મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧૩. ચોટલે ઝાલીને

← ૧૨. મંછાની સુવાવડ મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૧૩. ચોટલે ઝાલીને
ઝવેરચંદ મેઘાણી
૧૪. મોરલીધર પરણ્યો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


ચોટલે ઝાલીને


"તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઇએ;" પ્રોફેસર ઇન્દ્રજિતે ઊઠતાં ઊઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા: "સાચેસાચ શું એ તમારો મત છે ? મશ્કરી તો નથી, પ્રોફેસર !"

"ના, ના;" કહીને પ્રોફેસર ઇન્દ્રજિત ફરી પાછા ખુરસી પર બેઠા. "હું કટાક્ષ નથી કરતો; મારો સાચો મત કહું છું. એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે. એ ન માને તો તમારે એને ચોટલે ઝાલીને - હું તો એટલે સુધી સળગું છું કે મુંબઈના ચાર ગુંડાઓ તેડાવીને - પણ એને લઈ જવી જોઇએ."

"શાબાશ, ઇન્દુભાઇ !" સુખદેવ ડોસાના બન્ને ગાલ ઉપર કોઇ જોબનવંતી સ્ત્રીના જેવી ચૂમકીઓ ઊપડી. "આજ સુધી હું એકલો પડી ગયો હતો. કોઇ મારું નહોતું રહ્યું. જેઓને મેં મરતા બચાવ્યા છે, લાગવગ લગાડી જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે, તેઓ પણ આજ મને મારી પુત્રવધૂ પાછી મેળવી આપવાની મદદ દેવાને બદલે ઊલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે; મને પોતાને આંગણે ઊભવા નથી દેતા. હું એકલે હાથે મથી રહ્યો છું. મને બીજાનો તો ડર નથી. હુંય નાગાનો સરદાર થઈ શકું છું... મેં પંચાવન વર્ષ પાણીમાં નથી કાઢ્યાં. મેંય પાકી ત્રીસ સાલ સુધી મુંબઈ વેઠી છે. હું બધા દાવ રમી જાણું છું. પણ મને ખરેખર, ઇન્દ્રજિતભાઇ, તમારી જ બીક હતી. તમે શહેરના જુવાનોને મારી સામે સિસકારો તો મને એ ફાડી ખાય, એવો મારા દિલમાં ફડકો હતો. પણ જો તમે મારા પગલાંમાં સંમત હો, તો હું એકલો બીજા સહુને પૂરો પડીશ. મુક્તાને હું મારો હાથ બતાવીશ; મારા દીકરાનો ભવ એ કેમ બગાડી શકે છે તે હું જોઇ લઈશ."

સુખદેવ ડોસાએ 'જોઇ લઇશ' શબ્દના ઉચ્ચારની સાથોસાથ પોતાના શરબતી મલમલના પહેરણની બાંયો ચડાવી. પણ, સાચા વીર-રસની સાથે કરુણ રસ તો જોડાયેલો જ હોવાથી, 'મારા દીકરાનો ભવ' એ શબ્દની અસરરૂપે ડોસાની આંખોમાં પાણી પણ દેખાઈ ગયાં.

પ્રો. ઇન્દ્રજિતને કૉલેજમાં જવાનો વખત થયો હતો. કાંડા-ઘડિયાળ ઉપર એની નજર રમતી હતી. પણ સુખદેવ ડોસાને પડખે ખડા રહેવાનો ધર્મ એને ઊઠવા દેતો નહોતો. એણે કહ્યું: "જુવાનો પર મારો કાબૂ છે એ વાત સાચી; ને હું સ્ત્રી જાતિના હક્કોનો પક્ષકાર છું, મેં જુવાનોને મારાં ભાષણો વડે એ જુસ્સો પિવરાવ્યો છે. પણ હું તમારી મુક્તાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું. વેવિશાળ તોડવાની વાત હોય તો વાજબી હતું. આપણામાં છૂટાછેડા અથવા તલ્લાકનો કાય્દો હોત તો પણ માર્ગ થઈ શકત. પણ, એવા કોઇ કાયદાની ગેરહાજરીમાં, પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો સ્વેચ્છાચાર કેમ થઈ શકે ?"

