મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ગ્યાસુદ્દીન જમશેદ અલકાશી
← કાઝીઝાદા અલરૂમી | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો ગ્યાસુદ્દીન જમશેદ અલકાશી સઈદ શેખ |
અબૂબક્ર અલ કરજી → |
ગ્યાસુદ્દીન જમશેદ મસૂદ અલકાશીનો જન્મ ઈ.સ. ૧૩૮૦માં કાશાન (ઈરાન)માં થયો હતો. તેથી તેઓ અલકાશાની તરીકે પણ ઓળખાય છે. ઈસ્લામી વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક અલકાશી એક સારા ખગોળશાસ્ત્રી પણ હતા. માત્ર ર૭ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૪૦૭માં કમાલુદ્દીન મહમૂદ નામના ઈરાની વઝીરને અર્પણ કરતું અવકાશી પદાર્થો સંબંધી પ્રબંધગ્રંથ 'સૂલ્લમ અલ સમા' (The stairway of Heaven) ના રચના કરી હતી. આમાં અવકાશી પદાર્થોનાં અંતર અને કદ શોધવા માટેની રીતોનું વર્ણ કરવામાં આવ્યું છે. ઈ.સ. ૧૪૧૦ - ૧૪૧૧માં અલકાશીએ 'મુખ્તસર દાર ઈલ્મએ હયાત (compendium of the science of Astronomy) તૈમૂરી વંશનો અને ઊલૂગ બેગનો પિતરાઈ સુલતાન ઈસકંદર માટે લખ્યું હતું. ઈ.સ. ૧૪૧૩ - ૧૪૧૪માં અલ કાશીએ 'ખાકાની જિઝ' નામક ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી જેમાં જૈહી કોષ્ટકો ૮ દશાંશ સ્થળ સુધીના મૂલ્યોમાં શોધ્યા હતા.
ઈસ. ૧૪૧૬માં અલકાશીએ 'ખગોળીય નિરિક્ષણના સાધનો વિશે પ્રબંધગ્રંથ 'રિસાલા દર શાહે આલાતે રસ્દ' ની રચના કરી હતી જે સુલતાન ઈસ્કંદરને અર્પણ કરવામાં આવ્યું હતું. આ જ વર્ષે અલ કાશીએ રેખાંશ શોધવાનું સાધન તથા 'અલ હિદાદ' નામક ખગોળીય સાધનની શોધ કરી હતી. 'નુઝહ અલ હદાઈક' (The Garden Excursion) પ્રબંધની રચના કરી તથા 'અવકાશી થાળી’ (Plate of Heavens) નામક ખગોળીય સાધનની શોધ કરી.
ઈ.સ. ૧૪૦૯માં તૈમુરલંગનો પૌત્ર અને શાહરૂખનો પુત્ર ઊલુગબેગ સત્તા ઉપર આવ્યો. એ પોતે પણ એક મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતો અને વિદ્વાનો, વૈજ્ઞાનિકો તથા ગણિતશાસ્ત્રીઓની કદર કરતો હતો. જ્ઞાન વિજ્ઞાનના પ્રચારાર્થે એણે ઈ.સ. ૧૪૧૭ - ૧૪૨૦ દરમિયાન સમરકંદમાં 'મદરસા' નામક આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક અભ્યાસ માટેની શાળાની સ્થાપના કરી. એના ચાર વર્ષ પછી ઊલૂગબેગે સમરકંદમાં જ વેધશાળાની સ્થાપના કરી અને એ સમયના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને આમંત્રણ આપ્યું. અલકાશી જેવા વિદ્વાનને એમાં આગવું સ્થાન મળ્યું. અને ટૂંક સમયમાંજ ઊલૂગબેગના વિશ્વાસુ અને આદરપાત્ર વિજ્ઞાની તરીકેનું માન મેળવી લીધું અહીં અલકાશીએ પોતાના ગણિતિક અને ખગોળીય અધ્યયનને આગળ ધપાવ્યું અને વેધશાળાની વ્યવસ્થામાં સક્રીય ભાગ ભજવ્યો. અહીં જ અલકાશીએ ખગોળશાસ્ત્રી ઊલૂગબેગ ના 'જિઝ' ખગોળીય કોષ્ટકોની પુનર્રચના અને સુધારા વધારામાં મહત્વનો ભાગ ભજવ્યો. ૧પમી સદીના ઈતિહાસકાર મીર ખ્વાંદે અલકાશીને 'દ્વિતીય ટૉલેમી' નો ખિતાબ આપ્યો હતો જ્યારે ૧૮મી સદીના ઈતિહાસકાર સૈયદ રાકીમે અલકાશીને વેધશાળાના મુખ્ય સ્થાપકોમાંના એક ગણાવી "મૌલાના એ આલમ" (our master) (વિશ્વવૈજ્ઞાનિકો)નું બિરૂદ આપ્યું હતું.
અલ કાશીએ દિવસનો સમય જાણવા માટે સંયોજક રકાબીઓની શોધ કરી હતી. અલકાશીએ ત્રિકોણમિતિમાં Treatise on the chord and sine નામક પ્રબંધમાં જૈહી નું મૂલ્ય ખૂબ જ ચોક્સાઈ પૂર્વક શોધ્યું હતું. જૈહી નું મુલ્ય જાણવા અલકાશીએ sin3𝜙 = 3sin𝜙 – 4sin3𝜙 સુત્ર પ્રસ્થાપિ કર્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે આ સૂત્રના શોધક તરીકે ૧૬મી સદીના ગણિતશાસ્ત્રી ફ્રાન્કોઇસ વીટને બતાવવામાં આવે છે !
