મહાન સાધ્વીઓ/સાધ્વી મેરી કાર્પેન્ટર

← સાધ્વી ગેયાઁ મહાન સાધ્વીઓ
સાધ્વી મેરી કાર્પેન્ટર
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી કૉબ →




साध्वी मेरी कार्पेन्टर

જે જનહિતૈષી, બુદ્ધિમાન સાધ્વી આ પૃથ્વીમાં આવીને તેને ધન્ય અને ઉન્નત કરી ગઈ છે; જે શ્રેષ્ઠ સાધ્વીએ પરોપકાર માટે પાતાનુ બલિદાન આપ્યું હતું, જેણે ન્યાતજાત, ધર્મ કે દેશના ભેદ રાખ્યા વગર જનસમાજનું કલ્યાણ કરવામાં ત્યાગનું ઉત્તમ દષ્ટાંત બતાવ્યું હતું, જેણે લાંબા વખતથી અજ્ઞાનરૂપી અંધકારમાં ઢંકાયલી ભારતલલનાનાં દુઃખ અને દુર્દશાની વાત સાંભળીને અશ્રુપૂણુ નેત્રે ભારતવર્ષમાં પધારીને સ્ત્રીકેળવણીનો પ્રચાર કરવા સારૂ પુષ્કળ પ્રયત્ન કર્યો હતો; તે પ્રાતઃમરણીય પૂજ્ય સાધ્વીનું ચરિત્ર ઘણુજ ઉપદેશપ્રદ છે. એ પુણ્યવતી સાધ્વીના કર્મમય જીવનની ઘટનાઓ કઠોર પરિશ્રમ અને અલૌકિક સહિષ્ણુતાથી અવર્ણનીય છે. એ પુણ્યચરિત્રા, સંન્યાસિની, મહાન સાધ્વીનું નામ “મેરી કાર્પેન્ટર’ હતું.

૧-જન્મ અને બાલ્યાવસ્થાનું શિક્ષણ

મેરી કાર્પેન્ટરનો જન્મ ઇ. સ. ૧૮૦૭ ની ત્રીજી એપ્રિલે ઈંગ્લેંડના એકસીટર નગરમાં થયેા હતો. તેમના પિતાનું નામ ડોકટર લેન્ટ કાર્પેન્ટર હતું. એ એકસીટર નગરમાં પાદરીનું કામ કરતા હતા. મેરી કાર્પેન્ટરની માતા પણ અતિશય ધર્મશીલા નારી હતાં. માતપિતા પાસેથી મેરીએ ધાર્મિકતાના ગુણ મેળવ્યા હતા. અસાધારણ સ્મરણશક્તિ અને પ્રખર બુદ્ધિ હોવાથી બાલ્યાવસ્થામાં શિક્ષણ મેળવતાં તેમને ઘણી મહેનત પડી નહિ. તેમનો અભ્યાસ બચપણમાંજ બહુ ઝડપથી વધવા લાગ્યો. પાછલા જીવનની કાર્ય કુશળતા અને જગતના હિતમાં સામિલ થવાની આકાંક્ષાના અંકુર ઘણી બાલ્યાવસ્થામાંથીજ એમનામાં જોવામાં આવ્યા હતા. બે વર્ષની ઉંમરે જ્યારે એ પિતાની સાથે હવા ખાવા બહાર જતાં ત્યારે ખેતરમાં કામ કરનારા ખેડુતોને મહેનત કરતા જે તે બાળકની તોતલી ભાષામાં બોલતાં કે, “મારે લોકોના કામે લાગવું છે. મારે એમને ખપનાં થઈ પડવું છે.” જ્યાં સુધી તેમના પિતા તેમને કાંઇ કામ સોંપતા નહિ ત્યાંસુધી તેમને જંપ વળતો નહિ. ત્રણજ વર્ષની વયથી તેમના હૃદયમાં ધર્માભાવ અને પિતાની પરોપકારવૃત્તિ જાગી ઉઠયાં હતાં. બાર વર્ષની વયે મેરી કાર્પેન્ટર તેમના પિતાએ સ્થાપેલી રવિવારની નિશાળમાં શિક્ષણ આપવા લાગ્યાં હતાં અને કુમળાં બાળકના હૃદય ઉપર ઘણી આશ્ચર્યકારક અસર ઉત્પન્ન કરી હતી. એક તરફથી એવી રીતે પિતાના કાર્યમાં મદદ કરવાનો આરંભ કર્યો હતો અને બીજી તરફથી પેાતે નિશાળમાં જઈને લેટિન અને ગ્રીક ભાષા તથા ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાન, તેમજ પ્રાણીવિદ્યા આદિના અભ્યાસ કરવા માંડયો હતો. ભૂવિદ્યા અને વિજ્ઞાનનાં સામાન્ય તત્વોનું જ્ઞાન એમણે એ વચેજ પ્રાપ્ત કર્યું હતું. તેમના સહાધ્યાયી મહાત્મા માર્ટિનો કહે છે કે “મેં કુમારી કાર્પેન્ટરને સૌથી પહેલાં જયારે જોયાં ત્યારે તેમની ઉંમર બાર વર્ષની હતી. એ અલ્પવયમાં જ તેમનું ગાંભીર્ય અને ધીરજ જોઈને હું આશ્ચર્યચકિત થયેા હતો તેમને જોઈને મને એમ લાગતું કે, હું કેટલો બધો હીન છું ! અને તેમની સાથે વાર્તાલાપ કરતો ત્યારે જણાઈ રહેતું કે, મારું જ્ઞાન કેટલું બધું થોડું છે.”

ઈ. સ. ૧૮૧૭ માં તેમના પિતા એકસીટર છોડીને બ્રિસ્ટલ નગરમાં આવી વસ્યા. બાલ્યાવસ્થાની ક્રીડાભૂમિ છોડતાં તેમનું તરુણ હૃદય ઘણું ઘવાયું હતું, પરંતુ આ બ્રિસ્ટલ નગરમાં તેમના ભાવી જીવનનાં મહાન કાર્યોનો સૂત્રપાત થયો.

ઈ. સ. ૧૮૨૭ માં કેટલીક બાલિકાઓને ભણાવવાનું કાર્ય માથે લઈને એ વ્હાઈટ દ્વીપમાં ગયાં; અને ત્યાંથી દેશવિદેશના પ્રવાસે નીકળી પડયાં. મુસાફરી કરીને સ્વદેશમાં પાછાં આવ્યા પછી તેમના પિતાએ સ્થાપેલા વિદ્યાલયમાં શિક્ષણ આપવાનું કામ આરંભ્યું. એ કાર્યમાં તેમનાં માતુશ્રી તથા બહેન મદદ આપવા લાગ્યાં. પહેલાં તેમના પિતા એ વિદ્યાલયના મુખ્ય શિક્ષક હતા; પણ મેરીએ એ કામ ઉપાડી લીધા પછી તેમણે શિક્ષકનું કામ છોડી દીધું અને સંપૂર્ણ રૂપે ધર્મપ્રચારના કાર્યમાં જોડાયા. ત્યારપછી ઈ. સ. ૧૮૩૧ માં મેરી કાર્પેન્ટરે રવિવારની નિશાળના સુપરિન્ટેન્ડન્ટનું પદ સ્વીકાર્યું. એ સમયમાં પોતાના વિદ્યાર્થીઓના ચાલચલણની તપાસ રાખવાના ઈરાદાથી એ એમને ઘેર પણ જતાં. એમ કર્યાથી દેશનાં દુરિદ્ર અને અજ્ઞાની બાળકોની દુર્દશાનું તેમને સારી પેઠે ભાન થયું. ઈશ્વરે જે મહાન કાર્ય કરવાને તેમને આ જગતમાં મોકલ્યાં હતાં તે કાર્ય કરવાની ઈચ્છા આ સમયથીજ તેમના મનમાં ઉત્પન્ન થઇ. પાપ, તાપ અને દારિદ્ર્યથી પીડાતા સ્વદેશવાસીઓનાં દુઃખ દૂર કરવાનો તેમણે સંકલ્પ કર્યો. અજ્ઞાનરૂપી અંધકારથી છવાયલી તેમની શોચનીય અવસ્થા જોઈને તેમનું હૃદય ગળગળું થઈ ગયું. તેમણે વિચાર્યું કે, ઈશ્વરે મને આ મનુષ્યજીવન આપ્યું છે તે આ દીનદરિદ્રોનાં દુઃખ નીવારવા માટેજ આપ્યું છે. તેમણે એ શુભ કાર્ય માટે બળ આપવાને ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને પરમાર્થને ખાતર આત્મવિસર્જન કરવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી; પરંતુ પારકાંઓની ખાતર સ્વાર્થ ત્યાગ કેવી રીતે કેરવો, કયા ઉપાયો યોજવા, કયાં કામો કરવાથી એ ઉદ્દેશ સિદ્ધ થઈ શકશે ? એ સંબંધી તેમને કાંઈ સમજણ પડી નહિ; છતાં પણ સંકલ્પ છોડી નહિ દેતાં ‘ઈશ્વરજ મને માર્ગ દર્શાવશે’ એ વિશ્વાસ ઉપર આધાર રાખીને યોગ્ય પ્રસંગની એ વાટ જોવા લાગ્યાં. મેરી કાર્પેન્ટરના ચરિત્રમાં એ એક મુખ્ય ગુણ હતો કે, જે વિચાર અથવા કાર્યને એક વાર એ મહાન ગણતાં તથા સત્યતરીકે સ્વીકારતાં તેને સેંકડો વિઘ્નો અને વિપત્તિ આવી પડવા છતાં પણ છોડી દેતાં નહિ. સ્વાર્થ ત્યાગનો જે ભાવ એમના હૃદયમાં ઉત્પન્ન થયો હતો તેને સબળ કરવા સારૂ એ સમયમાં તેમણે મહાન પુરુષોનાં જીવનચરિત્રના અભ્યાસ કરવા માંડ્યો. ઈશ્વરે તેમની પ્રાર્થના આશ્ચર્યકારક રીતે પૂર્ણ કરી અને ભવિષ્યના જીવન માટે કાર્યક્રમ બતાવી દીધો.

૨ – રાજા રામમોહન રાય અને ડૉક્ટર ટકરમેન

क्षणमिह् सज्जनसंगतिरेका भवति भवार्णवरतणे नौका ॥

ઉપર લખેલું મહાપુરુષનું વચન મેરી કાર્પેન્ટરના જીવનમાં સંપૂર્ણરૂપે ફળિભૂત થયું છે. એ પરમાર્થને સારૂ પોતાને અર્પણ કરવા તૈયાર થયાં હતાં ખરાં, પણ કયો માર્ગ ગ્રહણ કરવાથી શ્રેય થશે તે હજી પણ નક્કી કરી શક્યાં નહોતાં. શું કરવું અને શું નહિ તેનાજ ચિંતનમાં એ દિવસો ગાળવા લાગ્યાં.

