મેઘાણીની નવલિકાઓ ખંડ ૧/૯. ડાબો હાથ
← ઠાકર લેખાં લેશે! | મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ડાબો હાથ ઝવેરચંદ મેઘાણી |
કલાધરી → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
.
ડાબો હાથ
જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું, ચા તથા પાનપટ્ટીને સારુ ગાડીને પાંચ-દસ મિનિટ મોડી ઉપાડવાનું... વગેરે અસલી જાતનું અભિમાન હતું.
બ્રાંચ લાઇનમાં જતી ટ્રેઇન એક્વાર તો ઉપડી ચૂકી હતી. પરંતુ એકાએક પછવાડે 'હો! હો!' એવા હોકારા મચ્યા.
સ્ટેશન-માસ્તરે કોઇ મહાસંકટની નિશાનીરૂપે, યજ્ઞવેદી પર ઊભેલા કો ઋત્વિકની માફક,બેઉ હાથ ઉંચા કર્યા, અને 'હો! હો!' પુકાર્યું તે 'भो भो'ના વેદ સ્વર જેવું સંભળાયું.
"લાલ બતાવ...લાલ બતાવ..." એવી એક પછી એક સાંધાવાળાની બૂમ સંધાઈ ગઈ.
કોઇ હિંસ્ર જાનવરની રાતી આંખો જેવી ઝંડીઓ નિહાળી પેટમાં ફાળ ખાતું એન્જિન જાણે ભયાનક રોષ ફૂંકીને ઊભું રહ્યું.
ગાર્ડનું ખાવાનું ભાતોડિયું જ નહોતું આવ્યું અથવા એવો કંઇ અગત્યનો ગોટાળો મચી ગયેલો.
ગાડી પાછી આવતાં સેકન્ડ ક્લાસનો એક અરધિયો ડબ્બો જે સ્થળે થંભ્યો તે સ્થળે 'રીઅર સાઇડ'માં (પછવાડેની બાજૂએ) એક પુરુષ ઊભો હતો; તેના મોં પર ગર્વ ભર્યો આનંદ છવાયો ને એ બોલી ઉઠ્યોઃ"લ્યો નીચે આવો, નીચે આવો; અંતઃકરણની બ્રેક લાગી છે ત્યાં સુધી ક્યાં જવાનાં હતાં તમે!"
એક યુવાન અને એક યુવતી ડબામાંથી ડબાની નાની પરશાળમાં બહાર આવ્યાં કે તરત નીચે ઊભેલા પુરુષે કહ્યુઃ"ચંદુભાઇ, આપ પાછા પ્લેટફોર્મ પર પધારો. અમે બેઉ અમારી વાત પૂરી કરી લઇએ."
"સુખેથી, સુખેથી;" કહી યુવાન આગલી બાજુ ઊતરી ટહેલવા લાગ્યો, ને તેની પત્ની પાછલી બાજુએ 'ભાઇ'ની પાસે જઇ ઉભી.'ભાઇ' શબ્દનાં સંબોધનમાં એ પતિપત્નીનો આ મિત્ર પરનો પરમ ભાવ અને પૂર્ણ વિશ્વાસ ઘોષણા કરી ઊઠતો.
એક બાજુથી, કેટલી મિનિટોનો વિલંબ નોંધવો તે વિષે ગાર્ડ અને સ્ટેશન-માસ્તર વચ્ચે તકરાર લાગી પડીઃ બીજી બાજુ,ગાર્ડે પોતાનું ટિફિન મોડું કરનાર ઘરનાં માણસો પ્રત્યે "સાલાં બઈરાંની જાત નોકરી ખોવરાવશે ત્યારે મોંકાણ મંડાશે.." વગેરે બરાડા સ્ટેશન લાઇન્સની દિશામાં ફૂંક્યા કર્યાઃ ત્રીજી બાજુ, એકાદ-બે કપ પણ ખપશે એમ સમજી "બા..આ..આ..મણિયા ચા'ની ફેરી પાછી ચાલુ થઈ ગઈ.