અલ કાશીએ 𝜋 નું મૂલ્ય ૧૬ દશાંશસ્થળ સુધી ચોકસાઈપૂર્વક શોધ્યું હતું. આની પહેલાં ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિમીડીઝે 𝜋 નું મૂલ્ય ૩ દશાંશસ્થળ સુધી, ચાઈનીઝ ગણિતશાસ્ત્રી ઝુ ઝોંગઝી એ ૭ દશાંશસ્થળ સુધી અને ભારતીય ગણિતશાસ્ત્રી માધવે ૧૧ દશાંશસ્થળ સુધી શોધ્યું હતું. અલ કાશીનું ૧૬ દશાંશસ્થળવાળું મૂલ્ય ૨૦૦ વર્ષ પછી લુડોલ્ફ વાન સ્યુલોને ૨૦ દશાંશસ્થળવાળું મૂલ્ય શોધ્યું ત્યાં સુધી પ્રચલિત રહ્યું હતું !
આજે જ્યારે કેલ્ક્યુલેટર અને કોમ્પયુટર છે ત્યારે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ કે ગમે તેટલું મૂળ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. પરંતુ અલ કાશીએ આવા કોઈ યાંત્રિક સાધનની મદદ વિના લગભગ ૬૦૦ વર્ષ પહેલાં ૪૪ર૪૦ ૮૯૯૫૦૬૧૭૬નું પાંચમું વર્ગમૂળ શોધી કાઢ્યું હતું. ! જવાબ : ૫૩૬
આવા મેધાવી ગણિતશાસ્ત્રી અલ કાશીએ ગણિતશાસ્ત્રમાં મહાન ગ્રંથના રચના કરી હતી 'મિતાહ અલ હિસાબ' (The key to Arithmetic). ૧૪૨૭માં રચવામાં આવેલ ગણિતનું આ મહાગ્રંથ વિશ્વકોષ સમાન ગણાય છે. જે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, ખગોળશાસ્ત્રીઓ, જમીન સર્વેક્ષકો, સ્થપતિઓ, કારકૂનો અને વેપારીઓને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યું છે. આના વિષયવસ્તુની રસાળતા તથા પ્રશ્નોના ઉકેલની અંકગણિતીય તથા બીજગણિતીય પદ્ધતિઓ, ભૌમિતિક પ્રશ્નો તથા સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટીકરણ જેવી વિશેષતાઓને લીધે આ દળદાર ગ્રંથ મધ્યયુગીન સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે: જે એના કર્તાની વિદ્વતા અને પાંડીતીય ક્ષમતાઓનો પુરાવો આપે છે. આ ગ્રંથ ઘણા વર્ષો સુધી અભ્યાસક્રમમાં પણ ભણાવવામાં આવતું રહ્યું અને આની સંક્ષિપ્ત આવૃત્તિઓ પણ પ્રકાશિત થતી રહી. ગ્રંથનું શીર્ષક જ સૂચવે છે કે અંકગણિત દરેક પ્રશ્ન કે કોયડાના ઉકેલની 'ચાવી' છે જેને ગણતરી માટે ટૂંકાવી શકાય છે. અલકાશી અંકગણિતની વ્યાખ્યા આપતા જણાવે છે 'ગણિતિક અજ્ઞાતોને જ્ઞાત સંખ્યાઓની મદદથી શોધવાની પદ્ધતિના વિજ્ઞાનને અંકગણિત કહેવામાં આવે છે.'
અલ કાશીએ ‘મિફતાહ અલ હિસાબ' અને 'ખાકાની જિઝ' પોતાના આશ્રયદાતા ઊલૂગબેગને અર્પણ કર્યાં છે. અલકાશીએ પોતાના પિતાને એક પત્રમાં સમરકંદનું વૈજ્ઞાનિક જીવન, વેધશાળા અને ઊલૂગબેગની વૈજ્ઞાનિક તથા ગણિતશાસ્ત્રી તરીકે ભરપૂર પ્રશંસા કરતા વર્ણનો લખ્યાં છે. ઊલૂગ બેગના દરબારના ૬૦ વિજ્ઞાનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉલૂગબેગ વિજ્ઞાનીઓ સાથે ચર્ચા વિચારણા અને ગોષ્ઠીઓ કરતો અને ઘણા પ્રશ્નોના ઉકેલ સૂચવતો. સામે પક્ષે ઊલૂગબેગ પણ અલકાશીને ખૂબ માનથી જોતો. પોતાના પ્રબંધ ‘જિઝ'માં ઊલૂગબેગે અલ કાશી માટે આ શબ્દોમાં વર્ણન કર્યું છે. "અદ્વિતીય વિજ્ઞાની, વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાનીઓમાંથી એક કે જેણે પ્રાચીન વિદ્યાઓ ઉપર સંપૂર્ણ કાબૂ હતો, જેણે વિજ્ઞાનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું અને જે ઘણા જટીલ પ્રશ્નોને સરળતાથી ઉકેલે છે." ત્રિકોણમિતિમાં અલકાશીના યોગદાન બદલ ફ્રેંચ ભાષામાં cosine નિયમને 'થિયરમ ડી અલ કાશી' તરીકે ઓળખી અલકાશીને માન આપવામાં આવ્યું છે. આ મહાન ગણિતશાસ્ત્રીનું ઈ.સ. ૧૪૨૯માં સમરકંદ (ઉઝબેકિસ્તાન)માં અવસાન થયું.