બીજે વર્ષે ઈ. સ. ૧૮૩૩ માં પ્રાતઃસ્મરણીય મહાત્મા રામમોહન રાય અને અમેરિકાના જનહિતૈષી ડૉક્ટર ટકરમેનનું ઇંગ્લાંડમાં પધારવું થયું. એ બે મહાપુરુષના સંસર્ગમાં આવવાથી મેરી કાર્પેન્ટરની કાર્યશક્તિ વિકાસ પામી. એ બે મહાત્માઓએ એ તેમના જીવનની ગતિને બે તરફ ફેરવી દીધી. રાજા રામમોહન રાયે ભારતવર્ષ તરફ તેમના ચિત્તનું આકર્ષણ કર્યું અને ડૉક્ટર ટકરમેને અસહાય, દરિદ્ર અને અજ્ઞાન બાલકબાલિકાઓની સેવા કરવા તરફ તેમને ઘણાંજ ઉત્સાહિત કર્યાં. અત્યાર સુધીમાં પ્રાપ્ત કરેલા શિક્ષણ, ધર્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રને લીધે આટલી નાની વયમાંથીજ એ આ અને કાર્યને માટે તૈયાર થઈ ચૂક્યાં હતાં. અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલા ભારતવર્ષની એ સમયની શોચનીચ અવસ્થામાં રાજા રામમોહન રાયે સત્યની ખાતર કેવાં કેવાં કષ્ટ સહન કર્યાં હતાં અને સર્વ પ્રકારના કુસંસ્કાર અને વિઘ્નોને તોડી નાખીને કેવી રીતે ઇંગ્લઁડ પધાર્યા હતા એ બધાનો વિચાર કરતાં મેરી કાર્પેન્ટરનું હૃદય તેમની તરફ ઘણી ઉંડી શ્રદ્ધાપૂર્વક નમ્યું. રાજા રામમોહન રાયના ધર્મવિશ્વાસ અને અપૂર્વ સ્વાર્થ ત્યાગે મેરી કાર્પેન્ટરના હૃદયમાં ભારતનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગ્રત કરી દીધી. ત્યારપછી ત્રીસ વર્ષે એ ભારતવર્ષમાં પધારવાને સમર્થ થયાં હતાં. રાજાના મૃત્યુ પછી મેરી કાર્પેન્ટરે રાજા સંબંધી ઘણી ઉંડી લાગણીવાળી એક કવિતા રચી હતી. રાજાનો નશ્વર દેહ જ્યારે સ્ટેપલટનના સમાધિમંદિરમાં દાટવામાં આવ્યો ત્યારે ડૉક્ટર કાર્પેન્ટરે પોતાની પુત્રીની રચેલી એ કવિતા વાંચી સંભળાવી હતી.

xxxx

રામમોહન રાય પૃથ્વીના બુદ્ધિમાન પુરુષોમાં ભારતના અસાધારણ પુરુષ હતા. ભારતવર્ષ જે સમયે ઘણી ખરાબ અવસ્થામાં હતો તે સમયે તેઓ બંગાળામાં જન્મ્યા હતા. ધર્મનીતિ, સમાજતત્ત્વ, રાજનીતિ કે બીજો કોઈ ઉપયોગી વિષય એવો ન હતો કે જેમાં સુધારો કરવા માટે તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોય. એમના જેવી સર્વતોમુખી પ્રતિભા થોડાઓમાંજ હોય છે. એવા લોકમાન્ય મહાપુરુષના ગુણોથી આકર્ષાવું એ કુમારી મેરી કાર્પેન્ટર જેવાં કોમળ હૃદયનાં પરોપકારી નારીને માટે સ્વાભાવિક હતું. મેરી કાર્પેન્ટરે રાજાની પાસેથી ઘણો ઉપદેશ લીધો હતો. “મનુષ્યજાતિના કલ્યાણનાં કાર્ય કરવાં, એજ પરમેશ્વરની ખરેખરી ઉપાસના છે” એ મહામંત્ર તેમણે રાજાના ચરિત્રમાંથી વિશેષરૂપે મેળવ્યો હતો તથા રાજાના ચરિત્રને આદર્શરૂપ માનીને તેમણે પોતાના જીવનને કર્મસમુદ્રમાં ઝોકાવ્યું હતું. રાજા ઉપરની પોતાની આંતરિક શ્રદ્ધા અને પ્રગાઢ ભક્તિ બતાવવા સારૂ તેમણે રામમોહન રાયનું એક જીવનવૃત્તાંત લખ્યું હતું. મેરી કાર્પેન્ટરે રચેલું એ જીવનચરિત્ર ન છપાયું હોત તો રાજા રામમોહન રાય સંબંધી ઘણી જાણવા યોગ્ય બાબતોથી આપણે અજાણ્યા રહ્યા હોત.

૩ – ડૉક્ટર ટકરમેન

ડૉક્ટર ટકરમેન ઇંગ્લઁડમાં પધાર્યા ત્યારે ડૉક્ટર કાર્પેન્ટેરને ઘેર અતિથિ થયા હતા. મેરી કાર્પેન્ટર એક દિવસ ડૉક્ટર ટકરમેનની સાથે કોઈ દરિદ્ર ગામડામાં જઇને રહ્યાં હતાં. તેવામાં તેમણે એક અતિ દરિદ્ર બાળકને નગ્નાવસ્થામાં તેમની આગળથી દોડી જતો જોયો. ડૉક્ટર ટકરમેન બોલ્યા “આ બાળકની પાછળ જઇને તેના ઘરની તપાસ કરવી જોઈએ.” એ વખતે તેમના એ ઉપદેશનો કાંઈ અમલ થઈ શક્યો નહિ, પરંતુ એ વાક્ય મેરી કાર્પેન્ટરના હૃદયમાં ઉંડું ખુંપી ગયું અને ત્યારથી જીવનના એક ઘણા મોટા કર્તવ્ય ઉપર ધ્યાન આપવામાં નથી આવતું, એ ચિંતા તેમને પીડવા લાગી. એ ચિંતાને લીધે તેમના પ્રાણમાં નવી આકાંક્ષા અને નવી પ્રતિજ્ઞા ઉત્પન્ન થઈ. એ બનાવ બન્યા પછી ૩૬ વર્ષે પણ એ ઘટનાને પોતાના જીવનના એક શુભ મુહૂર્ત તરીકે ગણીને તેઓ સંભારતાં; ત્યારપછી ઇ. સ. ૧૮૩પ માં ડૉક્ટર ટકરમેનના ઉપદેશાનુસાર ગરીબ માણસોનાં ઘરની તપાસ કરવા સારૂ ‘વર્કિંગ એન્ડ વિઝિટિંગ સોસાઇટી’ નામની એક સભા સ્થાપવામાં આવી. એ સભાના સભાસદો કેટલાક જીલ્લાઓ નક્કી કરીને તેમાં રહેનારા દરિદ્ર લેાકોની નૈતિક અને આર્થિક અને અવસ્થાની તપાસ કરવા લાગ્યા. મેરી કાર્પેન્ટર એ સભાનાં સેકેટરી – મંત્રી બન્યાં. વીસ વર્ષ કરતાં વધારે સમયસુધી તેમણે એના સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. જ્યારે દરેક સભાસદે પાતપેાતાને માટે અમુક મહોલ્લાઓ નક્કી કરી લીધા, ત્યારે મેરી કાર્પેન્ટરે સૌથી વધારે કંગાળ અને અધમ સ્થાનની તપાસ કરવાનો ભાર પેાતાને માથે લીધો. એ કાર્યને અંગે તેમને નીચલા વર્ગની બધી અવસ્થા સંપૂર્ણરૂપે જણાઇ રહી. એ મનુષ્યોની તિરસ્કારયોગ્ય દશા જોઈને કેટલીક વખત તેમના મનમાં ઘૃણા અને વિરક્તિ ઉત્પન્ન થતાં. કેટલીક વાર તેમના કામમાં અડચણ આવી પડતી; પરંતુ એ બધા ઉપર વિજય મેળવીને કર્તવ્યમાર્ગમાં સ્થિર રહ્યાં. લગભગ દોઢ વર્ષ પછી તેમના કાર્યનું સારું ફળ જણાઈ આવ્યું. તેમના પરિશ્રમનું થોડું ઘણું સાર્થક થયું. એ સમયમાં એમના પ્રયાસથી કેટલાક મનુષ્યો ખરાબ ચાલચલણ અને દારૂ પીવાની ટેવ છોડી દઈને ઈશ્વરપરાયણ બન્યા હતા અને કેટલાંક બાલક-બાલિકાઓ પા૫પંથમાંથી નીકળીને નીતિમાન થયાં હતાં. એ કાર્ય ઉપરાંત તેમણે એક દૈનિક નિશાળ અને એક રવિવારની નિશાળની સ્થાપના કરી હતી.

૪ – આત્મશિક્ષણ

આગલાં પ્રકરણોમાં જનસેવા અને પરોપકારનાં જે કાર્યો વર્ણવવામાં આવ્યાં છે તે કાર્યો મેરી કાર્પેન્ટરનું પોતાનું જ્ઞાન વધારવાના માર્ગમાં વિઘ્નરૂપ થઇ પડ્યાં નહિ એ સર્વ કાર્ય કરવા ઉપરાંત કાવ્ય, ચિત્રકલા, ભૂવિદ્યા, શરીરવિદ્યા વગેરે વિષયોનો ધ્યાન દઇને એ અભ્યાસ કરતાં અને ‘ફિલોસોફિકલ ઇન્સ્ટીટ્યુશન’ અર્થાત્ દાર્શનિક વિદ્યાલયમાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરતાં. જે જે સ્થળોમાં પાતે મુસાફરી કરતાં તે તે સ્થાનોની જમીનને લગતા નમુનાઓ એકઠા કરતાં, ભૂસ્તરવિદ્યાના મોટા મોટા પંડિતોનાં ભાષણો સાંભળતાં અને એમને પોતાને ઘેર નિમંત્રણ આપીને ભૂતત્ત્વવિદ્યા સંબંધી વાતચીત કરતાં તથા પોતે એકઠા કરેલા નમુના બતાવતાં, નવું જ્ઞાન મેળવતાં તથા પ્રાપ્ત કરેલા જ્ઞાનની બીજાઓ સાથે વાતચીત કરતાં એમને ઘણો આનંદ થતો. કાવ્ય ઉપર પણ તેમને શોખ હતો. પરંતુ જે કાવ્ય અને સાહિત્યમાં તેમના સ્વભાવમાં રહેલ ધર્મ અને ઉચ્ચતમ નૈતિક આદર્શને હલકા ગણવામાં આવ્યા હોય તે કાવ્ય અને સાહિત્યને એ ઘણીજ ઘૃણાપૂર્વક જોતાં અને પુષ્કળ તિરસ્કાર દર્શાવતાં. કવિઓમાં કેવળ વર્ડસ્વર્થને એ આદર્શ કવિ માનતાં; પોતાને વર્ડાસ્વર્થનાં પ્રશંસક અને બંઘુતરીકે ઓળખાવતાં. તેમણે બે વખત બે મોટા વિષયો ઉપર કાવ્યરચના કરી હતી. બાલ્યાવસ્થાથી જ જ્ઞાન સંપાદન કરીને પ્રસિદ્ધિ મેળવવાની તેમના જીવનની એક ઉચ્ચ આકાંક્ષા હતી. એ સમયમાં એ વિષય ઉપર તેઓ પોતાની રોજનિશીમાં લખી ગયાં છે કે “જે બધા વિષયોથી મારો આત્મા તૃપ્ત થાય છે, તે તે બધા વિષયો સંબંધી કાંઈ ને કાંઈ લખીને સ્થાયી રૂપમાં આ પૃથ્વીમાં રાખી જવાની મારી ઇચ્છા છે. કોઈ કોઈ વખત તો મને એવી ઈચ્છા થાય છે કે, જાણે હું એવું કાંઈ મૂકતી જાઉં કે જેથી મૃત્યુ પછી હું ચિરસ્મરણીય ગણાઉં અને ભવિષ્યની પ્રજા મને યાદ કરે. પરંતુ મારી એ છેલ્લી ઈચ્છા મારા ગજા ઉપરાંતની હોય એમ લાગે છે.” મેરી કાર્પેન્ટરની એ મહાન ઈચ્છા સંપૂર્ણરૂપે ફલીભૂત થઈ છે, એ પોતાની પાછળ એવું કંઈક મૂકતાં ગયાં છે કે જે માનવહૃદય ઉપર ઘણા લાંબા સમયસુધી કોતરાઈ રહેશે કાવ્યશાસ્ત્ર ઉપરાંત ચિત્રવિદ્યામાં પણ એમણે પારદર્શિતા પ્રાપ્ત કરી હતી. કુદરત ઉપરના ઉંડા પ્રેમ તેમનાં ચિત્રોમાં જણાઈ આવે છે. એ ઘણું ખરું કુદરતને લગતાંજ ચિત્ર દોરતાં હતાં. હોશિયાર શિક્ષકની પાસે શિક્ષણ મેળવ્યાથી ચિત્રવિદ્યાનું પણ તેમને સારું જ્ઞાન મળ્યું હતું. તેમણે પોતાને હાથે ચીતરેલું એક ચિત્ર મહાત્મા થિયોડર પાર્કરને ભેટ આપ્યું હતું. થિયોર્ડર પાર્કર એ ચિત્રને પોતાના વાંચનગૃહમાં મૂકી રાખતા.