પછી આખરે ગાર્ડે શિયાળુ સાંજની વળેલી ઠંડી સામે સંગ્રામ રમવા ગળા ફરતી શાલ વીંટાળીને સિસોટી ફૂંકી, ત્યારે ફરીવાર પાછાં ડબામાં ચડવા જતાં પતિ-પત્નીએ મસલત કરી.
પત્નીએ કહ્યું:" ભાઇ ક્રોસિંગ સુધી આપણી જોડે ન આવી શકે?"
"હેં ભાઇ!" પતિએ વિનવણી કરીઃ"સુભદ્રાનું બહુ જ મન છેઃ મારે ખાતર નહિ પણ એને ખાતર ચાલો ને!"
"ખરેખર! હું આવું!" ભાઇએ ચોગમ જોયું.
પતિએ કહ્યું,"હવે આટલાં વર્ષે તો થોડા કલાકનો મારાં ભાભી જોડેનો વિયોગ કશું જ હતું - ન હતું નહીં કરી નાખેઃ ચાલો ને!"
"ચાલો ને!" સ્ત્રીની આંખોમાંથી કાકલૂદી નીતરી.
ને સ્ટેશન-માસ્તરોના તેમ જ ગાર્ડોના હમેશના એ ઓળખીતા પુરુષે ગાર્ડને ઇશારત કરી ચાલતી ગાડીએ ચડી, સેકન્ડ ક્લાસના ડબામાં બેઠેલાં વર-વહુ ઉપર આભારની ભાવના છવરાવી દીધી.
પછી તો ક્રોસિંગ આવ્યું. ક્રોસિંગ ગયું. છેલ્લું સ્ટેશન આવ્યું. ત્યાં દિવસની છેલ્લી જે ગાડી 'ભાઇ'ના ગામ ભણી જતી હતી તેને પણ જવા દીધી. ને 'સવારની ટ્રેનમાં પાછા જવા દઇશું' એવું વચન આપી વરવહુએ 'ભાઇ'ને ગામમાં જોડે લીધા.
આ ત્રણેય જણાંને જોતાં જ સ્ટેશન પર ઊભેલાં ગામલોકોમાં વાત ચાલીઃ
"ખરો ભાઇબંધ! આનું નામ ભાઇબંધ!"
"ખરેખર, હો! પોતાના દોસ્તદારનું જોગીવ્રત ભંગાવીને પરણાવ્યે રહ્યો."
"બીજા મથી મથીને મરી ગયા, ડોસોને ડોસી ખોબલે આંસુડાં ખેરતાં ખેરતાં મસાણે જવા બેઠાં, તોય જે ન માન્યો તેને આ એક ભાઇબંધે પલાળ્યો."
"ને વિવામાં શું? - આ મે'રબાનને કાંઇ થોડી ગતાગમ હતી! સગપણ, સમૂરતું, સાકરચુંદડી, લગનની તમામ તૈયારી - વાહન, ગાડીઘોડાં, વાજાંગાજાં, સાજન-મંડળને તેડાં...અરે, કન્યા સારુ કંકુની શીશીઓ ને અરીસોય એ માઇનો પૂત ભેળું કર્યે રિયો."
"ને કકડાવીને ભુટકાડી દીધાં બેઇને!" બોખલા ડોસાએ એટલું બોલીને હસાહસ કરી મૂકી.
"છાતીવાળો! ગજબ છાતીવાળો! ને જમાનાનો ખાધેલ!" ગામના ઘાંચીએ પણ રસ્તે ચાલતાં પુરવણી કરી.
"ને શું -" ત્રીજાએ સહુને રસ્તા પર ઊભા રાખી સોગંદ ખાધાઃ"અવલથી આખર સુધીનું કુલઝપટ ખરચ પણ આ લગનમાં એણે જ ચૂકવ્યું."
"ભાઇબંધી તે અજબ વાત છે, ભાઇ! જૂનીઉં વાતું કાંઇ વગર મફતની જોડણી હશે."
ગામ ભણી વળતાં આ વાર્તારસીક મોજીલાં પેસેંજરોને પાછળ છોડતી પેલાં ત્રણેય જણાંની ટેક્સી દૂર દૂરથી પોતાની પછવાડેનું ત્રીજું રક્ત-લોચન ફાડતી દોડતી જતી હતી.
