મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર

←  અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ બિન જુન્દુબ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર
સઈદ શેખ
અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ →



અબૂ મરવાન ઇબ્ને ઝુહર
(૧૦૯૧-૧૧૬૧) તબીબી શાસ્ત્ર

અબૂ મરવાન અબ્દુલ મલિક ઈબ્ને ઝુહર પશ્ચિમમાં Avenzoar અથવા Abumeron ના નામે ઓળખાય છે. મધ્યયુગના મહાન તબીબ અને Parasitologist હતા. કેટલાક વિજ્ઞાન ઈતિહાસકારોએ એમને અલ રાઝી (AI Bhazes) જેટલા મહાન તબીબ ગણ્યા છે.

ઈબ્ને ઝુહર ૧૦૯૧માં સેવિલે, સ્પેનમાં જન્મયા હતા. કોર્ડોવા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો. બગદાદ અને કૈરોમાં થોડા સમય રોકાયા પછી સ્પેન પાછા ફર્યા અને અલ મોરાવી શાસક અબ્દુલ મોમીનના અંગત તબીબ પ્રધાન તરીકે સેવાઓ આપી. સેવિલેમાં ૧૧૬૧માં એમનું અવસાન થયું.

એ સમયે મુસ્લિમ વૈજ્ઞાનિકો અને વિદ્વાનો એક કરતા વધારે ક્ષેત્રોમાં કામ કરતા હતા. પરંતુ ઈબ્ને ઝુહરે એક ને માત્ર એક જ ક્ષેત્ર – તબીબી ક્ષેત્રે પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું, તેથી તેઓ આ ક્ષેત્રે ચિરસ્મરણીય કાર્યો કરી શકયા. તેમણે અવલોકનો અને પ્રાયોગિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપ્યું. 'હિસ્ટ્રી ઓફ મેડીસીન'માં ડૉ. ન્યુબર્ગરે યોગ્ય જ નોધ્યું છે કે “ઇબ્ને ઝહુર (Avenzoar) માનવ શરીરની વિચ્છેદનકલામાં નિપુણતા ધરાવતા હતા અને શરીર રચના શાસ્ત્ર (Anatomy) વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેમની કાર્ય કરવાની શૈલી ઘણી જ સુંદર હતી.

એક તબીબ તરીકે ઇબ્ને ઝુહરે ઘણી નવી નવી શોધો કરી હતી. તેઓ સૌ પ્રથમ તબીબ હતા જેમણે મનુષ્યોને દવા આપતાં પહેલા પ્રાણીઓ ઉપર એના અખતરા કર્યા હતા. તેઓ જ પ્રથમ તબીબ હતા જેણે ખસ (Scabies) નો ચામડીનો રોગનો ઉલ્લેખ કર્યો હતો.

એવી જ રીતે તો વિશ્વના પ્રથમ Parasitologist (પરોપજીવી પ્રાણીઓ કે વનસ્પતિઓ વિશે અભ્યાસ કરનાર) માનવામાં આવે છે. તેમણે જ સૌ પ્રથમ શ્વાસનળી (trachetomy) ની શસ્ત્રક્રિયાનું સંપૂર્ણ વિવરણ કર્યું.

ઈબ્ને ઝુહરે તબીબી ક્ષેત્રે છ ગ્રંથો લખ્યા જેમાંથી હાલમાં બે જ ઉપલબ્ધ છે. ‘કિતાબ અલ ઈકતિસાદ' (The book of Moderation) અને પોતાના શિષ્ય અને પ્રસિદ્ધ ફિલસૂફ અને તબીબ ઇબ્ને રુશ્દના (Averros)ના કહેવાથી લખેલ કિતાબ અલ તપસીર ફીલ મુદાવાત વલ તદબીર ! (The book of Practical treatments and practitionery measures).

એમના બીજા મહત્વના ગ્રંથો હતા. 'કિતાબ અલ જામી' (On Formulery). આહાર અને ખોરાક વિશે ‘કિતાબ અલ અગદીયા, કિડનીનાં રોગો વિશે 'મકાલા ફી ઈલલ અલ દુલા' (White leprosy) અને 'રિસાલા ફી ઈલ્તત્ય અલ બરસ વ અલ બહક’

એમના કેટલાક ગ્રંથોનું લેટીન અને હિબ્રુ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું, જેની યુરોપમાં ૧૯મી સદીના અંત સુધી ઘણી માગ હતી.