"કહું. એના બાપના ઘરમાં દીકરી વધીને તાડ થઈ ગઈ હતી. પ્રીતમલાલ એને ક્યાં સંતાડત ! હાઇસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઇક વગોણું થયું. ઉઠાડી લીધી. ઘરમાં આખો દા'ડો હાર્મોનિયમ ઉપાડીને બેસતી. ગાતી. નાયકાનું ઘર હોય તેમ લોકોની ઠઠ વીંટળાતી. બાપની ઊંઘ ઊડી ગઈ હતી. કોઇ મુક્તાનું કાંડું ઝાલવા તૈયાર નહોતું. એવામાં મારા રમણની વહુ સ્ટવથી દાઝી મૂઇ. શ્રીફળની તો અમારે તેરમા જ દિવસે પડાપડી બોલી. પણા મુક્તાના બાપા સાથેની મારી જૂની મહોબ્બત હું નહોતો ભૂલ્યો. એણે વેવિશાળનો તાર કર્યો ને તરત ચાંદલા થયા. પછી મારા રમણ વિષે આઘાપાછી વાતો સાંભળીને મુક્તા રડી હશે, એટલે મારાં તેડાવ્યાં એનાં માબાપ એને ખાસ લઈને મારે ઘેર આવી આઠ દિવસ રોકાયાં. હું તો અનુભવી ખરો ને, ઇન્દ્રજિતભાઇ !" આંહીં સુખદેવ ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું. "એટલે મેં એક લૉકેટ, બે એરિંગ અને એક 'રોલ્ડગોલ્ડ'નું કાંડા-ઘડિયાળ લાવીને મારા રમણને આપ્યું. ધક્કો મારીને એ શરમાળને બાજુના ઓરડામાં આ બધી ભેટો દેવા મુક્તા પાસે મોકલ્યો. મુક્તાને એ બધા શણગાર પહેરાવી મેં ફોટા સુધ્ધાં લેવરાવ્યા."

"ઓહોહોહો ! આટલી હદ સુધી !" પુત્રના લગ્નનું આવું સંવનન પોષનાર ડોસા પ્રતિ પ્રો. ઇન્દ્રજિતને માન ઊપજ્યું. "ત્યારે તો તમે ન્યાતમાં સુધારાના છૂપા આદ્યપ્રેરક ગણાઓ, સુખદેવભાઇ !"

"હા, ભાઇ ! પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાણને મોટે સાદે પૂછ્યુંય ખરું કે, 'કેમ ! મુક્તાને મારું ગરીબ ઘર ગમશે કે ?' ત્યારે વેવાણ બોલેલાં પણ ખરાં કે, 'કેમ ન ગમે ? આવી રાજસાયબી બીજે ક્યાં મળવાની હતી ! મુક્તા જો મૂરખી હોય તો જ મન સંકોડે !' મેં કહ્યું કે, 'વેવાણ ! મુક્તાને મોંએ હેતનો હાથ ફેરવનાર રમણની બા જો આજ જીવતી હોત તો હું સ્વર્ગનું સુખ પામત. પણ એ ખોટ હું ક્યાંથી પૂરું ?' આ સાંભળીને તો મુક્તાની આંખો પણ પલળેલી હતી એમ મને અમારી ઘાટણે પાછળાથી કહેલું."

"હું તો આ સાંભળીને વધુ દ્રઢ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે. એને તો ચોટલે ઝાલીને -"