ટેક્સીમાં પણ પહેલી બેઠક 'ભાઇ'ની, વચલી પત્નીની ને છેલ્લે પોતાની રાખીને પતિએ 'ભાઇ' તથા પત્ની વચ્ચેનો અધૂરો વાર્તાલાપ પૂરો કરવાની સગવડ આપી હતી.
ઘેર જતાં જ ડોસા-ડોસીને ચંદુએ સાદ દીધોઃ મા! બાપુજી! ઉઘાડો ઝટ! ભાઇ ભેળા આવ્યા છે."
"કોણ છે?"
"અરે, આપણો ચંદુને વહુ આવ્યાં! ભાઇ પણ ભેગા છે.ઝટ ઉઘાડો.ઉઘાડો."
ડોસો બીડીનું ખોખું ઝેગવતા હતા તે છોડીને ધોતિયાનો છેડો ખોસતા દરવાજે દોડ્યા ગયા.
ડોસી ચૂલે રસોઇ કરતાં હતાં, તેમના હાથમાં લોટનો પિંડો રહી ગયો.
'ભાઇ'ના પ્રવેશમાત્રથી આ ગરીબ ઘરમાં ઝળહળાટ વ્યાપી ગયો. હૃદયમાંથી સીધાં સરી આવતાં હાસ્યો અને મર્મો વડે એણે ઘરની દિવાલોને લીંપી દીધી.
આજુબાજુ રહેતાં કુટુંબીઓ પણ ધીરે ધીરે એકઠાં થઇ ગયાં, ને 'ભાઇ'ને તે રાત્રીએ નિરાંતથી એ બધાંએ ચંદુનું ઘર બાંધી આપવા બદલ શાબાશી દીધી.
"અરે, ભાઇ!" સહુએ કહ્યું:"ખાનદાન કુટુંબને માથેથી ગાળ ઉતારી."
"હા; નીકર, બે પગે હાલતું એકોએક માણસ ટોણો મારતું'તું કે, દાળમાં કશુંક કાળું હશે ત્યારે જ પચીસ વરસનો જુવાન ઠેકાણે નહિ પડતો હોય ના!"
આ બધા ધન્યવાદનો ખરો ઉત્તર ચંદુના મિત્રનાં મોમાંથી નીકળતો જ નહોતો. બડો ધૈર્યવાન હોવા છતાં એ કંટાળી ગયો, ને આ કુટુંબ-મેળો જલદી વિખરાઇ જાય તેવું કરવા બગાસાંપર બગાસાં ખાવા લાગ્યો.
મોડી રાત સુધી ચંદુને એણે પોતાની કને બેસાડી રાખ્યો. તે બધો સમય ચંદુની પત્ની સુભદ્રા બાજુના ઓરડામાં પહારીમાં પડી પડી અનુભવી રહી હતી કે જાણે પોતાના અંતઃકરણ ઉપર 'ભાઇ'ની મહાકાય છાયાનું ઓઢણ થઇ ગયું છે: પોતાના વેવિશાળથી માંડી આ લગ્ન થઇ ગયા પછીની પાંચમી રાત્રિ સુધી પણ એ માણસનું વ્યક્તિત્વ ભરપૂર ગુંજારવ કરી રહ્યુ છે: પોતે માયરે બેઠેલી ત્યારે પણ મુક્ત હાસ્ય તો આ મનુષ્યનું જ લહેરાતું હતું: પોતાનો પતિ ચંદુ તો જાણે 'ભાઇ'નો જીવાડ્યો જ જીવી રહ્યો હતોઃ 'ભાઇ' કહે તેટલું જ કરવામાં ચંદુને સુખ હતું.
વિચારતાં વિચારતાં સુભદ્રાની દ્રષ્ટિમાંથી ચંદુ તો છેક ઓગળી અદ્રશ્ય બની ગયો. ચંદુ રાત્રિના નાના-શા ચાંદરડા જેવો જીવન-આકાશના ઊંડાણમાં કેવળ તબકી રહ્યો.ઘોર અંધકારની માફક જીવનના અણુએ અણુમાં વ્યાપી ગયો આ પતિનો મિત્ર 'ભાઇ'.
