←  છતી જીભે મૂંગા મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
'હું'
ઝવેરચંદ મેઘાણી
૧૮. બદમાશ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


હું


પાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન લેવાનું, ત્રિલોકપુરમાં નવું 'લોક સેવા મંદિર'.

પણ કંઇ નહિ, જવા દઇએ: તમને કંટાળો આવશે. કેમ ન આવે? બાલકૃષ્ણ મારો દસ વર્ષનો જૂનો કારકુન. તેને પણ હસવું આવે છે કે હું આ બધાં નિમંત્રણોની આટલી ચીવટપૂર્વક તારીખો કેમ મુકરર કરાવું છું. હું જવાબો લખાવું છું, તારો કરાવું છું, છેલ્લી ઘડીએ તારીખો બદલવાના સંદેશા મોકલું છું... એ બધી મારી જંજાળો છે એમ ન માનતા; મને એમાં મોજ પડે છે.

બાલકૃષ્ણ હસે છે, બીજાં ઘણાં મને મદમાં ચકચૂર બનેલો સમજે છે; મારા દરેક સમારંભના અહેવાલ, સમારંભ ખતમ થાય કે તરત જ, હું લખી-લખાવી છાપામાં પ્રસિધ્ધિ માટે મોકલું છું એ પણ બધાં જોઇ રહે છે.

હું પણ તેઓના મારા પરના શબ્દ-કટાક્ષો અને આંખ-મીચકારાથી અજાણ નથી. તેઓ માને છે કે પ્રસિધ્ધિના મોહે મારી આંખોમાં અંધાપો અને મારા કાનોમાં સીસું સીંચેલ છે. પ્રગટ થયેલા સમાચારોની કાપલીઓની નોખી એક ફાઇલ જ મેં રખાવી છે ને ઇરાદાપૂર્વક જ તે મેં મારા મેજ પર મુકાવી છે એથી પણ મારા સાથીઓ મને ચસકી ગયેલો માને છે. પણ તેઓ મારે વિષે જે માની રહેલ છે તે પાછું હું પણ જાણું છું એટલી વાત તેઓ કદી જ નહિ સ્વીકારે!

છેલ્લા બે અવસરોમાં તો હું મારા સાથીદારોની આખી એક મંડળી લઇને જઇ આવ્યો. મેં હવે પછી નોતરનારાંઓને ચોખ્ખું સંભળાવી દીધું છે કે "ઓછામાં ઓછાં દસ જણાનો રસાલો લીધા વગર હું નહિ જ આવું. એ દસેયનું જાતવળતનું ગાડીભાડું તેમ જ બીજું ખર્ચ તમે આપી શકશો?"

"જરૂર,જરૂર.." કહીને એ લોકો તો ઊલટાના ખુશાલી અનુભવે છે."બહેનોને તો ખાસ લઈ આવજો, હોં સાહેબ!" એવો એ લોકો આગ્રહ સેવે છે. ને મેં પણ જોયું કે તેઓ કંઇ હૈયાફૂટા નથીઃ તેમના સમારંભોમાં મારું તેમ જ મારા મંડળનું - ખાસ તો સાડીધારી શરીરોનું - એક ગજબ આકર્ષણ ઊભું થાય છેઃ ને વિનાબેન્ડે, વિના બીજાં કશાં નાટકોએ આખું ગામ જમા થાય છે.

