મન તુંહી તુંહી બોલે રે
મન તુંહી તુંહી બોલે રે ધીરો |
પદ ૧૫ રાગ એજ.
મન તુંહી તુંહી બોલે રે, આ સપના જેવું મન તારું;
અચાનક ઊડી જાશે રે, જેમ દેવતામાં દારૂ. મન. ટેક.
ઝાકળજળ પળમાં વળી જાશે, જેમ કાગળ ને પાણી;
કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાશે ધૂળધાણી;
પાછળથી પસ્તાશે રે, મિથ્યા કરી મારું મારું. મન. ૧
કાચનો કૂંપો કાયા તમારી, વણસતાં ન લાગે વાર;
જીવ કાયાને સગાઈ કેટલી, મૂકીચાલે વનમોઝાર;
ફોગટ ફૂલ્યા ફરવું રે, ઓચિંતું થાશે અંધારું. મન. ૨
જાયું તો તે તો સર્વ જાવાનું, ઊગરવાનો ઉધારો;
દેવ, ગાંધર્વ, રાક્ષસ, ને માણસ, સઉને મરણનો મારો;
આશાનો મહેલ ઊંચો રે, નીચું આ કાચું કારભારું. મન. ૩
ચંચળ ચિત્તમાં ચેતીને ચાલો, ઝાલો હરિનું નામ;
પરમારથ જે હાથે તે સાથે કરી રહેવાનો વિશ્રામ;
ધીરા ધરાધરથી રે, નથી કોઈ રહેનારું. મન. ૪