મોડી રાતે જ્યારે ચંદુ સુવા ઊઠ્યો ત્યારે 'ભાઇ' છેક એના ઓરડાના દ્વાર સુધી વળાવવા ગયા, ને પીઠ થાબડતાં કહ્યું:"જોજે, હો; હું તો તને પવિત્ર રાત્રિ જ ઇચ્છું છું."
આ શબ્દો સુભદ્રા એ સાંભળ્યા. આજ પાંચમી રાત્રિ ઉપર પણ એણે પરાયા પુરુષનું શાસન ચાલતું સાંભળ્યું.
ચંદુએ પત્ની ને પૂછ્યું: "તમને અત્તર ગમશે કે અગરબત્તી!"
સુભદ્રા સમસમી રહી; પછી બોલી કે "તમને ગમે તે."
"અગરબત્તીની સુવાસ અત્તરના જેવી માદક નથી, પણ સાત્વિક છે. એ આપણા મનોભાવોને અકલંકિત રાખશે. 'ભાઇ'નો બહુ જ આગ્રહ છે કે આપણે શુધ્ધ જીવન જિવાય ત્યાંસુધી જીવીએ."
અગરબત્તીના ધુમાડા સુભદ્રાના કંઠ ફરતાં ગૂંચળાં રચી રચી બારીમાંથી બહાર નીકળવા લાગ્યા ને ચાંદનીના હૈયા પર રેખાઓ દોરતા દેખાયા.
"રાત્રિ પવિત્ર ભાવે પસાર કરી શકાય,"ચંદુએ કહ્યું:"તે માટે આપણે કશુંક વાંચીશું? શું વાંચીશું? હા હા; 'ભાઇ'ના તારા પરના પત્રો."
વેવિશાળના દિવસથી માંડી આજ સુધીના થોકબંધ કાગળો સુભદ્રાએ પોતાની પેટીમાંથી કાઢ્યા. એ તમામમાં પતિના આ અદ્ ભુત મિત્રની મોતી સમી અક્ષરાવળ હતી. એવો લેખન-મરોડ સુભદ્રાએ અગાઉ કદી જોયો નહોતો.
એ પત્રોની લખાવટમાં કાવ્યો હતાં:"ચંદ્ર તારલાની રંગક્રીડા હતીઃ આકાશની નીલિમા હતીઃ સમુદ્ર હિલ્લોળ અને વાયુનાં લહેરિયાં હતાં: એ સર્વને આચ્છાદિત કરતું પ્રભુ,ધર્મ, પવિત્રતા ને જીવન-કર્તવ્યનું સાત્વિક તત્વ હતું.
એકાદ કલાકના સુધીના એ પત્ર-વાચને ચંદુને ખાતરી કરાવી કે પોતાના લગ્નજીવનને એક શિલ્પીની માફક ઘડનાર તોએ 'ભાઇ'નો હાથ છે.વાંચતાં વાંચતાં એની આંખો સજલ બની રહી.
રાત્રિમાં થોડા થોડા સમયને અંતરે બાજુના ઓરડામાંથી 'પ્રભુ!' 'પ્રભુ!', 'હે નાથ!', 'હે હરિ!' એવા ઉદગાર ઊઠતા હતા.
ચંદુ એ સમજતો હતો કે 'ભાઇ'ના એ ભક્તિ-ઉદગાર પોતાના જ જીવન પર આશીર્વાદ રૂપે વરસી રહેલ છે.
સવારે ચંદુ જાગ્યો ત્યારે સુભદ્રા પથારીમાં નહોતી; ભોંય ઉપર એક લાકડાંની પાટલીનું બાલોશિયું બનાવી સૂતી હતી.એની રેશમી સાડી ધૂળમાં રગદોળાતી હતી.