પછી તો મારાં અને મારાં સંગાથી બહેનોનાં ભાષણોઃ અમારા સહુની ગ્રૂપ તસ્વીરો તેમ જ એકલ છબીઓઃ અમારાંમાંના બે-ચારને હાથે જુદાં જુદાં ગૃહો, મંડળો,સંમેલનો ખુલ્લાં મુકાવવાની તડામાર: ખાસ કરીને મારી જોડેની બહેનોના થોડા કસરત પ્રયોગો, તેમ જ એ પ્રત્યેકની મુલાકાત લઇ 'મિસ મેયો વિષે આપને શું કહેવાનું છે?' એ પ્રશ્નના મેળવવામાં આવતા ધગધગતા પ્રત્યુત્તરોઃ વગેરે વગેરે - અરે સરઘસ તો હું ગણાવતાં ભૂલી જ ગયો! - સરઘસો વગેરેઃ આ બધા રંગોની રંગોળી એ ભાઇઓ છાપાંમાં તેમ જ પોતાના અહેવાલોમાં એવી તો સરસ રીતે પૂરી લે છે કે હવે પછી મારું સાજનમાજન લઇ જવામાં કશો સંકોચ રાખવાની જરૂર નથી. જો લોકો મને 'એક્સ્પ્લોઇટ' કરે છે, અર્થાત મારો કસ કાઢે છે, તો પછી મારે શા માટે આ છેલ્લાં જીવન-વર્ષોને માણી ન લેવાં? - શા માટે સામો કસ ન કાઢવો?

'માણી લેવાં' એવો પ્રયોગ કરવા બદલ હું તમારી કોઇની લેશમાત્ર ક્ષમા માગતો નથી. આ દસ્તાવેજ તમને મારા મૃત્યુ પછી હાથ લાગશે, એટલે હું નિર્ભય છું. એ નિર્ભયતાનો પ્રેર્યો જ હું એકરાર કરૂ છું કે એક ફાટેલું, થીગડાં મારેલું, શરીરને બહુ બંધ ન બેસતું એવું કૂડતું પહેરવાથી હું કંઇ વિરક્ત નથી થઇ ગયો. મારી ટૂંકી ધોતલી ને મારા અલગારી રંગઢંગ કંઇ ત્યાગનાં કે શાંત પડેલી વૃતિઓનાં ચિહ્નો નથી. મોરલાનો પિચ્છ-કલાપ અને સિંહની કેશાવલિ, કુકડાની માંજર અને કલાકારનાં કેશ-ગુંચળાં - એ તમામની અંદર જે આકર્ષકત રહેલી છે, તે જ આકર્ષકતા મારા લઘરવગર લેબાસમાં તેમ જ દીદારમાં છુપાયેલી છે. તમે સહુ ભરમાઓ છો કે ભાઇ ઘેલા બન્યા છે. પણ તમે, મારી બીજી ચાહે તેટલી ખામીઓ કાઢવા છતાંય, મારી વૃતિઓના લહેરીપણા પર તો અંદેશો નહિ જ આણો, ખરૂં? હું તમને કહેતો જાઉં છું કે હું ઘેલો નથી.

આઠ દિવસ પહેલાંની ટપાલનાં પરબીડિયાં મને કેવાં યાદ આવે છે! તે દિવસ મેં બે પરબીડીયાં કેવી સિફતથી સેરવી લીધાં! મારૂં પડખું સેવનારો શકરોબાજ બાલકૃષ્ણ પણ ન કળી શક્યોઃ મેં એની નજર ચુકાવી..હાં! હાં! હવે તો મને મારા નાના વિજયો પણ વહાલા લાગે છે - બૂઢ્ઢા બાપને છેલ્લાં છૈયાં લાગે છે ને, તેવા વહાલા.

સેરવેલું પરબીડિયું હું હવે એકલો પડ્યો પડ્યો ફોડું છું. અક્ષરો હું ઓળખું છું. સરનામાંની અંદર જ એ ન ભૂલાય એવો મરોડ છે. વીરમતીનો પ્રદ્યોત પરનો એ કાગળ છે. પ્રદ્યોત મારી કને ઉપરાઉપરી ત્રણ આંટા મારી ગયોઃ પૂછી ગયો કે "રાજેશ્વરભાઇ, મારો કાગળ છે?"

ઠંડાગાર કલેજે મેં એને કહ્યું: "ના ભાઇ; આજે તો નથી."

