મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧૭. 'લાડકો રંડાપો'

← ૧૬. કેશુના બાપનું કારજ મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૧૭. 'લાડકો રંડાપો'
ઝવેરચંદ મેઘાણી
૧૮. ઘૂઘા ગોર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


'લાડકો રંડાપો'


"રાતે ફાસ્ટ ગાડી વખતે ગામમાં રોતું રોતું કોણ નીકળેલું ?"

"ગુલાબની ફુઈ. ગુલાબ હમણાં મરી ગયો ને, તેની કાણ્યે આવેલી. એને ગુલાબના ભાઈ ઘોઘલાએ કાલ રાતે બૂરે હવાલે કાઢી."

"શું ઘોઘલો આવ્યો ?"

"ગામડામાં ક્યાંક ’પિકેટિંગ’ કરતો હશે, ત્યાં ચોથે દિવસે માંડ ખબર પહોંચાડ્યા ત્યારે આવ્યો. ને પંદર દિવસમાં તો સગી ફઈને, આધેડ અવસ્થાની રાંડીરાંડ બાઈને, દુકાનીની કરી નાખી."

"શા સારુ ?"

"ગુલાબડાની વહુને માટે કાંઈક કંકાસ થયો લાગે છે. નવા જમાનાનું લોહી ખરું ને ? જૂના રીતરિવાજ માયલું રહસ્ય સમજી શકે નહિ. પોતાનો ધોકો પછાડે."

"બાયડીઓના રીતરિવાજમાં માથું મારવું એ પુરુષ માણસનું કામ જ નથી. ડોશી શાસ્તર તો નોખું એક શાસ્તર જ છે. એના ગૂઢારથ તો ડોશીઓ જ જાણે. એમાં ઘોડો કુદાવવો એ આપણું કામ જ નહિ."

કસ્બા-ગામની બજારે પોતપોતાની દુકાનો વાળતા વાળતા ચાર-છ વેપારીઓ પ્રભાતને પહોર આવું નિગૂઢ તત્ત્વ ચર્ચી રહ્યા હતા, અને ભંગિયાઓએ પરોઢિયામાં તાજી જ ઝાડુ મારેલી બજાર ઉપર પોતાનાં હાટડાંનો પૂંજો છાંટતા હતા.

"ગુલાબડાની ફઈ તો બચાડી ભારી ધર્મિષ્ઠ માણસ છે. ટેકીલી શ્રાવિકા છે, હો ! તકલાદી નથી. હરરોજ ચોવિયાર: મહિનાની દસેદસ તથ્યનો અપવાસ: સાધુ-સાધ્વી હોય ત્યારે ખડે પગે સેવા: ઘંટીને અડવાની અને સગા દીકરાની વહુની સુવાવડ કરવાની બાધા."

"સુવાવડનું પાપ તો શ્રાવકના શાસ્તરમાં બહુ મોટું કહ્યું છે ને !"

"હા, અને આ ગુલાબડાની ફઈ એ બાબતમાં ભારે ટેકીલી છે. એક વાર એના ફળીમાં પાડોશીને ઘેર બાઈને પીડ ઊપડી. ઘરમાં કોઈ ન મળે. બાઈ ચીસોચીસ પાડે. પણ ગુલાબની ફઈ કોઈને ખબર આપવા જેટલા પાપમાંયે ન પડી. સમાયક કરીને બેસી ગઈ. પાડોશણ બાઈને એમ ને એમ બાળક અવતર્યું. નાળ પણ એણે હાથે વધેર્યું."

"પાળે એનો ધરમ છે, ભાઈ !"

"ઘોઘલે આવી અશરાફ, ધર્મિષ્ઠ ફઈના નિસાસા લીધા. બાઈ રાતે ધા નાખતી જતી‘તી."

ઝાડુ વાળવાનું કામ પૂરું થયું. વેપારીઓ થડા ઉપર બેસી ગયા. થડાને તેમ જ ત્રાજવાં-તોલાંને પગે લાગ્યા. સંસાર ચાલ્યો જાય છે તે જ ઢબે ચાલવા લાગ્યો. પોતપોતાના પરિવારનાં પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત સુધી બીજી ઉપાસના નહોતી. ઉત્તર ધ્રુવના બરફ ઢંકાયેલા પ્રદેશની માફક અહીં પણ વિચાર-સૃષ્ટિ થીજી ગયેલી હતી. જિંદગીની પળેપળ જાણે એક જ વાત બોલતી હતી કે, ’શી ઉતાવળ છે ! પડ્યા છીએ. પરિવર્તનની શી દોડાદોડી છે ! હાલવા દ્યો ને !’

’ઘોઘલો’ તો એની બાએ પાડેલું હુલામણું નામ હતું. ફઈએ ’ઓળી ઝોળી પીપળ પાન’ કરીને પાડેલું નામ તો હિંમતલાલ હતું. હિંમતલાલની ઉમ્મર વીસ વર્ષની હતી. હિંમતલાલ સાત અંગ્રેજી તો ભણ્યા હતા, પણ ગામ-લોકોએ તો ’ઘોઘલો’ ’ઘોઘલો’ જ કહ્યા કરી એની મરી ગયેલી માના હેત-હુલાવ સદા અણભૂલ્યા રખાવ્યા હતા. હિંમતલાલની છોકરવાદી પણ ચાલુ જ હતી, અને એ રીતે ’ઘોઘલો’ નામને સાર્થક કરતી. હિંમત જ્યારે ગઈ કાલે ગામડાના કિચડ ખૂંદતો આવી પહોંચ્યો, ત્યારે મોટાભાઈ ગુલાબને ગુજરી ગયાં ચાર દિવસ થઈ ગયા હતા. ભાલના ભૂખપરા ગામે પડેલા હિંમતને ડાંસ કરડવાથી તાવ ચડ્યો હતો. ગુલાબનું સર્પદંશથી મરણ થયું એ ખબર મળતાં જ ચડતે તાવે એ ઘેર ધસી આવ્યો હતો. આવ્યો કે તરત જ એ ઘરની અંદર પેસી ગયો. ખડકીમાં બેઠેલા એના કુટુંબી, કાકા, મોટાબાપા ફાટી આંખે જ જોઈ રહ્યા, કે આ છોકરો નથી મોં ઢાંકીને રોતો: નથી પૂછવાય રોકાતો કે, મારા ભાઈને શું થયું: નથી બૈરાંને ખબર આપતો કે જેથી એ બધાં મોં વાળે: પરબારો "ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" એવા ગાંડા અવાજ કરતો એ રાંડેલી જુવાન વહુના ઓરડામાં દોડ્યો જાય છે. એની આંખોમાં લાજ-શરમ કે વિનય નથી. અવસરની ગંભીરતા એ સમજતો નથી.

