મારે ઘેર આવજે માવા
લોકગીત



મારે ઘેર આવજે માવા

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

બાજરી કેરું ઢેબરું કરું ને
તળતાં મૂકું તેલ
આથણું પાપડ કાચરી ને
ઉપર દહીંનું દડબું છેલ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

મારે આંગણ વાડિયું માવા
ચોખલિયાળી ભાત
ઊનો ઊનો પોંક પાડું ને
આપું સાકર સાથ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

હરિ બંધાવું હીંચકો ને
હીરલા દોરી હાથ
હળવે હળવે હીંચકો નાખું
તમે પોઢો દીનાનાથ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા