મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ફારાબી

← અબૂલ અબ્બાસ અલ ફરગાની મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અલ ફારાબી
સઈદ શેખ
અબુલ બકા કમાલુદ્દીન અલ દમીરી  →


અલ ફારાબી

અબૂ નસ્ર મુહમ્મદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને તરખાન ઇબ્ને અવઝબધ અલ ફારાબી પ્રસિદ્ધ ફિલસૂફ, સંગીતજ્ઞ, કોસ્મૉલોજીસ્ટ, તર્કશાસ્ત્રી, મનોવિજ્ઞાની અને સમાજશાસ્ત્રી હતા. લેટીન ભાષામાં Alfarabius તરીકે ઓળખાતા અલ ફારાબીના માતા પિતા મૂળતો ઈરાની હતા પરંતુ તુર્કસ્તાન આવીને વસી ગયા હતા જ્યાં ઈ.સ. ૮૭૦માં વાસીજ ફરાબ નામના સ્થળે અલ ફારાબીનો જન્મ થયો હતો. ફારાબીએ પ્રાથમિક શિક્ષણ ફારાબ અને બુખારામાં પૂર્ણ કર્યું અને ઉચ્ચ શિક્ષણ બગદાદમાં મેળવ્યું. અહીં યુહાન્ના ઈબ્ને હયલાન નામક ખ્રિસ્તી પાસેથી તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અલ ફારાબીએ બગદાદમાં છ અબ્બાસી ખલીફાઓનું શાસન જોયું. એક ફિલસૂફ અને વિજ્ઞાની તરીકે અલફારાબીએ વિવિધ જ્ઞાનશાખાઓમાં પ્રવીણતાં અને દક્ષતા પ્રાપ્ત કરી અને ઘણી ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું.

ખલીફા અલ મુક્તફી (ઈ.સ. ૯૦ર - ૯૦૮) અથવા ખલીફા અલ મુક્તદીર (ઈ.સ. ૯૦૮ - ૯૩૨)ના પ્રારંભિક કાળમાં અલ ફારાબી બગદાદ છોડી કોન્સટેન્ટીનોપલમાં અભ્યાસ કરવા પહોંચ્યા. એમણે ઇબ્ને હયલાન સાથે હારાનનો પ્રવાસ પણ કર્યો. ત્યાંથી ગ્રીસ જઈ ૮ વર્ષ રહી વિજ્ઞાન અને ફિલસૂફીનો અભ્યાસ પૂર્ણ કર્યો. દમાસ્કસ (સીરીયા) અને ઈજીપ્તનો પ્રવાસ પણ કર્યો અને ત્યાંથી બગદાદ પાછા આવી સૈફુદદૌલાના હલબ (એલેપ્પો)ના દરબારમાં આવી પહોંચ્યા. એમણે ન્યાયધીશ (કાઝી) તરીકે અને પાછળથી શિક્ષક તરીકે પણ સેવાઓ આપી હતી. જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા પછી ઈ.સ. ૯૫૦માં ૮૦ વર્ષની ઉંમરે ઇસ્લામના આ મહાન ફિલસૂફનું અવસાન થયું.

વિજ્ઞાન, ફિલસૂફી, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને સંગીતમાં મહત્વનું યોગદાન આપ્યું. ફિલસૂફ તરીકે નવપ્લેટોવાદી હતા. પ્લેટોવાદ અને એરીસ્ટોટલવાદને આધ્યાત્મિકતા સાથે સાંકળવાનો એમણે પ્રયાસ કર્યો હતો. એમણે એરિસ્ટોટલના ભૌતિકશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, તર્કશાસ્ત્ર આધારિત ગ્રંથોના વિવેચનો પણ લખ્યા હતા. આ ઉપરાંત ફિલસુફીમાં એમણે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. અને આ વિચારોની અસર ઇબ્ને સીના જેવા ફિલસૂફ ઉપર એટલી બધી થઈ હતી કે કેટલાક વિદ્યાનોનું માનવું છે કે અલ ફારાબીની પ્રતિમા ઇન્ને સીનાને લીધે ઢંકાઈ ગઈ હતી જો કે અલ ફારાબી ઇબ્ન સીના કરતા વધુ મૌલિક અને ઉચ્ચ વિચારો ધરાવતા હતા. કદાચ એટલે જ અલ ફારાબી એરિસ્ટોટલ પછી 'બીજા શિક્ષક' (મોઅલ્લીમ અલ સાની) તરીકે આરબ જગતમાં ઓળખાયા. એમણે તર્કશાસ્ત્રને બે વિભાગ તખપ્યુલ (વિચાર) અને સુબુત (સાબિતી)માં વહેંચી એનું અધ્યયન સરળ કરી નાખ્યું.