"હજુ સાંભળી લ્યો. આમ દીકરીનું દિલ ઠારીને બધાં પાછાં ગયાં. પાછળથી મેં મારા રમણને મુક્તા પર કાગળ લખતો કર્યો. અંદર ટાંકવા હું એને સારી કવિતાઓ પણ શોધી આપતો. ચિત્રો બિડાવતો. ઘણી વાર રમણના કાગળો હું ટપાલમાં નખાવતાં પહેલાં ફોડીને..." આંહીં ડોસાને એની વ્યવહારબુદ્ધિએ 'બ્રેક' મારી, ને એણે વાત કાપી નાખી: "હાં ! મતલબમાં બન્યું એવું કે લગ્નનો દિવસ આવી પહોંચ્યો, ને અમે સૌ જાન લઈને જ્યારે છેક રવાના થયા, ત્યારે એ છોકરીએ અવળચંડાઇ માંડી. ઓરડીમાં પુરાઈને રડવું શરૂ કરેલું. એની માએ પંપાળીને પૂછેલું કે, 'શું છે ? રમણલાલ નથી ગમતા ? ઘર નથી ગમતું ? શી બાબતનો તને અસંતોષ છે તે કહે.' પણ ઢોંગીલીએ માના ખોળામાં માથું દાટીને એટલું જ કહેલું કે, 'મને કારણબારણની કાંઈ ખબર નથી પડતી. પણ મારે નથી પરણવું ત્યાંય નથી પરણવું ને ક્યાંય નથી પરણવું.'

"ઓહો ! કારણની ખબર નથી, એમ કહ્યું ?" પ્રો. ઇન્દ્રજિતે માનવ-સ્વભાવનો તલસ્પર્શ કરેલો ખરો ને, એટલે એણે પકડી પાડ્યું: "સમજી શકાય છે: છૂપો કોઇનો પ્રેમ... !"

સુખદેવ ડોસાએ આગળ ચલાવ્યું:

"એ તો એ જાણે ને એનાં પાપ જાણે. પણ આવા ધમરોળ માંડ્યા, એને એની મા પોપલાવેડા કરતી રહી, ત્યારે પછી એનો બાપ આવ્યો. સારી પેઠે કેળવાએલો ને સંસ્કારી બાપ. થોડી વાર તો સાંભળી રહ્યો. દાઝ તો કાન ઝાલીને બે તમાચા ખેંચી કાઢવાની ચડી હતી; પણ દીકરીની મનપસંદગી ઉપરવટ એને જવું નહોતું. એણે કડક અવાજે કહી નાખ્યું: 'મુક્તાને કહો કે આ ઘોલકીની રમત નથી માંડી. ચોવીસ કલાકની મહેતલ આપું છું. પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે."

"ધૅટ્સ ઇટ (બરાબર છે) !" પ્રો. ઇન્દ્રજિતે ગળું ફુલાવીને સંતોષ બતાવ્યો. "ચમત્કાર વિના નમસ્કાર નહિ !"

"સીધીદોર થઈ ગઈ, ઇન્દુભાઇ ! - નેતર જેવી સીધી થઈ ગઈ ! બધા ફંદ મૂકી દીધા. ચોવીસ કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે, 'મુક્તા ટાઢિ પડી ગઈ છે. હા પાડે છે'

"એ રીતે ચોખ્ખી સ્વેચ્છાથી લગ્ન કર્યાં. છતાં એ છોકરીએ ચાર દિવસ તો અમારે ત્યાં માંડ માંડ કાઢ્યા. ભુરાંટી થઈ. ઘર આખું ચગડોળે ચડાવ્યું. રમણને તો ખાજ ઉપર લાગેલી સિંહણની માફક પાસેય છબવા ન દે. ઇન્દુભાઇ ! શું કહું ? - મારા ત્રીસ વર્ષના પુત્રને એ છોકરીએ તમાચો ખેંચી કાઢ્યો. અંદરથી સાંકળ બીડીને બેસી ગઈ. ત્રણ દિવસ ખાધુંપીધું નહિ. મેં એના બાપને તાર કર્યો. એ તેડી ગયો. ત્યારેથી આજ બાર મહિના થયા; નથી આવતી. માબાપ કહે છે કે, જોરાવરીથી લઈ જાવી હોય તો લઈ જાઓ - તમારું માણસ છે !"

"મુક્તા પોતે શું કહે છે ?"