"ભાભી ! ભાભી ! મારાં ભાભી ક્યાં !"

બારી-બારણાં બીડેલા એ કાળા ઓરડાને ઊંડે ખૂણે એક આકાર બેઠો છે. નથી હલતો કે નથી બોલતો. છાપરા ઉપરના સહેજ ખસી ગયેલા નળિયામાંથી જરીક જેટલું - આંખની કીકી જેવડું ચાંદરણું પડે છે. એના ઝાંખા અજવાળામાં દેખાય છે બુટ્ટાદાર રેશમી સાડલો: કોઈ પીરની કબર પર ઓઢાડેલી સોડ્ય સમાન નિષ્પ્રાણ ને નિશ્ચલ. અંદર કોઈ શ્વાસ લે છે તેટલા પૂરતું જ જાણે એ કફન હલે છે.

"ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" હિંમતનો સ્વર ફાટી ગયો. ઓરડામાં હજાર શબો સૂતાં હોય તેવી નીરવતા હતી. ફક્ત એ રેશમી સાળુના ઓઢણા નીચેથી જરીક સંચાર થયો. અંદરના કલેવર ઉપર કંઈક રણઝણાટ થયો. એ હતો સોના-રૂપાના દાગીનાનો ઝંકાર. કલેવર હતું તેણે કેવળ નિઃશ્વાસ જ પડતો મૂક્યો. કોઈ શક્તિધર્મીઓના ગુપ્ત દેવી-થાનકનો જ આ દેખાવ હતો. કોઈનો જાણે ભોગ દેવાતો હતો. ઓરડો કદાચ હમણાં ચીસ પાડશે એમ ધારીને કોઈકે જાણે એને મોંએ ડૂચો દીધો હતો. ઓરડો રૂંધાઈ ગૂંગળાતો હતો. એનું અંગે-અંગ તાવમાં તપતું હતું.

ઓચિંતો સોનાનાં કડાં પહેરેલ એક હાથ એના કાંડા પર જોરથી પડ્યો. એ ઝબકીને ફર્યો. ઘૂમટે ઢાંકેલ એ બીજી આકૃતિ હતી. એ હિંમતનાં ફઈબા હતાં. ફઈબાએ કહ્યું: "તને કંઈ ભાન છે કે નહિ ? પાધરો ’ભાભી’ ’ભાભી’ કરતો ત્યાં દોડ્યો ગયો ! ભાભી ખૂણે બેઠી છે એ તો સમજ ! બહાર જા, અને અમને અમારી રીત તો કરવા દે !"

ફઈએ ધકેલીને હિંમતને બહાર કાઢ્યો. પછી એ ઘરમાં ગયાં. ખૂણો પાળનારીને ઠપકો દીધો: "તમે પણ અજ્જડ થઈને બેઠાં રહ્યાં ? દેર હાલ્યો આવે છે તોય મોં ન વાળ્યું ? એટલીયે ભાન નથી બળી ! હું તો કેટલેક ઠેકાણે દોડા કરું ? રસોડે દસ કાણિયાંની રસોઈ તો કરાવું ને ! ઘીનો ડબો લાવીને મૂક્યો છે, તોય તમે તપેલીમાં ઘી હજી કાઢ્યું નથી ? રોટલીઓ ઝબોળવા જોશે ને ? લ્યો, હવે એક વાર મોં વાળી લઈએ. સામાં વેણ કહેતાં આવો જોઉં."

ફઈજીએ ને વહુએ રુદન આદર્યું. ચાર દિવસમાં લગભગ ચાલીસ-પચાસ વાર એ પાઠ બોલાયો હતો. વિધવાને કંઠે વેણ ચડી ગયાં હતાં. એ રડતી રડતી બોલતી ગઈ: "ચાંદલે-ચૂડલે ચોર પડ્યા: ઢોલિયે ધાડ્યું પડી: પલંગે પોકાર પડ્યા: તડકે બેસી તેલ છાંટ્યા: માથાં વાઢી ધડ રખડાવ્યાં: કૂણી કાતળીએ વાઢ પડ્યા." એ હતી રુદનની ટૂંકો. એવી તો ઘણી હતી. વહુ ચૂક્યાં ત્યાં ફઈ સુધારતાં ગયાં.

રુદન બંધ પડ્યું તે દરમિયાન બીજાં સગાં પરગામથી આવી ગયાં હતાં. કુટુંબની બાઈઓ પણ હાજર થઈ ગઈ હતી. મહેમાન બૈરાંએ ફઈબાની તારીફ આદરી: "સારું થયું કે બેન ઝટ આવી પહોંચ્યા. નીકર આ બાપડી નાની બાળને આવો લાડકો ખૂણો કોણ પળાવત !"

"એને બચાડીને પછી ક્યાં ઓઢવાપે‘રવાના દી રહ્યા છે !’ ફઈબાએ અનુકંપા વહાવી; "ઘરમાં નથી સાસુ કે જેઠાણી, જે એના લાડકોડ પૂરે."