મેરી કાર્પેન્ટરની નૈતિક અને ધાર્મિક દૃષ્ટિ ઘણી પ્રબળ હતી. સાહિત્ય, કાવ્ય કે ચિત્રવિદ્યાને પણ તેઓ એજ દૃષ્ટિથી જોતાં; અને પ્રત્યેક વિષયના ગુણ દોષનો વિચાર એજ આદર્શ દ્વારા કરતાં; એટલુંજ નહિ પણ ચિત્રકારનું ચારિત્ર જોઈને ચિત્રના સૌંદર્યનો વિચાર કરતાં. તેઓના ધાર્મિક અને નૈતિક આદર્શ એટલો બધો ઉંચો ન હોત અને ચારિત્ર્ય એવું તેજસ્વી ન હોત તો શું મેરી કાર્પેન્ટર પોતાના જીવનમાં અનેક વિપત્તિપૂર્ણ કાર્યો સિદ્ધ કરવા સમર્થ થઈ શકત ?

પ – પિતૃવિયોગ

ઇ. સ. ૧૮૩૯ માં મેરી કાર્પેન્ટર ઉપર દારુણ દુઃખ આવી પડ્યું. ઘણો પરિશ્રમ કરવાથી તેમના પિતાની તબિયત લથડવા માંડી. ડૉક્ટરની સલાહ મુજબ શરીર સુધારવા સારૂ તેમને મુસાફરીએ નીકળવું પડ્યું. એ પ્રવાસમાં લેગહોર્નથી માર્સેલ્સ જતાં પાણીમાં પડી જવાથી એમનું મૃત્યુ થયું. આ અકસ્માત્ આવી પડેલી વિપત્તિના સમાચાર સાંભળતાં વાર મેરી કાર્પેન્ટર અને તેમનાં ભાઈબહેનને સૌથી પહેલી ચિંતા એ થઈ કે, કોઈ પણ પ્રકારે માતાના મનને ધીરજ આપવી. તેઓ સર્વે માતાને શાંતિ આપવા સારૂ યત્ન કરવા લાગ્યાં. મેરી કાર્પેન્ટર પિતાના કાર્યોમાં સહાયક હતાં અને તેમની સલાહ અને ઉપદેશ પ્રમાણે પ્રત્યેક કાર્ય કરતાં હતાં; તેથી પિતાની ખોટ તેમને માટે અસહ્ય થઈ પડી હતી. પરંતુ ઇશ્વરના મંગલ સ્વરૂપ ઉપર આધાર રાખીને તથા તેની કરુણા ઉપર વિશ્વાસ રાખીને મેરી કાર્પેન્ટર અને તેમનાં માતુશ્રી આ દારુણ શોક સહન કરવાને સમર્થ થયાં હતાં. મેરીનો વિશ્વાસ હતો કે, તેમના પિતા આ દુનિયા છોડીને એક ઉન્નત દુનિયામાં ગયા છે અને એજ ઉન્નત દુનિયામાં છે. પિતાના મૃત્યુ પછી એક વર્ષ બાદ પોતાની માનસિક અવસ્થા વિષે મેરી કાર્પેન્ટર તેમની જ નિશીમાં નીચે પ્રમાણે લખી ગયાં છે :–

“આ પૃથ્વીમાં હું જેમને સૌથી વધારે ચાહતી હતી, તેમને ગુમાવવાથી જો કે મને શોક થાય છે, તો પણ અંદર શાંતિ છે. આ વર્ષ અમારે માટે ઘણું પ્રિય અને પવિત્ર બનજો; કેમકે આ વર્ષમાં મારા પ્રિયતમ પિતા પાર્થિવ દુઃખ, શોક અને પરિશ્રમાંથી છૂટીને ચિરશાંતિમય ધામમાં સીધાવ્યા છે.”

૬ – કર્મક્ષેત્રનો વિસ્તાર

ડૉક્ટર ટકરમેનનું મૃત્યુ

પિતાના મૃત્યુ પછી એક અઠવાડિયા બાદ તેમના ભક્તિભાજન મિત્ર ડૉક્ટર ટકરમેને પરલોકવાસ કર્યો. ડૉક્ટ૨ ટકરમેનનું ઉન્નત ચારિત્ર અને જીવનનો ઉચ્ચ આદેશ મેરી કાર્પેન્ટર કદી વિસરી શક્યાં નહિ. તેમના પાછલા જીવનમાં જ્યારે તેમને હાથે એક પછી એક પરોપકારી કાર્ય સધાતાં હતાં, ત્યારે ડોક્ટર ટકરમેને પોતાનામાં જે મહાન ભાવ પ્રેર્યો હતો તેનોજ વિકાસ થયો છે, એમ કહીને તેમને ધન્યવાદ આપતાં હતાં.

મ્યુઝિયમનું દાન

પોતાના રવિવારના વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં જ્ઞાનાનુરાગ જાગ્રત કરવા સારૂ મેરી કાર્પેન્ટરે ભૂસ્તરવિદ્યા અને બીજા વિષયોને લગતી સામગ્રીઓનું પોતાનું એક નાનું સરખું મ્યુઝિયમ અથવા સંગ્રહસ્થાન તેમને દાન કર્યું. શરૂઆતમાં ખરાબ ચાલચલણનાં મનુષ્યોવાળા ગામમાં અને ઘરમાં જતી વખતે તેમના હૃદયમાં કોઈ કોઈ વખત ઘૃણા અને વિરક્તિ ઉપજતી; પરંતુ તેમની સાથે રહીને કેટલાંક વર્ષ કામ કર્યા પછી જનસમાજના નીચલા વર્ગ તરફ તેમને દયા ઉપજી અને તેમની સેવા કરતાં તેમને પુષ્કળ આનંદ થવા લાગ્યો. એ વખતે એ હતભાગીઓ ઉપર તેમનો એટલો બધો પ્રેમ હતો કે, કેટલીએ માતાઓ મૃત્યુશય્યામાં પડી પડી પોતાના સંતાનને તેમના હાથમાં નિઃશંક ચિત્તે સાંપી જતી હતી. તેમની પાસેથી સંપૂર્ણ સહાનુભૂતિ મળશે એવી આશાથી પાપી મનુષ્યો પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમની પાસે જતાં. મેરી કાર્પેન્ટર એવા પશ્ચાત્તાપથી બળતાં પાપીઓને સન્માર્ગમાં પાછાં આવતાં જોઇને ઘણો આનંદ પામતાં અને ઈશ્વરને ધન્યવાદ આપતાં.

મહાત્મા જોન પાઉન્ડસની શિક્ષણપદ્ધતિ

મેરી કાર્પેન્ટર જે સમયમાં આ પ્રમાણે હલકા વર્ગના લોકોના ઉદ્ધારનું કાર્ય કરી રહ્યાં હતાં તેવામાં ઈ. સ. ૧૮૪૩ માં લૉર્ડ યાસલિએ હલકા વર્ગના લાકોમાં શિક્ષણના પ્રચાર કરવા સંબંધી એક અરજી પાર્લામેન્ટમાં રજુ કરી, પરંતુ ઘણા સભાસદો એ પ્રસ્તાવની વિરુદ્ધ પડ્યાથી એ કાયદો પસાર થઈ શક્યો નહિ. કાયદાની મદદથી હાલને માટે એ કાર્ય સધાવાનો કોઈ સંભવ નથી એમ ધારીને જનહિતેષી માણસો પોતપોતાના નગરમાં હલકા વર્ગના લોકોમાં શિક્ષણ ફેલાવવાનો પોતાથી બનતો પ્રયત્ન કરવા લાગ્યા. ઇ. સ. ૧૮૩૯ માં એ પ્રખ્યાત પરોપકારી મહાત્મા જૉન પાઉન્ડસનું મૃત્યુ થયું. રસ્તામાં રખડતાં તોફાની, દુરાચારી બાળકોને એ મહાત્મા પોતાને ઘેર લઈ જઈને કેવી રીતે શાંત કરતા તથા ધર્મનીતિનું શિક્ષણ આપતા એ જોઇને ઘણાઓનું ધ્યાન એ માર્ગ તરફ ખેંચાયું હતું. એ મહાત્માને પગલે ચાલીને એ લોકોએ પણ એક દરિદ્ર વિદ્યાલય સ્થાપવાનો યત્ન કર્યો.

મફત નિશાળની સ્થાપના

મેરી કાર્પેન્ટરે જોયું કે, દરિદ્રવિદ્યાલય સ્થાપવું એ પોતાના જીવનના ઉદ્દેશ સિદ્ધ કરવાના સુંદર ઉપાય છે. ઇ. સ. ૧૮૪૬ માં નિરાધાર ગરીબ બાલકબાલિકાઓને સારૂ તેમણે એક દરિદ્રવિદ્યાલયની સ્થાપના કરી. પ્રારંભમાં તો એ તોફાની અને દુર્ગુણી બાલકબાલિકાઓને શાંત અને કહ્યાગરાં કરવામાં તેમને ઘણી મહેનત પડી. એક દિવસ થોડાક વખત ભણ્યા પછી વિદ્યાર્થીઓમાંથી એક છોકરો બોલી ઉઠ્યો “ચાલો હવે આપણે યુદ્ધ કરવા જઈએ.” આ શબ્દો નીકળતાંજ લગભગ વીસ બાળકો મારામારી કરવા મંડી પડ્યાં. થોડી વાર પછી બધાં શાંત થયાં ખરાં, પરંતુ આવા બનાવ નિશાળમાં ઘણી વાર બન્યા કરતા. ઇંગ્લઁડજેવા ઠંડા દેશમાં એ બાળકોમાં કોઈની પાસે મોજાં, જોડા કે ગરમ કપડાં નહોતાં. ઘણાંને તો રહેવાને ઘર પણ નહોતું. એ લોકો બીજાઓનાં ઘરની સીડીમાં કે નદીના કિનારા ઉપરના વિસામામાં રાતને સમયે જઈને સૂઈ જતાં અને દિવસને વખતે ચોરી વગેરે દુરાચાર કરીને જીવનનિર્વાહ કરતાં. મેરી કાર્પેન્ટરે આ નિશાળમાં મુખ્યત્વે કરીને ધર્મ અને નીતિનું શિક્ષણ આપવા માંડ્યું. તેમનામાં જ્ઞાનનો શંખ વધારવા સારૂ કોઈ કોઈ દિવસ તેમને પૃથ્વીનો નકશો અથવા ગોળા બતાવતાં; કોઇ દિવસ ઇતિહાસમાંથી વાત કહેતાં અને કોઈ દિવસ કોઇ પ્રખ્યાત કવિના કાવ્યની વાત સંભળાવી તેમનાં ચંચળ મનને શાંત કરતાં તો કોઈ વખત ભૂસ્તર વિદ્યાના ચમત્કાર બતાવીને તેમના મનમાં પૃથ્વી કેવી આશ્ચર્યકારક કુશળતાથી બનાવવામાં આવી છે તેના વિચાર ઉપન્ન કરતાં. બાલકબાલિકાઓને એ કેવી રીતે શિક્ષણ આપતાંતે તેમની રોજનિશીમાંના નીચેના ઉતારા ઉપરથી સમજી શકાશે.

“પૃથ્વીમાં ઋતુઓ કેવી રીતે અને શાથી બદલાય છે તે બાળકોને બતાવ્યું અને સમજાવ્યું, તેથી તેમને ઘણોજ આનંદ થયો.”

“આ વર્ગના છોકરાઓએ કદી નકશા દીઠા નહોતા. નકશો સમજતાં એમને ઘણી વાર લાગી. એક વિદ્યાર્થી નકશામાં બ્રિસ્ટલ અને બાથ નગર જોઈને અત્યંત આનંદિત થયો; હું હંમેશાં પહેલાં જાણીતાં સ્થાન બતાવીને પછીથી અજાણ્યાં સ્થાન બતાવું છું.”

“ગચે અઠવાડિયે મેં વિદ્યાર્થીઓને કેટલાંક x[૧]ફર્ન દેખાડ્યાં હતાં. તેમનું સૌંદર્ય એ લોકો સમજી શક્યાં હતાં, પણ એ શી વસ્તુ છે તે કહી શક્યાં નહિ. કોઈ કહેવા લાગ્યું કે એ તાડનું વૃક્ષ છે. મેં તેમને ફર્ન સંબંધી જે કાંઈ કહ્યું તે તેમણે ઘણી ઉત્સુકતાપૂર્વક સાંભળ્યું.”

