મિથ્યાભિમાન/અંક ૧લો/પ્રવેશ ૧. રંગલાનો પ્રવેશ
← પૂર્વરંગ | મિથ્યાભિમાન અંક ૧લો/પ્રવેશ ૧. રંગલાનો પ્રવેશ દલપતરામ |
અંક ૧લો/પ્રવેશ ૨. જીવરામભટ્ટનો પ્રવેશ → |
|
|
નાન્દી—મંગળાચરણ
સૂત્રધાર (આવીને)—ગૃહસ્થો, આ ઠેકાણે આજ મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તેમાં કશું વિઘ્ન નડે નહિ એટલા સારૂ વિઘ્નહર્તા દેવના સ્મરણ રૂપી મંગળાચરણ હું કરૂં છું, તે સહુ સાવધાન થઇને સાંભળો.
संभारु स्नेहभावे, सकळ पगरणे, सर्वदा सिद्धिदाता,
विद्यावाणीविलासी, विरदधर वळी, विघ्नहर्त्ताविधाता,
सर्वेना एक स्वामी, सुखद मुज शिरे, हेतथी हाथ धारो,
उपजाति वृत्त
विचित्र देखाव विचित्र वाणी;
विचित्र पोषाक विचित्र प्राणी;
विचित्र आ नाटक विश्व नाम,
पेदा कर्युं ते प्रभुने प्रणाम.
સૂચિપત્ર-સૂચના*
આ અષ્ટાંકી મિથ્યાભિમાન નાટકના પહેલા અંકમાં રતાંધળો જીવરામભટ્ટ તથા બે ભરવાડો આવશે. બીજા અંકમાં જીવરામભટ્ટનો સસરો રઘનાથભટ્ટ, સાળો સોમનાથ, સાસુ દેવબાઇ, અને જીવરામભટ્ટની વહુ જમનાં તથા તેની બહેનપણી ગંગા આવશે. ત્રીજા અંકમાં જીવરામભટ્ટને ખોળવા સારૂ તેનો સસરો ને સાળો જશે. ચોથામાં જીવરામભટ્ટ ને તેનાં સાસરિયાંનો મેળાપ થશે. પાંચમામાં એક ફારસ કરી બતાવવા વાઘજી રજપૂત ને કુતુબમિયા કુસ્તી કરશે. છઠ્ઠા માં રઘનાથભટ્ટના ઘરમાંથી ચોર પકડાશે. સાતમામાં ફોજદારી કોર્ટ આવશે. ને આઠમામાં જીવરામભટ્ટનું વૈદું કરવા એક વૈદ આવશે. પાંચ કલાક સુધી આ નાટક ચાલશે. અમુક વખતે આરંભ થશે, અને અમુક અમુક વખતે પૂરૂં થશે. (ઘણું કરીને રાતના ૮ વાગતાં આરંભ અને બાર ઉપર એક વાગતાં પૂરુ કરવું.)
પ્રવેશ ૧ લો
સ્થળ—વગડો.
રંગલો અને સૂત્રધાર.
રંગલો’ (નાચતો નાચતો આવે છે.)
ગાનારા—(ગાય છે) તતથેઈ, તતથેઈ, તતથેઈયા (૪ વાર)
રંગલો—તાથેઈ, તાથેઈ, તાતાથેઈ ભલા. (ઉભો રહે છે.)
સૂત્રધાર—અરે તું કોણ છે ? પગે ઘુઘરા, માથે મોરનાં પીછાં અને લીમડાનાં પુંખડાં ખોસ્યાં છે. તું તે આ જંગલનું જનાવર છે કે માણસ છે ?
રંગલો—માણસમાં માણસ થાય, અને જનાવરમાં જનાવર થાય ?
સૂત્ર૦—માણસમાં માણસ ને જનાવરમાં જનાવર શી રીતે થાય ?
રંગલો—કહ્યું છે કે: —
इंद्रवज्रा वृत्त
सारे प्रसंगे जन थाय सारा, नीचा प्रसंगे निपजे नठारा;
जो जै वसे वास जनावरोमां, तो थाय तेवा गुण ते नरोमां.
સૂત્ર૦—તારૂં નામ શું ? ભાભો,[૩] રાજનગર[૪] કે રળિયો ગઢવી ?
રંગલો—અરે સૂત્રધાર, નાયક, મારૂં નામ તો વિદૂષક છે, પણ ગુજરાતમાં મને સઉ રંગલો કહે છે.
સૂત્ર૦—તું કોઇ પ્રકારની વિદ્યા જાણે છે કે ?
રંગલો—હા, હું હાસ્યરસને પુષ્ટિ કરવાની વિદ્યા જાણું છું.
સૂત્ર૦—વાહવાહ ! ત્યારે તો બહુ સારૂં થયું. આજ આ ઠેકાણે હાસ્યરસમાં નાટક થવાનું છે, માટે તું તેમાં હાસ્યરસની પુષ્ટિ કરીશ ?
રંગલો - હાજી, એ તો કામ બંદાનું જ છે. હાસ્યરસના નાટકમાં તો બંદા વિના ચાલેજ નહિ.