"હા, જે કહીએ તે અત્યારે તો તમારા અંગમાં છે, બેન !" વખતવહુ બોલ્યાં: "તમે છો તો રોજેરોજ એના માથે નવાનવા સાડલા નાખો છો. દાતણ, પાયલું ને પાણીનો લોટો પણ એની પાસે જ મૂકો છો. બબે તો ચાકળા નાખી દીધા છે. ઓ બાપડી લાભકુંવરનું જોયું‘તું ને ! નખેદ સાસુએ ખૂણામાં ઘાલીને સારો સાડલોય નો‘તો ઓઢાડ્યો: ગાભા પે‘રાવ્યા‘તા !"

"ડોકમાં દાગીનાય નાખ્યા છે ના ?" ’ભાભી’ કરતો ત્યાં દોડ્યો ગયો ! ભાભી ખૂણે બેઠી છે એ તો સમજ ! બહાર જા, અને અમને અમારી રીત તો કરવા દે !"

ફઈએ ધકેલીને હિંમતને બહાર કાઢ્યો. પછી એ ઘરમાં ગયાં. ખૂણો પાળનારીને ઠપકો દીધો: "તમે પણ અજ્જડ થઈને બેઠાં રહ્યાં ? દેર હાલ્યો આવે છે તોય મોં ન વાળ્યું ? એટલીયે ભાન નથી બળી ! હું તો કેટલેક ઠેકાણે દોડા કરું ? રસોડે દસ કાણિયાંની રસોઈ તો કરાવું ને ! ઘીનો ડબો લાવીને મૂક્યો છે, તોય તમે તપેલીમાં ઘી હજી કાઢ્યું નથી ? રોટલીઓ ઝબોળવા જોશે ને ? લ્યો, હવે એક વાર મોં વાળી લઈએ. સામાં વેણ કહેતાં આવો જોઉં."

ફઈજીએ ને વહુએ રુદન આદર્યું. ચાર દિવસમાં લગભગ ચાલીસ-પચાસ વાર એ પાઠ બોલાયો હતો. વિધવાને કંઠે વેણ ચડી ગયાં હતાં. એ રડતી રડતી બોલતી ગઈ: "ચાંદલે-ચૂડલે ચોર પડ્યા: ઢોલિયે ધાડ્યું પડી: પલંગે પોકાર પડ્યા: તડકે બેસી તેલ છાંટ્યા: માથાં વાઢી ધડ રખડાવ્યાં: કૂણી કાતળીએ વાઢ પડ્યા." એ હતી રુદનની ટૂંકો. એવી તો ઘણી હતી. વહુ ચૂક્યાં ત્યાં ફઈ સુધારતાં ગયાં.

રુદન બંધ પડ્યું તે દરમિયાન બીજાં સગાં પરગામથી આવી ગયાં હતાં. કુટુંબની બાઈઓ પણ હાજર થઈ ગઈ હતી. મહેમાન બૈરાંએ ફઈબાની તારીફ આદરી: "સારું થયું કે બેન ઝટ આવી પહોંચ્યા. નીકર આ બાપડી નાની બાળને આવો લાડકો ખૂણો કોણ પળાવત !"

"એને બચાડીને પછી ક્યાં ઓઢવાપે‘રવાના દી રહ્યા છે !’ ફઈબાએ અનુકંપા વહાવી; "ઘરમાં નથી સાસુ કે જેઠાણી, જે એના લાડકોડ પૂરે."

"હા, જે કહીએ તે અત્યારે તો તમારા અંગમાં છે, બેન !" વખતવહુ બોલ્યાં: "તમે છો તો રોજેરોજ એના માથે નવાનવા સાડલા નાખો છો. દાતણ, પાયલું ને પાણીનો લોટો પણ એની પાસે જ મૂકો છો. બબે તો ચાકળા નાખી દીધા છે. ઓ બાપડી લાભકુંવરનું જોયું‘તું ને ! નખેદ સાસુએ ખૂણામાં ઘાલીને સારો સાડલોય નો‘તો ઓઢાડ્યો: ગાભા પે‘રાવ્યા‘તા !"

"ડોકમાં દાગીનાય નાખ્યા છે ના ?"

"હા જ તો." ફઈએ વહુનો ઘૂમટો જરીક ડોકનો ભાગ દેખી શકાય તેટલો ઊંચો કરીને કહ્યું: "મારી ડોકની ગુલછડી અને ચંદણહાર - બેય પે‘રાવેલ છે."

"એનાંય ઘરાણાં હશે તો ખરાં ને ?"

"હશે... પડ્યાં હશે ક્યાંઈક. અટાણે ક્યાં ખોળવા ? મારાં એ એનાં જ છે ને !"

"ફઈજી ! મારી મોહનમાળા તો ઘીનો ડ-"

"હાં હાં માડી !" વહુને ફઈએ બોળી મારતી અટકાવી: "તમારાથી અટાણે કાંઈ જ ન બોલાય: સાદ જ ન કઢાય. ઓરડોયે તમારો બોલાસ ન સાંભળે એવું રાખવું. તમારે તો ખૂણો પાળવાનો છે. એ તો પછી બધું થઈ રહેશે." ફઈએ વહાલપથી વહુના વાંસામાં હાથ ફેરવ્યો. એ પોચો હાથ એક ઠેકાણે જરાક અટક્યો હતો. આંગળી દાબીને ફઈએ વહુને સંકેતમાં સમજાવ્યું હતું.

ખરી વાત એ હતી કે મહેમાનોને રોટલીમાં પીરસવા સારુ ઘીનો એક ડબો લાવવા માટે વહુનો એકનો એક દાગીનો ઘરાણે મુકાઈ ગયો હતો. બાકી દાગીના હતા જ નહિ.

