મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : હાથબેડી

← અનુભવ ત્રીજો : ડિરેક્ટરની મુલાકાત મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો  : હાથબેડી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : સહન કરવામાં સાર છે →


હાથબેડી.

શરૂઆતની જે વર્તણુંક હતી તે ઉપરથી જે વિચારો મને થયા તેમાં વળી નીચેના બનાવથી ટેકો મળ્યો. ચારેક દિવસ પછી મિસિસ પિલેના કેસમાં મને સાક્ષી-સમન્સ મળ્યો. તેથી મને કોરટમાં લઈ ગયા. તે વેળા હાથમાં હાથકડી પહેરાવી, વળી દારોગાએ તે ચપોચપ ચઢાવી. આ તો અજાણતાં કરેલું એમ હું માનું છું. વડો દારોગો જોઈ ગયો. તેની પાસેથી મેં પરવાનગી મેળવી હતી કે મારે એક ચોપડી વાંચવા સાથે લઈ જવી. તેના મનમાં હશે કે બેડીથી હું શરમાતો હોઈશ તેથી મજકુર ચોપડી તેણે મારા બન્ને હાથમાં પકડવાનું કહ્યું, કે જેથી બેડી દેખાય નહિ. આથી મને તો હસવુંજ આવ્યું. બેડીમાં હું પોતે માન સમજ્યો. જે ચોપડી મેં લીધી હતી તે અનાયાસેજ એ હતી કે જેનું નામ ગુજરાતીમાં ("The kingdom of God is within you " by Tolstoy ) " ખુદાનો દરબાર તારા અંતરમાં છે " એ પ્રમાણે થાય. મેં મનમાં વિચાર્યું કે આ પણ ભારે યોગ બન્યો છે. બહારથી હું ગમે તેવો ભીડમાં મૂકાઉં પણ જો ખુદાને મારા અંતરમાં વસવા જેવો થઈને રહું તો પછી મારે બીજી શી પરવા હોય ? આ પ્રમાણે મને ચલાવીને લઈ ગયા હતા. વળતાં જેલનો ખટારો આવ્યો હતો. હું જવાનો છું એ ખબર હિન્દીઓમાં હોવી જોઈએ, તે ઉપરથી કેટલાક હિન્દી કોર્ટ આગળ ઉભા હતા. તેમાંથી મિ૦ ત્ર્યંબકલાલ વ્યાસ મને મિસિસ પિલેના વકીલ મારફતે મળી શક્યા હતા.

એક બીજી વેળા પણ મને કોર્ટે લઈ ગયેલા ત્યારે પણ હાથકડી પહેરાવેલી. જતાં આવતાં બન્ને વખતે ખટારો હતો.