“મૅકબેથની વાત તેમને કહી સંભળાવી. ઘણી સારી રીતે હું સમજી શકી કે, એ વાત તેમના મન ઉપર ઠસી ગઈ. એ લોકો શેક્સપિયરનું નામ જાણતાં હતાં. કોઇ હોટલની ઉપર તેમણે તેની પથ્થરની મૂતિ જોઈ હતી.”

પેાતાનાં વિદ્યાર્થીઓની માનસિક અવસ્થાની ધીમે ધીમે થતી જતી ઉન્નતિની આ પ્રમાણે તે દેખરેખ રાખતાં અને તેમની સલાહ પ્રમાણે ચાલીને કોઇ વિદ્યાર્થી સત્કાર્ય કરતા અથવા તેમનો ઉપદેશ મનમાં રાખતો, તો એ તેને યત્નપૂર્વક સંભાર્યા કરતાં. એક દિવસ તેમણે પોતાના એક અંધમિત્રને વાયુનિષ્કાશન યંત્રપ્રણાલિ વિદ્યાર્થીઓને સમજાવવા સારૂ બોલાવ્યા હતા. એ દિવસે ભાષણ સાંભળવા સારૂ ૩૦૦ બાલકબાલિકાઓ હાજર હતાં. એ દિવસની વક્તૃતા સંબંધે મેરી કાર્પેન્ટર લખે છે કે :– “એક વર્ષ પહેલાં હું કલ્પના પણ કરી નહોતી શકતી કે વિદ્યાર્થીઓ આટલી ધીરજથી ભાષણ સાંભળશે અને જ્ઞાન મેળવવા માટે આટલો આનંદ પ્રગટ કરશે.” મુખ્યત્વે કરીને ધાર્મિક શિક્ષણ દ્વારાજ મેરી કાર્પેન્ટર એ તોફાની છોકરાંઓને ઠેકાણે લાવ્યાં હતાં. રવિવારને દિવસે બે વાર અને આડે દહાડે એક વાર તેમને જાતે ધર્મનું શિક્ષણ આપતાં. એ બધાં ગરીબ બાલકબાલિકાઓનાં પ્રેમ અને શ્રદ્ધાથી તેમનું જીવન ઘણું મધુરું બન્યું હતું.

મફત શાળા સારૂ મકાન ખરીદવું

તેમના પ્રયત્નથી દરિદ્ર વિદ્યાલયની ધીમે ધીમે ઉન્નતિ થવા લાગી અને છાત્ર – છાત્રાઓની સંખ્યા પણ વધવા માંડી. ઇ. સ. ૧૮૫૦ માં તેમણે એ નિશાળને સારૂ એક મકાન ખરીદ કર્યું. બાલ્યાવસ્થામાં આમોદપ્રમોદની કેટલી આવશ્યકતા છે અને બાલકબાલિકાઓને સારૂ જે નિર્દોષ રમતગમતની સગવડ ન હોય તો એ લોકો કેવે ખરાબ રસ્તે ચઢી જાય છે, તે મેરી કાર્પેન્ટર સારી પેઠે સમજતાં હતાં. એનું નિવારણ કરવા સારૂ તેમણે નિશાળના મકાનની પાસેની કેટલીક જમીન ખરીદી લઈને તેને ક્રીડાભૂમિ બનાવી. એને લીધે બાલકબાલિકાઓ એ રસ્તામાં જઇને રઝળવાનું તથા ખરાબ માર્ગે ચઢવાનું બંધ કર્યું. ત્યારપછી થોડા દિવસ બાદ એ મકાનને લગતાં બીજા કેટલાંક ઘર ખરીદી લઈને ઘરબાર વગરનાં અને અનાથ બાલકબાલિકાઓ માટે તેમણે એક આશ્રમની સ્થાપના કરી. અનેક પ્રકારની અડચણો વેઠીને તથા એ બધાં તોફાની અને નીતિહીન બાલકબાલિકાઓનાં અન્યાયી કાર્યો અને અત્યાચાર સહન કરીને એ નિશાળ જ્યારે એક વર્ષ સુધી ટકી ત્યારે તેની આશ્ચયકારક ઉન્નતિ જોઈને બધાં અવાક થઈ ગયાં. લોકો પૂછવા લાગ્યાં કે, જે છોકરાંને જોઈને લોકો બ્હીતાં હતાં તે છોકરાંઓ કયા મંત્રબળથી આ પ્રમાણે સહ્ય, શાંત અને સારા સ્વભાવનાં થઇ ગયાં ? મેરી કાર્પેન્ટરના આ દરિદ્રવિદ્યાલયની પ્રશંસા દેશવિદેશમાં પ્રસરી ગઇ.

રાત્રિશાળાની સ્થાપના

દરિદ્ર વિદ્યાલયની આ પ્રમાણે ધીમે ધીમે ઉન્નતિ થતી જોઇને મેરી કાર્પેન્ટરના હૃદયમાં એક બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ. ગરીબ ખેડુતો અને મજુરોને ભણાવવા સારૂ તથા તેમના જીવનને વિશેષ નીતિમાન બનાવવા સારૂ કોઈ પ્રયત્ન કરવાનો તેમણે સંકલ્પ કર્યો. એ ઉદ્દેશથી આ દરિદ્ર વિદ્યાલયની સાથે સાથે તેમણે એક રાત્રિશાળાઓની પણ સ્થાપના કરી. એ નિશાળમાં નીચલા વર્ગનાં સેંકડો તરુણ વયનાં સ્ત્રીપુરુષો દાખલ થયાં. એ બધાં તરુણ સ્ત્રીપુરુષોની ચાલચલણ એટલી બધી ખરાબ હતી તથા એમના સ્વભાવ એવા બગડેલા હતા, કે તેમને જોઈને મેરી કાર્પેન્ટરનું હૃદય પણ કંપી ઉઠતું. પરંતુ તેમના ઉન્નત ચારિત્રનો પ્રભાવ એવો હતો કે એ દુરાચારીઓના હૃદય ઉપર પણ તેમણે ધીમે ધીમે વિજય મેળવ્યેા. એ બધાં પાપી નરનારીઓએ પાછળથી સુધરી જતાં મેરી કાર્પેન્ટર આગળ પોતાનો આભાર પ્રગટ કરતી વખતે જે વૃત્તાંત લખી મોકલ્યાં છે તે વાંચ્યાંથી શરીર રોમાંચિત થઈ જાય છે.

બાળક ગુન્હેગારોને સુધારવાની શાળા

મેરી કાર્પેન્ટરે દરિદ્રવિદ્યાલયનાં બાલકબાલિકાઓ સાથે કામ કરતાં કરતાં જોયું કે અનેક બાળકો આ વિદ્યાલયમાં દાખલ થતી વખતે ચોરી કરવાની ટેવવાળાં હોય છે. એ વખતમાં નાની ઉંમરનાં બાલકબાલિકાઓને પણ ચોરીના અપરાધની સજાતરીકે પુખ્ત વયનાં કેદીઓની સાથે એકજ કેદખાનામાં રહેવું પડતું. અપરાધીઆને સજા કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હોવો જોઈએ કે એથી અપરાધીની ચાલચલણ સુધરી જાય. પરંતુ વારે ઘડીએ સજા ભોગવ્યાથી તથા વારંવાર કારાગારમાં વાસ કર્યાથી તેમનું ચરિત્ર વધારે બગડ્યું હતું. વધારે ખરાબ તો એ હતું કે, પુખ્તવયના અને અલ્પવયના કેદીઓને કારાગૃહમાં એકસાથે રહેવું પડવાથી એ નાની વયનાં બાળકોની ચાલચલગત સુધરતી નહિ; એટલું જ નહિ પણ ઉત્તરોત્તર બગડતી હતી. એનું પરિણામ કેવું વિષમય આવે છે એ મેરી કાર્પેન્ટર સારી પેઠે સમજી શક્યાં હતાં. મેરી કાર્પેન્ટર એમનામાંના કેટલાકને સન્માર્ગમાં લાવવાને સમર્થ થયાં હતાં, તોપણ એ લોકોના અનુભવ ઉપરથી એમની ખાત્રી થઈ હતી કે, દરિદ્ર-વિદ્યાલય મારફતે એ પ્રકારનાં બાલકબાલિકાની ચાલચલગત સુધરશે નહિ. એમને સુધારીને માણસના ઢંગમાં લાવવાં હોય તો એમને માટે એક સ્વતંત્ર વિદ્યાલયની જરૂર છે. દર સાંજના અનુભવથી એમનો એ સંકલ્પ વધારે દૃઢ બનતો ગયો. એમણે એ વિષય સંબંધી જ્ઞાન ધરાવનારા કેટલાક માણસો સાથે એ બાબત પત્રવ્યવહાર ચલાવ્યો, અને નાની વયના અપરાધીઓનું વર્ણન એકઠું કરીનેતે વિષય ચર્ચાવાનો આરંભ કર્યો.

કેટલાક મહિના સુધી એ વિષય સંબંધી ચર્ચા કર્યા બાદ નાની વયનાં અપરાધીઓ સારૂ સ્વતંત્ર વિદ્યાલય સ્થાપવાની અત્યંત આવશ્યકતા છે એવું પ્રતિપાદન કરનારું એક પુસ્તક મેરી કાર્પેન્ટરે લખ્યું. જનસમાજના કલ્યાણને સારૂ ત્રણ પ્રકારનાં વિદ્યાલયની આવશ્યકતા છે, તે બતાવવાનો આ પુસ્તકમાં યત્ન કરવામાં આવ્યો હતો. પહેલી આવશ્યકતા મફત શિક્ષણ આપનાર વિદ્યાલયોની છે; બીજી જરૂર હુન્નરકલા શીખવનાર વિદ્યાલયની છે અને ત્રીજી આવશ્યકતા અલ્પ વયનાં અપરાધીઓને માટે કેદખાનાને બદલે એક સુધારક કારાગાર અથવા વિદ્યાલયની છે. ઘણી સચોટ દલીલો અને ખરા બનેલા દાખલાઓથી તેમણે એ પુસ્તકમાં સુધારક – વિદ્યાલયની આવશ્યકતા સાબીત કરી આપી છે. એ વિદ્યાલયને સારૂ શા શા ઉપાય લેવા પડશે અને કેવા કેવા નિયમો ઘડવા પડશે, તે પણ તેમણે એ પુસ્તકમાં બતાવ્યું. વિલાયતના લોકોએ પહેલાં એ વિષય સંબધી કદી પણ વિચાર કર્યો ન હતો; પરંતુ મેરી કાર્પેન્ટરની એકાગ્રતા અને એકનિષ્ઠાને લીધે તેમને એ વિષય ઉપર ધ્યાન આપવાની ફરજ પડી. તેમના યત્નથી એ સબંધી સભા બોલાવવામાં આવી અને એ સભાઓમાં અલ્પ વયનાં અપરાધીઓને લગતો તેમનો અનુભવ અને તેમના ઉદ્ધારના ઉપાયસંબંધી વર્ણન કરવામાં આવ્યું. પાર્લામેન્ટમાં પણ એ સંબંધી દરખાસ્ત રજુ કરવામાં આવી. પરંતુ કાયદાની મદદથી એ જરૂરના વિષયમાં જલદી સફળતા મળવાનો કોઈ સંભવ જણાયો નહિ.