સમાજશાસ્ત્રમાં 'અરા અહલૂલ મદીના અલ ફદીલાં' (આદર્શનગર) નામક ગ્રંથ પ્લેટોના 'ધી રિપબ્લિક'ની તરેહ ઉપર રચ્યો છે જો કે એમાં વિચારો સંપૂર્ણપણે મૌલિક છે. એમનું બીજું સૌથી મહત્વનું પ્રદાન છે 'કિતાબ અલ મૂસીકા અલ કબીર' આ ગ્રંથમાં સંગીતના ફિલસૂફાત્મક સિદ્ધાંતો, એના વૈશ્વિક ગુણો અને પ્રભાવોનું વર્ણન અલ ફારાબીએ કર્યું છે. એમણે નવા નવા રાગો અને વાદ્યો પણ શોધ્યા હતા. તેઓ એટલું સરસ સંગીત વગાડતા હતા કે એ ઇચ્છે ત્યારે શ્રોતાઓને પોતાના સંગીતથી હસાવી કે રડાવી શકતા હતા ! અલ ફારાબીએ સંગીત ક્ષેત્રે જ બીજા બે મહત્વના ગ્રંથો 'કલામ ફીલ મુશિકી’ અને ‘કિતાબ ફી ઈહસા અલ ઈકા'ની રચના કરી હતી જે હાલમાં ઉપલબ્ધ નથી. "એન્સાયકલોપીડીયા ઑફ ઇસ્લામ'ના સંપાદકો નોંધે છે કે (અલ ફારાબી) સાઉન્ડ અને સંગીતના ભૌતિક ફિઝીયોલોજીક સિદ્ધાંતોમાં ગ્રીકો કરતાં પણ ક્યાંક આગળ છે. તેઓ સંગીતવાદોનો ગહન અભ્યાસ કરનાર સૌ પ્રથમ સંગીતજ્ઞ હતા. આ વિશે ગ્રીકો પાસેથી આપણને કશુંય મળતું નથી.

અલ ફારાબી સારા ગણિત શાસ્ત્રી અને તબીબ હતા એના કરતા વધુ સારા સંગીતકાર હતા. તેઓ પ્રાયોગિક સંગીતકાર હતા અને કલા તથા વિજ્ઞાનની કદર જાણતા હતા. તેઓ સૈદ્ધાંતિક ચર્ચાઓને બદલે પ્રાયોગિક (ઈલ્મ અલ અમલી) સંગીત પર વધુ ભાર આપતા હતા. ગ્રીકોએ જેનો ઉલ્લેખ પણ નથી કર્યો એવા વિષય Physiological Accoustics ઉ.ત. એન્સેસન્સ ઑફ ટૉન વિશે મહત્વનો ફાળો આપ્યો. 'બુદ્ધિનો અર્થ' (Meaning of the intellect) નામક પ્રબંધમાં સંગીતના તબીબી ગુણો (મ્યુઝિક થેરાપી) વિશે પણ વર્ણન કર્યું છે. સાથે સાથે આ થેરાપીની અસર આત્મા ઉપર કેવી રીતે પડે છે એનું પણ વર્ણન કર્યું છે.

અલ ફારાબીએ વિપુલ રચનાઓ કરી હોવાનું મનાય છે. દુર્ભાગ્યે મોટાભાગના ગ્રંથો નાશ પામ્યા છે. સદભાગ્ય એ છે કે ૧૧૭ જેટલા ગ્રંથો બચી શક્યા છે. જેમાંથી ૪૩ તર્કશાસ્ત્ર વિશે. ૧૧ આધ્યાત્મશાસ્ત્ર વિશે, ૭ નીતિશાસ્ત્ર વિશે, ૭ રાજ્યશાસ્ત્ર બાબતે, ૧૭ ગ્રંથો સંગીત, તબીબીશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિશે અને ૧૧ વિવેચનો નો સમાવે થાય છે. 'ફૂસુસ અલ હિકમ' નામક ગ્રંથ ઘણા વિશ્વવિદ્યાલયોમાં ફિલસૂફીના પાઠયપુસ્તક તરીકે ઘણી સદીઓ સુધી ભણાવવામાં આવતું રહ્યું, અને હજી પણ મધ્યપૂર્વના કેટલાક વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે. 'કિતાબ અલ ઇલ્હાસા અલ ઊલૂમ'માં વિજ્ઞાનના શિષ્ટ અને મૂળભૂત સિદ્ધાંતોને અનોખા તથા ઉપયોગી અંદાજમાં રજૂ કરવામાં આવ્યાં છે. 'અરા અહલુલ મદીના અલ ફદીલા' (આદર્શનગર) એ સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાં મહત્વની રચના છે. અલકેમીમાં ‘The necessity of the art of Elixir' લખ્યું.

