મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અલી હસન ઈબ્ને હિશામ
← ઈબ્ને અલ અવ્વામ | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂ અલી હસન ઈબ્ને હિશામ સઈદ શેખ |
અબૂ મહમ્મદ અલ હમદાની → |
(જ. ૯૬પ બસરા, ઈરાક, મૃ. ૧૦૪૦ કેરો, ઈજીપ્ત)
અબૂ અલી હસન ઇબ્ને અલ હિશામ મહાન ભૌતિકશાસ્ત્રીઓમાંથી એક ગણાય છે જેમનું પ્રકાશ વિજ્ઞાન (optics) માં અનોખું યોગદાન છે. અલ હિશામ પશ્ચિમી જગતમાં છઙ્મરટ્ઠડીહ ના નામે પ્રસિદ્ધ છે. ઈ.સ. ૯૬૫માં બસરા (ઈરાક)માં જન્મ્યા અને બસરા તથા બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ પછી ઈજીપ્ત ગયા જ્યાં નાઈલ નદીના પૂરને કાબૂમાં રાખવા માટેની યોજના વિશે કામ સોપવામાં આવ્યું. આ કાર્યમાં સફળ ન થતાં ઈબ્ને હિશામ એ સમયના ખલીફા અલ હાકિમની બીકે ઘરમાં જ રહેતા હતા. અલ હકિમના મૃત્યુ પર્યંત તેમણે એવી રીતે જ સમય પસાર કર્યો. એમણે સ્પેનની યાત્રા કરી અને આ સમયગાળા દરમિયાન પોતાના વૈજ્ઞાનિક કાર્યો માટે પુષ્કળ સમય મળ્યો. પ્રકાશવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના વિકાસ જેવી બાબતોમાં અભ્યાસ કર્યો અને દરેકમાં મહત્વનું યોગદાન આપ્યું.
એમણે પ્રકાશને વિવિધ માધ્યમોમાંથી પસાર કરી અવલોકન કર્યાં અને પ્રકાશના પ્રત્યાવર્તન (refraction)ના સિદ્ધાંતો શોધી કાઢ્યા. એમણે જ સૌ પ્રથમ પ્રકાશના કિરણોમાંથી રંગો કેવી રીતે છુટા પડે છે એનો પ્રયોગ કર્યો. એમનું સૌથી મહત્વનું કાર્ય ‘કિતાબ અલ મનાઝિર' મધ્યયુગમાં લેટીન ભાષામાં અનુવાદિત થયુ હતું. આ પુસ્તકમાં તેમણે પ્રકાશ, પડછાયા. eclipses (ગ્રહણ), મેઘ ધનુષ્ય, અને પ્રકાશના ભૌતિક ગુણધર્મો જેવી બાબતોની ચર્ચા કરી છે. તેઓ સૌ પ્રથમ વિજ્ઞાની હતા જેમણે ચોકસાઈ પૂર્વક જણાવ્યું કે 'પ્રકાશના સ્ત્રોત અને બહિર્ગોળ દર્પણ હોય તો દર્પણ ઉપર નું બિંદુ કે જ્યાં પ્રકાશ પડે છે એ શોધીએ તો જોનારની આંખમાં પરાવર્તન થાય છે' આ પ્રકાશશાસ્ત્રમાં AIhazen (અલ હિશામ)નો સિદ્ધાંત ગણાય છે. ‘કિતાબ અલ મનાઝિર' પશ્ચિમના વૈજ્ઞાનિકોના કાર્ય ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો. દા.ત. રોજર બૅકન અને કેપ્લર.
અલ હિશામે 'મિઝાન અલ હિકમત'માં વાતાવરણની ઘનતાની ચર્ચા કરી છે અને વાતાવરણની ઊંચાઈ શોધવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ઈબ્ને હિશામે પ્રકાશ કિરણના પ્રત્યાવર્તન દ્વારા એ જણાવ્યું કે વાતાવરણની ઊંચાઈ કે ઊંડાઈ લગભગ ૧૫ કિમી છે. ઉષાના સંધ્યા કાળના આછા અજવાળા વિશે પણ એમણે પ્રત્યાવર્તન દ્વારા શોધી કાઢ્યું કે જ્યારે સૂર્ય ક્ષિતિજથી ૧૯૦ કે તેથી નીચેની સપાટીએ હોય ત્યારે આ પ્રત્યાવર્તન થાય છે. ઇબ્ને હિશામે પદાર્થોના આકર્ષણના સિદ્ધાંતો વિશે પણ ચર્ચા કરી છે. જેનાથી એવું લાગે છે કે તેઓ જાણતા હતા કે ગુરુત્વાકર્ષણના લીધે પ્રવેગમાં વધારો થાય છે.
ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં અલ હિશામનું પ્રદાન અમૂલ્ય છે. ગણિતમાં અંકગણિત અને બીજગણિતમાં પરસ્પર જોડાણથી વિશ્લેષણાત્મક ભૂમિતિના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. એમણે પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો અને એ જણાવનાર પ્રથમ હતા કે જ્યાં સુધી ગતિમાન પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ રોકાતું નથી કે પોતાની દિશા બદલતું નથી. આ નિયમ ન્યૂટનના ગતિશાસ્ત્રના પ્રથમ સિદ્ધાંત જેવો છે. 'અલ શુકૂક અલા બતલામ્યૂસ' (ટૉલેમી સંબંધી શંકાઓ) નામક પુસ્તકમાં અલ હિશામે ટૉલેમીના ઘણા વિચારો ઉપર તીખી પ્રતિક્રિયાઓ આપી છે. અને હિશામે ગણિતના એક કોયડા ઉપર પણ ખૂબ જ મહેનત કરી હતી એ હતું વર્તુળમાં એના માપ જેટલા ચોરસ રચવાનું. ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે પણ કોઈ સફળ થઈ શક્યું નહિ. ઈબ્ને હિશામ પણ એને ઉકેલવામાં સફળ થયા ન હતા.