સુધારક વિદ્યાલયની સ્થાપના

મેરી કાર્પેન્ટર જે કાર્યને સારું ગણતાં તે કાર્યને સહજમાં છોડી દેતાં નહિ. સુધારક વિદ્યાલય સ્થાપવાની દરખાસ્ત પાર્લામેંટની મહાસભામાં મંજુર ના થઈ તેથી તેમણે પોતાનો સંકલ્પ છોડી દીધો નહિ; બલ્કે એમનો સંકલ્પ વધારે દૃઢ બન્યો અને એ બધાં બાલકબાલિકાઓ સ્વતંત્રપણે કોઈ નીતિપરાયણ વ્યક્તિની દેખરેખ નીચે રહીને વિદ્યાભ્યાસ કરે, ધર્મનું શિક્ષણ મેળવે તથા હુન્નરઉદ્યોગ શીખે એટલા સારૂ તેમણે જાતે એક સુધારક વિદ્યાલયની સ્થાપના કરી. તેમના આ મહાન ઉદ્દેશની જ્યારે દેશવાસીઓને ખબર પડી ત્યારે ચારે તરફથી તેમની મદદને સારૂ નાણાં આવવા માંડ્યાં. તેમના એક મિત્રે એ વિદ્યાલય સારૂ મેજ, ખુરસી વગેરે ભેટ મોકલ્યાં. ઈ. સ. ૧૮પર ની ૧૧ મી સપ્ટેમ્બરે એ વિદ્યાલયની સ્થાપના થઇ. એ દિવસ સંબંધી મેરી કાર્પેન્ટર લખે છે :– “આજ મારું મન આશા અને ભયથી પૂર્ણ છે, હું એ કાર્ય યોગ્ય રીતે ચલાવી શકું તેને માટે મારી પાસે પ્રાર્થના સિવાય બીજો કાંઈ પણ આધાર નથી.” દરિદ્ર વિદ્યાલયમાં શિક્ષણ આપી આવ્યા પછી જે સમય બચતો તે સમય્ મેરી કાર્પેન્ટર આ સુધારક વિદ્યાલયમાં ગાળતાં હતાં. આટલા દિવસ તેમના મનમાં એ વિદ્યાલયને માટે જે એક પ્રકારની ચિંતા અને અધીરાઈ હતી તે હવે દૂર થઈ અને હૃદય શાંત થયું. દરિદ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓને જે પ્રેમદ્વારા સત્પથે આણ્યા હતા, તેજ પ્રેમ તેમણે સુધારક–વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રતિ દર્શાવ્યો. તેમનો દૃઢ વિશ્વાસ હતો કે, કઠોર નિર્દય વ્યવહાર કરવાથી માનવ હૃદય, માનવચરિત્ર કદી પણ સુધારી શકાતું નથી. પરંતુ પ્રેમ અને કોમળ વ્યવહાર એજ માનવચરિત્રને સુધારવાનો એકમાત્ર ઉપાય છે. એ પ્રેમદ્વારાજ એમણે એ અસભ્ય, અદમ્ય અને કઠિન હૃદયનાં બાળકોને સંપૂર્ણરૂપે સુધારીને સારે રસ્તે આણ્યાં હતાં. એક માસ પૂરો થતાં ન થતાંમાં તો જોવામાં આવ્યું કે, એ વિદ્યાલય દ્વારા પુષ્કળ કલ્યાણ સધાયું છે. મેરી કાર્પેન્ટર લખે છે કે :–“એક નાનો બાળક જેને પરાણે કેદ કરી રાખવામાં આવ્યો હતો તેને જ્યારે મારી આગળ લાવવામાં આવ્યો, ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકીને રોતાં રોતાં તેણે પોતાનાં બધાં દુઃખની કહાણી મને કહી દીધી. મેં આદરપૂર્વક તેને કેટલાંક ચુંબન કર્યાં એટલે તેનું બધું દુઃખ દૂર થઈ ગયું. હું સારી પેઠે સમજી ગઈ કે, હું તેને ચાહું છું એ તે સારી પેઠે સમજે છે. તેનો પ્રેમ પ્રાપ્ત કર્યાથી મેં ઈશ્વરનો ઘણો ઉપકાર માન્યો.” આ પ્રમાણે ક્ષુદ્ર પાપીઓને મેરી કાર્પેન્ટર પુણ્યવાન કરવા લાગ્યાં. ટાઢ કે વરસાદની પરવા નહિ કરતાં એ દરરોજ બ્રિસ્ટલ નગરના દરિદ્ર વિદ્યાલયથી કિંગ્સ વ્યૂહમાં આવેલા આ સુધારક્ વિદ્યાલય સુધી પગે ચાલીને જતાં.

દરિદ્રવિદ્યાલય અને સુધારક વિદ્યાલયને કોઈ પણ પ્રકારે સરકારનું અનુમોદન અને મદદ મળે તેને સારુ મેરી કાર્પેન્ટર અત્યંત પરિશ્રમ કરવા લાગ્યાં. પોતાની સન્મુખ મોટું અનિષ્ટ થઈ રહ્યું છે, ઈશ્વરનાં સંતાનોની ઉન્નતિ કરવાનો કેાઈ ઉપાય થતો નથી, છતાં પણ તેને રોકવાને કાંઇ પણ યત્ન નહિ કરતાં આળસુ થઈને બેસી રહેવું એ તો મેરી કાર્પેન્ટરના સ્વભાવમાંજ નહોતું.એ બંને વિદ્યાલયો સારૂ તેમણે સરકાર આગળ કેટલીક અરજીઓ મોકલી હતી, પાર્લામેન્ટના સભાસદો સાથે મુલાકાત કરીને તેની જરૂર કેટલી બધી વાર સમજાવી હતી, તેને સારૂ કેટલી સભાઓ એકઠી કરી હતી – એ બધાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે આશ્ચર્ય પામી જઈએ છીએ. પરોપકારનાં આ બધાં કાર્ય કરવાને લીધે તેમના ઘરના કામકાજમાં કોઈ જાતની ત્રુટિ આવતી નહિ.

પાર્લામેન્ટનું અનુમોદન

ઈ. સ. ૧૮૫૪ માં તેમના પરિશ્રમનું ફળ મળ્યું. સુધારક વિદ્યાલયને પાર્લામેન્ટનું અનુમોદન મળ્યું. પહેલાાં એ વિદ્યાલયમાં અપરાધીઓને રાખવા બદલ તેમને સરકાર તરફથી કોઇ પ્રકારની મદદ મળતી નહોતી. એ લોકો વિદ્યાલયમાંથી નાસી જતા અથવા તો કોઇ પ્રકારનું અન્યાયી કામ કરતા તો ન્યાયાધીશ કે પોલિસને વિદ્યાલયને મદદ કરવાનો અધિકાર નહોતો. મેરી કાર્પેન્ટર કેવળ માત્ર કેટલાક શિક્ષકો અને મહેતીજીઓની મદદથી એ બધાં તેાફાની અપરાધીઓને ઘણા સ્નેહપૂર્વક કાબુમાં રાખતાં. એ વર્ષમાં તેમણે “રેડ લૉજ” નામના મકાનમાં બાલિકાઓ માટે એક જૂદું વિદ્યાલય સ્થાપ્યું. એ સમયમાં એ રવિવારનું વિદ્યાલય, દરિદ્રવિદ્યાલય અને કિંગ્સ વ્યૂમાં આવેલા સુધારક-વિદ્યાલયમાં નિયમિત સમયે હાજર રહેતાં અને તેમનો વહિવટ ચલાવતાં. છોકરીઓને માટે ઉઘાડેલી આ નવી સુધારક-શાળાએ તેમનું સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું. ઘણો વધારે પરિશ્રમ કરવાથી તેમનું શરીર એ સમયમાં લથડી પડયું, પરંતુ સાજા થતાંવારજ પાછાં એ બધાં કામ કરવાનો આરંભ કર્યો. તેમના મંદવાડમાં એ બધી નિશાળોના વિદ્યાર્થીઓ તેમને માટે એટલા બધા વ્યાકુળ થઈ ગયા હતા કે, એવી નાજુક હાલત માં રખે મેરી કાર્પેન્ટરને પેાતાની કોઈ વર્તણુકથી મનોવેદના થાય, એ ભયથી એ લોકો કદી કોઈ પ્રકારનું અન્યાયી આચરણ કરતા નહિ. પાછળથી મેરી કાર્પેન્ટરે એજ મકાનમાં વાસ કરવા માંડયો.

બ્રહ્મવાદિની કુમારી કૉબ

આયર્લેન્ડવાસી સુપ્રસિદ્ધ કુમારી કૉબ બ્રહ્મવાદિની હતાં. એકેશ્વરવાદીઓના ધર્મગ્રંથ વાંચ્યાથી ખ્રિસ્તીધર્મ ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો હતો. એ વખતે એમણે પોતાના પિતા મિસ્ટર ચાર્લ્સ કૉબને પેાતાના ધર્મ પરિવર્તનની વાત કરી ત્યારે તેમના પિતા એટલા બધા ગુસ્સે થઈ ગયા કે, તેમણે કુમારી કૉબને ઘરમાંથી કાઢી મૂક્યાં. બ્રહ્મવાદિની કુમારી કૉબનો આ પ્રમાણે પિતાદ્વારા પરિત્યાગ થયો, ત્યારે મેરી કાર્પેન્ટરે તેમને આદરપૂર્વક આમંત્રણ આપીને પોતાના ઘરમાં રાખ્યાં. મેરી કાર્પેન્ટરના સંસર્ગમાં આવવાથી પોતાનું જીવન સફળ થયું છે એમ કુમારી કૉબ માનતાં હતાં. મેરી કાર્પેન્ટરના મહાન ચારિત્ર અને પરમાર્થવૃત્તિથી ઉત્સાહિત થઈને તેમણે પણ દેશનો ઉપકાર કરવા સારૂ પોતાનું જીવન સમર્પણ કર્યું. ગરીબોની ઉન્નતિ કરવી, અત્યાચારીઓના હાથમાંથી તેમની સ્ત્રીઓનો છૂટકારો કરવો; માંદાં, જીર્ણ, નિરાધાર ગરીબોને મદદ કરવા સારૂ સભા સ્થાપવી; પશુઓને ઘાતકીપણે મારી નાખવાનો રિવાજ કાઢી નખાવવો, વગેરે અનેક પ્રકારનાં સત્કાર્યો તેમણે ઉપાડ્યાં અને પોતાને હાથે ચલાવ્યાં. આ બધું મેરી કાર્પેન્ટરના સત્સંગનું જ ફળ હતું. એ તેમનું વૃત્તાંત વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.

સુપરિન્ટેન્ડન્ટની જગ્યાનું રાજીનામું

અતિશય પરિશ્રમને લીધે વારે ઘડીએ તબિયત બગડવા લાગી તેથી મેરી કાર્પેન્ટરે રવિવારના વિદ્યાલયના સુપરિન્ટેન્ડન્ટની જગ્યાનું રાજીનામું આપ્યું. પચીસ વર્ષસુધી તેમણે એ કાર્ય ઘણી સારી રીતે ચલાવ્યું હતું, એટલે જ્યારે એમણે એ પદવીનું રાજીનામું આવ્યું ત્યારે તેમના હાથ નીચેના શિક્ષકો અને મહેતીજીઓએ તેમના પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા ખાતર તેમને માનપત્ર અને ભેટ અર્પણ કર્યા. હવે રવિવારની નિશાળમાંથી છૂટાં પડવાથી તેમને જે સમય મળતો, તેનો ઉપયોગ “રેડ લૉજ”માં સ્થાપવામાં આવેલા બાલિકા વિદ્યાલયના લાભ ખાતર કરવામાં આવતો. મેરી કાર્પેન્ટરના મહાન પ્રેમપૂર્ણ ચારિત્રનો પ્રભાવ તથા તેમના ઉન્નત આદર્શના સમાગમને લીધે મનુષ્યસમાજ થી હીણાયેલી અને તરછોડાયેલી એ બાલિકાઓનાં ચારિત્ર, વર્તણુંક અને સ્વભાવમાં આશ્ચર્યકારક ફેરફાર થવા લાગ્યો. પોલિસના જે અમલદારો એ બાલિકાઓને અગાઉ કોઈ વાર ગુન્હેગારતરીકે પકડીને કેદખાનામાં લઈ ગયા હતા, તેઓ પણ હવે એ બાલિકાઓને ઓળખી શક્યા નહિ. ઉન્નત, પવિત્ર અને ઉચ્ચ શક્તિના પ્રભાવથી મનુષ્યચારિત્ર એવી રીતે પરિવર્તન પામે છે. નિરાધાર બાલકબાલિકાઓ અને કેદીઓની સ્થિતિ સુધારવા સારૂ તેમણે સરકાર સમક્ષ અનેક પ્રકારની દાખલાદલીલો સાથે અરજી આપી, કેદીઓની અવસ્થા પૂરી રીતે જાણવાના ઉદ્દેશ્યથી આયર્લેન્ડના કેદીઓની ઉન્નત પદ્ધતિ જોવા જાતે આયર્લેન્ડ ગયાં. દરિદ્રવિદ્યાલય અને સુધારક વિદ્યાલયમાંથી શિક્ષણ સમાપ્ત કરીને જે વિદ્યાર્થીઓ બહાર નીકળતાં તેમને કામધંધે લગાડવા સારૂ અને તેમના ચાલચલણ ઉપર બારીક નજર રાખવા સારૂ એક બાળકોનું ખાતું સ્થાપ્યું. ત્યારપછી તેમણે ઔદ્યોગિક શાળાઓ સ્થાપી તથા મજુરવર્ગના કલ્યાણ સારૂ વિશ્રામસ્થાન સ્થાપ્યાં.