"કાંઇ નહિ. બસ, 'નથી આવવું.' મેં કહ્યું, દાવો માંડીશ. એ કહે, ફાંસીએ કેમ નથી ચડાવતા ! અહીં, બસ, હાર્મોનિયમ બજાવે છે. ટોળાં ભેળાં કરે છે. જગબત્રીસીએ ચડી છે તોયે નફટ થઈને ફરે છે, હરે છે. મેળાવડાઓમાં ને ઉત્સવોમાં ભળે છે, ગરબે રમે છે. લોકો મોઢે ચડીને ફિટકારે છે તોયે નઘરોળની નઘરોળ ! હું ત્રણ-ત્રણ વાર તો રમણને તેડીને અહીં આવી ગયો. ત્રણમાંથી એક વાર માંડ માંડ રમણને એનું મળવું થયું. મેં રમણને ગોખાવી રાખેલું કે, 'પ્રથમ મીઠાશથી વશ કરવા મહેનત લેજે. પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખ દેખાડજે'. બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો. રમણે ઘણું ઘણું પૂછ્યું કે, 'હું તને કેમ નથી ગમતો ? મારામાં તેં શી ખોડ દીઠી ? આપણે નવી મોટર લીધી છે. બાપા વાલકેશ્વરમાં બંગલો લેવાના છે'. પણા આખરે એ વંઠેલીને સાન ન આવી. છેવટે જ્યારે રમણે કહ્યું કે, 'હં ! તારે આંહીં કોઇ બીજું પ્રણયપાત્ર છે, ખરું ને !' એટલે તો સાંઢ જેવી એ છોકરીએ મારા રમણને બીજી લપડાક લગાવી દીધી. રાતી આંખ દેખાડતાં મારા રમણને ન આવડ્યું."

"માફ કરજો - પણ રમણલાલમાં કાંઇ કહેવાપણું તો નથી ના ?"

"રહો, બતાવું. બેટા રમણ ! આંહીં આવ જોઉં !"

અંદરથી કોમળ કંઠનો અવાજ આવ્યો: "આવ્યો જી !"

જુવાન દાખલ થયો. એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉમ્મરમાંથી પાંચ વર્ષોના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી. એ માંડ પચીસ વર્ષનો લાગતો હતો. અડકશું તો ભાંગીને ભૂકો થઈ જશે, એવું બિલોરી કાચનું બનાવેલું જાણે એનું બદન હતું. અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી બે આંખો હતી.

"આ મારો રમણ !"

"આ ! પ્રો. ઇન્દ્રજિત આભા બની ગયા: "આ પુરુષ એને પસંદ નથી પડતો ? આટલી હદ સુધીની નફટાઇ ! હું કહું છું કે એને ચોટલે ઝાલી ઉઠાવી જાઓ." એમ કહી ઇન્દ્રજિત ઊઠ્યા.

"જોયું, રમણ ! ઇન્દ્રજિત જેવા પ્રોફેસરે આપણને ન્યાય કર્યો છે. 'ચોટલે ઝાલીને !' એ એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે. હવે મને છાતી આવી ગઈ. હવે તું મુંઝાઇશ નહિ. હું લાખોનાં આંધણ મૂકીશ. દુનિયાને દેખાડી દઈશ કે કુળવાન માણસ પોતાની આબરૂ સારુ શું શું કરી જાણે છે."

કુલીન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરુ પર્વતથી પણ મોટો હતો. સદાય રમણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલીનતા ખાતર જ પિતાનું જીવતર હતું. આબરૂની વેદી ઉપર આત્મ-સમર્પણ કરનાર બાપને રમણ દેવ સમ ગણતો. એ માનતો કે પોતે, મુક્તા અને આખો સમાજ બાપુના કુળની આબરૂ આબાદ રાખવાનાં જ પુનિત સાધનો છે.

એણે પિતાની વાતના વિરામચિહ્ન તરીકે હંમેશની માફક ઉમેર્યું કે, "જી હા !"