તોયે એ ક્યાં ખસતો હતો? એનું ધ્યાન તો મારી પાસે પડેલી ટપાલની ઢગલી પર જ ચોંટ્યું હતું. મારા ચશ્માંની બાજુએથી તીરછી નજર નાખી હું પ્રદ્યોતના મુખભાવો નિહાળતો હતો. મને લહેર પડતી હતી. ભલે ને એ બેસી રહ્યો! હું શા માટે કહું કે, જા! એને ખાતરી જ ન કરાવું કે હું કદિ અનિશ્ચયાત્મક ના નથી કહેતો! ધીરે ધીરે મેં ટપાલ વાંચ્યા કરી. અક્કેક પરબીડિયું ફોડવામાં મેં કચકડાની છૂરીને કેટલી ભિન્ન ભિન્ન રીતે ચલાવી! પ્રથમ ચોંટાડેલી જગ્યાએ, પછી એક ખૂણા ઉપર,પછી બીજા, પછી ત્રીજા ને ચોથા ખૂણા ઉપર...

પ્રદ્યોતની મજાલ નહોતી કે ટપાલની થોકડીને - મારી ટપાલની થોકડીને - હાથ અડકાડે. નીચે વળી વળી એણે બે-ત્રણ બાજૂએથી કોઇક અમુક રંગનું કવર પારખવાની માથાકૂટ કર્યા કરી...અને આખરે પોતાનો પરાજય પોતાના મોં પર લખી લઇને એ ચાલતો થયો.

એ જતો હતો ત્યારે એ મારી નજરે કેવો જણાતો હતો? કઇ ઉપમા આપું?.. હા, હા, યાદ આવીઃ એ લાગતો હતો સીંચોડામાંથી ચેપાઇને બહાર નીકળેલા શેરડીના સાંઠા જેવો.

ટપાલનાં રંગબેરંગી પરબીડિયાં મારા ટેબલ પર મારી લિજ્જતનાં મેઘધનુષ્યો રચતાં હતાં. એ તમામને પતાવી ઘડીમાં મેઘધનુષ્યો રચતો અને ઘડીમાં મારી રચનાઓને વિખેરતો હું ઊભો થયો. પ્રદ્યોતને હું શોધતો હતો. અમારી સંસ્થાના 'ગ્રામ સેવક મંડળ'ના ઉતારામાં એ હોવો જોઇએ. લટાર મારતાં મારતાં હું તો એ ઉતારાની તપાસ અર્થે જ જાણે આવી ચડ્યો હોઉં એવું દેખાડવા માટે મેં માળીને એક ચીમળાતો ગુલાબનો રોપ બતાવ્યો ને કહ્યું: "માળી, તારો ને મારો સમાન ધંધોઃ હું જગતનાં માનવપુષ્પોનો માળી, ને તું આ વનસ્પતિનો. તને આ રોપ સુકાયો દેખી દુઃખ નથી થતુ? મારા તો શ્વાસ ઉડી જાય જો મારું એક પણ સહકર્મચારી સુકાય તો."

હું મકાનમાં ગયો."આ પાણીના ગોળામાં ફૂગ તો નથી જામતી ને?" એમ કહેતાં કહેતાં મેં ગોળાની અંદર હાથ ફેરવ્યો, ત્યાં તો અંદરથી પ્રદ્યોતનો નિઃશ્વાસ સંભળાયો.

"કોણ છે અંદર?" કહેતો હું દાખલ થયો. પ્રદ્યોત નાક-મોં લૂછતો હતો.

"કેમ, પ્રદ્યોત, તમને વળી પાછી શરદી લાગી શું?"

પ્રદ્યોતે માથું હલાવ્યું.

"ચાલો, યુકેલિપ્ટસ છાંટી દઉં તમારા રૂમાલમાં."

પ્રદ્યોતે ફરી પાછું માથું ધુણાવ્યું - પણ નકારમાં.