"બેન ! તમે છો તે કેવી ઘરની રીત સચવાય છે ! બેન તો કુળનું ઢાંકણ છે, હો !"

"એમાં ક્યાં પાડ કરીએ છીએ, બાપુ ! ભાઈનું આબરૂદાર ખોરડું : આજ ભાઈનું ગામતરું: મારે ગુલાબ ઓચિંતો ફાટી પડ્યો: ઘોઘલો સાવ છોકરવેજા. ખબર પડી કે તરત ધા નાખતી આવી છું. આંહીં જોઉં તો વહુ સૂનમૂન પડેલી: વહુને તાણ આવે. પછી વહુને હડબડાવવાં પડ્યાં કે, ’બાઈ ! આમ પડ્યું રિયું કામ આવે કાંઈ ? અત્યારે તો કેડ્ય બાંધીને કૂટવું જોઈએ ને ! મરણ જેવું મરણ છે !’ હાથ ઝાલીને ઉઠાડ્યાં."

વખતવહુએ પણ યાદ કરીને કહ્યું: "અને, બેન, મરણ થયું તે ઘડીથી જ વહુ તો હિસ્ટોરિયાના તાણમાં ને તાણમાં પડી ગયાં. બોલે નહિ: રોવે નહિ: ડોળા ફાડીને જોયા કરે. ડિલે લૂગડાંના ઢંગ નહિ. અમે તો મૂંઝાઈ ગયાં. અમારે છાજિયાં લેવા સારુ ઊભા થઈ રહેવું પડેલું. પછી અમરતમાએ ત્રાડ નાખી કે, ’તમે બધાં વહુને પંપાળો છો શા સારુ ! હાથ ઝાલીને ઊભી કરો, આંહી લાવો અને નાખો આપણી સહુની વચાળે !’ આ એમ છાજિયાં લેવરાવ્યાં‘તાં. પછી તો, બેન, તમે આવીને એને બરાબર ચાલાક કરી દીધાં છે. હવે વાંધો નહિ આવે."

"લાડકો ખૂણો છે, બાઈ ! મારી કાયા બેઠી છે ત્યાં લગી તો કચાશ નહિ રહેવા દઉં."

કાળા સાડલામાં ઢંકાયેલું એક બીજું શરીર હાથમાં તપેલું લઈને અંદર આવ્યું. પણ મોં ઢાંકેલું હતું. એણે કહ્યું: "દસ વાગી ગયા, બેન ! રોટલી ઊતરે છે. મહેમાનને હવે જમવા બેસારી દેશું ને ? આ તપેલામાં ઘી કાઢી દેજો."

"વહુ ! ઘી કાઢી દેજો તમારે હાથે. ડબો તમારે પડખે જ પડ્યો છે."

’લાડકો ખૂણો’ માણનારીએ ઘીનું તપેલું ભરી દીધું.

"વાહ ! કૂરિયા જેવું ઘી: ભારે ફરસું !" એક જણીએ ઘૂમટામાંથી નીરખીને ઘી વખાણ્યું.

"મે‘માનને મોઢે તો ઘર પ્રમાણે દેવું જ જોવે ને !"

એમ કહીને ફઈએ સહુને જમવા ઉઠાડ્યાં. ઓરડામાંથી જાણે ભમતાભમતા ઓળા નીકળ્યા. ઓરડો ખાલી થયો. એ પ્રેતસૃષ્ટિ પૈકીનો એક જ બુટ્ટાદાર સાડલો ’લાડકા ખૂણા’માં શ્વાસ પણ ગભરાઈને ખેંચતો બેઠો રહ્યો. એના મોં ઉપર, એની આંખોમાં, એના અંતરમાં શું શું થતું તે અગમ્ય જ રહ્યું. કવિની કલ્પના કે ગ્રંથકારની આલેખન-શક્તિ ન ભેદી શકે એવાં જે ગાઢ ઊંડાણો છે, તેમાં ’લાડકો ખૂણો’ તો સહુથી વધુ અતલ અને અંધકાર ભર્યો છે. એ ઓળાના માથા ઉપર માત્ર એક ચાંદરણું - આંખની કીકી જેવડું નાનું ચાંદરણું - નીરખી રહ્યું હતું. આકાશ જાણે માનવીનાં છીદ્રો જોતું હતું.

રસોડું ગાજે છે - દાળશાકના નહિ, પણ ઘીના સબડકાથી ગાજે છે. કુટુંબની નાનેરી વહુઓ રોટલીઓ ઉતારે છે. એક પછી એક એ ફળફળતું ફુલકું ઘીના ભર્યા તપેલામાં ઝબોળાતું જાય છે. ઝબોળવા બેસનાર પણ દિવાળી ડોશી છે. (ઘરનું માણસ ઘી ઝબોળવા ન બેસી શકે; એને હાથે સંકોચ થવાનો સંભવ છે.) ઝબોળ્યા પછી પણ ઘી નીતરી ન જાય તે સારુ ફુલકું ચારેય બાજુથી ઝાલીને, વચલા ખાડામાં ઘી સહિત, મહેમાનની થાળીમાં ફગાવાય છે. થાળીમાં એ ઘીનો વીરડો એક બાજુ ભરાઈ રહે તે સારુ દરેક મહેમાન થાળીને પગના પોંચા ઉપર ટેકવે છે. વીરડામાં બોળાઈ-બોળાઈને બટકું લાંબા ઘૂમતા સોંસરવું થઈને એ શોકાર્ત મોંમાં સબડકો ગજાવતું સમાઈ જાય છે. રોટલી ઝબોળવા બેઠેલ દિવાળી ડોશી વચ્ચે ટપારે છે કે, "ચૂલે રોટલી કોણ ઉતારે છે, ભા ! એને કે‘જો કે રોટલી મોટી થાય છે: સમે ફેરે ઉતારો."