પ્રભાતે 'ભાઇ'ને વળાવવા સ્ટેશન પર ચંદુએ સુભદ્રાને આગ્રહભેર સાથે લીધી. સાસુ-સસરાએ પણ રાજીખુશીથી સ્ટેશને જવા કહ્યું:"'ભાઇ' તો મોટા ધરમેશરી છે; ડાહ્યું માણસ છે. એનાં બે વેણ તમારે કાને પડશે તેમાં સહુની સારાવાટ છે, દીકરા!"
ગાડી ઉપડવાને વાર હતી. સ્ટેશન-માસ્તરના ધર્મગુરુ આજે ઊપડવાના હતા. પણ તેમને હજું નિત્યકર્મ પૂરું થઇ રહ્યું નહોતું. માસ્તરના નવા જન્મેલ પુત્રને ગુરુજી કશીક વિધિ કરાવવામાં રોકાયા હતા, તે માટે પાંચ-દસ મિનિટ ગાડી મોડી ઊપડવાની હતી.
"ઓ પાખંડ!" ચંદુના મિત્રે ઉદગાર કાઢ્યો, ને પછી કહ્યું:"ચંદુ, તું અમને એકલાં પડવા દે; મારે સુભદ્રાબહેનને થોડી છેલ્લી ભલામણ કરવાની છે, તે કરી લઉં."
"સુખેથી, સુખેથી;"ચંદુ સ્ટેશન પર જ ટહેલવા લાગ્યો, ને સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગુરુ-શિષ્યા જ રહ્યાં.
ટ્રેઇન ઊપડી ગયા પછી ગામ તરફ વળતાં સુભદ્રાએ ચંદુને પૂછ્યું:"ભાઇ આપણા દંપતી જીવનમાં આટલો બધો રસ શા માટે લે છે?"
"ભાઇ જગતને બતાવી આપવા માગે છે કે આદર્શ જોડલું કેવું બને."
સુભદ્રાનું સ્ત્રી-હૃદય પાપના દ્વાર પર પહોંચી ગયું હતું. છતાં તેનાથી છેલ્લો એક આંચકો અનુભવ્યા વગર ન રહેવાયું. એનાથી બોલાઇ ગયું: "ભાઇ મારી જોડે આમ કેમ વર્તે છે? મને કંઇ સમજાતું નથી."
"કેમ, મારી નિન્દા કરી કે શું?"ચંદુએ ગમ્મત માંડી.
"ના, ગઇકાલે સાંજે અને અત્યારે એમણે તો મારો ડાબો હાથ ઝાલ્યો..."
ચંદુ ચમક્યો. એના મોં પર કરડી રેખાઓની ધનુષ્ય-કમાનો ખેંચાઇ.
"પછી?"
"પછી કહે કે 'જુઓ, સુભદ્રાબહેન,તમારો જમણો હાથ ચંદુનો ને ડાબો તો મારો જ,ખરું?'એટલું બોલીને મોંએથી બચકારા કરતાં કરતાં એમણે મારો હાથ બહુ જ દાબ્યો..."
ચંદુ જાણે ચંદ્રલોકમાંથી પટકાયો;એના કપાળમાં કોઇએ વજ્ર ફટકાર્યું.
"ને તું કશું ન બોલી?" એણે તપીને સુભદ્રાને કહ્યું.
"કેમ? હું શું બોલું? તમારી ને એની ભાઇબંધી કેટલી બધી ગાઢ છે! મારા પરના એના કાગળો તમે તો કેવા વખાણ્યા છે!"
ચંદુના હોઠ વિચારમાં દબાયાઃ એ કાગળો, મારા લગ્ન-જીવનમાં આટલો બધો રસ, આટલી કાળજી, આટલા ઊભરા -તમામ શું સુભદ્રાના દેહમાં અરધો હિસ્સો પડાવવા માટે હતા?
ચંદુ ચુપ રહ્યો. પોતાની પત્નીને પોતે જ ગોટાળે ચડાવી દીધી હોવાનું એને ભાન થયું. ઘેર જઇને એણે મિત્રનો પત્રવ્યવહાર ભસ્મ કર્યો; ને એ ભસ્મ 'ભાઇ'પર એક ડાબલીમાં બીડી. ઉપર લખ્યું હતું:
"ડાબો હાથ!"