"કેમ? શરીર બગડ્યું છે, તેથી કંઇ નથી ગોઠતું? ઘર સાંભરે છે? માબાપ યાદ આવે છે?" મેં વહાલભર્યા હાથે ને પંપાળતાં પંપાળતાં પૂછ્યું.

એણે ફરી ડોકું ઘુણાવ્યું - નકારમા;પણ એની આંખોએ જૂદો જવાબ દીધો - હકારભર્યાં આંસુઓનો.

"અરે, ગાંડાભાઇ!" મેં હસીને એની પીઠ થાબડીઃ "આટલી પોચી લાગણીવાળા થયે કંઇ ગ્રામસેવા થવાની છે? વજ્ર શો કઠોર બન. મારો દાખલો લેઃ મારું કુટુંબ ક્યાં રઝળતું પડ્યું છે! પણ હુ એને યાદ જ કરતો નથી."

પ્રદ્યોતને ચોધાર રુદન ચાલ્યું. મેં જોઇ લીધું કે લોઢું તપી લાલચોળ થયું છે. મેં સવેળાનો ઘણ ચલાવ્યોઃ

"જા-જા, ઊઠ; સાંજની ગાડીમાં ઊપડ. જઇ આવ તું તારે. કુટુંબ પ્રત્યેનો પણ આપણો ધર્મ રહ્યો છે. સુખેથી જા."

પ્રદ્યોતે કાકલૂદીભર્યા નેત્રે મારી સામે જોયું. મેં જવાબ દીધોઃ

"હું સમજી ગયો... બેફિકર રહેજેઃ કોઇને નહિ કહું કે તું આટલો ભાંગી પડ્યો હતો - નહિ જ કહું. હું સમજું છું - આપણે સૌ મનુષ્યો જ છીએ."

[૨]

સાંજની ગાડીમાં એ ઊપડી ગયો. તે પછીના બે કલાકો મારા માટે જુગજુગ જેવડા ગયા. પ્રદ્યોતને લઇ જતી ગાડીના તથા વીરમતીને લઇ આવતી ગાડીના 'ક્રોસિંગ'નો મને ભય હતોઃ કદાચ એકબીજાંને મળી જશે તો?

પણ મારા બે કલાકના જાપ ફળ્યા.વીરમતી આવી પહોંચી.

શ્વાસભરી એ મારે મકાને આવી. મારી ગાદી ઉપર એ મારી પુત્રી શારદાના જેટલા જ સ્નેહ-દાવાથી એ ઢળી પડી. એના માથામાં તાજી જ બાંધેલી વેણી હતી. સાંજે પેલા જંક્શન પરથી જ લીધી હોવી જોઇએ.

મેં ચકિત થઇ ને પૂછ્યું: "તેં શું બીજા વર્ગમાં મુસાફરી કરી?"

એ કહેઃ"ના રે!"

"ત્યારે તારાં કપડાં આટલાં સ્વચ્છ ક્યાંથી? તારા કાનમાંયે એન્જિનના ધુમાડાની કોલસી નથી એ શી નવાઇ?"

અલબત્ત, તમે સમજી શકશો કે હું વીરમતીના કાન લૂછી રહ્યો હતો.

"હેં, કહે તોઃ આ શું?"

એ શરમીંદી બની ગઇ; વાયુની લહરમાં મરોડ લઇને તીરછી છટાથી ફૂલ દાખવનાર કોઇ ફૂલ-છોડની માફક એણે પોતાનું આખું અંગ મરડીને મોં ખોલ્યું: "..જંક્શને નાહીને કપડાં બદલ્યાં'તાં."

"ક્યાં નાહી?"

"સ્ટેશનના નળ ઉપર."

"અરર. એમ નવાય, ગાંડી! આપણી સંસ્થાને માટે કોઇ શું કહે?"

"પણ એ નળો તો નહાવા માટે જ છે ને? ત્યાં પાટિયાં લગાવેલ છે."

