મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : ખોરાક

← અનુભવ પહેલો : કેદીઓમાં વધારો મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : કેદીઓમાં વધારો
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : દરદીઓ →


ખોરાક.

ખોરાકનો સવાલ ઘણા માણસોને ઘણી સ્થિતિએ વિચારવા જેવો હોય છે. પણ કેદીઓને તે સવાલ ઘણો જ વધારે વિચારવાનો રહે છે. તેઓનો ઘણો આધાર સારા ખોરાક પર રહે છે. ખોરાક સંબંધમાં એવો ધારો છે કે જેલમાં જે મળે તે જ લેવાય, તથા બીજી જગ્યાએથી ન જ લેવાય. સોલજરોને જે ખોરાક મળે તે લેવો પડે છે, પણ સોલજર અને કેદીમાં ઘણો ફરક છે. સોલજરને બીજો ખોરાક તેના ભાઈબંધો મોકલી શકે છે, અને તે લે છે. કેદીને તો બીજો ખોરાક લેવાની બંધી જ છે. રોટીની સાથે ચા અથવા ઘી કે બીજી કંઈ વસ્તુની જરૂર માગી ત્યારે તેણે કહ્યું કે " આ તો તમે સ્વાદ કરવા માંગો છો, જેલમાં તે ન હોય."

હવે આપણે જેલનો ખોરાક વિચારીએ. જેલના ધારા મુજબ પહેલે અઠવાડીએ નીચે મુજબ ખોરાક હિન્દીને મળે છે:

સવારના ૧૨ ઔંસ મકાઈના આટાનું પૂપૂ, શકર કે ધી વિના

બપોરે ૪ ઔંસ ચાવલ, ને એક ઔંસ ઘી

સાંજના ચાર દિવસ બાર ઔંસ મકાઈના આટાનું પૂપૂ, ત્રણ દિવસ બાર ઔંસ બાફેલા બીનીસ (વાલ) અને નિમક.

આ ખોરાક તો કાફરોને અપાય છે તેની ઉપરથી ઘડેલો છે, ફરક માત્ર એ છે કે કાફરોને કચરેલી મકાઈ તથા ચરબી સાંજે આપવામાં આવે છે તેને બદલે હિન્દીને ચાવલ મળે.

બીજે અઠવાડીયે અને ત્યાર પછી હંમેશને સારૂ મકાઈના આટાની સાથે બે દિવસ બીજી તરકારીએ જેવીકે કોબેજ, કોળું વિગેરે આપવામાં આવે છે. જેઓ ગોસ્ત ખાય તેને બીજે અઠવાડીએથી આતવારને દહાડે તરકારીની સાથે ગોસ્ત પણ આપવામાં આવે છે. જે કેદીઓ પહેલા પહોંચ્યા હતા તેમણે વિચાર કર્યો હતો, કે સરકારની પાસેથી કંઇ મહેરબાની ન માંગવી, અને જે ખોરાક આપે ને ખપે તેવો હોય તેથી ચલાવી લેવું. હકીકત જોતાં ઉપરનો ખોરાક હિન્દીને સારૂં બરાબર ન કહેવાય. વૈદકના નિયમ પ્રમાણે ઉપરના ખોરાકમાં પણ પોષણ થઈ શકે છે. ખોરાકની અગવડ એ કેદની એક મોટી નિશાની છે. વાતચિત પણ જોઈશું તો જેલના સત્તાવાળા કહેશે કે કેદમાં સ્વાદ તો હોયજ નહિ. સ્વાદની વસ્તુ કેદમાં નહિ આપીએ. જ્યારે જેલના ડાક્ટરની સાથે મારે વાતચિત થઇ ત્યારે તેને મેં કહ્યું કે કાફરોનો તો મકાઈ હમ્મેશનો ખોરાક છે એટલે તેઓને ઉપરનો ખોરાક ઘણો જ માફક આવે છે, અને તેથી તેઓ કેદમાં આવી પુષ્ટ બને છે. પણ હિન્દીને તો ચાવલ સિવાય કંઇજ વસ્તુ માફકસર ન ગણાય. મકાઈનો આટો ભાગ્યે જ હિન્દી ખાય છે. એકલા બીનીસ ખાવાની ટેવ આપણાને હોતી નથી અને ભાજીપાલો જેમ તે લોકો પકાવે તેમ ખાવાનું હિન્દીને પસંદ નહિ જ પડે. તેઓ ભાજીપાલા સાફ નથી કરતા, ને તેમાં મસાલો પણ નથી નાંખતા. વળી જે શાક કાફરોએને સારૂં બને છે તે ગોરાઓને સારૂં બનેલા શાકની છાલ અથવા છોડાં ઘણે ભાગે હોય છે. મસાલામાં નિમક સિવાય બીજું કંઈજ નથી આપવામાં આવતું. ચીનીનું તો નામ જ ન હોય. એટલે ખોરાકની વાત બધાને અઘરી લાગી. છતાં અમે નિશ્ચય કર્યો, કે સત્યાગ્રહી તે જેલવાળાની પાસે કરગરવા નહિ જાય તેમ તેઓની મહેરબાની પણ નહિ માંગે. તેથી તેથી અમે ઉપરના ખોરાકથી સંતોષ માન્યો.

