← હૈડિયા વેરાનાં સ્મરણો માણસાઈના દીવા
તીવ્ર પ્રેમ
ઝવેરચંદ મેઘાણી
૧.કામળિયા તેલ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





તીવ્ર પ્રેમ


હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જ‌ઉં છું."

"કંઈ જશો ?"

"મારા મુલકમાં."

"નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં.

"મારાથી ના રહેવાય."

"ચ્યમ વારુ ?" મહારાજનો સંગ છોડવો એ કઠિન હતું.

"હું અહીં ના રહી શકું. તમારે ને મારે સંબંધ બંધાયો; આપણાં દલ મળ્યાં. હવે મારાથી તમારાં દુઃખ નાજોવાય."

"શાનાં દુઃખ ?"

"દુઃખ એ કે - તમે ચોરી કરો, દારૂ પીઓ, તોફાન કરો... તમને પોલીસ પકડે, મારકૂટ કરે ... એ મારાથી દીઠું જાય નહીં."

"ઈમ હોય તો અમે ચોરી ના કરીએ, દારૂ ના પીએ, પણ તમને તો જવા નહીં જ દઈએ. એ વાત કરશો જ ના, મહારાજ."

મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: 'નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.'