"પણ, બહેન, આપણું જીવન કાંઇ પાટિયાને આધારે નથી ચાલતું ને!તેં એ દ્રશ્ય પાટિયું દીઠું કે, આ નળ નહાવાનો છે. પણ જીવનના માર્ગ ઉપર પાટિયાં ન લગાવેલી એવી કેટ કેટલી નીતીરીતિઓ પડેલી છે!"

મેં જોયું કે વીરમતી કશું સમજી ન શકી. મારે પણ એ જ કામ હતું : એને સમજાવવાનું નહિ,અણસમજની મુગ્ધતામાં એને મુંઝવવાનું.

"એ તો ઠીક, પણ બે કલાકમાં શું ખાટુંમોળું થઇ જવાનું હતું? અહીં આવીને નો'તું નવાતું ધોવાતું?"

એ કશો ઉત્તર ન દઇ શકી. એ કશુંક પૂછવા પ્રયત્ન કરતી હતી; પણ હું શા માટે એને સૂચન પણ કરું? મેં કહ્યું: " જા,સ્વસ્થ થા."

એ ઊઠી. બારણા સુધી ગઇ, પછી એણે પાછા વળીને પૂછ્યું: "મને સ્ટેશને કોઇ લેવા કેમ નહોતું આવ્યું?"

"તેં ખબર આપી હતી?"

"હા"

"શી રીતે?"

"કાગળ લખ્યો હતો."

"કોના પર?"

એણે આડો જવાબ દીધોઃ "મારૂં કવર મળ્યું નથી કોઇને?"

"કવર? ના કવર શીદ લખવું પડ્યું? આવવાના ખબર દેવા એમાં કવરનો ખર્ચ? તું કેટલી ઉડાઉ છે, બચ્ચા?

"નોટ-પેઇડ થયું હશે.."એ એની જ વિચાર- ધૂનમાં હતી.

"કેમ, ભાર વધારે હતો? મારા ઉપર કશા ઉદગારો તો નહોતા ઠાલવી મોકલ્યા ને!"

આવી આવી મારી 'અવળવાણી' સામે વીરમતી એક ખામોશીભર્યો પાઠ ભજવી રહી હતી. પણ હું એને સાંપટમાં લેવા જ મથતો હતો. આખરે, શિકારીએ છેક કોઇ ખૂણામાં પેસાડી દીધેલી હરણી જેમ જવાના માર્ગો બંધ થયા દેખી શિકારીનો સામનો કરે, તેમ વીરમતીએ પણ પૂછ્યું: "પ્રદ્યોતચંદ અહીં નથી?"

"વાહ! મારા પ્રશ્નોના જવાબ તો દેતી નથી ને આડું અવળું મારી ઉડાવણી કરનારું પૂછ્યા કરે છે તું તો, બહેન!"

"કહોને!" એણે શરમ છોડી.

"એને તો જવું પડ્યું."

"ક્યાં?"

"એને ઘેર."

"કેમ?"

"સહેજ શરદી જણાતી હતી, એટલે માટી મૂંઝાઇ ગયો!"

"ક્યારે ગયા?"

"તમારા બેઉની ગાડીનું ક્રોસિંગ...જંક્શન પર જ થયું હશે."

ને મારા મનમાં એક વાક્ય રહી ગયું તે આ હતું:'તને કદાચ એણે સ્નાન કરતી પણ દીઠી હશે.'

"પણ એ ગયા ક્યાં?"

"બીજે ક્યાં! એને ઘેર."

"એને ઘર જ નથી, માબાપ પણ નથી; કોઇ નથી."

"હવે એ બધી તો મને શી ખબર? એને વિષે મારાં કરતાં તને વધુ ખબર છે એય હું શું જાણું, ભલા!"

