મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ મિસરી, એહમદ ઈબ્ને યુસુફ
← અલ જુરજાની, અબૂલ ફાઝિલ ઈસ્માઈલ ઈબ્ને હુસૈન | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અલ મિસરી, એહમદ ઈબ્ને યુસુફ સઈદ શેખ |
ઈબ્ને તુફૈલ → |
એહમદ ઈબ્ને યુસુફ અલ મિસરીનો જન્મ ઈ. સ. ૮૩૫માં બગદાદમાં અને અવસાન ઇ. સ. ૯૧૨માં ઈજીપ્તના કેરોમાં થયું. એહમદના પિતા યુસુફ પણ એક સારા ગણિતશાસ્ત્રી હતા. તેઓ ઈ.સ. ૮૩૯માં બગદાદથી દમાસ્કસ અને ત્યાંથી ઈજીપ્તમાં સ્થળાંતર કરી ગયા હતા. તેથી એહમદ ઈબ્ને યુસુફ 'અલ મિસરી' તરીકે પણ ઓળખાય છે. કારણ કે ઈજીપ્તનું પ્રાચીન નામ 'મિસર' હતું.
આ યુસુફના ઘણા મિત્રો બુદ્ધિશાળી અને વિદ્વાન હતા જેનો લાભ એહમદને પણ થયો હતો. યુસુફ અલ મિસરીએ તબીબીશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં કેટલાંક ગ્રંથ અને ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી.
નવમી સદીમાં ઈજીપ્તે અબ્બાસી ખલીફાઓ પાસેથી સ્વતંત્રતા મેળવી ત્યારે તુર્કીના જનરલ બબાકે એની ઉપર કબજો કરી પોતાના સાવકા પુત્ર એહમદ ઈબ્ને તુલુનને ગાદીએ બેસાડ્યો. એહમદ ઈબ્ને તુલુને એહમદ ઈબ્ને યુસુફને પોતાના કૌટુંબિક સચિવ તરીકે નિયુક્ત કર્યો હતો જ્યાં એના કુટુંબની દેખભાળ કરવાની હતી. એની પાસે એટલો ફાજલ સમય હતો કે ગણિતનું અધ્યયન કરી શકાય. એહમદ ઇબ્ને યુસુફે ગણિતિક સંશોધનો કરી ગુણોત્તર બાબતે એક ગ્રંથ 'સરખા ચાપ' બાબતે લખ્યા અને ટોલેમીના ગ્રંથ 'centiloquin'ની ટીકાટીપ્પણી લખી. ઉપરાંત અસ્તૂરલાબની સમજૂતી આપતો પ્રબંધ પણ લખ્યો. દુર્ભાગ્યે આજે આ બધુ ઉપલબ્ધ નથી.
એહમદના ગુણોત્તર બાબતના ગ્રંથનો લેટીન અનુવાદ કેમોનાના જેરાર્ડ કર્યું હતું. આનો પ્રભાવ યુરોપના ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ ઉપર પડ્યો હતો. 'સરખા ચાપ' (on similar arcs) ના લેટીન ભાષાંતરે પણ યુરોપના ઘણા ગણિતશાસ્ત્રીઓને પ્રભાવિત કર્યા હતા. જેમાં એહમદે એ સાબિત કર્યું છે કે વર્તુળના ચાપ સમાન હોઈ પણ શકે કે ન પણ હોય.
એહમદ ઇબ્ને યુસુફને જ્યોતિષ વિદ્યાનું પણ જ્ઞાન હતું. આ વિષયમાં એણે 'કિતાબ અલ શમર'ની રચના કરી હતી. જેમાં ૧00 જ્યોતિષ શાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા વિવેચન સાથે કરવામાં આવી છે. આની પ્રેરણા પ્રસિદ્ધ જ્યોતિષી અબુ મશર અલ બલ્ખીના ગ્રંથ 'કિતાબ અલ મુઝકલ અલ કબીર'માંથી મળી હોવાનું જણાય છે. આમાં અબુ મશરે જ્યોતિષ શાસ્ત્રથી છ ફાયદા થતા હોવાનું જણાવ્યું હતું. એમાંથી એક હતું 'શમર' (ફળ). આના ઉપરથી કદાચ 'ફળ ભવિષ્ય' કે 'ફલાદેશ' જેવી બાબતો ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ઉતરી હોવાનું અનુમાન કરી શકાય અથવા તો ભારતીય જ્યોતિષ શાસ્ત્રના આધારે અબ મુશરે આ 'શમર' વિશેનો લાભ વર્ણવ્યો હોય, એ શક્યતા પણ નકારી ન શકાય.
અબુ મશર અને એહમદ ઈબ્ને યુસફના જ્યોતિષ શાસ્ત્ર અંગોના આ ગ્રંથોએ મધ્યયુગમાં ભારે પ્રસિદ્ધી મેળવી હતી.