મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : અંત

← અનુભવ પહેલો : ધર્મનો અભ્યાસ મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : અંત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : પ્રસ્તાવના →


અંત.

ઘણું ખરું જે જાણવા જેવું હતું તેનો સમાવેશ ઉપરનામાં થઈ જાય છે. કેદમાં કાફરાઓની સાથે હિન્દીની ગણત્રી થાય છે. તેને વિષે વધારે વિચાર કરવો ઘટે છે. ગોરા કેદીઓને સૂવાને ખાટલી મળે છે. દાંત સાફ કરવાને દાતણ, તથા નાક, મોઢું સાફ કરવાને ટુવાલ ઉપરાંત રૂમાલ મળે છે. આ બધું હિન્દી કેદીને કેમ ન મળે તે તપાસવા જેવું છે.

આવી બાબતમાં આપણે ક્યાં પડીએ એમ કોઇએ ધારવાનું નથી. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત પ્રમાણે ઝીણી બાબતોની વડેજ આપણું માન વધે અથવા જાય. જેનું માન નથી તેનો ધર્મ નથી એવું આપણે અરબી જ્ઞાનના પુસ્તકમાં વાંચી ગયા. પ્રજાઓ મોટી થઈ છે તે ધીમે ધીમે પોતાનું માન જાળવીને થ‌ઇ છે. માન એટલે ઉછાંછળાપણું નહિ, પણ ડરથી કે આળસથી જે આપણને ઘટે છે તે જવા નહિ દેવું એવી મનની સ્થિતિ, અને તે પ્રમાણેનું આચરણ એ ખરૂં માન છે. આવું માન તેજ માણસ જોઈ શકે છે, કે જેનો ખરો વિશ્વાસ-આધાર ખુદા-ઇશ્વર ઉપર છે. મારો ચોકસ અભિપ્રાય છે કે હરકોઈ કાર્યમાં ખરૂં જાણવું ને ખરૂં કરવું એવો ગુણ જે માણસને ખરી શ્રદ્ધા નથી તેને હોઈ શકતો નથી.