મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલ ન જવું કે જવું?

← અનુભવ બીજો : જેલમાં વાંચન મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલ ન જવું કે જવું?
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : પ્રસ્તાવના →


જેલ ન જવું કે જવું?

હું જે ઉપર લખી ગયો છું તેમાંથી બે જાતના ખ્યાલ આપણે કરી શકીએ છીએ. એક તો એ કે જેલમાં જઇ બંધન ભોગવવું, જાડો ખરસટ અને ખરાબ પોષાક પહેરવો, જેવું તેવું ખાવું, ભુખે મરવું, દરોગાની પાટુઓ ખાવી, કાફરાઓમાં વસવું, પસંદ પડે કે ન પડે તેવું કામ કરવું, હંમેશા તાબેદારી આપણા ચાકર થવાને લાયક હોય એવા દરોગાની ઉઠાવવી, કોઇ ભાઇબંધ દોસ્તને મળાય નહિ, કોઇને કાગળ ન લખાય, જરૂર-જોઇતી વસ્તુઓ ન મળે, લુંટારા ચોર વિગેરેની સાથે સુવું. આવું દુ:ખ કોને સારૂં ઉઠાવવું ? તેના કરતાં તો મરવું ભલું. દંડ આપી છુટીએ પણ જેલમાં ન જઇએ. જેલ તો કોઇને ન હજો. આમ વિચાર કરી માણસ તદન નબળો બને અને જેલથી ડરે તથા ત્યાં જઇ જે સારૂં કરવાનું છે તે કરતાં અટકે.

બીજો ખ્યાલ એમ થાય કે જેલમાં હું દેશહિતને ખાતર, આબરૂ જાળવવા, ધર્મને સારૂ જાઉં. એ તો મારા સારા નસીબની નિશાની ગણાય. વળી જેલમાં મને દુ:ખ તો છે નહિ. બહાર મારે ઘણાની તાબેદારી ઉઠાવવી પડે છે, તેને બદલે જેલમાં માત્ર દરોગાનીજ ઉઠાવવી રહી. જેલમાં મારે ચિંતાજ ન મળે, મારે ન મળે કમાવાનું, ન ચિંતા રહી ખાવાની, તે તો નિયમસર બીજા માણસો પકાવે છે. આ બધાનું મારે કંઇજ આપવું પડતું નથી અને કસરત ખૂબ થાય એટલું કામ મળે છે, મારા વ્યસન બધા સહેજે જતા રહે છે. મારૂં શરીર કબજે થયું છે પણ મારો આત્મા વધારે છૂટો છે. હું નિયમસર ઉઠી બેસી શકું છું. મારા શરીરનું જતન જેઓ તેને કબજે રાખે છે તેઓજ કરે છે. આમ દરેક રીતે જોતાં હું છૂટો છું. કદાચ મારી ઉપર મુશીબત આવે છે, મને કોઇ પાપી દરોગો મારી લે છે, તો પણ હું ધીરજ રાખતાં શીખું છું. અને તેવું કામ કરતો અટકાવવાને હવે મને તક મળે છે. એમ સમજી ખુશી થાઉં છું. આવા વિચારથી જેલને પવિત્ર અને સુખદાયક માનવી અને કરવી એ આપણા હાથમાં છે. ટુંકામાં સુખ અને દુ:ખ એ મનન સ્થિતિ છે.

હું ઉમેદ રાખું છું કે મારો આ બીજો અનુભવ વાંચી વાંચનાર એવાજ નિશ્ચય ઉપર આવશે, કે દેશને ખાતર અથવા ધર્મને ખાતર જેલ જવું. તેમાં ઇજા ઉઠાવવી, અથવા બીજી રીતે સંકટ સહન કરવાં એમાંજ સુખ માનવાનું છે.