ગવર્નરે અમને પૂછપરછ કરેલી તેના જવાબમાં તેને કહ્યું કે" ખોરાક બરાબર નથી. પણ સરકારની પાસેથી અમે કંઈ મહેરબાની નથી માગતા, જો સરકારને જ સૂઝે ને ફેરફાર કરે તો ઠીક જ છે. નહિ તો અમે જે ધારાસર ખોરાક મળે છે તેજ લઈશું."

આવી અટક લાંબી મુદ્દત નહિ ટકી. બીજા માણસો જ્યારે આવ્યા ત્યારે અમે બધાએ વિચાર કર્યો કે બીજાઓને ખોરાકના દુઃખમાં સાથી કરવા તે ઠીક નહિ કહેવાય. તેઓ જેલમાં આવ્યા તેજ બસ ગણાય. અને તેઓને ખાતર સરકારની પાસેથી જુદી માંગણી કરવી એ બરોબર છે. એવા વિચારથી ગવર્નર આગળે તે બાબતની વાતચિત કરવાનું શરૂ કરી દીધું. ગવર્નરને કહ્યું કે જો કે અમે ગમે તે ખોરાક લઈશું, તો પણ અમારા પછીના તેમ કરી નહિ શકે. ગવર્નરે તે બાબતે વિચાર કર્યો, ને જવાબ આપ્યો કે, "માત્ર ધર્મને ખાતર નોખી રસોઈ કરવાને હોય તો તે કરવાની રજા મળી શકશે. પણ ખોરાક તો જે અપાય છે તે જ મળશે. બીજો ખોરાક આપવો તે મારા હાથમાં નથી."

દરમિયાન ઉપર પ્રમાણે ચૌદ બીજા હિન્દી આવી પહોંચ્યા. તેઓમાંના કેટલાક તો પૂપૂ લેવાની ચોખ્ખી ના પાડીને ભૂખ વેઠવા લાગ્યા. તેથી હું જેલના ધારા વાંચી ગયો અને તેમાં મેં જોયું કે આવી બાબતની અરજી ડિરેક્ટર ઑફ પ્રિઝન (જેલ ખાતાના વડા) ને થઇ શકે, તેથી ગવર્નરની પાસે અરજી કરવાની પરવાનગી માંગીને નીચે પ્રમાણે અરજી મોકલી.

"અમે નીચે સહી કરનાર કેદીઓ અરજી કરીએ છીએ કે અરજદાર બધા અશિયાટીક છે અને કુલ એકવીસ કેદીઓ છે. તેમાંના અઢાર હિન્દી છે અને બાકીના ચીના છે.

અઢાર હિન્દીને પોતાના ખોરાકને સારૂં સવારે પૂપૂ મળે છે. બાકીનાને ખોરાકમાં ચાવલ તથા ઘી મળે છે. અને ત્રણ વખત બીનીસ તથા ચાર વખત પૂપૂ મળે છે. શનિવારને દહાડે બટેટા, અને રવિવારે લીલોતરી આપવામાં આવ્યાં હતાં. ધાર્મિક કારણને લીધે અમે કોઈ ગોસ્ત ખાઈ શકતા નથી. કેટલાકને બિલ્કુલ ગોસ્ત ખાવાની બંધી છે. અને કેટલાક હલાલ ગોસ્ત નહિં હોવાથી ખાઈ શકતા નથી.

ચીનાઓને ચાવલને બદલે મકાઈ મળે છે. બધા અરજ દારને ઘણે ભાગે યૂરોપિયનોનો ખોરાક ખાવાની ટેવ છે, અને તેઓ રોટી તથા આટાની બીજી વસ્તુ ખાય છે.

અમારામાંના કોઈને પૂપૂ ખાવાની બિલ્કુલ ટેવ નથી, તેથી કેટલાકને અજીરણ થઈ આવ્યું છે.

અમારામાંના સાત જણે તો બિલ્કુલ સવારનો ખોરાક લીધોજ નથી. માત્ર કોઈ વખત કેટલાક ચીની કેદીને રોટી મળતી હતી, તેમાંથી તેઓએ દયા ખાઈ એક બે ટુકડા આપેલા તે ખાધેલા હતા. આ હકીકત અમે ગવર્નર આગળ રજૂ કરી ત્યારે ગવર્નરે જણાવ્યું કે તમે ચીનાઓની પાસેથી રોટી લીધી તે ગુન્હો કર્યો કહેવાય.

અમારી સમજ પ્રમાણે ઉપરનો ખોરાક એ તદ્દન અણઘટતો છે.

તેથી અમે તમને અરજ કરીએ છીએ કે યૂરોપિયન ધારા પ્રમાણે પૂપૂ છોડીને અમને ખોરાક મળવો જોઈએ; કે જેથી કરીને અમારો નિભાવ ઇ શકે. જે ખોરાક અમને મળે તે ખોરાક અમને પડેલી ટેવ અને અમારા રીતરિવાજને અનુસરતો હોવો જોઈએ.

આ કામ ઘણું ઉતાવળનું છે, તેથી અરજદારો અરજ ગુજારે છે કે, જવાબ અમને તારથી મળવો જોઈએ."

ઉપર પ્રમાણે અરજીમાં અમે એકવીસ માણસે સહી કરેલી. સહી થયા બાદ અરજી જતી હતી તેવામાં બીજા ૭૬ હિંદીઓ આવ્યા. તેઓને પણ પૂપૂ તરફ તિરસ્કર હતો, તેથી અરજી નીચે એક કલમ નાંખી કે ૭૬ માણસો આવ્યા છે, અને તેઓને પણ ઉપરની હરકત નડે છે, તેથી તુરત બંદોબસ્ત થવો જોઈએ. આ અરજી તારથી મોકલવા મેં ગવર્નરને વિનંતિ કરી, તેથી તેણે ટેલિફોનથી ડિરેક્ટરની પરવાનગી માંગીને તુરત પૂપૂને બદલે ચાર ઔંસ રોટીનો હુકમ કર્યો. લોકો બધા બહુ રાજી થયા. એટલે સવારના ૨૨ મી તારીખથી અમને ચાર ઔંસ રોટી મળતી. સાંજના આઠ ઔંસ એટલે અરધી રોટીનો હુકમ હતો. આ બન્દોબસ્ત માત્ર બીજો હુકમ થતાં સુધીને સારૂં જ હતો. ગવર્નરે આ સવાલને સારૂં કમિટી બેસાડી હતી. અને છેવટે આટો, ઘી, ચાવલ, તથા દાળ, એમ આપવાની વાત ચાલી રહી હતી. તેવામાં અમારો છૂટકારો થયો એટલે વિશેષ કાંઈ થયું નહિ.