સુખદેવ ડોસા મુક્તાને 'ચોટલે ઝાલીને' ઉઠાવી જવાની વેતરણ ઉતારતાં ઉતારતાં બોલ્યા: "હું આખી બાજી ગોઠવી રહ્યો છું. એના મુખ્ય પાત્ર તરીકે તારું જ સ્થાન રહેશે. તારે મુક્તાને છેલ્લી વારના એક મેળાપના બહાને, તારા તરફથી એને ચાહે તેની સાથે જીવન ગાળવાની ફારગતી આપવાને નિમિત્તે, તેડાવવાની છે. કાગળનો મુસદ્દો હું ઘડી દઈશ. એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ. હું એક મોટરનો ને ચાર માણસોને જોગ કરી રહ્યો છું."

"જી હા !" રમણના રાતા હોઠેથી સનાતન વિરામચિહન સર્યું.

પોતાના ઓરડામાં જઈ રમણ એક ખુરસી પર ઉપર ઢગલો થઈ પડ્યો. એના કાનમાં પેલા શબ્દો ગાજતા હતા: 'ચોટલે ઝાલીને...'એ શબ્દો નવા હતા. કદી નહિ સાંભળેલા. એની આંખો મળી. એણે સ્વપ્ન દીઠું. મુક્તાને ચોટલે ઝાલી ઘસડી જતો પ્રો.ઇન્દ્રજિત દીઠો. એ ઊઠ્યો. મોઢું ધોયું. લખવા બેઠો. આ પહેલી જ વાર એણે પોતાની પ્રેરણાથી કાગળ લખ્યો:

મુક્તા,

અરીસામાં બહુ બહુ જોયું કે, તને કંટાળો આવે એવું એવું મારામાં શું છે !

પણ હવે સમજાય છે. આ કંટાળો સ્વયં પ્રેરિત પ્રીતિ જેવો જ સ્વયંભૂ છે. હું ભલે ફૂલનો બનેલ હોઉં, પણ તારી આંખોએ મારા પ્રત્યેક રજકણમાં કીડા ખદબદતા દેખ્યા છે.

પરસ્પર વિનાદીઠ્યે થયેલાં અનેક લગ્નો પ્રેમભરપૂર નીવડ્યાં હશે; પરંતુ તેથી કરીને તારું ને મારું માબાપોએ તારથી કરી નાખેલ સાટું કશો બચાવ પ્રાપ્ત કરતું નથી.

તને ધૃણા હતી. દબાવી-ડરાવીને તારી જીભમાંથી 'હા' કઢાવવામાં આવી હતી. સંમતિ-લગ્નનો એ દંભ હતો.

તું કુલીનનું બાળ છે. હિન્દુ કાયદાની ગુલામ છે. વિવાહિત જીવનને ઠેલ્યે તારો ક્યાંયે ઉગાર નથી; જ્યારે હું પુરુષ તો પાંચ બૈરાં પરણવા પણ સ્વતંત્ર છું. આમ છતાંય તું નાસે છે, એટલે નક્કી કોઇ ભયંકર ધૃણાએ તને વલોવી નાખી હશે. મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે.

મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે. મારા હાથના બીજા કોઇ કાગળથી ભોળવાઇશ નહિ. આ સાથે રૂ. ૧૦૦ની નોટ બીડું છું. ફાવે ત્યાં નીકળી જઈ રક્ષણ મેળવજે.

મારા તરફની આ ફારગતી ગણજે. અદાલતમાં જવું પડે તો આ દેખાડજે.

લિ. રમણ.

રૂ. ૧૦૦ની નોટ સાથે બીડેલા કાGગળનું પરબીડિયું ગજવામાં છુપાવીને રમણ બહાર નીકળ્યો. છેક ટપાલ-પેટી સુધી હિંમતભેર પહોંચી ગયો. પરબીડિયું અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઇની થપાટ પડી.

જુએ છે તો - બાપાજી પોતે !

પરબીડિયું આંચકી, ફોડી, અંદર સપાટાભેર નજર ફેરવીને પછી બાપાજીએ બીજી થપાટ ચોડી દીધી. કહ્યું: "ચાલ."

વળતે દિવસે જેને 'ચોટલે ઝાલીને ઉપાડી જવું' કહી શકાય એવી યોજના કરીને સુખદેવ સસરા પુત્રવધૂને મુંબઈ લઈ ગયા.