મારા નીરખીને નેણાં લોભાણાં રે

મારા નીરખીને નેણાં લોભાણાં રે
પ્રેમાનંદ સ્વામી



મારા નીરખીને નેણાં લોભાણાં રે

મારા નીરખીને નેણાં લોભાણાં રે,
છેલા છોગાળાં;
અમે હરિવરને હાથે વેચાણાં રે,
વ્હાલો લાગે મરમાળા... ટેક
હે... સોને હિંડોળો મારો શ્યામ બિરાજે,
ઝૂલે હરિ જમુના તીરે;
રેશમ દોરી લઈ રંગભીની રાધા,
ઝુલાવે ધીરે ધીરે... ૧
હે... કોઈ નાચે ને કોઈ મૃદંગ બજાવે,
કોઈ સખી રાગ આલાપે;
કોઈ અલબેલી મારા હરિના મુખમાં,
(પાન) બીડી બનાવી આપે... ૨
હે... વ્રજવનિતા વિઠ્ઠલસંગ વિલસે,
પિયુને પ્રેમે ઝુલાવે;
પ્રેમાનંદ નાથને નીરખી,
તનના તાપ શમાવે... ૩