મિથ્યાભિમાન/અંક ૨જો/પ્રવેશ ૨. રંગલો અને રઘનાથભટ્ટ

←  રઘનાથભટ્ટ સહુકુટુંબ મિથ્યાભિમાન
રંગલો અને રઘનાથભટ્ટ
દલપતરામ
ભરવાડ અને રઘનાથભટ્ટ →


પ્રવેશ ૨ જો

રંગલો૦—(આવીને આડું અવળું ચારે તરફ જોઈને) આટલામાં બ્રાહ્મણનો વાસ ક્યાં હશે ? અરે જીવ આ તુળસી ક્યારો તો દેખાય છે. અને વેગળી શિવની દહેરી પણ છે.

शार्दूलविक्रीडित वृत्त
क्यारो तो तुलसी तणो तगतगे, टुंके पने पोतियां,
नेवे तो लटके वळी वलगणी, धोई धर्यां धोतियां;
दीसे दर्भ जुडी, रूडी शिवतणी, देरी पणे पास छे,
ए एंधाणथकीज जाण उरमां, विप्रोतणो वास छे. १८

અરે રઘનાથભટ્ટનું ઘર આ કે?

રઘના૦—(ઉભા થઈને હાથ લાંબો કરીને.) આવો નાટક નટજી.

રંગલો૦—(લાંબે હાથે મળીને) — આવો લાડુભટ્ટજી.

રઘના૦—કેમ છે લાયક લઉવા.

રંગલો૦—ઠીક છે કાકાકઉવા.

રઘના૦—ક્યાંથી આવ્યા તમે ?

રંગલો૦—તમે ત્યાંથી અમે. (લાંબો ઓઠ કરીને)

રઘના૦—છે સઉ સાજુ તાજું ?

રંગલો૦—પંડ સાજે સઉ સાજું.

રઘના૦—કહોને વાત વિસ્તારી.

રંગલો૦—બાંધી મૂઠી સારી. (મૂઠી બતાવે છે)

રઘના૦—કેટલા છૈયાં છોરૂં?

રંગલો૦—પાછળ કોરૂં મોરૂં. (પોતાની હથેળીમાં હથેલી ફેરવે છે.)

રઘના૦—કાંઇ સંદેશો સારો ?

રંગલો૦—આવે જમાઇ તમારો.

રઘના૦—કેમ આવે છે ચાલી !

રંગલો૦—પાડીનું પૂંછ ઝાલી.

રઘના૦—શા કામે આ વાટે ?

રંગલો૦—વહુને તેડવા માટે.

રઘના૦—આવશે આજની રાતે ?

રંગલો૦—રાતે કે પરભાતે.

રઘના૦—તમે આવ્યા શું રળવા ?

રંગલો૦— આવ્યા તમને મળવા.

રઘના૦—તમ આવે અમ રાજી.

રંગલો૦—અમે પ્રસન્ન થયાજી.

રઘના૦—તમે બહસ્પતિ દેવા.

રંગલો૦—તમે ભેંશપતિ જેવા.

સોમના૦— (ઉભો થઇને) અલ્યા, ભેંશપતિ કોને કહેવાય ?

રંગલો૦—"ભેંશનો પતિ પાડો, હોય શરીરે જાડો, તે ભગરી ભેંશનો લાડો" તેને ભેંશપતિ જેવો કહેવાય.

રઘના૦—નહિ નહિ મૂર્ખા. મહા પંડિત હોય તેને બૃહસ્પતિ જેવો વિદ્વાન કહેવાય.

રંગલો૦—મેં પણ તમને ભેંશપતિ જેવા વિદ્યમાન કહ્યા કે નહિ ?

રઘના૦—(પોતાની સ્ત્રીને) અલી સાંભળે છે કે નહિ ?

દેવબા૦—શું કહો છો, સોમનાથના બાપા ?

રઘના૦—આ જીવરામભટ્ટનો સંદેશો આવ્યો છે. તે જમનાને તેડવા સારૂ એક બે દહાડામાં આવનાર છે, માટે લૂગડાં ચીથરાં કરવાં હોય તે કરી રાખજો.

દેવબા૦—સાલ્લા, ઘાઘરા અને કાંચળીઓ તો મેં તૈયાર કરે રાખી છે, પણ બેક ધૂપેલ કરવું છે અને કાજળ પાડવું છે.

રંગલો૦—આથી વળી વધારે કાજળ જમનાના કપાળમાં કેટલું ચોપડવું છે ? કહ્યું છે કે —

वंशस्थ वृत्त
मिथ्याभिमानी वर जेहने मळ्यो,
ते माननीनो अवतार तो बळ्यो;
करे कळापो बहु सर्व काळमां,
तेने सदा काजळ छे कपाळमां। १९

રઘના૦—(સ્ત્રીને[૧]) અલી સાંભળે છે?

દેવબા૦—શું કહો છો?

રઘના૦—રામનાથ મહાદેવમાં પેલા ચિદાનંદસ્વામી રહેતા હતા, તેમણે કાલે કૈલાસવાસ કર્યો. એવા સ્વામી બીજા મારા જોવામાં આવ્યા નથી. એ તો મહા જોગીરાજ હતા.

દેવબા૦—કાશીમાં એમના જેવા હશે ?

રઘના૦—અરે કાશીમાં પણ એવા નહિ હોય.

દેવબા૦—ત્યારે કૈલાસમાં તો હશે જ. રઘના૦—હું તો જાણું છું કે કૈલાસમાં પણ એવા તો સ્વામી નહિજ હોય.

રંગલો૦— જમરાજાના શહેરમાં હશેજ.

દેવબા૦—એ સ્વામીને કોણ લઈ ગયું હશે ? અને તે ક્યાં ગયા હશે ?

રઘના૦— એમને તો સાક્ષાત્ પ્રભુના પાર્ષદ આવીને કૈલાસમાં લઇ ગયાં હશે.

રંગલો૦— કોણ જાણે પાર્ષદ લઇ ગયા હશે, કે વગડાના શિયાળિયાં ખાઇ ગયાં હશે.

<———૦———>


  1. હાસ્યરસની પુષ્ટિ વાસ્તે રંગલો બોલ બોલ કરે, માટે તેને હમેંશા ઉત્તર આપવાની જરૂર નથી. વળી તેણે અણગમતું કહ્યું, તેથી રઘનાથભટ્ટે આડી વાત ચલાવી.