મારા એ શબ્દો -હું જાણું છું - શ્વાનના દાંત સરખા હતા: તીક્ષ્ણ અને લાંબા. એ શબ્દો એ વીરમતીના કાળજાનો એક લોચો જાણે કે તોડી લીધો.

"રાજેશ્વરભાઇ!" વીરમતીએ દડ દડ આંસુડે કહ્યું:"હું આશીર્વાદ લેવા આવી હતી."

"શી બાબત?

"પ્રદ્યોતચંદ્રની જોડે.." એ અટકી પડી.

"ઓ..હો!" મેં ચિતાજનક વિસ્મય બતાવ્યું:"હવે સમજાયું. આશીર્વાદ... તો હું જરૂર આપત પરંતુ.." હું સહેજ ધગ્યોઃ "તારે મને પૂછવું તો જોઇતું હતું ને?"

"એમાં પૂછવાનું શું?"

"પૂછવાનું શું? એ પણ ભલી વાત! તારું આગલું વેવિશાળ તોડાવનાર કોણ? તારાં માતાપિતાને મક્કમ બનાવનાર કોણ? તારા સામાવાળાની નાગાઇનો સામનો સામ,દામ,દંડ ને ભેદથી કરનાર કોણ? બોલ."

"તમે - મારા પિતાતુલ્ય તમે જ."

આ 'પિતાતુલ્ય'નું પદવીદાન મને ગમ્યું નહિ. મારે કોઇના પિતા નથી થવું. મને એનો શબ્દ બહુ ડંખ્યો. શું હું એટલો બુઢ્ઢો થઇ ગયો છું કે જુવાન સહકર્મચારિણીઓ પણ મને 'પિતાતુલ્ય'સમજી બેસે? પણ મેં મારી ચીડ છુપાવીને હસતાં હસતાં કહ્યું: "તો પછી, ગાંડી, તને એક વાર બચાવીને શું મારે જ તને પાછી ઊંડી ખાઇમાં ઉતારવી - એમ?"

"ઊંડી ખાઇ!" એણે લાલઘૂમ, રડતી આંખો મારી સામે તાકી.

"ત્યારે નહિ! આ પ્રદ્યોતનો પૂર્વ-ઇતિહાસ જાણે છે તું? તું શું જાણે? એ તો તને બનાવી જાય - મને ન બનાવી શકે. હું ૧૯૦૬ ના રાષ્ટ્ર-આંદોલનથી માંડી આજ સુધી દેશજનોની ગોવાળી કરું છું. હું તો ભરવાડ છું; હાથ ફેરવીને મારાં ઘેટાંના જૂના રોગો પારખું છું."

"પણ એણે એનો આખોય પૂર્વ-વૃતાંત મને કહ્યો છે."

"એ..મ છે!!" હું દરેક અક્ષર ચીપી ચીપીને બોલ્યો.

"ને એણે.."વીરમતી જરાક થોથવાઇ ગઇઃ "એ પૂર્વ-જીવનને પોતાનાં આંસુઓ વડે ધોયું છે."

"ઓ..હો ! હો !" મેં ગમ્મત કરીઃ"તું તો ગ્રામ-સેવાનું શિક્ષણ લેતી લેતી કવિતા પણ કરવા મંડી ને શું!"

હું યાદ કરતો હતોઃ મારા કયા પુસ્તકનું એ વાક્ય વીરમતી એ ચોર્યું હતું?

"મૂરખી રે મૂરખી!" મેં એને થાબડીઃ "ઉતાવળી બની ગઇ! મને વિશ્વાસમાં તો લેવો'તો! ને હજુય શું બગડી ગયું છે? તારા મનમાં જો એ દ્રઢ સંકલ્પ હોય તો એમ વેતરણ ઉતારી આપું. જા, પ્રભાત થવા દે. અને હા, પ્રદ્યોત ક્યાં ગયો હોવો જોઇએ!"

વીરમતીએ પ્રદ્યોતને સંઘરનાર એક સ્થાનનું સરનામું મને આપ્યું.