અલ ફારાબીના વિચારોના પ્રભાવ ઘણી સદીઓ સુધી જ્ઞાન વિજ્ઞાન ઉપર પડ્યું. અલ ફારાબીએ ફિલસૂફી અને સૂફીવાદના સમન્વયનો પ્રયાસ કર્યો હતો જેના આધારે ઇબ્ને સીના જેવા તબીબ અને ફિલસુફને માર્ગ મળ્યો.

પ્રોફેસર ફિલીપ હિત્તી લખે છે "અલ ફારાબી એક ચિકીત્સક અને ગણિતશાસ્ત્રી તથા વૈજ્ઞાનિક અને ઉત્તમ સંગીતકાર પણ હતા. વાસ્તવમાં એમને સૌથી ઉત્કૃષ્ટ સંગીત સિદ્ધાંતવિદ (music theorist) માનવામાં આવે છે. કહેવાય છે કે સૈફુદદૌલાના દરબારમાં અલ ફારાબી એવી રીતે સંગીતના સૂરો રેલાવતા કે શ્રોતાઓ હસવા લાગતા, રડવા લાગતા અને પછી બધા ઊંધી જતા-દરબાન સુદ્ધાં પણ !”

કહેવાય છે કે દુનિયાએ માત્ર ચાર મેધાવી વિભૂતિઓ (Genius) (બે ઈસ્લામ પહેલા અને બે ઇસ્લામી કાળમાં) પેદા કરી છે એ પૈકીની એક પ્રતિભા ફારાબીની છે. પ્રખર વિદ્વાન એવા ફારાબી વિશ્વની ઘણી ભાષાઓના જાણકાર હતા. નિષ્કામ અને નિઃસ્પૃહી, સાદું જીવન જીવતા અલ ફારાબી પોતાના પુસ્તકોમાં નીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના વિભિન્ન વિષયોની વિગતે છણાવટ કરી છે. ફિલસૂફોમાં અલ ફારાબી પ્રથમ ચિંતક છે જેમણે સમગ્ર જીવ સૃષ્ટિમાં માનવ શા માટે સર્વશ્રેષ્ઠ છે? કારણ કે માનવીનો એક મહાન ઉદેશ છે – અલ્લાહની પ્રસન્નતા પામવાનો. ફારાબી જ્ઞાનની વ્યાખ્યા આપતાં લખે છે ઇલ્મ (જ્ઞાન) અલ્લાહનું નૂર અને દિલની રોશની છે. (અર્થાત – જ્ઞાન દિવ્ય પ્રકાશ અને મનનું અજવાળું છે.)

આદર્શ વિદ્યાર્થીના ગુણ દર્શાવતા ફારાબી લખે છે “કોઈ વિદ્યાર્થી પરિપૂર્ણ અને પ્રતિભાસંપન્ન ત્યારે જ બની શકે છે, જ્યારે એ પોતાના મનમાં સાચો શોખ અને સાચી હોંશ ધરાવતો હોય. એ તંદુરસ્ત અને સદ્ભાવશાળી હોય. સારી ટેવવાળો અને શિષ્ટાચારી હોય, ચિંતન અને મનનની ટેવ ધરાવતો હોય, ખરો વિદ્યાર્થીએ છે કે જે ઉત્સાહી, પરિશ્રમી અને સમયપાલન કરનાર શુદ્ધ, અને સરળ અને પવિત્ર જીવન જીવનારો હોય.”

વિદ્યાર્થીઓને બોધ આપતા ફારાબી લખે છે કે વિદ્યાર્થી માટે આવશ્યક છે કે તે લાલચ, ઈર્ષા, ગુસ્સો, ચાડી જેવી બુરાઈઓથી એકદમ દૂર રહે. એમણે એવા લોકોની નજીક પણ ન જવું જોઈએ. એમણે સદ્‌ભાવી અને શિષ્ટાચારીઓની સંગતમાં બેસવું જોઈએ.

ફારાબી આગળ લખે છે :−

યાદ રાખો જે કોઈ વ્યક્તિનું જ્ઞાન એના આચરણ તથા ટેવોમાં સુધારણા ન કરી શકે અને તેને સત્યવાદી અને કર્મશીલ ન બનાવી શકે તો એનું જ્ઞાન અધૂરું અને વ્યર્થ છે. આખેરતમાં - પરલોકમાં એ ભાગ્યશાળી નહિં હોય. કોઈપણ માનવીને સંપૂર્ણ માનવતા, સારા જ્ઞાન અને સત્કર્મોથી જ પ્રાપ્ત થાય છે.

'ધ એઈજ ઓફ ફેઈથ'માં વિલડુરાં નોંધે છે કે 'અલ ફારાબીએ પોતાના અનુગામીઓને અપીલ કરી હતી કે તેઓ ઈર્ષા, સત્તા અને લડાઈ ઝઘડા ઉપર નહીં પરંતુ કારણ (reason), સ્વાર્પણ (devotion) અને પ્રેમ (love) ઉપર આધારિત સમાજની રચના કરે.'