રસોડાની સામે જ ’લાડકા રંડાપા’વાળો ઓરડો હતો. એની આરપાર બીજે છેડે નાની બારી હતી. બારી બંધ હતી. પણ એની ચિરાડમાંથી કોઈક ગૂંગળાતો અવાજ માંડમાંડ પેસતો હતો: "ભાભી ! ઓ ભાભી ! ભાભી !"

ભાભીના આખા દેહને ભુજપાસમાં દાબીને ’લાડકો ખૂણો’ બેઠો હતો. એણે ભાભીની ગરદન ચાંપી રાખી હતી.

ચિરાડ સોંસરવો રૂંધાતો એ ગદ્‌ગદિત અવાજ ફરી વાર બોલ્યો: "ભાભી ! આ બધું શું થઈ ગયું ! ભાભી, મારે એક વાર તમારું મોઢું જોવું છે. આ તરડમાંથી મને જોઈ લેવા દો."

ને રસોડામાંથી સબડકા સંભળાતા હતા: દાળના નહિ, ઘીના.

[2]

મોં-સૂઝણું હજુ નહોતું થયું. અજવાળી પાંચમના પરોઢિયામાં કેવળ તારાઓ જ જાગતા હતા, અને છાતી સોંસરી જાય એવી કારમી ટાઢમાં એકલા અભરામનો જ ટપો પહેલો ફેરો નાખવા નીકળ્યો હતો. ફઈ જાગી ગયાં. વહુની પથારી ખાલી દીઠી. પોતાના પહેરામાંથી ખૂનનો તોહમતદાર ગુમ થયો દેખીને પહરેગીરને જે ફાળ પડે, તે જ ફાળ ફઈને પડી. ઓસરીમાં કંઈક ઝીણો બોલાસ સંભળાયો. ફઈ ઊભાં રહ્યાં. ઝાંખે દીવે ફઈનું ફાળે ગયેલું ને વાળ વીંખાયેલું મુખમંડળ વહુને પોતાના ઝીણા વાયલના નવાનકોર ઘૂમટામાંથી પણ વિકરાળ દેખાયું.

"ક્યાં ગયાં‘તાં ?"

"શેરીમાં દિશાએ બેસવા."

"એકલાં ? રસ્તે લોકોનો અવરજવર મંડાઈ ગયા પછી નીકળાય ?"

"શું કરું ? હું બે દા‘ડાથી અકળાતી હતી. પેડુમાં ને પેટમાં વાઢ્ય આવતી હતી. ઘરમાં નથી વાડો કે નથી આડશ. ફળીમાં ઘોઘોભાઈ સૂતા છે. ક્યાં જાઉં ?"

"બા‘ના આપવાં હોય તો હજાર આપી શકાય. વરસ જેવડી શિયાળાની આખી રાત પડી‘તી, તેમાં ક્યારેય વખત ન મળ્યો, તે ઠેઠે સવારને પો‘ર શેરીમાં ગયાં ? ને તેય એકલાં ?"

"તમે ભરનીંદરમાં હતાં. રાતે બાર બજ્યા પછી તો બાઈઓ ઊઠી. તે પછી પણ શેરીમાં તો અવરજવર ચાલુ હતો. તમે ના પાડી; કહ્યું કે, એક કલાક પછી જાશું. પછી તમને ઝોલું આવી ગયું. હું કેમેય કરી સૂઈ ન શકી. પેટ ને પેડુ બેયમાં વાઢ્ય આવતી‘તી. માથું ફાટતું‘તું. તમે હમણાં જાગશો, હમણાં જાગશો, એમ થતું‘તું. પછી મારીય આંખ જરીક મળી. મને બહુ બીકાળાં સ્વપ્નાં -"

"હવે તમારાં સ્વપ્નાંની પરડ મારે ક્યાં સાંભળવી છે ? તમે આટલાં મોડેરાં અને એકલાં શેરીમાં ગયાં, એમાં આપણું મા‘ત્યમ નહિ. બૈરાંની જાતને મન અને શરીર ઉપર કાબૂ તો હોવો જ જોઈએ ને ? એમાં હાજત દબાવવાથી ક્યાં મરી જવાનાં હતાં ! આ અમારા સામું તો જોવો ! આપણા કુટુંબમાં જ તમારી નજર સામે પચાસ તો રાંડીરાંડો છે. અમે બધાં પણ બાળરંડાપા જ વેઠીએ છીએ ને ! અમારે તો લાઠીની શૂળી જેવાં સાસરિયાં હતાં. મારા સસરાનું તો નગરશેઠનું ખોરડું હતું. આખી રાત ને આખો દી છ-છ મહિના સુધી ઘરમાં ને ડેલીમાં માણસોની ઘમસાણ્ય બોલતી. પણ પૂછી જોજો જઈને: કોઈએ આ તમારી ફઈજીના લાડકા રંડાપામાં ક્યાંયે રજતલ જેટલીયે એબ દીઠી છે ? મન ઉપર અંકુશ રાખવા દોયલા છે. આજકાલનાં નાનડિયાનું ગજું નહિ. અસલી ગજાં જ નોખાં. તમને કાંઈ થયું ? એકલાં લોટો ભરીને હાલી નીકળ્યાં શેરીમાં !"

વહુના મોંમાં જીભ જ ન રહી. એને પણ દિલમાં પસ્તાવો થયો કે પોતે ભૂલ કરી છે. એને હવે યાદ આવ્યું કે અભરામનો ટપો છડિયાં લઈને જ્યારે રસ્તા ઉપર નીકળ્યો હતો, ત્યારે મારું કોરું પહેરેલું વાયલ તો તારોડિયાના તેજમાં ચોખ્ખું દેખાઈ ગયું હશે ને ! અભરામ ટપાવાળાનાં છડિયાંએ મને ઓળખી લીધી હશે ને ! અરેરે ! એ બધાં મારા માટે શું ધારશે ? એ બધાં કેટલે ઠેકાણે મારી વાતો કરશે ? અત્યારે સ્ટેશન પર પણ મારી વાતો થતી હશે ને ? સવારે ગામમાં ખબર પડશે તો ? લોકો મારા ઉપર કેવકેવા વહેમ લાવશે !

