← કડવું ૭ મામેરૂં
કડવું ૮
પ્રેમાનંદ
૧૬૮૩
કડવું ૯ →


કડવું ૮ મું - રાગ ગોડી.

જોજો રે કૌતુક કલિજુગનાં, વૈષ્ણવ ચેષ્ટા થાયરે;
વાંકા બોલી નાત નાગરી, સહેજે બોલે અન્યાયરે. કૌતુક. ટેક.

ભોજન કરવા મહેતાજી તેડ્યા, સાથે બહુ વેરાગીરે;
ટોળે મળે સહુ નાત નાગરી, જોઇ જોઇ હસવા લાગીરે. કૌતક.
ચીર્યાં તિલક તુળસીની માળા, છાપાં અંગ બિરાજે રે;
વેવાઇનાં રૂપ જુઓરે બાઇઓ, કોટિક કંદર્પ લાજેરે. કૌતક.
મલાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાદરે;
પ્રસાદ કરતાં થાળ ગાશે, જમશે જાદવનાથરે. કૌતક.
સ્નાન કરી સઉ નાગર બેઠા, જેને જેશું મળતુંરે;
મહેતાજીને નહાવા અર્થે, જળ મેલ્યું કળકળતું રે. કૌતક.
જેમ તેલ કઢા તાતી ઉકાળી, સુધનવાને તળાવરે;
તેમ વેવાણે જળ ઉકાળ્યું, મહેતાજીને છળવારે. કૌતક.
ઉષ્ણોદક ઉનું દેખીને મહેતે, માગ્યું ટાઢું પાણીરે;
મર્મ વચન મુખ મરડીને બોલી, કુંવર બાઇની જેઠાણી. કૌતક.
માગ્યા મેહ વરસે મહેતાજી, તો અમ પાસે શું માગોરે;
બાજઠે બેઠાં તાળ મંગાવી, બોલ હૃદેમાં વાગ્યો. કૌતક.
સ્મરણ કીધું શ્યામળિયાનું, આલાપ્યો રાગ મલારરે;
નાગર લોક જોવાને મલિયા, બોલે વ્યંગ ઉચ્ચાર. કૌતક.