← કડવું ૧૦ મામેરૂં
કડવું ૧૧
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૧૨ →


કડવું ૧૧ મું. - રાગ મારુ.

મહેતે વજાડ્યો શંખ, સમર્યા વનમાળી;
લાગી હસવા ચારે વર્ણ, માંહોમાંહિ દેતાળી.
જુઓ મોસાળાના ઢંગ, વહેવાઇએ માંડ્યા;
નાગરના વહેવાર, એણે સર્વ છાંડ્યા.
છાપાં તિલક ને તાળ, જુઓ તુળશી માળા;
નરસૈયો કરશે નૃત્ય, ગાશે ટોપીવાળા.
જોવા મળી નાગરી નાત્ય, બહુ ટોળેટોળાં;
મુખ મરડી કરે વાત, આપશે ઘરચોળાં.
બહુ નહાની મોટી નાર, મંડપમાં જ મળી;
કરે વાંકી છાની વાત, સાકરપેં જ ગળી.
મહેતાને કરે જેશ્રીકૃષ્ણ, હશી પરું જોતી;
મુખ ઉપર લળકે સાર, વેસરનાં મોતી.
સજ્યા સોલ શણગાર, ચરણા ને ચોળી;
જોબન મદભરી નાર, કરે બહુ ઠંઠોળી.
માળા મોતી હાર, ઊરપર લળકે છે;
જડાવ ચૂડો હાથ, કંકણ ખળકે છે.
સમી રહી ઓઢે ચીર, શણગટ વાળે છે;
અણિયાળાં લોચંન, કટાક્ષે ભાળે છે.
છૂટે અંબોડે નાર, વેણી લાંબી છે;
ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી છે.
કેસર તિલક વિશાળ, ભાલે કીધાં છે;
કોઇએ નહાનાં બાળ, કેડે લીધાં છે
કોઇએ જોવા ઠાલી છાબ, અબળા ઉઠે છે;
કોઇ વહુવાર લજવાળ, નણદી પુંઠે છે.

કો શીખવી બોલાવે બાળ, વારી રાખે છે;
કો વાંકા બોલી નાર, વાંકું ભાખે છે.
એવાં કૌતક અનેક, સહુકો દેખે છે.
સહેજે બોલે અન્યાય, હરિને લેખે છે.
બાઈ કુંવર વહુનો બાપ, કરશે મામેરું;
લઇશ પટોળી સાર, સાડી નહિ પહેરું.
વૈષ્ણવને શી ખોટ, કોટે માળા છે;
વહેવારિયા દશ વીશ, ટોપીવાળા છે.
કુંવર વહુ ધન્ય ધન્ય, પિયર પનોતી છે;
બાપે વગાડ્યો શંખ, સાદર પોતી છે.
વાંકા બોલા વિપ્ર, બોલે ઉપહાસે;
મોકો છાબમાં પહાણ, વાયે ઉડી જાશે.
મૂક્યો દીકરીએ નિઃશ્વાસ, આવી પિતા પાસે;
મહેતે કીધી સાન, રહેજે વિશ્વાસે.

વલણ
વિશ્વાસ રાખો દીકરી, કરમાં લીધી તાળરે;
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળરે.