મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : મુલાકાત

← અનુભવ પહેલો : કવાયત મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : મુલાકાત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : ધર્મનો અભ્યાસ →


મુલાકાત.

જેલમાં અમને મળવાને કેટલાક અંગ્રેજો આવતા. સાધારણ નિયમ એવો હતો કે એક મહિનાથી અન્દર કોઇપણ કેદીની મુલાકાતે કોઈ આવી શકે નહિ. ત્યાર પછી દર માસે એક રવિવારે એક જણને મળવાની છૂટ આપવામાં આવે છે. એવા ફેરફારનો લાભ મિ. ફિલિપ્સે લીધો. અમે જેલમાં પહોંચ્યા તેને બીજે જ દહાડે મિ. ફોરટૂન જે ખ્રીસ્તી ચીના છે તેને કેદમાં મળવા સારૂં મિ. ફિલિપ્સે પરવાનગી મેળવી. અને તે તેને મળી. મિ. ફોરટુનને મળતાં તેઓ સાહેબ અમને બીજા કેદીઓને પણ મળ્યા. અમને બધાંને હિમ્મતનાં વેણ સંભળાવ્યા. ને પછી તેમના રિવાજ પ્રમાણે ખુદાની બંદગી કરી. મિ. ફિલિપ્સ આમ ત્રણ વખત મળી ગયેલા. તેજ મુજબ મિ. ડેવિસ કરીને બીજા પાદરી છે તે પણ મળી ગયા.

મિ. પોલાક તથા મિ. કોઅન ખાસ રજા મેળવીને એક વખત મળવા આવ્યા હતા. તેને તો માત્ર ઑફિસના કામ બાબત આવવાની પરવાનગી હતી. આમ જેઓ મળવા આવે તેની સાથે હંમેશાં દારોગો હોય છે ને જે વાત થાય તે તેની સમક્ષ જ કરી શકાય.

મિ. કોર્ટરાઇટ "ટ્રાંસ્વાલ લીડર"ના અધિપતિ ખાસ પરવાનગી મેળવી ત્રણ વખત મળી ગયા. તેઓ સાહેબ સુલેહ કરાવવાના હેતુથી જ આવતા, એટલે તેને ખાનગીમાં (દારોગાની ગેરહાજરીમાં) મળવાની પરવાનગી હતી. હિન્દી કોમ શું કબૂલ કરશે? એનો વિચાર તેઓ સાહેબ પહેલી મુકાતે કરી ગયા હતા. બીજી મુલાકાતે તેમણે તથ બીજા અંગ્રેજ આગેવાનોએ ઘડેલા કાગળ લઈને તેઓ આવ્યા. તે કાગળમાં કેટલાક ફેરફાર કર્યા પછી મિ. ક્વીને, મિ. નાયડુએ તથા મેં સહી કરી. આ કાગળ અને સમાધાની વિષે "ઓપિનિયન"માં બીજી જગ્યાએ બહુ લખાઇ ગયું છે, એટલે અહિં વધારે લખવાની જરૂર નથી.

ચીફ માજીસ્ટ્રેટ મિ. પ્લેફર્ડ પણ એક વખત મળવા આવેલા, તેને તો હંમેશાં મળવાનો હક્ક છે; અને તે કાંઈ ખાસ અમને જ મળવા આવેલા એમ ન ગણાય છતાં અમે બધા કેદમાં હતા તેથી ખસૂસ વખત રોકી આવેલા એમ કહેવાય છે.