૭ – અમેરિકામાં ગુલામી પ્રથા સામે સંગ્રામ

એ સમયમાં અમેરિકા દેશમાં ગુલામગીરીના રિવાજની વિરુદ્ધ તુમુલ યુદ્ધ શરૂ થયું. અમેરિકાનું યુદ્ધ એક ઐતિહાસિક બનાવ છે. અમેરિકાના દક્ષિણ—ઉત્તર પ્રદેશના રહેવાસીઓજ માત્ર નહિ પણ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ પણ એ ધિક્કારી કાઢવા યોગ્ય ગુલામી પ્રથાના વિશેષ પક્ષપાતી હતા. આપણા દેશમાં બંગાળામાં ગુળીના વેપારીઓ મજુરો ઉપર કેવા અત્યાચાર કરતા હતા એ બધાને જાણીતું છે. આસામના ચાહના વેપારીઓ મજુરો ઉપર ઓછો અત્યાચાર કરતા નથી. અમેરિકાના વતનીઓ એ સમયમાં ગુલામો ઉપર એથી પણ વધારે જુલમ કરતા હતા. આ જોરજુલમનો ત્રાસ ભોગવતા ગુલામોની દુરવસ્થા જોવાથી કરુણામયી મહિલા શ્રીમતી હેરિયેટ બીચરસ્ટોનું હૃદય પીગળી ગયું. તેમણે એક નવલકથા લખીને ગુલામ ઉપર જે જોરજુલમ થતો હતો તેની વાર્તા ઓજસ્વિની ભાષામાં વર્ણવી. એ વાર્તાનું નામ તેમણે “ટોમ કાકાની કુટીર” રાખ્યું.x[૨] એ વાતદ્વારા તેમણે અમેરિકાના વતનીએઓને જાગ્રત કર્યા.એ ઉપન્યાસ વાંચ્યાથી જનસમાજના સમજવામાં આવ્યું કે ગુલામગીરીનો રિવાજ તિરસ્કાર કરવા યોગ્ય અને ઘણો અનિષ્ટકારી છે. ઉત્તર પ્રાંતના નિવાસીઓએ પેાતાની વિવેકબુદ્ધિ વાપરીને એ ઘાતકી રિવાજ બંધ પાડવાનો પ્રથમ યત્ન કર્યો. આ હિલચાલને લીધે ઘેર ઘેર કુસંપ શરૂ થયો. છેવટે ભીષણ યુધ્ધાગ્નિ પણ સળગી ઉઠ્યો. ઈબ્રાહિમ લિન્કન અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના પ્રમુખ નિમાયા એટલે ઈ. સ. ૧૮૫૪ માં એ ખરાબ વેપાર કાયદાથી બંધ કરવામાં આવ્યો

અમેરિકાના આ ગુલામ-યુદ્ધ સમયે ઇંગ્લઁડના અનેક રહેવાસીઓએ ઉત્તર-અમેરિકાવાસીઓ સાથે સહાનુભૂતિ પ્રગટ કરી હતી. મિસ્ટર હ્યુઝ, મિસ્ટર લડલો, મિસ્ટર બ્રાઈટ વગેરે બુદ્ધિમાન પુરુષોએ એ ધિક્કારવા યોગ્ય રિવાજની વિરુદ્ધ લેખિની ધારણ કરી હતી. અમેરિકામાં ગુલામો ઉપર થતા આ અત્યાચારની વાત સાંભળીને કોમલહ્રદયા મેરી કાર્પેન્ટરનુ હૃદય પીગળી ગયું હતું. તેમનાથી નિશ્ચિંત થઇને બેસી રહેવાયું નહિ. લૉઇડ ગેરિસન, થિયોડર પાર્કર વગેરે બુદ્ધિમાન પુરુષોની સાથે મળીને મેરી કાર્પેન્ટર ગુલામીની પ્રથાનો તીવ્ર વિરોધ કરવા લાગ્યાં અને જે લોકો એ રિવાજ બંધ પાડવા માગતા હતા તેમને તનમન ધનથી ઉત્સાહિત કરવા લાગ્યાં. ગુલામી પ્રથાના વિરોધી તેમની સહાનુભૂતિ અને ઉત્સાહપૂર્ણ વચનોથી વિશેષ પ્રોત્સાહિત થયા હતા અને દૃઢ સંકલ્પ દ્વારા એ ઘૃણિત વ્યવસાયનો ઉચ્છેદ કરવા સમર્થ થયા હતા. કોઈ પણ દેશમાં જનસમાજની દુર્દશાની વાત સાંભળવામાં આવતાંવારજ મેરી કાર્પેન્ટરનો પ્રાણ આકુળવ્યાકુળ થઈ જતો અને તેનું નિવારણ કરવા ખરા અંતઃકરણપૂર્વક યત્ન કરતાં; તથા જ્યાંસુધી એ કાર્ય સિદ્ધ થાય નહિ ત્યાં સુધી પાછાં હઠતાં નહિ.

૮ – ભારતવર્ષની સેવા

ભારતવર્ષ માં પધારવાનો યત્ન

ઈ. સ. ૧૮૬૦ ની શરદ્ઋતુમાં ભારતવર્ષના એક દેશી ખ્રિસ્તીનું ઈંગ્લઁડમાં જવું થયું. ત્રીસ વર્ષ પહેલાં મહાન સુધારક રાજા રામમોહન રાયે ઇંગ્લઁડમાં પધારીને મેરી કાર્પેન્ટરના હૃદયમાં ભારતવર્ષને સારૂ જે સ્નેહ અને ઉત્સાહનાં બીજ રોપ્યાં હતાં, તે આ નવા આવેલા ભારતવાસીઓને જોતાંવારજ પ્રજ્વલિત થઈ ગયાં. ભારતવર્ષમાં જઈને ત્યાંથી સ્ત્રીઓની શોચનીચ અવસ્થાની જાતે તપાસ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો. ઇ. સ. ૧૮૬૪ ની ૧૨ મી જાન્યુઆરીની ડાયરીમાં એ લખે છે :- “હું પ્રતિજ્ઞા કરૂં છું કે, આજથી ભારતની સ્ત્રીઓનું કલ્યાણ કરવામાં હું મારૂં સમગ્ર મન પરોવીશ. ઈશ્વર મને બળ આપજો કે જેથી હું આ પ્રતિજ્ઞા પાળવામાં સમર્થ થાઉં.” સ્વદેશમાં તેમને ઘણાં મોટાં કાર્ય કરવાનાં હોવા છતાં ભારતવર્ષની સ્ત્રીજાતિની દુઃખી અવસ્થાથી તેમનો કોમળ પ્રાણ એટલો બધો દ્રવીભૂત થયો કે સ્વદેશનાં કર્તવ્યો તેમને રોકી રાખી શક્યાં નહિ.

ભારતવર્ષ સંબંધી અનુભવ

ઈ. સ. ૧૮૬૬ માં મેરી કાર્પેન્ટર મુંબઈ આવ્યાં. ભારતમાં જઈને કયું ખાસ કામ કરવું છે તે તેમણે પહેલેથી નક્કી કરી રાખ્યું નહોતું પરંતુ કેદખાનાની સુધારણા અને બીજા પરોપકારી કાર્યોસંબંધી તેમના અનુભવની ખ્યાતિ ભારતવર્ષમાં પહોંચી ચૂકી હતી. મુંબઇ આવી પહોંચતાંજ ભારત સરકારે સ્ત્રીકેળવણી, કેદખાનાની સુધારણા વગેરે જનહિતકારી કાર્યોસંબંધી તેમનો અભિપ્રાય જાણવાની ઇચ્છા દર્શાવી. એથી કાર્ય માટે માર્ગ દેખાઇ આવ્યો. જો કે એ સમયમાં કલકત્તા, મુંબઈ, પૂના વગેરે કેટલાંક શહેરોમાં કન્યાશાળાઓ સ્થપાઈ હતી, પરંતુ તેમની દશા શોચનીય હતી. ઘણી થોડી બાલિકાઓ નિશાળમાં ભણવા જતી અને એમાંની લગભગ બધી અગિયાર બાર વર્ષ પહેલાં નિશાળેથી ઉઠી જતી. જે જ્ઞાનનો અંત નથી, જે જ્ઞાનપ્રાપ્તિ સંબંધી મહાજ્ઞાની ન્યૂટન કહી ગયા છે કે, “હું હજુ જ્ઞાન–સમુદ્રના કિનારા ઉપરના પથરા વીણી રહ્યો છું” એ જ્ઞાનપ્રાપ્તિ ભારતવાસી બાલિકાઓ દશ અગિયાર વર્ષની વયેજ સંપૂર્ણ કરી દેતી હતી. આ અવસ્થા જોઇને મેરી કાર્પેન્ટર અવાક થઈ ગયાં. તેમને બીજું આશ્ચર્ય એ લાગ્યું કે, છોકરીઓને શિક્ષણ આપવા માટે દરેક નિશાળમાં પુરુષશિક્ષકો હતા. મહેતીજીઓ મેળવવી એ ઘણું અઘરું કામ હતું.

મુંબઇ નગરીમાં પહોંચ્યા પછી થોડા દિવસ બાદ એ અમદાવાદ નગરમાં પધાર્યા. ત્યાંનું ભદ્રના કિલ્લામાં આવેલુ ભયંકર કેદખાનું, હોસ્પિટલ, ગાંડાનું દવાખાનું, નિશાળો વગેરેની તપાસ કરી અને સાથે સાથે ભારતવર્ષના લોકોનાં ચારિત્ર અને તેમને શી શી વાતની ખોટ છે તેની પણ જાતે તપાસ કરીને ભારતવર્ષની એ વખતની અવસ્થાસંબંધી ઘણું સારું જ્ઞાન મેળવ્યું. પ્રખર અવલોકનશક્તિ અને ઉંડા અનુભવને લીધે ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રકારના વતનીઓના જીવનનું અવલોકન કરતાં તેમને ઘણો આનંદ થતો. ફુરસદના વખતમાં એ ભારતના અસીમ પ્રાકૃતિક સૌંદર્યનાં ચિત્ર કાઢતાં અને એ ચિત્રોદ્વારા ભારતવર્ષ ઉપરનો પોતાનો અનુરાગ પ્રગટ કરતાં. તેમણે જનસેવાનાં અમૂલ્ય કાર્યોદ્વારા ભારતપ્રેમનો પરિચય આપ્યો છે, એટલું જ નહિ પરંતુ ચિત્રકલાદ્વારા પણ તેમના હૃદયનો એ ઉંડો ભાવ પ્રગટ કર્યો છે. અમદાવાદ શહેરમાંજ ભારતવર્ષમાં કરવાનાં કામોની પદ્ધતિ એમણે નક્કી કરી. ભારતવર્ષમાં સ્ત્રીકેળવણીમાં જે જે વિઘ્નો આડે આવે છે તેની તેમને થોડી ઘણી ખબર હતી. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં સ્ત્રીઓને માટે શિક્ષણનો ઉચ્ચ આદર્શ રાખવામાં આવ્યો હતો એ વાત ખરી, પરંતુ હાલના સમયમાં દેશના લોકો એ બાબત માટે તદ્દન ઉદાસીન અને બેપરવા થઈ ગયા હતા. મેરી કાર્પેન્ટરે કલકત્તા, પૂના, અમદાવાદ, મદ્રાસ, મુંબઈ વગેરે સ્થળોની કન્યાશાળાઓની તપાસ કરી. કલકત્તામાં જઈને બેથ્યુન સ્કુલની તપાસ કરી, અને બ્રાહ્મસમાજની ઉપાસનામાં પણ સામેલ થયાં.