"ને હજી તો આવા દસ મહિના ખેંચવાના છે." ફઈએ યાદ આપ્યું: "અત્યારથી હૈયું હારી બેઠે ખૂણો પળાશે ? કોળીવાઘરી જેવું કહેવાશે. આપણી જાત કોણ ? ખોરડું કયું ? તમારે સગાં કેવાં કુળવાન ! હજી તો મારા સસરાની ત્રીજી જ પેઢીએ અમારે ઘરે સુલતાનપર ગામની નગરશેઠાઈ હતી..."

એવી એવી ખાટીમીઠી શિખામણો આપતાં તો પ્રભાત થવા આવ્યું. અને ઓસરીમાં ગોદડું ઓઢીને પડેલા ઘોઘલાએ આ ચર્ચા કાનોકાન સાંભળી લીધી. એ નાદાન છોકરાને આજે પહેલી જ વાર જ્ઞાન થયું કે લાડકા રંડાપાનો ખૂણો શોભાવતી ભાભીઓ અને બહેનોને ઝાડા-પેશાબની વાતોમાં પણ વિધિ કરવાની હોય છે, તપ તપવાનાં હોય છે. ઘોઘલો હજી હમણાં જ સત્યાગ્રહની લડાઈમાં જેલ વેઠી આવ્યો હતો. જેલમાં એને ચક્કી પીસવાનું કામ કરવું પડેલું. સાંજે છ વાગ્યામાં તો બરાકોમાં પુરાઈ જવાનું હતું. ખૂનીઓ અને ડાકુઓને પણ પોતાના ભેળા પુરાતા. ત્યાં જેલમાં તો એ લોકોને સારુ પણ ઝાડા-પેશાબનાં ઠામડાં બરાકોમાં મુકાતાં; ત્યારે આ લાડકો રંડાપો કઈ જાતનું કારાગૃહ હશે ? ક્યા ભયંકર અપરાધની એ સજા હશે ? આવા દસ મહિનાને અંતે ભાભીના શરીરનું શું થશે ? એના દિલની ગતિ કેવી બની જશે ? ’ભાભી’ પણ ’ફઈબા’ની જ નવી આવૃત્તિ બની જશે ને ? વિચાર કરતાં કરતાં શિયાળાની પરોઢે ઘોઘલાની આંખો મળી ગઈ. પણ એ નિદ્રા નથી: તંદ્રા છે.

સ્વપ્ન શરૂ થાય છે. ઝાડની ડાળીએ ઠેકતાં વાંદરાં જેવાં ધડા વગરનાં છતાં ઉગ્ર એ સ્વપ્નો છે. એને દેખાય છે કે એક ચરુ ઊકળે છે. ચરુ નીચે ફઈબા જેવી અસંખ્ય આકૃતિઓ જ્વાલાઓને સ્થાને ઊભી છે. ખદખદતા એ ચરુની પાસે શરીર વગરના બે હાથ દેખાય છે. એ બે હાથો ભાભીને - તથા ભાભીના જેવી જ મસ્તીખોર, ગેલતી વહાલભરી માનવાકૃતિઓને - ઉઠાવીને ઉઠાવીને ચરુમાં નાખે છે. પછી એને ઓગાળીને કરેલો રસ ચરુમાંથી બકડીએ બકડીએ ભરીને પેલા બે હાથ એક લોઢાના બીબામાં રેડે છે. પછી બીબાની પેટી ઉઘાડીને એક પછી એક આકૃતિઓને બહાર કાઢે છે. એ દરેક આકૃતિ જીવતી થાય છે. ભવાં ચડાવે છે. એના આગલા બબે દાંત લાંબા થવા લાગે છે. એમાંની એક લંબદંતી ઘોઘલાના ઘરમાં ઘૂસે છે. ઘોઘલો પોતાની નવી પરણેલી વહુ સાથે વાતો કરે છે. લંબદંતી કમાડની ચિરાડમાંથી ડોકાય છે; કહે છે: ’નથી ઓળખતી ? હું તારી ભાભીજી ! મારા દેખતાં વર સાથે વાતો ? ચાલ ચાલ દેવ-દેરે ! ચાલ ફુલકોરબાઈ આર્જાજીની પાસે ! હું તારી સુવાવડ નહિ કરું: મને મહારાજે બાધા દીધી છે. ચાલ, સંઘ નીકળ્યો છે પાંચ તીર્થોની જાત્રાએ.’

"ભાભી ! ભાભી ! ભાભી !" એવી ચીસો પાડતો ઘોઘલો જાગી ઊઠ્યો ત્યારે ફઈ એને ઢંઢોળી રહ્યાં હતાં કે, "ભાઈ ! બાપુ ! ભલો થઈને ઊઠીશ હવે ! વહુનાં માબાપ અત્યારની ગાડીએ ઊતર્યાં છે, ને અમારે હમણાં અહીં ધડાપીટ કરવી પડશે. મહેમાનને માટે બેસણું તો પાથર. હમણાં આવી પોગશે બધાં."

બપોરે શાંતિ વેળાએ હિંમતે ભાભીના બાપ પાસે વાત મૂકી કે, "તમે એને તમારે ઘેર તેડી જાવ. આંહીં એને દસ મહિનામાં મારાં ફઈ અને મારું કુટુંબ મારી નાખશે."

"શી રીતે લઈ જાઉં ! મારી ઇજ્જત જાય."

