઈદ્રિસી સઈદ શેખ |
ઈબ્રાહીમ ઈબ્ને કુર્રા → |
અલ ઇદ્રીસી પશ્ચિમી જગતમાં Dreses નામે ઓળખાય છે, જેઓ એક સારા ભૂગોળવેત્તા અને નકશાશાસ્ત્રી હતા. કેટલાંક વિદ્વાનો અલ ઇદ્રીસીને મધ્યયુગના મહાન ભૂગોળવેત્તા અને નકશાશાસ્ત્રી તરીકે માને છે. એમણે ઔષધીય છોડવાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. તેઓ સ્પેનના સેન્ટા સ્યુટામાં જન્મ્યા હતા.
અલ ઈદ્રીસી કોર્ડોવામાં ભણીને ૧૬ વર્ષની ઉમરથી જ બીજા ભૂગોળવેત્તાઓની જેમ ધરતીને ખુંદવા નીકળી પડ્યા અને યુરોપના કેટલાક સ્થળોએ ફરીને માહિતી એકઠી કરી. એ વખતે મુસ્લિમ ભુગોળવેત્તાઓએ પૃથ્વીની સપાટીનું ચોક્કસ માપ શોધી કાઢ્યું હતું અને સમગ્ર જગતના નકશા પણ ઉપલબ્ધ હતા. અલ ઇદ્રીસીએ આ બન્નેને પોતાના જ્ઞાન મુજબ સંયોજિત કર્યા. તેઓ પોતાના જ્ઞાનને કારણે યુરોપીય નાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કદાચ આ જ પ્રસિદ્ધિને કારણે સીસીલીના નોર્મન રાજા રોજર દ્વિતીય ઈદ્રીસીને ૧૧૪૫માં પોતાના દરબારમાં આવીને રહેવાનું આમંત્રણ આપ્યું અને વિશ્વનો અપટુડેટ નકશા બનાવવાની દરખાસ્ત મૂકી. અહીં આ વાત નોંધવી જોઈએ કે રોજર દ્વિતીયની પહેલાં સીસીલીમાં મુસ્લિમોનું શાસન હતું. આના જ થકી આ જ્ઞાન યુરોપ અને પશ્ચિમી લેટીન જગતમાં પહોંચ્યું. અલ ઇદ્રીસીએ ૪00 કિગ્રાના ચાંદીનો ગોળો બનાવી એની ઉપર ખુબજ ચીવટથી સાત ખંડો, વેપારી માર્ગો, તળાવો, નદીઓ મોટાં શહેરો, મેદાનો અને પર્વતો દર્શાવ્યા. આ ઉપરાંત તેમણે અંતર, લંબાઈ અને ઊંચાઈ પણ દર્શાવી.
અલ ઈદ્રીસીએ ‘નુઝહત અલ મુશ્તાક ફી ઇખ્તીરાક અલ આફાક' (The Delights of him who desires to journey through the climates) ભૂગોળનો વિશ્વકોષ છે જેમાં વિગતવાર નકશા, યુરોપીય દેશોની માહિતી આફ્રિકા અને એશિયાની ભૌગોલિક વિગતો ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓનું પણ વર્ણન કર્યું છે. આ પછી ઈદ્રીસીએ આનાથી પણ દળદાર વિશ્વકોષ ‘રવદુન્નાસ વ નુઝહત અલ નફસ’ (Pleasure of men and Delight of Souls) ની રચના કરી.
અલ ઇદ્રીસી ઔષધીય છોડવાઓનું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ધરાવતા હતા. આ વિશે એમણે ઘણા પુસ્તકો પણ લખ્યા. આ વિષયમાં ‘કિતાબ અલ જામી લિ સિફા અસ્તાત અલ નબાતાત' પ્રસિદ્ધ છે. એમણે આ વિષય ઉપર શક્ય એટલી બધી જ માહિતીઓનું પૃથ્થકરણ કરી પોતાના પ્રવાસો દરમિયાન સંગ્રહ કરેલી માહિતીઓ તથા મુસ્લિમ વૈજ્ઞાનિકો પાસે ઉપલબ્ધ ઔષધીઓને સંશોધન માટે રજૂ કરી. એમણે ઔષધોનાં નામ બર્બર, સીરીયા, પર્શિયન, ગ્રીક અને લેટીન ભાષાઓ સહિત બાર ભાષાઓમાં રજૂ કર્યા. ઇદ્રીસીએ પ્રાણીશાસ્ત્ર અને પ્રાણીસૃષ્ટિ વિશે પણ લખ્યું.
અલ ઈદ્રીસીના ઘણા પુસ્તકોનું લેટીન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. ભૂગોળ વિષયક એમના પૂસ્તકો સદીઓ સુધી યુરોપના વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવતાં રહ્યાં. દુઃખ અને આશ્ચર્ય તો આ વાતનું છે કે આ અનુવાદો થવા છતાં મૂળ લેખક તરીકે ઇદ્રીસીને કોઈ ક્રેડીટ આપવામાં ન આવી. આશ્ચર્યજનક રીતે યુરોપીયનો ઈદ્રીસીના ગોળા અને નકશાઓથી સદીઓ સુધી લાભ ઉઠાવતા રહ્યા. ક્રિસ્ટોફર કૉલમ્બસે જે નકશાનો ઉપયોગ કર્યો હતો એ મૂળ ઈદ્રીસીના કાર્યમાંથી લેવામાં આવ્યું હતું.
અલ ઈદ્રીસીએ ૧૧૬૬માં આ જગતમાંથી વિદાય લીધી.