મિથ્યાભિમાન/અંક ૬ ઠ્ઠો/સંખ્યાદિ પૃચ્છા

←  વાઘજી અને કુતુબમિયાં મિથ્યાભિમાન
સંખ્યાદિ પૃચ્છા
દલપતરામ
"चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે →


अंक ६ ठ्ठो
संख्यादि पृच्छा

૧. રંગલો ૨. ગંગાબાઇ ૩. જીવરામભટ્ટ, ૪. રઘનાથભટ્ટ , ૫. સોમનાથ, ૬. દેવબાઇ, ૭-૮ પોલિસના બે સિપાઈઓ.

---<)(+૦+)(>---
સ્થળ – રઘનાથભટ્ટનું ઘર
પદદો ઉઘડ્યો. (ત્યાં રઘનાથભટ્ટ સહકુટુંબ, ગંગાબાઈ તથા જીવભટ્ટ છે.)

ગંગા૦ – જીવરામભટ્ટ, તમે અમને દેખો છો ?

રંગલો૦ – દેખે છે એનો બાપ.

જીવ૦ – કેમ નહિ દેખતા હઈએ ? કાંઈ આંધળા બાંધળા છીએ કે શું?

ગંગા૦ – તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા ?

રંગલો૦ – કાગળ તો શું ? પણ અત્યારે મોતી વીંધે છે તો.

જીવ૦– અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે ?

સોમના૦ – કાગળ આપું તો વાંચશો?

જીવ૦– હા લાવો, શા વાસ્તે નહીં વાંચીએ !

સોમના૦ – લો, આ કાગળ વાંચો જોઈએ. (નાખે છે તે જીવરામભટ્ટના પગ પાસે પડે છે.)

જીવ૦– લાવો કાગળ

સોમના૦ – એ તમારા પગ આગળ પડ્યો. નીચા નમીને લ્યો.

જીવ૦– તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી.

રંગલો૦ -

'श्लोक

नमंति फलिनो वृक्षा, नमंति गुणिनो जनाः।
शुष्ककाष्टं च मुर्खाश्च, न नमंति कदाचन॥६२॥

અર્થ– ફળવાળાં ઝાડ નમે કે ગુણવાન માણસ નમે; પણ સુકું લાકડું કે મૂર્ખ કદી નમે નહિ.

સોમના૦ – (લેઇને આપે છે) લ્યો આ કાગળ.

રંગલો૦ – જો જો ભાઇઓ, સૂરદાસજી કાગળ વાંચે છે! ખરેખરો વાંચશે કે શું?

રઘના૦– (સોમનાથને) એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક.

સોમના૦ – કાંઇ ઝીણા નથી. આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે.

જીવ૦– આ લ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો (નાખી દે છે)

સોમના૦ – કેમ થયું?

જીવ૦– તમે કહો છો આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી, કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ.

ગંગા૦ – (ત્રણ આંગળીઓ બતાવીને) જીવરામભટ્ટ, આ કેટલાં આંગળા છે ? કહો જોઈએ.

જીવ૦– કહીએ તો તમે શું આપશો?

ગંગા૦ – લાખેણી લાડી આપી છે, ને હવે બીજુ શું આપીએ? જો અત્યારે દેખી શક્તા હો તો કહો.

જીવ૦– એમાં કહેવું શું? પાંચ છે.

ગંગા૦ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા (હસે છે)

જીવ૦– શી રીતે જૂઠા પડ્યા?

રંગલો૦ -

दोहरो

अभिमानीने अंतरे, भासे जो निज भूल,
तोपण तेनी जीभथी, कदी नहीं करे कबूल.

ગંગા૦ – ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળી લઈને મેં પૂછ્યું હતું.

જીવ૦– ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં ? ત્રણ આંગળીઓ ઉભી અમે દીઠી, અને બે વાળેલી દીઠી તે બધી મળીને પાંચ દીઠી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે?