અંક સિદ્ધાંત (નંબર થિયરી)માં કોયડા ઉકેલ્યા જે હવે વિલ્સનનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે.
જો p અવિભાજય હોય તો 1+(P-1)! એ p થી ભાજ્ય છે.
ઈબ્ને અલ હિશામે ર00 થી વધુ ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. જેમાંથી દુર્ભાગ્યપૂર્ણ રીતે બહુ જ ઓછા હાલમાં ઉપલબ્ધ છે. ૭ ભાગમાં રચાયેલ પ્રકાશ વિજ્ઞાનનું ગ્રંથ પણ લેટીન અનુવાદમાં જ ઉપલબ્ધ છે. અને મૂળ કૃતિ નાશ પામી છે. મધ્યયુગમાં એમના કોસ્મોલોજીના ગ્રંથો લેટીન હિબ્રૂ અને બીજી ભાષામાં અનુવાદિત થયા હતા. એમણે માનવ ઉત્ક્રાંતિ વિશે પણ ગ્રંથની રચના કરી છે જે આજે પણ એક ગંભીરપણે અધ્યયન કરનારાઓ માટે ઉપયોગને પાત્ર છે.
ઈબ્ને હિશામના લખાણોમાંથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એમણે મુસ્લિમ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત અને કાર્યાન્વિત વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિકાસ કર્યો જેનાથી ભૌતિક ઘટનાઓનાં આયોજનબદ્ધ નિરિક્ષણો અને એ સંબધિત બાબતો દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. આ પદ્ધતિસહની વૈજ્ઞાનિક કાર્યપ્રણાલીઓ વૈજ્ઞાનિક કાર્યોમાં એક નોંધપાત્ર ઘટના હતી કારણ કે એની પહેલા અનુમાન ઉપર વધુ ભાર આપવામાં આવતો હતો (જે અવૈજ્ઞાનિક પદ્ધતિ હતી). આ પદ્ધતિસરની વૈજ્ઞાનિક કાર્યપ્રણાલી એ વિજ્ઞાનનો નક્કર પાયો નાખ્યો કે જેમાં નિરિક્ષણો, અનુમાન અને ખરાઈ નો સમાવેશ થતો હતો.
ઈબ્ને અલ હિશામનો ભૌતિક વિજ્ઞાન, વિશેષતઃ પ્રકાશશાસ્ત્ર ઉપર ખૂબ જ પ્રભાવ હતો અને એને ખૂબ જ સન્માનીય દૃષ્ટિએ જોવામાં આવતું હતું. વાસ્તવમાં એમના આ અમૂલ્ય યોગદાનને લીધે પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંત અને પ્રયોગો તથા શોધ અને સંશોધનોના દ્વાર ખોલી નાખ્યા.
દૃષ્ટિ વિજ્ઞાનમાં તેમણે સૌથી મહત્વનો ગ્રંથ લખ્યો ‘કિતાબ અલ મનાઝિર' (Optical Thesauras) જેની ઊંડી અસર પશ્ચિમનાં વૈજ્ઞાનિકો ખાસ કરીને રોજર બેકન અને જ્હોન કેપ્લર ઉપર પડી હતી.
તેમણે આંખનું બંધારણ અને રચનાનો અભ્યાસ કર્યો. તેમણે બતાવ્યું કે દૃષ્ટિ, જ્ઞાનતંતુઓ મગજ આંખ સાથે જોડાઈને કેવી રીતે કાર્ય કરે છે. નેત્રાવરણ (Conjunctive Iris) પારદર્શક પટલ (cornea) અને લેન્સ પણ કેવી રીતે કાર્ય કરે છે એ દર્શાવ્યું. યુક્લિડ અને ટૉલેમીની આ માન્યતા કે આંખ જુદી જુદી વસ્તુઓ ઉપર દૃષ્ટિ તરંગો Visual rays) મોકલીને પ્રતિબંબ મેળવે છે, આવું ખંડન કરનાર ઈબ્ને હિશામ પ્રથમ વૈજ્ઞાનિક હતા. કિતાબ અલ મનાઝિર કે જે ૭ ખંડોમાં લખવામાં આવેલ છે, એમાં ઇબ્ને હિશામે પ્રતિપાદિત કર્યું છે કે આખી ઘટના આનાથી વિપરિત રીતે ઘટે છે. દૃષ્ટિમાંથી તરંગ નીકળીને વસ્તુ સાથે મળે છે અને એવું પ્રતિબિંબ આપણને દેખાય છે એવું નથી પરંતુ વસ્તુનો આકાર (form) આંખમાં પ્રવેશે છે અને લેન્સ દ્વારા પસાર થાય છે. આમ, તેમણે વધુ તર્કશુદ્ધ સિદ્ધાંત આપ્યો જે એમનાથી આગલા વૈજ્ઞાનિકો આપી શક્યા ન હતા. તેમણે આ મૂળભુત પાયો નાખ્યો હતો જેના પરિણામ સ્વરૂપે મેગ્નિફાઈગ કાચની શોધનો માર્ગ મોકળો થયો.