માણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા
← ૫.માણસાઈની કરુણતા | માણસાઈના દીવા કદરૂપી અને કુભારજા ઝવેરચંદ મેઘાણી |
૧.રસાળ ધરતીનો નાશ → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
કદરૂપી અને કુભારજા
"દરિયા ! ઓ દરિયા !"
"શું છે, મહી ?"
"મારી જોડે પરણ."
"નહીં પરણું."
"કેમ નહીં ?"
"તું કાળી છે તેથી."
"જોઈ લેજે ત્યારે !"
એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો : રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે ! કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું !' પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે.
આવી ડરકામણી મહીને મેં દીઠી - ચાંપોલ અને બદલપુર નામનાં બે ગામોની પાસે દીઠી - તે સાથે જ ખાતરી થઈ કે, દરિયાને ગળે પડીને જ પરણી છે આ ચંડી ! ને આ મહી-સાગરનું લગ્ન તો કાળા કોપનું નીવડ્યું લાગે છે. હું જ્યારે મહીની વત્સલા જનેતા તરીકેની કલ્પનામાં મગ્ન હતો ત્યારે મારગમાં જ મહારાજ વારંવાર બોલતા આવતા હતા કે, "આ મહી નથી પીવાના ખપની, નથી ખેતીના ખપની, નથી નાહવાના ખપની છે ફક્ત સોગંદ ખાવા પૂરતી જ કામની." ત્યારે મને સાચો ખ્યાલ આવતો નહોતો. પણ તા. ૨-૩-'૪૫ની સાંજરે બદલપુરના ઊંચાં ટીંબાથી પોણોએક ગાઉની છિન્નભિન્ન પૃથ્વી વટાવ્યા પછી જ્યારે અમે મહીના પટમાં ઊતર્યા ત્યારે મહી વિકરાળ, કાવતરાખોર, કદરૂપી અને કુભારજા લાગી. પુરુષ ભાઈ તરીકે દરિયાની મને દયા આવી !