સોમના૦ – (પાંચે આંગળા ખુલ્લાં રાખીને) વારૂ, આ કેટલી આંગળીઓ છે, કહો જોઈએ?

જીવ૦– (બીજી તરફ ગણે છે.) આ એક, બે, ત્રણ અને ચાર છે.

સોમ૦ – જૂઠા પડ્યા-જૂઠા પડ્યા.

જીવ૦– શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહિ.

રંગલો૦-

उपजाति वृत्त

वाचाळ जो वाद वृथा ज थापे,
तथापि ते सत्य करी ज आपे;
भरी सभामां शतवार भूले,
तथापि जीभे कदी ना कबूले. ६४

વાચાળ કદી બંધાય જ નહિ, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામભટ્ટ સંકડાશમાં આવ્યા. હવે છુટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા.


જીવ૦– તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું થયું ? પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરૂં.

રંગલો૦ – ત્યારે હવે તમારૂં સાચાપણું સાબિત કરો જોઇએ.

જીવ૦– સો રૂપીઆની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને સો રૂપિઆ આપીએ; અને જો તું જૂઠો ઠરે, તો તારી પાસેથી સો રૂપિઆ અમે લઈએ.

રંગલો૦ – જાદુગર અને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહિ, કહ્યું છે - કે તેની તદબીરો ઘણી હોય.

उपजाति वृत्त.

वाचाळशुं होड कदी न कीजे,
जादुगरोथी बळ बांधि बीजे;
सूझे न तेना सघळा शिरस्ता,
विचित्र तेना छळनी व्यवस्था. ६५

સોમ૦ – પાંચે આંગળા ખુલ્લાં રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે?

જીવ૦– તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી, અને પાંચમો તો અંગુઠો છે. આંગળી ક્યાં છે?

દેવબા૦ – (હળવે) સોમના૦, તારો વાટવો લાવ, તેમાં હળદરનો નમૂનો છે તે કાઢ.

જીવ૦– (કાન ધરીને સાંભળીને અવળું જોઈને) હં, વાટવો માગ્યો.

દેવબા૦ – (હળદરનો ગાંગડો લઈને) જીવરામભટ્ટ, આ મારા હાથમાં શું છે? કહો જોઈએ ?

જીવ૦– વારે વારે અમે નથી કહેતા, જાઓ.

દેવબા૦ – હવે એક વાર કહો, તમને મારા સમ.

જીવ૦– તે છે તે તમારે વાટવો છે.

દેવબા૦ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. (સહુ ખડખડ હસે છે)

જીવ૦– અમારી આટલા વર્ષની ઉમ્મર થઈ તેમાં અમે કદી, કોઈ ઠેકાણે જૂઠા ઠર્યા નથી. શી રીતે જૂઠા પડ્યા, કહો જોઈએ?

રંગલો૦ – જીવરામભટ્ટ કદી જૂઠા પડેજ નહિ.

દેવબા૦ – આ તો હળદરનો ગાંગડો છે ને તમે પાન સોપારીનો વાટવો કેમ કહ્યો?

જીવ૦– તમે ઘરડાં થયા માટે અમે જાણીએ છીએ કે તમારૂં કાનપરું ઉજડ થયું છે. તમે પુરૂં સાંભળતાં નથી, તમારો વાંક નથી, ઘડપણમાં સઉને એમ થાય. કહ્યું છે કે (આ છપ્પો બોલતાં, ભુજ, પા વગેરે શબ્દો બોલતાં તે તે અંગ ઉપર હાથ ધરી બતાવે છે.)

छप्पो.

भुजनो भागे भ्रम, पडे पावागढ पोचो;
पेटलादमां पाक; न पाके, लागे लोचो;
जूनागढ[]नी जुक्ति बधी बदलाई जाशे;
कपडवणजनी कशी नहि खरखबर रखाशे;
खळभळशे बळ खंभातनुं, कापनपरुं काचुं थशे;
छेल्ली वयमां कछ छूटशे सूरत सर्व जर्जरी जशे. ६६

દેવબા૦ – શાથી જાણ્યું કે અમે બહેરાં છીએ?