સૂત્ર૦—અરે તું એટલી બધી મગરૂરી શા વાસ્તે રાખે છે ? વડોદરામાં એવા મશ્કરા છે કે તને તો પગે બાંધીને ઉડે ! તું પણ મિથ્યાભિમાની દેખાય છે.
રંગલો—તમને હજી આજજ ખબર પડી કે ?
સૂત્ર૦—ભાઇ જ્યાં સુધી જેનો સહવાસ થયો ન હોય, ત્યાં સુધી શી ખબર પડે ? કહ્યું છે કે —
उपजांति वृत्त
पड्युं नहीं काम वस्या न पासे,
त्यां सुधी सारा सरवे जणाशे,
तारी पठे ज्यां सहवास थाय,
त्यारेज तेना गुण तो जणाय.
રંગલો—ઠીક છે, તમારા ગુણ અમે જાણી લઇશું.
સૂત્ર૦—હવે સાંભળ. પ્રથમ હું આ સુંદર વનનું[૫] વર્ણન કરૂં.
રંગલો—ઠીક છે, કરો.
સૂત્ર૦—
शार्दूलविक्रिडित वृत्त
आंबा, आमलि, लीमडां, वड वडा, झुंडे झुक्यां झाड छे,
छत्रोनी छवि छाइ होय छतमां, तेवा उंचा ताड छे,
गायो वृंद हरे फरे, तृण चरे, गोवाळिया गाय छे,
રંગલો—એ તો ખરૂં, પણ આ કયા દેશનું જંગલ છે ? તેની મને ખબર પડતી નથી.
સૂત્ર૦—સોરઠ દેશનું આ જંગલ છે.
રંગલો—સોરઠ દેશની શી શી વસ્તુ વખણાય છે ?
સૂત્ર૦—સોરઠનાં પાંચ તો રત્ન કહેવાય છે ?
રંગલો—તે કયાં કયાં પાંચ ? કહો.
સૂત્ર૦—સાંભળ —
श्लोक
सौराष्ट्रे पंच रत्नानि, नदी, नारी, तुरंगमम् ।
- અર્થ—ગોમતી વગેરે નદીઓ, સોરઠી સ્ત્રીઓ, કાઠિયાવાડી ઘોડી. સોમનાથ અને દ્વારિકા, એટલાં પાંચવડે સોરઠ દેશ વખણાય છે.
રંગલો—ઇડર જીલ્લામાં પણ પાંચ વાનાં વખણાય છે, તેનો અશ્લોક છે.
સૂત્ર૦—તે કયાં કયાં ?
રંગલો—
श्लोक
ईडरे पचरत्नानि, पाणी, पाषाण, पानडां;
સૂત્ર૦—સાબાશ ! હવે મારી ખાતરી થઈ કે તું હાસ્યરસની[૬] પુષ્ટિ કરી શકશે.
રંગલો—હવે આ જંગલમાં પ્રથમ કોણ આવનાર છે તે તો કહો ?
સૂત્ર૦—પ્રથમ રતાંધળો જીવરામભટ્ટ આવનાર છે, તેની સાથે તું વાતચીત કરજે. કેમકે તે પણ તારા જેવો મિજાજી છે.
રંગલો—ઠીક છે, આવવા દો.
- ↑ મંગળાચરણમાં ગણપતિનું સ્મરણ કરવાનો ચાલ છતાં सकळ पगरणे सिद्धिदाता विघ्नहर्ता ઇત્યાદિ વિશેષણોથી ગણપતિને બદલે त्रिगुणपति પરમેશ્વરનું સ્મરણ કર્યું તે એવી રીતે કે કોઇ અજાણ્યો જાણે કે ગણપતિનું સ્મરણ કરે છે. તે વિશેષણોમાં એવો છળ છે માટે छलजनित हसित નામે હાસ્યરસ થયો. હાસ્યરસના નાટકમાં ઘણું કરીને હરેક વાક્યથી ને હરેક ક્રિયાથી સભાસદોને હસવું આવે, માટે તે વારે વારે લખી જણાવવાની જરૂર નથી.
- ↑
*નાયકે સૂચના સંભળાવવી તથા કાગળોમાં છપાવેલી, સભામાં વહેંચવાનો ચાલ પણ છે,તેથી સૌ જાણે કે આટલું થયું ને આટલું થવાનું બાકી છે.
- ↑ અમદાવાદ જીલ્લાના રાણીસરનો ચારણ હતો. તે પ્રખ્યાત મશ્કરો હતો. તેની કહાણીઓ વિલાયતના મશ્કરા બર્થોલ્ડના જેટલી લોકોમાં ચાલે છે.
- ↑ કચ્છમાં એક રાજનગર બ્રાહ્મણ હતો, તેનો પોશાક હસવા જેવો હતો તેથી તેનું નામ પ્રખ્યાત છે.
- ↑ આ ઠેકાણે વનનું વર્ણન કર્યા વિના, પુસ્તકમાં લખ્યું કે સ્થળ વગડો, તેથી કાંઈ ખેલ જોનારા સભાસદોને ખબર પડે નહિ કે આ બનાવ વનનો છે, માટે કલ્પિત વનનું વર્ણન કર્યું.
- ↑ આ વિકૃતવાણીજન્ય ઉપહસિત ભેદ થયો.