← હાજરી માણસાઈના દીવા
હરાયું ઢોર
ઝવેરચંદ મેઘાણી
અમલદારની હિંમત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






હરાયું ઢોર


હિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ–ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે એણે દન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે : એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે : મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે : ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે : બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે : હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે : લોટો પાણી પીધું છે : વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે : પછી ચાલવા માંડેલ છે : જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે : ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે : ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે : સૂતાં યજમાનોને જગાડ્યાં નથી : ઉપદેશ કોઈને આપ્યો નથી : આપ્યો છે કેવળ પ્રેમ : માગી છે કેવળ મનની માયા : હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે : એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે; યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે; અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.

[૧]

એક નાનકડા સ્થિરવાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણ ગામડામાં આ મહારાજ એક પરસાળે બેઠા બેઠા કાંતી રહ્યા હતા. ત્યારે એક પાટણવાડીઓ આવીને શાંતિથી પરસાળની કોરે બેસી ગયો. રેંટિયો ફેરવતા મહારાજે એ ખડોલના ખેડૂતને ઓળખી ખડોલ ગામનાં બૈરાં, છૈયાં, મરદો વગેરે સૌના ખબરઅંતર પૂછ્યા. પછી ચૂપચાપ રેંટિયો ગુંજાવતા રહ્યા. પેલો કંઈક કહેવા આવ્યો છે તે તો મહારાજે કળી લીધું; પણ સામેથી કોઈના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો. પોતે જોતા હતા કે આવેતુની જીભ સળવળ સળવળ થઈ રહી હતી.

"મહારાજ, લગાર મારે ઘેર આવી જશો ?" છેવટે એ માણસે જ મોં ઉઘાડ્યું.

"કેમ, 'લ્યા ! શું કામ છે ?" મહારાજે બીજી પૂણી સાંધતે સાંધતે પૂછ્યું.

"જરા તમારું કામ પડ્યું છે. મારો સાળો પેલો ખોડીઓ છે ના, એને માથે લગાર ચાંદું પડ્યું છે; હીંડો."

માથે લગાર ચાંદું ! લોકોના રોગ–પારખુ મહારાજ સમજી ગયા. એણે પૂછ્યું : "ક્યો ખોડીઓ ?"

"કાવીઠાવાળો."

"વારુ ! જા; આજે તો નહિ આવું. બે દા'ડા પછી આવીશ."

ખોડીઆ કાવીઠાવાળાના બનેવીને વધુ વાતચીત વગર વળાવીને તરત પુણીઓનું પડીકું બાંધી વાળી, ત્રાક ઉતારી, માળ વીંટી લઈ, રેંટિયો ઠેકાણે મૂકી, ઊઠીને બ્રાહ્મણે મારગ પકડ્યો–વડોદરાનો.

જઈને ઊભા રહ્યા પોલીસના વડા પાસે. મહારાજને હંમેશા એમની પ્રવૃત્તિમાં મદદ આપનાર એ મરાઠા હતા. તેમને પોતે ખોડીઆ કાવીઠાવાળાની વાત કરી. ખોડીઆએ એક–બે ચોરી લૂંટોમાં ભાગ લીધો છે એ પોતે જાણતા હતા; છતાં એણે સાહેબને સમજાવ્યા કે, "જો ખોડીઆને તમે બચાવી શકો તેમ હો, તો હું એને રજૂ કરું."

"ના, ના ! શા સારુ !" સાહેબ જરા જુદા તૉરમાં આવીને બોલી ઊઠ્યા : "કહેજો એને કે પેટ ભરીને લૂંટો કરે ! આ રહી મારી બંદૂક ને ગોળી." એમ કહી એણે મેજ પર પડેલી પોતાની રિવૉલ્વર પર હાથ મૂક્યો.

મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઈને ચૂપ રહ્યા.

"કેમ, મારી વાત ગળે નથી ઊતરતી ?" સાહેબ થોડી વાર રહીને કંઈક કૂણા પડ્યા, એટલે મહારાજે દર્દભર્યે સ્વરે કહ્યું :

"શું બોલું ! બોલવાનું રહેતું નથી."

"કાં ?"

"કાં શું ? તમારી પાસે તો બંદૂક ને ગોળી છે !"

પછી પોતે સહેજ, પીપળનું પાંદ કંપે એટલી જ, હળવાશથી ઉત્તેજીત થઈ કહ્યું :

"એ બંદૂકો ને એ ગોળીઓ પેલા બાબરિયા વખતે ક્યાં ગઈ હતી, વારુ !"