જીવ૦– અમે ક્યારે કહ્યું કે પાન સોપારીનો વાટવો છે?

દેવબા૦ – ત્યારે તમે શું કહ્યું?

જીવ૦– અમે તો કહ્યું કે, તમારે વાટવો છે, વાટ્યા વિના આખો ને આખો વાપરવો નથી.

રંગલો૦ – જુઓ જીવરામભટ્ટ સાચા ઠર્યા ખરા.

ગંગા૦ – (લોટો લઈને) જીવરામભટ્ટ, આ મારા હાથમાં શું છે?

જીવ૦– તમારા હાથમાં ધૂળ છે.

ગંગા૦ – હવે હાર્યા કે?

જીવ૦– તમે હાર્યા, અમે તો કાંઈ હાર્યા નથી.

રંગલો૦ – જીવરામભટ્ટ હારે જ નહિ.

ગંગા૦ – ત્યારે કહોને મારા હાથમાં શું છે?

જીવ૦– કહ્યું નહિ કે તમારા હાથમાં ધૂળ છે.

ગંગા૦ – આ તો પીતળનો લોટો છે.

જીવ૦– અજ્ઞાની સાથે શી વાત કરીએ? જ્ઞાની હોય તે સમજે.

ગંગા૦ – કેમ વારૂ?

જીવ૦– તમારી આંખમાં વિકાર છે માટે માટે તમે લોટો દેખો છો, નહીં તો કહ્યું છે કે -

उपजाति वृत्त.

धात्वादिक द्रव्यो बुध धूळ देखे,
अनेक आत्मा चिदब्रह्म लेखे;
द्रष्टि विकारे जूजवा जणाशे,
अज्ञानीने भेद अनेक भासे. ६७

માટે અમે તો સઘળા પદાર્થો ધૂળનાજ દેખીએ છીએ. ધૂળમાંથી પેદા થાય છે, ને અંતે ધૂળની ધૂળ.

રંગલો૦ – સાબાસ, બ્રહ્મજ્ઞાની, સાબાસ !

દેવબા૦ – જીવ૦ભટ્ટ, તમે બડા હુંશિયાર તો ખરા.

રંગલો૦ – હજી તો એની હુંશિયારી આગળ જતાં વધારે ખીલશે, જુઓ તો ખરાં.

જીવ૦– કેમ વારૂ?

દેવબા૦ – તમે કોઈ વાતે બોલતાં બંધાતા નથી.

જીવ૦– બોલતા બંધાય તે વળી મરદ કહેવાય કે?

રઘના૦ – જો વળી સારી પેઠે ભણ્યા હોત તો પૃથ્વી ઉપર પગ મૂકત નહિ, અધ્ધર ને અધ્ધર ચાલત.

રંગલો૦ -

उपजाति वृत्त

कुभारजा पुत्र कदी जणे जो,
कुपात्र विद्या वधती भणे जो;
अधर्मीने जो अधिकार आवे,
जुलूम झाझो रुगमां जणावे. ६८

દેવબા૦ – અમારા સોમનાથને છ મહિના તમારી પાસે રાખીને તમારા જેવો હુંશિયાર કરશો?

જીવ૦– તમારા સોમનાથમાં શો માલ છે?

રંગલો૦ – આ વરરાજામાં બહુ માલ છે.

સોમના૦ – (જીવરામભટ્ટને) ત્યારે તમારામાં શો માલ છે? શુક્રવારની ગુજરીમાં જઈને વેચ્યા હોય, તો કોઈ બે પઇસા પણ આપે નહિ.

જીવ૦– અરે અહિં આવતાં રસ્તામાં એક ગામ આવે છે, ત્યાંના તળાવની પાળે કોઈ એક પરદેશી સરદાર ઉતર્યો હતો તેની આગળ કીમિયાની વાત નીકળી, ત્યારે અમે કહ્યું કે બરાબર સામાન હોય, તો અમે રોજ પાંચ રૂપિયાભાર રૂપું બનાવી આપીએ.

