માણસાઈના દીવા/દધીચના દીકરા/૫.બંદૂકની સામે બ્રાહ્મણ
← ૪.મર્દ જીવરામ | માણસાઈના દીવા ૫.બંદૂકની સામે બ્રાહ્મણ ઝવેરચંદ મેઘાણી |
૬.ગોળીઓના ટોચા → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
૫. બંદૂકની સામે બ્રાહ્મણ
ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ એક દિવસ દહેવાણના દરબારગઢમાં જઈ ઊભા રહ્યા.
"પધારો, બાપજી !" નારસિંહજી ઠાકોરે આદર દીધો.
"હું આવ્યો છું તમને સાફ વાતો કહેવા." કહીને મહારાજે સ્પષ્ટ શબ્દોમાં એના ભરાડીપણાના પ્રસંગો કહેવા માંડ્યા. પણ ઠાકોરની બાહ્યલી મીઠાશ એ જેમ જેમ આ બ્રાહ્મણની વાણી સાંભળતા ગયા તેમ તેમ ઓસરતી ગઈ અને વાત 'તું-તા' પર આવી પહોંચી. પોતાની પાસે ભરેલી બંદૂક પડી હતી તેને ઠાકોર ચંચવાળવા લાગ્યા. એ ક્ષણે
મહારાજે બળબળતે હૃદયે કહ્યું : "તું ક્ષત્રિય છે. હું છું બ્રાહ્મણ. તને મારા વિના - બ્રાહ્મણ વિના - તારા ધર્મનું સ્મરણ કોણ કરાવશે ? ને ક્ષત્રિય ધર્મ ચૂકશે એ બ્રાહ્મણથી કેમ જોયું જશે ? એમ કરતાં તો તારી બંદૂકે મારો નાશ થાય તે જ વધુ સારું."
સાંભળીને ઠાકોર નરમ પડ્યા. એણે છેવટે માફામાફી કરીને કહ્યું : "મહારાજ ! જો બ્રાહ્મણ ન હોત ને કોઈ બીજો હોત, તો આટલા શબ્દોનો જવાબ મેં ક્યારનો બંદૂકથી આપ્યો હોત. પણ હું લાચાર બનું છું. તમે મને કહેવા લાયક છો, હું તમારી માફી યાચું છું."