પ્રથમ જ્યારે અમે આઠ જ હતા ત્યારે અમે કોઈ રાંધતા નહિ. ચાવલ ઠીક નહિ બનતા, ને જ્યારે લીલોતરીની વારી આવતી ત્યારે લીલોતરી ઘણીજ ખરાબ રંધાતી. તેથી અમે રાંધવાની પણ પરવાનગી મેળવી. પહેલે દહાડે મિ. કડવા રસોઈ કરવા જતા. ત્યાર બાદ મિ. થંબી નાયડુ તથા મિ. જીવણ બે રસોઈ કરવા જતા. તેઓએ છેલ્લા દહાડાઓમાં રોજ દોઢસો માણસ જેટલાની રસોઈ કરેલી. રસોઈ કરવા એક વખત જવું પડતું. અઠવાડીઆમાં બે વખત લીલોતરીની વારી આવતી. ત્યારે રોજ બે વખત જવું પડતું. મિ. થમ્બી નાયડુની મહેનત ઘણી સરસ હતી. બધાઓને વહેંચી આપવાનું કામ મારા હાથમાં હતું.

ઉપરની અરજીમાં વાંચનાર જોઈ શકશે કે ઢબ એવી આપી છે કે ખાસ અમારે જ જૂદો ખોરાક જોઈએ છીએ એમ નથી. પણ હિન્દી માત્રને સારૂ ફેરફાર થવો જોઈએ. ગવર્નરની સાથે વાત પણ એવાજ પ્રકારની થતી હતી. અને ગવર્નરે કબૂલ કરેલું. હજુ ઉમેદ રાખી શકાય છે કે જેલમાં હિન્દી કેદીના ખોરાકનો સુધારો થઈ શકશે.

વળી ચીનાઓ ત્રણને જ અમારાથી જુદો ખોરાક ચાવલને બદલે મળતો તેથી કચવાટ રહેતો. ચીનાઓને અમારાથી નોખા તથા હલકા ગણ્યા એમ આભાસ આવતો, તેથી તેઓની વતી મેં ગવર્નરને તથા મિ. પ્લેફર્ડને અરજી કરેલી અને છેવટે હુકમ મળ્યો કે ચીનાઓને હિન્દી જેવો જ ખોરાક આપવો.

ખોરાક વિષે વિચાર કરતાં યૂરોપિયનોને શું મળે છે તેની સરખામણી કરવા જેવું છે. તેઓને સવારે નાસ્તામાં પૂપૂ તથા રોટી આઠ ઔંસ મળે છે. ખાણામાં પણ હમ્મેશા રોટીને સૂપ, અથવ રોટીને ગોસ્ત તથા પટેટા અથવા લીલોતરી. તથા સાંજે હમ્મેશા રોટી તથા પૂપૂ. એટલે યૂરોપિયનને રોટી ત્રણ વખત મળે તેથી પૂપૂ હોય યા ના હોય તેની દરકાર ન રહી. વળી ગોસ્ત અથવા સૂપ હમેંશા મળે એટલે તે પણ તેને વધારામાં થયું. આ સિવાય ઘણી વેળા તેઓને ચા અથવા કોકો પણ મળે છે. આ જોતાં કાફરાઓને પોતાને રૂચતો, અને યુરોપિયનોને તેઓને રૂચતો ખોરાક મળ્યો. હિન્દી બાપડા અધર લટક્યા. તેઓને પોતાનો ખોરાક નહિ. યૂરોપિયનનો ખોરાક અપાય તો ગોરાઓ લજવાય. હિન્દીનો પોતાનો ખોરાક શું છે તેનો વિચાર શા સારૂં કરે ? એટલે તેઓને કાફરાઓની હારમાં મૂકામ રીબાવુંજ રહ્યું.