"પણ હું રજા આપું છું ને ! ઘરનો ધણી તો અત્યારે હું જ છું ને ? હું મારાં ભાભીને રાજીખુશીથી છૂટાં કરું છું."

"હિંમતલાલ ! વહેવાર બહુ વિકટ છે. હું દીકરીને લઈને ગામમાં પેસું, એટલે મને તો ન્યાત ફોલી જ ખાય. મને ગોળ બહાર મૂકે, તો મારાં છોકરાં ક્યાં વરે ?"

"તમને તમારી સગી દીકરીની દયા નથી ? આટલુંયે બળ નહિ બતાવો ? કોણ - તમારો ચત્રભુજ શેઠ તમને ન્યાત બહાર મૂકશે ? એ સગા દીકરાની વહુને ફસાવનારો -"

"હિંમતલાલ ! ભલા થઈને એ વાત કરો મા !"

"કેમ એને તો ન્યાત કાંઈ નથી કરતી ? પેટની દીકરીને પંચોતેર વર્ષના લખપતિ વેરે પરણાવનારા માકા શેઠનો વાળ કોઈ વાંકો નથી કરતું. કોળણોને ઘેર પડ્યા રહેનારા તમારા મહાજનના શેઠિયા તો મૂછે તાવ દઈ ફરે છે. રાંડીરાંડોની થાપણો ઓળવનારાઓ તો એનાં છોકરાં-છોકરીને વરાવે-પરણાવે છે. અને તમને દીકરીને આગની ઝાળમાંથી કાઢવા સારુ ન્યાત-બહાર મૂકશે ? જુવાન બાઈનો પુરુષ ફાટી પડે એ આપદામાં એને આશ્વાસન દેવાનો, દુઃખ વિસરાવવાનો, બીજે સદ્‌વિચારે ચડાવવાનો મને કે તમને હક્ક નહિ ?"

"ભાઈ, લોકાપવાદને કોણ જીત્યું છે ? મારું ગજું નથી. દીકરીનું વળી જે થાય તે ખરું ! જેવાં એનાં તકદીર ! કોઈ શું કરશે ? આખા જન્મારાના રંડાપા કરતાં મોત શું ખોટું છે ! અમારા ભત્રીજાની દીકરીને એનો ધણી મૂઆ પછી ખૂણામાં ને ખૂણામાં ક્ષય લાગુ થઈ ગયો. બિચારી વહેલી છૂટી ગઈ."

[3]

માબાપ ગયાં. લાડકો ખૂણો ઝાલીને ભાભી બેઠી રહી.

દિયર અને બાપ વચ્ચે થયેલી વાતચીતો એને કાને કમાડની ચિરાડે પહોંચાડી હતી. સગો જન્મદાતા પણ પોતાની આબરૂનો જ વિચાર કરી રહ્યો છે ! એને હજુ છોકરાં વરાવવાં છે ! માટે એ મારું મોત પણ થવા દેવા તૈયાર છે ! એ પોતાના મનને પૂછવા લાગી: હું આ ધર્મ કોના સારુ સાચવી રહી છું ? ગુલાબને સારુ ? ના, ના; આ ભીડાભીડમાં, આ વિધિક્રિયામાં, આ લાડકા ખૂણામાં ગુલાબની તો ઝીણી યાદ પણ ક્યાં રહી છે ? હું ખૂણો તો પાળું છું એવી બીકે કે લોકો શું કહેશે ! કયા લોકો ? દિયરે બાપની પાસે વર્ણવ્યા તે બધા ? શું કહેશે ! તેઓનાં કુકર્મોને માટે તો કોઈએ કાંઈ કહ્યું નથી, ને મારા માટે કહેશે ? શું કહેશે ? કહીકહીને શું કહેશે ? વંઠેલી: નિર્લજ્જ: કુળબોળામણ: બસ ને ?

એવી ઘટમાળ દસેક દિવસ ફરતી રહી. અગિયારમી સાંજે સંચાની માફક ભાભીની આંગળીઓ ગરદન ઉપર ફરતી હતી. અને ગળાના દાગીના ઉતારી ઉતારીને નીચે ઢગલી કરતી હતી. ત્યાં ફઈ આવ્યાં. હાથમાં રેશમી કપડાંની જોડ્ય હતી. કહ્યું: "લ્યો, આજ તો આ પે‘રજો ! આજ મારાં સાસરિયાં કાણ્યે આવવાનાં છે."

"મારે નથી પે‘રવાં."

"કાં ? અને આ શું ? આ દાગીના કેમ કાઢી નાખ્યા ?"

"પાછા લઈ જાવ."

"એટલે... ખૂણો પાળવો આકરો થઈ પડ્યો ? કે તમને કાંઈ ઓછું પડ્યું ? પે‘રી લ્યો. છોકરમત કરો મા !"

વહુ ચૂપ રહી. ફઈના હોઠ તપી ગયા: "આ માથું કોણે ભમાવી નાખ્યું તે હું જાણું છું. ઘોઘલે કાન ફૂંક્યા છે પરમ દી પરોઢિયાના ! માડી રે, કામ વંઠ્યું !"

ફઈએ કપાળ કૂટ્યું. એ ધડાકા સાંભળીને હિંમત ઓરડામાં ધસી આવ્યો. એણે ભાભીને ઘૂમટો ઉઘાડીને ઊભેલી દીઠી. એક વારનું ગુલાબી મોં ચિતામાં શેકાયેલું હોય તેવું દીઠું. ફઈ બોલ્યાં: "તારે ખૂણો છાંડીને -"

""ફઈબા !" ઘોઘલાએ કહ્યું : "તમે આ લાડકા ખૂણામાં રોજ દીવો પેટાવજો ને અહીં રહેજો. હું ભાભીને લઈને જાઉં છું."

"ક્યાં ?"

"ગમે ત્યાં."