બહારવટિયા બાબર દેવાની વખતની પોલીસ–નામોશીનું સ્મરણ થતાં સાહેબની ટટ્ટાર ગરદન સહેજ નરમ બની. મહારાજે ઉમેર્યું :

"પેલા બહારવટે ચડીને લોકોને રંજાડશે, ત્યારે તમારી બંદૂક–ગોળી કંઈ ખપની નહિ થાય; માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કે આ ખોડીઓ હજુ લાજશરમમાં બેઠો છે, હજુ શરણે આવી જવા માગે છે, ત્યાં જ એને અટકાવી દઈએ."

"ઠીક ત્યારે જાઓ. એને રજૂ કરો. થોડાક રૂપિયા દંડ કરાવીને પતાવી દેશું."

લોખંડી પગ ફરી પાછા વહેતા થયા. એ પગના સ્વાભાવિક રોજિંદા વેગમાં આજે નવી સ્ફૂર્તિ સિંચાઈ ગઈ. એ સ્ફૂર્તિ પૂરનાર અંતરનો ઊંડો ઊંડો ઉલ્લાસ હતો કે, એક જુવાનને બહારવટિયો બની જતો મટાડીને માણસાઈને માર્ગે ચડાવી શકાશે.

ખડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા. એ હતું ખોડીઆ કાવીઠાવાળાના બનેવીનું ગામ. પોતે ગામ બહાર બેસીને એને ખબર કહેવરાવ્યા. રાત પડી ગઈ હતી. રાતની પળો કલાકો ને પહોર આવી આવીને ચાલ્યાં ગયાં; પણ ખડોલવાળો ખોડીઆનો બનેવી ન આવ્યો. ગામમાં હતો; છતાં ન ડોકાયો. પ્રભાતે મહારાજ ભારે હૈયે બોરસદ જવા ચાલી નીકળ્યા.

"એ ઊભા રહો ! ઊભા રહો !" એવા સાદ એમને છેક બોરસદની ભાગોળે પહોંચવા ટાણે પાછળ સંભળાયા.

પાછળ એક મોટર ગાજતી આવતી હતી.

મોટરે મહારાજને આંબી લીધા. અંદરથી ખોડીઆનો બનેવી ઊતરીને દોડતો આવ્યો; કહે : "હીંડો, આ મોટરમાં; ખોડીઓ તૈયાર છે."

"ક્યાં છે ?"

"ત્રણ જ ગાઉ માથે."

"ના, હવે તો રાંધી-કરીને જ જવાશે."

મહારાજે રાંધ્યું. પેલાને ખવરાવ્યું, પોતે ખાધું. પછી ચાલ્યા.

[૨]

પામોલ ગામની સીમમાં એક ખેતર વચ્ચે એક ઝાડવું હતું. ઝાડવે ચડીને કોઈક સીમાડા નીહાળતું હતું. મહારાજ પારખી શક્યા : એ એક બાઈ હતી. સડેડાટ બાઈ નીચે ઊતરી ગઈ. મોટર ખેતરે પહોંચી. ખેતર વચ્ચેની ઝૂંપડીએ મહારાજ પહોંચ્યા, અને ખાટલા ઉપર એક જુવાનને સૂતેલો જોયો. માથે રાતું ફાળિયું ઓઢી ગયેલો. પાસે પેલી જુવાન ઓરત ઊભી હતી. ઝીણી નજરવાળાને દેખાઈ આવે કે, આ ઓરતે જ ખોડીઆને ખોટો ખોટો સુવાડી દીધો છે.

"કાં ખોડશંગ ઠાકોર !" મહારાજે ભરનીંદરમાંથી જાગવાનો ડોળ કરતા ખોડીઆને નરમ ટોણો માર્યો : "આખરે તમારો ભેટો થયો ખરો ! બોલો હવે શું કરવું છે ?"

"બાપજી, તમે કહો તે."ઓડીઆળે માથે લાલઘૂમ આંખો ઘૂમાવતા લૂંટારાએ જવાબ વાળ્યો.

"કહું છું કે રજૂ થઈ જા. થોડો દંડ થશે; ભરીશ ને ?"

"હોવે."

"તો હીંડ."

પણ ખોડીઆની નજર અને પેલી બાઈની નજર—ચારે નજરો મળી ગઈ હતી. એ એક જ પલના દૃષ્ટિ–મેળાપે ખોડીઆનો જીવન–પંથ ફેરવી નાખ્યો. એ રખાતની બે મોહક આંખોએ ખોડીઆના મન, પ્રાણ અને ખોળિયા ફરતો એક કાળમીંઢ કિલ્લો ચણી લીધો. એણે જવાબ વાળ્યો :

"આજ તો નહિ, કાલે આવીશ. કાવીઠે હાજર રહીશ."

