મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કેદ

← અનુભવ બીજો : પ્રસ્તાવના મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : કેદ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા →


કેદ.

જ્યારે મિ.સોરાબજી જેલમાં ગયા ત્યારે મેં ઈચ્છેલું કે હું તેમની પાછળ પહોંચું તો ઠીક, અથવા તો તેમના છુટવા પહેલાં લડત પૂરી થાય. મારી આશા ભંગ થઇ. તેજ ઇચ્છા પાછી જ્યારે નાતાલના બહાદુર આગેવાનો જેલ ગયા ત્યારે પ્રબળ થઇ અને પાર પડી. ડરબનથી પાછો ફરતાં તા. ૭મી અક્ટોબરે મને વોક્સર્સ્ટ સ્ટેશન ઉપર પકડવામાં આવ્યો, કેમકે મારી પાસે મરજીયાત સર્ટીફીકેટ ન હતું, અને મેં આંગળાં આપવાની ના પાડી.

ડરબન જવાનો હેતુ નાતાલથી ભણેલા હિંદી તથા જેઓ ટ્રાન્સવાલના જૂના રહેવાસી હિંદી હતા તેમને લઇ આવવાનો હતો. ઉમેદ એવી હતી કે નાતાલના આગેવાનો પાછળ ઘણાજ હિંદી નાતાલથી આવવા તૈયાર થશે. સરકારને પણ એમજ લાગ્યું. તેથી વોક્સર્સ્ટની જેલમાં સો કરતાં વધારે હિંદીને સારૂ સગવડ કરવા જેલરને હુકમ મળ્યો હતો.અને પ્રિટોરિઆથી તંબુઓ, કામળી, વાસણ વિગેરે મોકલવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક હિંદીઓની સાથે હું વોક્સર્સ્ટ ઉતર્યો ત્યારે પોલીસ પણ પુષ્કળ હતી. પણ બધો પ્રયાસ વ્યર્થ ગયો. જેલર અને પોલિસ નિરાશ થયા. કેમકે ડરબનથી મારી સાથે બહુજ થોડા હિંદી નીકળ્યા.એ ગાડીમાં માત્ર છ જ હતા. ને તેજ દિવસની બીજી ગાડીમાં ડરબનથી બીજા આઠ નીકળ્યા. એટલે બધા મળીને ચૌદજ હિંદી આવ્યા. અમને બધાને પકડ્યા ને જેલમાં લઇ ગયા. બીજે દિવસે માજીસ્ટ્રેટ પાસે ઉભા રાખ્યા; પણ કેસ સાત દિવસ સુધી મુલતવી રહ્યો. બેલ ઉપર અમે છુટવાની ના પાડી. બે દિવસ પછી મિ. માવજી કરસનજી કોઠારી જે પોતાને હરસની બિમારી છતાં આવ્યા હતા, તેને બિમારી વધવાથી ને વોક્સર્સ્ટમાં પીકેટની જરૂર હોવાથી તેને બેલ ઉપર કહાડવામાં આવ્યા હતા.