તેમણે ભારતવર્ષના સરકારી અમલદારોનું ધ્યાન ત્રણ વાતો તરફ ખેંચ્યું; ૧–સ્ત્રીકેળવણી, ૨–સુધારક વિદ્યાલય અર્થાત્ નાની ઉંમરના અપરાધીઓને સુધારવાની નિશાળ અને ૩–કેદીઓની અવસ્થામાં સુધારો.

તેમના અખૂટ ઉત્સાહ અને સતત પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે, દેશ માટે લાગણી ધરાવનાર મનુષ્યોને એ વિષય ઉપર ધ્યાન આપવાની ફરજ પડી. એ બધા હવે સ્ત્રીકેળવણીની આવશ્યકતા સમજવા લાગ્યા અને સ્ત્રીઓને ભણાવવાની બાબતમાં ખુલ્લી રીતે ઉત્તેજન આપવાનો આરંભ કર્યો. નારીજીવનનો ઉદ્દેશ અતિ ઉચ્ચ અને મહાન છે. યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો સ્ત્રીઓ જગતનું ઘણું મોટું ક્લ્યાણ કરી શકે એમ છે. ભારતવર્ષની સ્ત્રીઓની હીન અવસ્થા તથા તેમના જીવનનું ટુંકુ લક્ષ્ય જોઈને મેરી કાર્પેન્ટર અત્યંત દુઃખી થયાં. એમનો દૃઢ વિશ્વાસ હતો કે, ભારતવર્ષની સ્ત્રીઓ કેળવણી પામશે નહિ ત્યાંસુધી ભારતવર્ષ જગતના બીજા દેશોની સાથે યોગ્ય સ્થાન કદી મેળવશે નહિ. જનસમાજમાં એ વિચાર ઠસાવવા સારૂ એમણે ખરા અંતઃકરણથી યત્ન કર્યો. એ કહેતાં કે “આ મહાન કાર્ય પાર પાડવાના માર્ગમાં ઘણાં વિઘ્નો ઉભાં છે એ વાત ખરી છે, પણ હું મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું કે, દૃઢ વિશ્વાસ, ખંત અને અખૂટ ઉત્સાહ હશે તો બધાં વિઘ્નો પલાયન કરી જશે અને આ કામમાં સિદ્ધિ મળશે.”

મફ્ત શિક્ષણ આપનારી કન્યાશાળા

કલકત્તા ગયા પછી તેમણે હલકા વર્ણની બાલિકાઓ માટે મફત શિક્ષણ આપનારી કન્યાશાળાની સ્થાપના કરી. એ અરસામાં હિંદના વાઈસરોય સર જોન લોરેન્સ સીમલાથી કલકત્તા પધાર્યા અને તેમણે મેરી કાર્પેન્ટરને સરકારી મહેલમાં નિવાસ કરવાનું આમંત્રણ કર્યું. સ્ત્રીકેળવણી અને જેલના સુધારા વિષે મેરી કાર્પેન્ટરે જે સૂચનાઓ કરી હતી તથા જે ઉપાય નક્કી કર્યા હતા, તેને અમલમાં મૂકવાના કામમાં સર જૉન લૉરેન્સ અને લેડી લૉરેન્સે તેમને અનેક પ્રકારની મદદ આપી. સરકારી મહેલમાંથી ભારતવર્ષની સ્ત્રીઓ સંબંધી તેમણે એક પત્ર પોતાની બહેનને લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે “હઠીલા અને જૂના વિચારના લોકો મારી સાથે મુલાકાત કરવા આવતા નથી. હું તેમનાથી ભિન્ન ધર્મ પાળનારી છું એટલા માટે તેઓ મને મળવા આવતા નથી એવું નથી, હું ભારતવર્ષની સ્ત્રીઓની અવસ્થા સુધારવા અને તેમને શિક્ષણ આપવા આવી છું; એજ એકલા કારણને લીધે તેઓ મારી પાસે આવતા નથી. સ્ત્રીઓ ભણેલી થાય અને તેમની દશા ઉન્નત થાય તો પછી પુરુષો તેમને સંપૂર્ણરૂપે ગુલામગીરીની દશામાં રાખી શકશે નહિ, એવા સ્વાર્થી વિચારથી દોરવાઇને એ જૂના વિચારના લોકોએ જાણી જોઇને મારી સાથેનો સંસર્ગ છોડી દીધો છે. એવા લોકો માટે મને પણ કાંઈ લાગણી ઉત્પન્ન થતી નથી. પરંતુ એવા અનેક ઉદારપ્રકૃતિસંપન્ન વિદ્વાન અને ઉન્નતચરિત્ર પુરુષો છે કે જેમના કાર્ય સાથે મારી સંપૂર્ણરૂપે દિલસોજી છે.” કલકત્તાના નિવાસદરમિયાન મેરી કાર્પેન્ટરે કેટલાંક ભાષણો આપ્યાં. એક સભામાં તેમણે ઈંગ્લઁડની સમાજ-વિજ્ઞાન સભાના કાર્યનું વિવરણ કર્યું. એ સભાને બીજે વર્ષે બંગાળામાં સમાજ-વિજ્ઞાન સભાની સ્થાપના થઈ.

ફિમેલ નોર્મલ સ્કૂલનો પ્રસ્તાવ

એમના પ્રયત્નથી દેશમાં કેટલીક કન્યાશાળાઓ તો સ્થપાઇ, પરંતુ કન્યાશાળામાં શિક્ષણ આપવા માટે પૂરતી સ્ત્રીશિક્ષકો મળી શકી નહિ. સુયોગ્ય સ્ત્રીશિક્ષકો વગર બાલિકાઓને સારું શિક્ષણ મળવાની આશા ઘણી થોડી હતી; એવું જોઈને તેમણે સ્ત્રીશિક્ષકો તૈયાર કરવા સારૂ ફિમેલ નોર્મલ સ્કૂલની સ્થાપના કરવાનો યત્ન આરંભ્યો. એ વિષયનું પ્રયોજન બતાવીને એ વખતના ભારતસચિવ લૉર્ડ સેલ્સબરીને સઘળી હકીકત નિવેદન કરી. ભારતના એ વખતના ગવર્નર જનરલ સર જૉન લૉરેન્સ, બંગાળાના લેફ્ટનન્ટ ગવર્નર સર રિચર્ડ ટેમ્પલ, શિક્ષાવિભાગના ડાઈરેક્ટર અને બીજા મુખ્ય મુખ્ય અમલદારોને મળીને સ્ત્રીશિક્ષણ અને ફિમેલ નોર્મલ સ્કૂલ સ્થાપવાની મોટી આવશ્યકતા સમજાવી દીધી.

મેરી કાર્પેન્ટર ભારતવર્ષમાં એક વર્ષ સુધી રહીને સ્ત્રીકેળવણી, કારાગાર સુધાર, નાની વયના કેદીઓનું શિક્ષણ વગેરે કેટલાંક મહાન કાર્ય કરીને ઈંગ્લઁડ પાછાં સીધાવ્યાં. ઇંગ્લઁડ ગયા પછી પણ ઉપર જણાવેલા વિષયોસંબધી ભારતના ગવર્નર જનરલ, મુંબઈના ગવર્નર અને ભારતના આગેવાન ઉત્સાહી લોકો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને દાખલાદલીલ સાથે અરજી આપીને ગવર્નમેન્ટનું ધ્યાન તે તરફ ખેંચવાનો યત્ન કર્યો. તેમણે વિચાર્યું કે, ભારતવર્ષના ઉત્સાહી પુરુષો એ સબંધી ગવર્નમેન્ટને અરજી આપશે તો એ કાર્યો થોડા સમયમાં પાર પડવાનો સંભવ છે. તેમની સલાહ મુજબ ચાલીને ભારતના મુખ્ય મુખ્ય ઉદ્યોગી પુરુષોએ સરકાર આગળ સ્ત્રીકેળવણીની આવશ્યકતા સંબંધી એક નિવેદન પત્ર મોકલ્યો. એ નિવેદનનું ફળ એ થયું કે, સરકારે નોર્મલ સ્કૂલની સ્થાપના સારૂ દર વર્ષે ૨૨૫૦૦) રૂપિયાની રકમની મંજુરી આપી. મેરી કાર્પેન્ટર એ શુભ સમાચાર સાંભળીને ઇંગ્લઁડમાં અત્યંત પ્રસન્ન થયાં. એમની આશા હવે વધતી ગઈ. તેમણે એ શુભ કામને જલદી હાથમાં લેવાનો સ્ત્રીકેળવણીના હિમાયતીઓને આગ્રહ કર્યો.

લેડી સુપરિન્ટેન્ડન્ટનું પદ–ગ્રહણ

ઈ. સ. ૧૮૬૮ ની ૭ મી નવેમ્બરે મેરી કાર્પેન્ટર પાછાં ભારતવર્ષમાં પધાર્યાં. ભારતવર્ષમાં આવીને ફિમેલ નોર્મલ સ્કૂલનું કાંઈ નામનિશાન નહિ જણાયાથી સરકારની મદદથી તેમણે પોતે મુંબઈ શહેરમાં એ પ્રકારની નિશાળ કાઢી અને તેનાં લેડી સુપરિન્ટેન્ડન્ટનું પદ પાતે સ્વીકાર્યું; તેમના આ મહાન દૃષ્ટાંતથી પ્રેરાઈને ઘણા લોકો સ્ત્રી શિક્ષણના કાર્યમાં અગ્રેસર થયા અને કેટલીક કન્યાશાળાઓ પણ સ્થાપવામાં આવી. તેમના પ્રયત્નથી કેટલીક દાનશીલ મહિલાઓએ અને ધનવાન પુરુષોએ એ નિશાળોને નાણાંની મદદ આપવાનું કબૂલ કર્યું, પરંતુ ઘણા પરિશ્રમને લીધે ફરીથી તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને તેમને પાછાં ઇંગ્લઁડ જવાની ફરજ પડી હતી.

૯ – ચોથી વાર ભારતવર્ષમાં પધારવું

ઈ. સ. ૧૮૭૫ માં મેરી કાર્પેન્ટરે છેલ્લી વાર ભારતવર્ષમાં આગમન કર્યું. આ વખતે ભારતવર્ષની કેટલીક સ્ત્રીઓની અવસ્થા પહેલાં કરતાં ઉન્નત જોઈને તેમને અત્યંત આનંદ થયો.

આપણા દેશમાં મીલોમાં અને કારખાનાંઓમાં જે મજુરો કામ કરે છે તેમની અવસ્થા પહેલાં ઘણી શોચનીય હતી. ઘણી નાની વયનાં બાલકબાલિકાઓ પણ એમાં કામ કરતાં અને મોટી ઉંમરના મજુરોને ગજા ઉપરાંત મહેનત કરવી પડતી. એમ છતાં પણ એમને પૂરતી મજુરી મળતી નહિ. મેરી કાર્પેન્ટર મુંબઈ, અમદાવાદ વગેરે શહેરનાં કારખાનાંઓમાં જઈને ત્યાંના મજુરોની સ્થિતિ જાતે જઈ આવ્યાં. તેમની દુર્દશાથી તેમનું ચિત્ત ઘણું વ્યથિત થયું અને પાંચ વર્ષનાં તથા તેની અંદરનાં બાળકોને નોકર નહિ રાખવાના અને પુખ્ત વયના મજુરો પાસેથી પણ ગજા ઉપરાંતની મજુરી નહિ કરાવવાના કાયદા ઘડાવવા યત્ન કરવા લાગ્યાં. મુંબઈ શહેરની કાપડની મીલમાં કામ કરનારાં બાલકબાલિકાઓને ભણાવવાનો બંદોબસ્ત કરવાનો તેમના માલિકોને ઉપદેશ આપ્યો. એ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં કેદખાનાના કેદીઓ અને કારખાનાંના મજુરોના કામ કરવાનો સમય નક્કી કરવાના પ્રયત્ન કરતાં. એ જાણતાં હતાં કે, ઇંગ્લઁડની માફક ભારતવર્ષમાં પણ કાયદા-મારફતે કારખાનાનાં બાલકબાલિકાઓના શિક્ષણનો બંદોબસ્ત અને મજુરોને મહેનત કરવાનો સમય નક્કી નહિ થાય તો તેનું પરિણામ ઘણું ખરાબ આવશે. એવા વિચારથી તેમણે હિંદુસ્તાનના સેક્રેટરી ઑફ સ્ટેટ આગળ પોતાના વિચારોનું પ્રયોજન સાબીત કરી આપીને એક અરજી મોકલી અને તેમના યત્નથીજ ભારતસરકારે ‘ફેક્ટરી એક્ટ’ (કારખાનાનો કાયદો) પસાર કર્યો.