આનું અંધેર આજલગી નભી રહ્યું છે, તેમાં આપણા સત્યાગ્રહની હું ખામી ગણું છું. એક રકમના હિન્દી કેદી ચોરીથી બીજો જોઈતો ખોરાક મંગાવીને ખાય, એટલે તેને ખોરાક બાબત ઇજા ભોગવવી પડે નહિ. બીજી રકમના હિન્દી કેદી- તે જે ખોરાક મળે તે ખાઈ શક, અને પોતાની ઉપર પડેલા દુઃખની કહાણી કહેતા શરમાય, અથવા તો બીજાને સારૂં કંઈ ચિંતા રાખે. તેથી બહારના અંધારામાં રહે. જો આપણે સત્યને વળગી રહીએ અને જ્યાં અન્યાય થાય ત્યાં ઉકળી રહીએએ તો આવી ઇજા ઉપાડવી પડે જ નહિ. આમ સ્વાર્થ છોડી પરમાર્થ ઉપર નજર રહે તો દરદના ઇલાજો તુરત મળી રહે છે.

પણ જેમ આવી જાતની ઇજાના ઇલાજ કરવાની જરૂર છે, તેમ બીજો વિચાર કરવાનીએ જરૂર છે. કેદી હોઇને કેટલાં સંકટ સહન કરવા ઘટે છે. જો કંઈ ઈજા ન હોય, તો કેદી શાના? જેઓ પોતાના મનને મારી શકે છે તેઓ ઇજામાંજ સુખ માની જેલમાં લહેર કરી શકે છે. છતાં ઇજા છે તે વાત તેઓ ભૂલતાં નથી. તેઓએ બીજાને ખાતા ભૂલવું પણ ન જોઇએ. વળી આપણે આપણા બધા રિવાજો એવી હઠથી પકડી રાખીએ છીએ કે તેમાં કંઈ ફેરફાર થવાની જરૂર છે. "દેશ તેવો વેશ" એ કહેવત જગજાહેર છે. આપણે દક્ષિણ આફ્રિકામાં રહી અહિંનો સારો ખોરાક હોય તેની ટેવ પાડવી જોઈએ, પૂપૂ એ ઘઉંની જેમ સારો સાદો અને સોંઘો ખોરાક છે. તેમાં સ્વાદ નથી એમ પણ નહિ કહેવાય. કેટલીક વેળા ઘઉંથી પૂપૂ ચઢી જાય છે. વળી મારા વિચાર પ્રમાણે તો જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશના માનને ખાતર તેની જમીનમાં પેદા થતો હોય તે ખોરાક, જો ખરાબ ન હોય તો, લેવો ઘટે છે. ઘણા ગોરાઓ પોતાને પસંદ છે તેથી પૂપૂ હમેંશા સવારે ખાય છે. તેની સાથે દૂધ અથવા શકર અથવા ઘી લેવાથી સ્વાદિષ્ટ બને છે. એટલે આવાં કારણોને લઈને, તેમ જ આપણે હજુ ફરી જેલમાં ઘણી વખત જવું પડશે, તેથી પણ પૂપૂ ખાવાની આદત દરેક હિન્દીઓએ પાડવાની જરૂર છે; એમ આપણે કરશું તો જ્યારે પૂપૂ માત્ર નિમક સાથે ખાવાનો વખત આવશે ત્યારે બહુ કફોડું નહીં જણાય. આપણી કેટલીક આદતો દેશના ભલાને સારૂ આપણે છોડ્યા વિના છૂટકો જ નથી. જેજે પ્રજાઓ આગળ વધી છે તે તે પ્રજાએ જેમાં મુદ્દાની વાત નથી તેમાં જતું કર્યું છે. મુક્તિ ફોજવાળા તો જે દેશમાં જાય તે દેશના ખરાબ ન હોય તેવા રિવાજો, પોશાક વિગેરે ધારણ કરી લોકોના મન હરી લે છે.