મામેરૂં
પ્રેમાનંદ
૧૬૮૩


મામેરૂં.

કડવું ૧ લું.-રાગ આશાવરી.

શ્રીગુરુ ગણપતિ શારદા, હું સમરું સુખે સર્વદા;
મનમુદા કહું મામેરું, મહેતાતણુંરે.

ઢાળ.

મામેરું મહેતાતણું, પદબંધ કરવા આશ;
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જુનાગઢમાં વાસ.
ભાભીએ એક વચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘરતણો, મહેતો વન ગયા તપકાજ.
તે વનવિષે એક દેહેરું દીઠું, અપૂજ્ય શિવનું લિંગ;
નરસૈંયે તેની પૂજા કીધી, અંતરમાંહિ ઉમંગ.
ઉપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રીમહાદેવ;
કમળની પેરે લિંગ વિકાશ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
કર્પૂર ગૌર સ્વરુપ શોભા, ધર્યા ઉમયા ડાબે પાસ;
બિરાજે જટામાં જાહ્‌નવી, નિલવટ ચંદ્ર પ્રકાશ.
છે રુંઢમાળા સર્પભૂષણ, વાઘાંબર ગજ ચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શૃંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.
તવ નરસૈંયો જ‌ઇ પાયે લાગ્યો, ત્યારે મસ્તક મૂક્યો હાથ;
માગ્ય માગ્ય હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમયાનાથ.
મહેતો કહે મહાદેવજી, એક માગું છું સ્વામીન,
તમતણું દર્શન પામિયો, હવે વિષ્ણુનું દર્શન.
ધન્ય ધન્ય સાધુ શિવ કહે, તને ભક્તિની છે આશ;
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યાં, હરિ રમે છે રાસ.

વલણ.

રાસમંડળતણી રચના, લીલા શી વખાણે કવી;
નરસૈંયો કૃતારથ થયો, તે કૃપા શ્રીહરની હવી.