"ના રે, બાપુ ! હું તો આ હાલી તમારી મોઢા આગળ. સાચવો તમારું ઘર."

ધડાપીટ કરતાં ફઈ ગયાં. વળતે દિવસે દિયર-ભોજાઈ પણ ગયાં.

સાંજે ઘર ઉજ્જડ પડ્યું હતું. ઓરડામાં રેશમ રઝળતાં હતાં. લાડકા ખૂણાને છાપરાનું ચાંદરણું પૂછતું કે, ’પહેરનારી ક્યાં ગઈ ?’ અને લોકો વાતો કરતાં હતાં.

એકાદ મહિનો વીતી ગયા પછી એ ખડકીનું તાળુ ઊઘડ્યું છે. અંદર વસવાટ શરૂ થયો છે. રૂંધાઈ રહેલ એ ઓરડામાં સૂર્યનાં કિરણો અને આકાશની વાયુ-લહેરીઓ જાણે કે સાતતાળી-દા રમતાં રમતાં દોટાદોટ કરી રહ્યાં છે. બારી-બારણાં હસી હસીને બોલતાં હોય ને જાણે !: ’ફઈબા નથી, ફઈબા નથી.’

ખડકીના માથે ’કાર્ડબોર્ડ’ના પૂંઠા ઉપર મોટા અક્ષરો લખ્યા છે કે, ’વછિયાતો અને વિદ્યાર્થીઓ માટે વીશી. નાના અક્ષરે ભાત પાડીને અંગ્રેજી અક્ષરો કોતર્યા છે કે, ’વર્ક ઇઝ વર્શિપ’ (કામ એ જ પૂજા છે). ફળિયામાં બપોરની વેળાએ ઘોઘાભાઈ ઉર્ફે હિંમતલાલ અજીઠાં વાસણોનો ખડકલો માંજે છે. સફેદ છાયલવાળી ભાભી ઓસરીમાં કમોદ ઓઘાવી રહી છે. બન્નેનાં મોં ઉપર ઊંડી પ્રસન્નતા ઝલકી રહી છે. બન્ને વાતો કરે છે:

"કાલથી બે વિદ્યાર્થી વધે છે, ભાભી ! આજ જમવા આવેલા તે બાપડા બહાર નીકળીને વાતો કરતા હતા કે, આજ જાણે માના હાથની રસોઈ મળી."

ભાભીની નેત્ર-જ્યોતમાં જાણે નવું દિવેલ પુરાયું. "ને, ઘોઘાભાઈ, ઇસ્પિતાલવાળા ઓલ્યા દરદીના બાપા પણ હવેથી આંહીંથી જ થાળી લઈ જાશે. આપણે એ દરદીના સારુ ઝીણા ચોખા લઈ આવશું ને ?"

"હાહા, બચાડા દલપતરામ કારકુનથી પણ બોખા દાંતે મોટા ભાત ચવાતા નથી."

"વછિયાતોને તો, ભાઈ, તમારે થોડીક તાણ કરીને જમાડવા, હો ! સ્ટેશનોની વીશીમાં ખાધેલું ને, એટલે આંહીં શરમાઈને ભૂખ્યા રહે છે માંહીંમાંહીં તો."

એવી બપોર વેળાએ કાંડે સોનાનાં કડાં, ડોકમાં એક્કેક-બબે હેમના દાગીના, લાલ-લાલ અટલસનાં કાપડાં અને કાળા ઝીણા સાડલા પહેરીને દસ-બાર બાઈઓ નીકળે છે. હાથમાં એક્કેક-બબે ધર્મ-પોથીઓ હોય છે. જતીજતી એ બધી આ ખડકીમાં ડોકિયાં કરે છે. પરસ્પર હસતી હસતી વાતો કરે છે કે -

"માડી રે ! પાછાં પેઠાં આ તો ગામમાં."

"રંડાપામાં ધૂળ નાખી. ખૂણો પાળવાને સાટે તો ભઠિયારખાનું ખોલ્યું."

"નાની બાળ અલકમલકનાં માણસું સાટુ વીશી માંડીને બેઠી. અરે મૂઈ ! બાળવિધવાને દેવદેરાં ન સૂઝ્યાં, ધર્મધ્યાન ન ગોઠ્યાં, સાધુસાધ્વીની સેવાયું ન ગમી - ક્યાં જાતી ઝીંકાણી !"

"લ્યો હાલો હાલો, આપણે શાસ્તરનું ભણતર ખોટી થાય છે. આપણે શું કરીએ ? ભોગ એના !"

"કાલે આર્જાજી આંહીં વોરવા ચડતાં‘તાં. હું ભેગી હતી તે મેં ચેતાવી દીધાં"

રૂમઝૂમ રૂમઝૂમ જીભો ચલાવતી સુવર્ણે મઢેલી ધર્મપૂતળીઓ શાસ્ત્રો શીખવા માટે સાધુ-સ્થાનકે ચાલી ગઈ. કમોદ ઓઘાવતી ભાભીથી જગતના બોલ ઝિલાયા નહિ.

ઘોઘલાભાઈની વીશી તો પરગામના અનેક વિદ્યાર્થીઓની અને વછિયાતોની મા બની ગઈ.

કોઈકોઈ વાર કામ ઓછું હોય. ભાભીને એકલવાયું લાગતું હોય, ઘોઘાભાઈ નળાખ્યાન ગાતા હોય, હિસ્ટીરિયા નામનો અતિથિ અંગ ઉપર આવું આવું કરતો હોય - તે વખતે ઘોઘલાની પાસે એક રામબાણ ઔષધ હાજર હતું:

"ત્યારે હવે ફઈબાને તેડાવશું કે, ભાભી ! લાડકો ખૂણો અધૂરો છે તે પૂરો કરશું કે ?"

હસી પડીને ભાભી પાણીની હેલ્યો લાવવા મંડતા.