મનને મનામણી
કેશવલાલ ભટ્ટ



મનને મનામણી

રે મન માન કહ્યું તું મારૂં, રે મન૦ એ ટેક.

મીથ્યા ધામ ધરાધન જોબન, શું કરે મારૂં મારૂં;
સાથ સબંધી સખાવત કોના, આ તન પણ પડનારૂં. રે મન૦ ૧

જન્મ મરણનું કાળ વગાડે, પ્રતિદિન પ્રગટ નગારું;
નરભવ રત્ન સમજી લે શાણા, ભવસાગરનું બારૂં. રે મન૦ ૨

વીકટ વીષયના પંથ વિષે તું, પરભવમાં પ્રબારૂં;
વિનય વિવેક વષે સમજી લે, શું નરસું શું સારૂં. રે મન૦ ૩

શમદમ સાધન શ્રેષ્ઠ સમજી લે, ઉત્તમપદ દેનારૂં;
કેશવ કહે પ્રભુપદ પંકજને, પ્રાણ થકી કર પ્યારૂં. રે મન૦ ૪