મનડું મૂર્તિમાં વળગી રહ્યું

મનડું મૂર્તિમાં વળગી રહ્યું
પ્રેમાનંદ સ્વામી



મનડું મૂર્તિમાં વળગી રહ્યું

મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે,
ચિંતવન કરવા ચિત્ત આતૂર;
તરુણ મનોહર મૂર્તિ નાથની રે,
રાજીવ લોચન જોબનપૂર... મનડું ૧

સોળે ચિહ્ન સહિત અતિ શોભતી રે,
સુંદર ચરણકમળની જોડ;
હળવી રહીને હેતે ચાંપતી રે,
ક્યારે હવે પૂરશે મનના કોડ... મનડું ૨

પિંડી જાનુ નિત્ય નીરખતી રે,
રૂડા સાથળ ચિહ્ન સહીત;
શ્યામ કટિ જોઈ જાદવરાયની રે,
નિત નિત નૌતમ ઉપજે પ્રીત... મનડું ૩

ઊંડી નાભિ કમળ સરીખડી રે,
ત્રિવળી નીરખી ઉદરમાંય;
છાતી ઉપડતી અતિ ઓપતી રે,
હવે ક્યારે ભુજ ગ્રહી બાથ ભરાય... મનડું ૪

મુખની શોભા જોઈ મહારાજની રે,
લાજે પંકજ પૂરણચંદ;
નાસા નેણ ભ્રુહ જોઈ ભાલને રે,
જાય બલિહારી પ્રેમાનંદ... મનડું ૫