← કડવું ૧૫ મામેરૂં
કડવું ૧૬
પ્રેમાનંદ
૧૬૮૩


કડવું ૧૬ મું. - રાગ ધનાશ્રી

કોડ પહોંત્યા કુંવર વહુના, ભાગ્યું ભવનું મહેણુંજી;
મનવાંછિત પહેરામણી પામ્યાં, જેને જેવું લેણુંજી.
નાગરી નાત્ય કુટુંબ પાડોશી, ચાકર કોળી માળીજી;
પહેરામણી સહુકોને પહોંતી, વાચા પ્રભુએ પાળીજી.
સોળે શણગાર કુંવરબાઇને, આપી દીધું માનજી;
કનક પહાણ બે છાબમાં મૂક્યા, હરિ થયા અંતર્ધ્યાનજી.
સભા સહુકો વિસ્મય પામી, અલૌકિક શેઠ શેઠાણીજી;
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણીજી.
કુંવરબાઇની નણદી આવી, બડબડતી મુખ મોડેજી;
પહેરામણી કોઇને નવ પહોંતી, વેવાઇને અવખોડેજી.
પહેરામણિ પર નાતિ પામ્યાં, ઘરનાં માણસ ગયાં ભૂલીજી;
એક કટકો કપડું નવ પામી, પુત્રી મારી ફુલફુલીજી.
મને આપ્યું તે લ્યો ભાભી પાછું, રાખડી બંધામણજી;
નામ મહેતો પણ નોહે નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણજી.
કુંવરબાઇ પિતા કને આવી, તાત હવે શું થાશેજી;
આટલું ખરચતે મેણું રહ્યું તે, હવે ક્યમ કરી જીવાશેજી.
વિસરી દીકરી નણદી કેરી, નાનબાઇ તેનું નામજી;
છ મહિનાની છે તે છોકરી, એક કાપડાનું કામજી.
મહેતા કહે પુત્રી મારી, સમરો શ્રીગોપાળજી;
એક તાંતણો મુજથી ન પામો, બેઠો વજાડું તાળજી.
ફરી ધ્યાન ધર્યું માધવનું, ત્રિકમ રાખજો ટેકજી;
પંચરંગી ત્યાં કાપડું સુંદર, આકાશથી પડ્યું એકજી.
નણદી સંતોકી કુંવર બાઇની, મહેતાજી માગે વિદાયજી;
સહસ્ત્ર મહોર સોનાના પહાણા, મૂક્યા તે છાબમાંયજી.
નાગર લોક સહુ પાયે લાગે, પ્રજા કરે વખાણજી;
નાગરી નાત્યે મોટો નરસિંહ, માથે સારંગપાણજી.

ધન્ય મહેતાજી તમ સમોવડ, આ કલિયુગમાં નોયજી;
નાગરી નાત્યનો મહિમા રાખ્યો, ઉજળું કિધું સહુ કોયજી.
અમને તો વિશ્વાસ નોતો જે, મહેતો કરે મામેરુંજી;
સર્વની લજ્જા પ્રભુએ રાખી, મેણું ટાળ્યું ભવ કેરુંજી.
પછે મહેતાજી વિદાય માગે, બોલે બેઉ કર ઓડીજી .
કુંવરબાઇનો વોળાવો, વેલ્ય આણી છે જોડીજી.
પછે કુંવરબાઈ વેલે બેસી, જુનેગઢ તે જાયજી;
સહુકો વોળાવી પાછાં વળિયાં, ધન્ય ધન્ય વૈકુંઠરાયજી.
વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામજી;
ચાતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદજી નામજી.
સંવત સત્તર ઓગણચાલો, આસો શુદિ નવમી રવિવારજી;
પૂરાણ ગ્રંથ થયો તે દિવસે, યથા બુદ્ધિ વિસ્તારજી.
પ્રીતે કરી જે ગાય સાંભળે, દારિદ્ર્ય તેનું જાયજી;
એવું જાણી ભક્તિ કરે તેને, સન્મુખ વૈકુંઠરાયજી.

વલણ.
વૈકુંઠ સન્મુખ હોય, જો નિર્મળ મને સાંભળે;
ભટ પ્રેમાનંદ કહે કથા, તેને માધવજી નિશ્ચે મળે.


મામેરું સંપૂર્ણ.