મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : બે માસની સખત મજૂરીની સજા

← અનુભવ બીજો : જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : બે માસની સખત મજૂરીની સજા
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલનાં કપડાં →


બે માસની સખત મજૂરીની સજા.

હું ઉપર કહી ગયો તે મુજબ આમારો બધાનો કેસ સાત દિવસને સારૂ મુલતવી રહેલો; એટલે ૧૪મી અક્ટોબરે કેસ ચાલ્યો. તે વેળા બીજા હિંદીઓને એક માસની અને કેટલાકને છ અઠવાડિઆની સખત મજુરી સાથની જેલ મળી. એક બાળક છોકરો જે અગીઆર વર્ષનો હતો તેને ૧૪ દિવસની આસાન કેદ મળી. મારી ઉપરથી કેસ ખેંચી લેશે એવી મને ધાસ્તી લાગવાથી હું પીડાતો હતો. બીજાના કેસો થઇ રહ્યા પછી માજીસ્ટ્રેટે થોડી વખત કેસ મુલતવી રાખ્યા, એટલે હું વધારે ગભરાયો. પહેલાં તો એવી ચર્ચા ચાલતી હતી કે મારી ઉપર રજીસ્ટર નહિ બતાવવાનુ અને અંગુઠા નહિ આપવાનું તહોમત આવશે. એટલું જ નહિ પણ બીજા વગર હક્કના હિંદીને ટ્રાન્સવાલમાં દાખલ કરવાનું તહોમત મૂકવામાં આવશે. મનમાં હું વિચારો ઘોળ્યા કરતો હતો, તેટલામાં માજીસ્ટ્રેટ પાછા કચેરીમાં આવ્યા ને મારા કેસનો પોકાર થયો, અને મને રુ. ૨૫નો દંડ અથવા તો બે માસની સખત મજુરીની સજા મળી. હું બહુ રાજી થયો અને બીજા ભાઇઓની સાથે કેદમાં રહેવાનું મળ્યું એમ માનીને સુભાગી સમજવા લાગ્યો.