રંગલો૦ – ત્યારે તો તુંજ ભિખારી શેનો હોત?

સોમના૦ – પછી તે સરદારે શું કહ્યું ?

જીવ૦– તેણે કહ્યું કે ત્યારે તો મહારાજ, કોળી લોકો રાતમાં ખાતર પાડીને તમે સૂતા હો તે ખાટલા સુદ્ધાં, જેમ ચિત્રલેખા અનિરુદ્ધને ઉપાડી ગઈ હતી, તેમ તમને ઉપાડીને લઇ જઇને પરદેશમાં વેચી આવે, તો તેને બે હજાર રૂપિઆ મળે. કેમકે તમને વેચાતા રાખનારને રોજ પાંચ રૂપિઆભાર રૂપું મળે.

સોમના૦ – બીજા કોઈ તે વખતે ત્યાં હતા કે?

જીવ૦– કોળીલોકો રાત્રે ચોકી કરવા આવેલા, તેઓ ત્યાં હતા.

સોમના૦ – ત્યારે તો કોળીલોકો, રાતમાં તમારો ખાટલો ઉપાડી જઈને તમને પરદેશમાં વેચી આવશે તો શું કરશો?

જીવ૦– અરે! દશ કોળી આવ્યા હોય, તો હું એકલો અનિરુદ્ધની પેઠે ભોગળ લઈને ઘૂમું, ને તેઓને મારીને કાઢી મૂકું, એમનો શો ભાર છે?

દેવબા૦ – (ખાટલો પાથરી આપે છે) જીવરામભટ્ટ હવે તમે આ ખાટલા ઉપર સૂઈ રહો. આ પાણીનો લોટો તમારે વાસ્તે ભરીને મૂક્યો છે. હવે તમારે કાંઈ જોઈએ છે?

રંગલો૦ – જીવરામભટ્ટને ખાસડાંનો માર જોઈએ છીએ.

જીવ૦– ના, હવે કાંઈ જોઈતું નથી. જાઓ તમે તમારે સૂઈ રહો, ઘણી રાત ગઈ છે.

ગંગા૦– (હશીને) જાગતા સૂજો, ચોર લોકો આવીને તમને ઉપાડી જાય નહિ.

જીવ૦– તમે જાગતા સૂજો, તમને ઉપાડી જાય નહિ.

ગંગા૦ – હવે હું મારે ઘેર જાઉં છું.

દેવબા૦ – સવારે આવજે.

ગંગા૦ – અરે જીવરામભટ્ટ આવ્યા છે માટે સવારે તો બધા મહોલ્લાની બાઇડીઓ અને છોકરાં જોવા આવશે, અને હું પણ આવીશ.(તે જાય છે)

(પથારીઓ કરીને સઉ સૂઈ રહે છે)

જીવ૦– (વિચારે છે) હજી સુધી ઈશ્વરે આપણો ટેક રાખ્યો છે, હજી આપણી ખોડ કોઈના જાણવામાં આવી નથી.

રંગલો૦ – બે પગે ચાલે એટલાં જ માણસો જાણે છે.

જીવ૦– હવે દહાડો ઉગ્યે સૂતા ઉઠીશું, એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છીએ.

રંગલો૦ – (ઠગનો પાદશાહ)

જીવ૦– તો પણ આજની રાત જાય, ત્યારે પાર પડ્યા કહેવાઈએ. કહ્યું છે કે,

उपजाति वृत्त.

जरातरा जोखममांहि छैये,

त्यां सुधी चिंता चित्तमध्य लैये;
अपार सिंधु जळ नाव तारे,
कदापि बुडे पछी जै किनारे. ६९

જીવ૦– (ઊંઘી જાય છે, તેના નસકોરાં જોરથી બોલે છે)

રંગલો૦ – હવે બધાં શબાકાર થઈ ગયાં.

--<0>--


  1. જૂઓનો ગઢ - માથાના વાળ.