એ ગઇ. મેં તરત જ 'અર્જન્ટ' તાર મૂક્યોઃ "પ્રદ્યોતચંદ્ર,તમારે ફરીથી અહીં આવવાનું નથી."

વળતે દિવસે પ્રાર્થના સભા પૂરી થઇ કે તરત જ મેં અમારાં પચાસેય ગ્રામ-સેવાભ્યાસીઓની મેદની વચ્ચે ગંભીર સ્વરે વાત કરીઃ

"તમને સર્વને ગ્રામ-સેવાના હિતને કારણે એક કલંક-કથા વિદિત કરવાની છે. બહુ વ્યથિત હૃદયે એ કહીશ."

સહુ સંકોડાઇ ગયાઃ કોના પર વીજળી ત્રાટકવાની હશે? પચાસેય ચહેરા ઉપરથી લોહી ઊડી ગયું. એ લોહી નિહાળીને મેં સંતોષ લીધો.

મેં 'એક ભાઇ અને એક બહેન'ની કલંક-કથા શરૂ કરી ત્યારે સોય પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા પથરાઇ ગઇ. કથાને પૂરી કરતાં સુધી મેં નામો દબાવી રાખ્યાં. નામો જાહેર કર્યાં ત્યારે એ બે જણાંને ફાંસી દેવાઇ ગઇ.

મને સંતોષ થયો. હું વેદનામુર્તિ બનીને સહુની વચ્ચેથી નીકળી ગયો ત્યારે જાણે ત્યાં જીવતા જીવો નહિ પણ પાળિયા ઊભા હતા.

પાછળથી કોઇએ આવીને મને કહ્યું: "વીરમતીને મૂર્છા આવી ગઇ છે."

મેં આદેશ દીધોઃ"એને સાંજની ટ્રેઇનમાં એનાં માબાપ કને મૂકી આવો."

બપોરે વીરમતી મારી કને આવી. રોઇ રોઇને એનો ચહેરો સુંદર બન્યો હતો.

એણે કહ્યું: "એક જ પ્રશ્ન પૂછવા માગું છું."

મેં કહ્યું: "જરૂર પૂછો."

"આમ શા માટે કરવું પડ્યું?"

"તમે બેઉ મારાથી છૂપી રમત રમ્યાં તે માટે."

"તમે એમ ધારો છો કે અમે નહિ પરણી શકીએ?"

"મેં છાપામાં ખબર મોકલી દીધા છે, તમારાં માતા-પિતાને લખી નાખ્યું છે.પોલીસને પણ ચોમેર ખબર આપી દીધા છેઃ શક્ય એટલું બધું જ કર્યું છે અને જરૂર પડ્યે વધુ કરીશ."

"રાજેશ્વરભાઇ!" એના કંઠ આડે જાણે કોઇ ડૂચા ભરાયા હતાઃ"તમારાં પુસ્તકો, તમારી જીવન-કલ્પનાઓ, નવરચનાનાં તમારાં સ્વપ્નો - એમાંથી પ્રેરણા લઇને અમે.."

"બસ, વીરમતી! ઝાઝાં 'સેન્ટીમેન્ટલ' થવાનું મને પસંદ નથી. થયું."

વીરમતીને પાછી મૂર્છા આવી.

એના મોં પર પાણી છાંટતો છાંટતો હું એને પંપાળતો હતો.

સાંજે એ ગઇ. વળતા દિવસની સવારે હું અને મારા પાંચ સાથીદારો ગ્રામ સેવાનું એક નવું મથક ખોલવા ઊપડી ગયા.

હમણાં જ મને બાતમી મળી છે કે 'અમદાવાદનાં એક પીઠામાં પ્રદ્યોત દારૂ પીતો હતો.

શી નવાઇ! એનું નામ જ જાતીય વિકૃતિ.

[એક રાષ્ટ્રસેવકની રોજનીશીમાંથી]