મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : વાંચન
← અનુભવ પહેલો : જગાની તંગી | મારો જેલનો અનુભવ અનુભવ પહેલો : વાંચન મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ પહેલો : કવાયત → |
વાંચન.
હું અગાઉ જણાવી ગયો છું કે જેલમાં અમને ટેબલ મળવાની ગવર્નરે રજા આપી હતી. સાથે ખડીયો, કલમ વિગેરે પણ આપ્યાં હતાં. જેલને લગતી લાયબ્રેરી છે, તેમાંથી કેદીઓને ચોપડીઓ મળે છે, તેમાંથી મેં કાર્લાઈલનાં પુસ્તક તથા બાઈબલ લીધાં હતાં. ચીનો ઇન્ટરપ્રીટર આવતો તેની આગળથી અંગ્રેજી કુરાનેશરીફ, હક્ષ્લીનાં ભાષણો, બર્ન્સ, જોન્સન અને સ્કૉટની જીંદગીનાં કાર્લાઈલે લખેલા વૃતાંત તથા બૅકનના નીતિ વિષેના નિબંધો એટલાં પુસ્તક લીધાં હતાં. મારી પોતાની ચોપડીમાંથી મણીલાલ નટુભાઈની ટીકાવાળું ગીતાજીનું પુસ્તક, તામીલ પુસ્તકો, મોલવી સાહેબે આપેલ ઉર્દૂ કિતાબ, ટૉલ્સ્ટોયનાં લખાણ, રસ્કીન તથા સોક્રેટિસનાં લખાણ એવાં પુસ્તકો હતાં. આમાંના ઘણાંખરાં પુસ્તકો જેલમાં મેં વાંચ્યા અથવા ફરી વાંચ્યા. તામીલ અભ્યાસ નિયમસર કરતો હતો. સવારમાં ગીતાજી, ને બપોરે ઘણે ભાગે કુરાન શરીફમાંથી વાંચતો. સાંજે મિ. ફોરટૂનને બાઈબલ શીખવતો. મિ. ફોર્ટ્નને પોતે ચિનાઈ ખ્રિસ્તી છે. તેનો અંગ્રેજી ભણવાનો ઇરાદો થયો. તેને બાઇબલ વાટે અંગ્રેજી શીખવતો. બે માસ પૂરી કેદ ભોગવવાનું બન્યું હત તો કાર્લાઇલના એક પુસ્તકનો ને રસ્કીનના પુસ્તકનો તરજુમો પૂરો કરવાની ઉમેદ હતી. માનું છું કે ઉપરનાં પુસ્તકોમાં હું ગિરફતાર રહી શકતો હતો. તેથી મને બે માસ સુધી વધારે જેલ મળત તોપણ હું તૃપ્ત નહિ થાત, એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં હું ઉપયોગી વધારો કરી શકત. એટલે સમૂળગો સુખચેનમાં રહેત. વળી માનું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે.
મારા સિવાય જેલી ભાઇબંધોમાં વાંચનારા મિ. સિ. એમ. પિલે, મિ. નાયડુ તથા ચીનાઓ હતા. બંને નાયડુએ ગુજરાતી શીખવાનું શરૂ કર્યું હતું. છેવટના ભાગમાં કેટલીક ગુજરાતી ગાયનોની ચોપડી આવી હતી. તે ઘણાજણ વાંચતા હતા, પણ આને હું વાંચન ગણતો નથી.