કેદખાનાની સુધારણા

મેરી કાર્પેન્ટરે જે બધાં પરોપકારી કાર્યો કર્યાં હતાં તેમાં ભારતનાં કેદખાનાંઓની સુધારણા એ ઉલ્લેખ કરવા યોગ્ય મુખ્ય બનાવ છે. ચોરી, ધાડ અથવા ખરાબ ચાલચલણને માટે સરકાર તરફથી સજા ભોગવતા કેદીઓ ઉપર પણ મેરી કાર્પેન્ટરે મધુમય સ્નેહનો સંચાર કર્યો હતો. એ એવાં કરુણ હૃદયનાં અને ક્ષમાશીલ રમણી હતાં કે, કારાગારવાસીઓ પણ તેમની દૃષ્ટિમાં ક્ષમાને પાત્ર ગણાતા હતા. એ સમજતાં હતાં કે, અપરાધીઓને કેવળ સખ્ત સજા કર્યાથીજ તેમનું ચરિત્ર સુધરશે નહિ. તેમને ધર્મ અને નીતિનું શિક્ષણ આપીને ચરિત્રવાન બનાવવાની આવશ્યકતા છે. તેમની તંદુરસ્તી સુધારવા શિક્ષણ તથા જ્ઞાનોન્નતિને માટે બંદોબસ્ત કરવામાં મેરી કાર્પેન્ટરે મનને પરોવ્યું. કારાગૃહની ઉન્નતિ કરવા સંબંધી તેમણે ભારત સરકાર આગળ કેટલીએ વાર અરજીઓ આપી. પહેલાં તો કેદીઓને માટે એક જૂદા શયનગૃહના અભાવ ઉપર કર્તાકારવતાઓનું ધ્યાન ખેંચ્યું. જૂદા જૂદાં શયનગૃહો ન હોવાથી એક એક ઓરડીમાં લગભગ ચાળીસ પચાસ કેદી સાથે સૂઈ રહેતા. બીજું યોગ્ય શિક્ષકના તાબામાં રાખીને કેદીઓને શિક્ષણ આપવાની આવશ્યકતા સાબીત કરી આપી. ત્રીજું, તેમણે જણાવ્યું હતું કે, સ્ત્રીકેદીઓની અવસ્થા સુધારવી જોઇએ, તેમને યોગ્ય શિક્ષણ આપવું જોઇએ, તેમને માટે ભિન્ન ભિન્ન શયનગૃહનો બંદોબસ્ત હોવો જોઇએ અને સ્ત્રી કાર્યાધ્યક્ષની દેખરેખ નીચે તેમને રાખવાની વ્યવસ્થા થવી જોઈએ.

ઇ. સ. ૧૮૭ર માં દુનિયાનાં કારાગારોની ઉન્નતિ કરવા સંબંધી વિચાર ચલાવવા ઈંગ્લઁડમાં એક આંતર્જાતીય કાઁગ્રેસ એકઠી થઈ. મેરી કાર્પેન્ટરે કારાગારની ઉન્નતિ સંબંધી પોતાની સૂચનાઓ લખી કાઢીને એ કાઁગ્રેસમાં એક નિબંધ વાંચ્યો. એ વિષયને માટે જે જે જનહિતૈષી મહાત્માઓની સાથે તેમને પત્રવ્યવહાર થયો હતો, તેમની સાથે આ કાઁગ્રેસમાં સાક્ષાત્ પરિચય થયો. એ બધાએ મેરી કાર્પેન્ટરનો ઘણા આદરપૂર્વક સત્કાર કર્યો અને તેમણે કરેલી કારાગાર-સુધારણાના પ્રસ્તાવનું સમર્થન કર્યું. ત્યાર પછી થોડા સમયબાદ અમેરિકાના કારાગારની અવસ્થા જોવા સારૂ એ અમેરિકા ગયાં. અમેરિકામાં પણ ભારતની સ્ત્રીશિક્ષા તથા સાધારણ અવસ્થા સંબંધી તેમણે ઠેકાણે ઠેકાણે ભાષણો આપ્યાં હતાં.

મેરી કાર્પેન્ટરે છેવટે ભારતવર્ષમાં પધારીને ભારતનાં મુખ્ય મુખ્ય નગરોની મુલાકાત લીધી અને સ્ત્રીશિક્ષણ તથા કારાગારની અવસ્થાસંબંધી એક વિવરણ લખીને લૉર્ડ સેલ્સબરી આગળ રજુ કર્યું. તેમણે કારાગારસંબંધી જે વિવરણ લખી મોકલ્યું હતું તે બીજેજ વર્ષે પાર્લામેન્ટમાં વિચાર માટે ઉપસ્થિત થયું. નાની વયનાં અપરાધીઓને સુધારવા સારૂ એક વિદ્યાલયનું પ્રયોજન છે એવી તેમણે જે સૂચના કરી હતી તે ઇ. સ. ૧૮૭૬ માં ભારત સરકાર તરફથી કાયદાના રૂપમાં અમલમાં આવી. વર્તમાન સમયમાં ભારતવર્ષના કેદીઓની અવસ્થામાં જે કાંઇ સુધારો જણાય છે અને ભારતવર્ષમાં જે થોડાં ઘણાં સુધારક વિદ્યાલયો સ્થપાયાં છે, તેનું મૂળ મેરી કાર્પેન્ટર હોઇને તેનો બધો યશ તેમનેજ છે.

૧૦ – મૃત્યુ

ઈ. સ. ૧૮૭૭ માં ૭૦ વર્ષની વયસુધી પણ મેરી કાર્પેન્ટર, નવીન તેજ અને સતત ઉત્સાહપૂર્વક બધાં કામકાજ નિયમ અને પદ્ધતિસર કર્યે જતાં હતાં. ભારતવર્ષની સ્ત્રીઓની ઉન્નતિની ચિંતા તેમના હૃદયમાં છેલ્લી ઘડી સુધી કાયમ હતી. ઈગ્લઁડની મહિલાઓ પણ પુરુષની માફક પાર્લામેન્ટમાં મત આપી શકે તેને માટે પણ તેમણે યત્ન કર્યો હતો. માદક પદાર્થોનો નિષેધ કરવા સારૂ જે જે સભાઓ સ્થાપવામાં આવી હતી તેમાં મેરી કાર્પેન્ટર ખરા દિલથી સામેલ થતાં હતાં. માનવચરિત્રની ઉન્નતિ કરવા સારૂ જે જે હીલચાલ થઈ હતી, તે સર્વમાં તેમણે ભાગ લીધો હતો અને અસાધારણ હોંશિયારીથી એ બધી હીલચાલોને સફળ કરી હતી. એજ વર્ષમાં એમણે પરલોકગમન કર્યું. ૧૪મી જુનને દિવસે બધા કામકાજથી પરવારીને પાર્લામેન્ટના સભાસદો સાથે પરોપકારી કામોને લગતી વાતચીત કરીને તથા કાગળપત્ર લખીને રાત્રે શયન કરવા ગયાં. બીજે દિવસે સવારે તેમની જીવંત, ઉત્સાહપૂર્ણ તેજોમય મૂર્તિ કોઈ જોઇ શક્યું નહિ. તેમના અમર આત્મા તેમના નશ્વર દેહનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો.

૧૧ – મેરી કાર્પેન્ટરની સમાધિ

પ્રાતઃકાળમાં આ દુ:ખજનક સમાચાર ચારે દિશામાં પ્રગટ થઇ ગયા. તેમના એકાએક મૃત્યુના સમાચાર સાંભળીને તેમનાં સ્નેહીઓ એકદમ શોકમગ્ન થઇ ગયાં. અનાથ, દીન, દરિદ્ર લોકો પોતાને માતૃહીન થયેલાં ગણીને આર્તનાદ કરવા લાગ્યાં. તેમના મૃત્યુસમાચાર તારમારફતે ભારતવર્ષ અને અમેરિકા મોકલી આપવામાં આવ્યા. તેમના મરણથી ઇંગ્લઁડ, અમેરિકા અને ભારતવર્ષના લેાકો ઘણા દુઃખી થયા હતા. મેરી કાર્પેન્ટરના મૃત્યુના ચાર દિવસ પછી એટલે ૧૯ મી જૂનને બુધવારે ‘અર્નેલવેલ’ના સમાધિક્ષેત્રમાં તેમનાં માતા અને પ્રિય ભગિનીએ નાના સમાધિમંદિરની પાસે ઘણા મોટા સમારોહ સહિત તેમના નશ્વર દેહને ભૂમિમાં પધરાવ્યો હતો ઘણાં બંધુબાંધવ, ધની, નિર્ધન, બાલકબાલિકા એકઠાં થઈને મહાસમારોહપૂર્વક શ્રેણીબદ્ધ થઈને કુમારી કાર્પેન્ટરના શબને સમાધિક્ષેત્રમાં લાવ્યાં હતાં. એ શેાકાર્ત લોકશ્રેણીમાં ઇંગ્લઁડ દેશ ઉપરાંત અનેક દેશના લોકો હતા. જ્યારે તેમનો મૃતદેહ મહાત્મા રાજા રામમોહન રાયના ગૌરવ–મંડિત સમાધિમંદિર આગળ પહોંચ્યો, ત્યારે ભારતવર્ષનાં બે નાનાં બાળકો એકબીજાના હાથ પકડીને રોતાં રોતાં તેમની સાથે જતાં ઘણાઓના જોવામાં આવ્યાં હતાં.

મેરી કાર્પેન્ટરનું લાંબું કર્મમય જીવન ૭૦ વર્ષની વયે આ પ્રમાણે સમાપ્ત થયું.

તેમના મૃત્યુ પછી તેમનું અમૂલ્ય સ્મરણ જાળવી રાખવા સારૂ મજૂરવર્ગનાં બાળકો માટે બે આશ્રમ સ્થાપવામાં આવ્યા.

કુમારી મેરી કાર્પેન્ટરે મૃત્યુદિવસ સુધી કામ કરવાનું બંધ કર્યું નહોતું. કેવું આશ્ચર્યકારક, અવર્ણનીય, કર્મમય જીવન ! છેવટના દિવસ સુધી કામ, કામ ને કામ ! કેવું જ્વલંત દૃષ્ટાંત ! તેમણે ઇચ્છા કરી હોત તો કોઈ કુળવાન, વિદ્વાન અને ધનવાન પુરુષ સાથે લગ્ન કરી સુખસાહેબીમાં જીવન ગાળી શકત; પરંતુ તેમણે એવું ન કરતાં આખી જીંદગી સુધી કુમારી રહીને, સેંકડો પ્રકારના અત્યાચાર, વિઘ્નો અને દુઃખોને જરા પણ ગણકાર્યા વગર પારકાંઓને માટેજ જીવન ગાળવાનું પસંદ કર્યું હતું. ઈશ્વર ઉપર અને તેનાં સંતાન મનુષ્યો ઉપર કેવો ઉંડો પ્રેમ ! એ પ્રગાઢ પ્રેમથી પ્રેરાઇને તેમણે પોતાના સુખને તુચ્છ ગણ્યું હતું અને બીજાંઓનાં સુખને સારૂજ પ્રાણ સમર્પણ કર્યો હતો.


  1. ભીની જગ્યામાં થતો એક સુંદર છોડવો.
  2. એ પુસ્તકનું ભાષાંતર સસ્તા સાહિત્ય દ્વારા પણ કાઢવા વિચાર છતાં હજી સુધી તે બની શક્યું નથી.