"ભલે, કાલે સવારે કાવીઠા ગામની ભાગોળને ઓટે હું વાટ જોતો બેસીશ."

એવો વદાડ કરીને મહારાજે વિદાય લીધી.

[૩]

"કેમ અહીં બેઠા છો, બાપજી !"

"વાટ છે એક જણની."

કાવીઠા ગામની ભાગોળે, પેટલાદને રસ્તે, એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમમાં જતાં લોક પગે લાગીને પૂછતાં જાય છે : "કેમ અહીં બેઠા છો ?"

પ્રત્યેકને એ દુબળું મોં ચમકતી આંખે ને મલકાતે મોંએ જવાબ વાળે છે કે, "વાટ છે એક જણની."

મધ્યાહ્ન થયો. સીમમાંથી લોકો પાછાં વળ્યાં. તેમણે મહારાજને ત્યાં ને ત્યાં બેઠેલા દીઠા. પ્રત્યેક જણ પૂછતું ગયું : "ફરી પાછા કાં બેઠા ?"

જવાબ મળ્યો : "ના, સવારનો જ બેઠેલ છું."

"હજુ શું કોઈની રાહ છે !"

ડોકું હલાવીને મહારાજે પોતાની શરમ અને ગ્લાનિ છુપાવી, પણ પછી તો પોતે ઊઠ્યા. કોઈ ચોરની જેમ ગામમાં ગયા. ખોડીઓ રહેતો હતો તે મહોલ્લામાં પેઠા. પૂછી શકે એવાં કોઈ માણસ મળ્યાં નહિ. કોઈક મળે તેને પૂછે છે કે, "પેલો ખોડીઓ કંઈ રહે છે ?" તો તેનો જવાબ વાળ્યા વગર જ માણસ પસાર થાય. એકાદ–બે બૈરાંને પૂછ્યું : "ખોડીઓ કંઈ ગયો છે ?"

"જોઈ આવો; પૂછી લો. અમારે શી પડી છે ?"

એવા જવાબ મહારાજે આજે પ્રથમ વાર સાંભળ્યા. સમજાયું ! ખોડીઆના નામમાત્રથી પણ આ ગરીબ લોકો છેટાં નાસી રહેલ છે : ખોડીઆનાં પાપોના પડછાયામાં આવી જવાનીયે પ્રત્યેકને ઊંડી ફાળ છે. કોઈ કહેતું નથી કે, બેસો કોઈ પૂછતું નથી કે, 'ક્યાંથી આવો છો ? તરસ્યા છો ? ભૂખ્યા છો ?' લોકારણ્ય સુનકાર છે. જનપદની જ્યોત ઠરી ગઈ છે. મસાણની શાંતિ છે.

ફળીમાં એક ખાટલો પડેલો તે ઢાળીને મહારાજ તો બેઠા. એવામાં એક પાટણવાડીઓ મરદ નીકળ્યો. એણે પૂછ્યું : "અરે, મહારાજ છે ! ચ્યમ ગોદડું નથી પાથર્યું ?"

"હું ગોદડું ભેગું નથી લાવ્યો ભાઈ !" મહારાજથી જરી દાઝમાં કહેવાઈ ગયું. "ક્યાં છે પેલો ખોડીઓ ?"

"એ તો ખબર નથી, મહારાજ."

"વારુ, કહેજે એને કે હું આવ્યો હતો."

બસ, એટલું જ પોતાનાથી કહી શકાયું. આપદા તો મોટી હતી, પણ એ તો અંદર છુપાવવાની હતી. ગોવાળ જાણે એક ધણછૂટા પ્રિય ઢોરને શોધતો હતો. એ ઢોર હરાયું ઢોર થઈ ગયું હતું. એને વાઘ–વરુ ક્યાંક ફાડી ખાશે તો ?

ગોવાળની બીક સાચી પડી. થોડા દહાડામાં જ એને ખબર પડી કે ખોડીઆને તો એક ભારાડી પાટીદાર ભેટ્યો અને એને ભંભેર્યો હતો કે, "ધોરી ટોપીવારાનો વિશ્વાસ કરીશ નહિ. તે કરતાં તો ચાલ....સાહેબની કને; હું તને માફી અલાવું." ....સાહેબ પોલીસના ઉચલા અધિકારી હતા. તેણે ખોડીઆને લઈ આવનાર એ પાટીદારને અઢાર રૂપિયાનો ફેંટો બંધાવ્યો હતો : અને ખોડીઆને નાહાપા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઈને મોટા સરપાવની લાલચ આપી હતી. પોલીસે પાંખમાં ઘાલેલ ખોડીઓ ફરી પાછો લૂંટે ચડ્યો હતો. એને રક્ષણ મળ્યું હતું.