મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧૯. ગરાસ માટે
← ૧૮. ઘૂઘા ગોર | મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ૧૯. ગરાસ માટે ઝવેરચંદ મેઘાણી |
૨૦. દરિયા પરી → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
.
ગરાસ માટે
આજથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરું ધાંધલ મચી ગયું હતું.
દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ-ટુકડી સાથે પડાવ નાખ્યો હતો; અને સામી ચોપાટમાં ગરાસદાર ભાઇઓનો ડાયરો મળતો, વળી વીંખાતો, કસુંબા પિવાતા, તડાકા થતા, અને પાછા સૌ ઊઠી ઊઠીને ચાલ્યા જતા. પડછંદ તેમ જ ઠીંગણા એ ગરાસદારોનાં મોં ઉપર અને મેલાં, ફાટેલાંતૂટલાં લૂગડાં ઉપર માનસિક ગૂંચવાડાની અને આર્થિક સત્યાનાશની કથની આલેખાઇ હતી.
ગઢની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવ-જા થતી તેના ઉપર પોલીસ-પહેરેગીર બારીક ધ્યાન આપતો હતો.
બહારથી ગઢની અંદર જનારાં બાઇઓનાં ટોળાંને પણ પોલીસ તેમ જ તેના ઉપરી અમલદાર ઝીણી નજરે જોતા હતા.
ટોળા માંહેની કોઇક ડોશી સામી ચોપાટે બેઠેલા પુરુષોને હસીને કહેતી પણ હતી કે, "કુંવર અવતર્યા ને ? નરવ્યા છે ને કુંવર ? સારું બાપા ! મારી આંતરડી ઠરી. આ ઝબલું લઇને જાંઇ છીં, ભા !"
એમ કહેતે કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર શ્રીફળ વગેરે જે લઇ જતાં હતાં તે ખુલ્લાં કરી બતાવતાં હતાં.
અવારનવાર ગોલી આવીને ડેલીએ પુરુષોને ખબર દઇ જતી કે,"માએ કહેવાર્યું છે કે, કુંવર નરવ્યા છેઃ કાંઇ ઉચાટ કરશો નૈ."
"તો પછેં-" અમલદાર જે ચોપાટમાં બેઠા હતા તે ચોપાટમાંથી એક પુરુષે ગોલીને હાકોટો માર્યોઃ 'તો પછે કુંવરનું મોં અમને જોવા દેતાં શું ભે છે તારી માને ! દિ ને રાત કુંવર-કુંવર કરી રિયાં છો રોગાં.." બોલતો બોલતો એ પુરુષ પોતાના ડોળા ઘુમાવતો હતો.
"સથર્યા રો' ને, મારા બાપ !" સામી ચોપાટેથી બીજો જણ ઠંડે કોઠે જવાબ દેતો હતો: "આકળા થઇ ગિયે કાંઇ કુવર હશે ઇ મટીને કુંવરી થોડો થાઇ જાહે ? અને ઉતાવળા શીદ થવું પડે છે, ભા ! મહિનો નાહીને કુળદેવીને પગે લગાડ્યા પછેં પેટ ભરી ભરીને જોજો ને ! બાકી, તમારે શી બીક છે ? ગઢની ચારેકોર તો તમે ચોકી મુકાવી દીધી છે. તમારો બંદોબસ્ત ક્યાં જરાકેય કાચો છે !"
"કાચો શા સારુ રાખીએ ?" સામી ચોપાટે રેશમી કબજા નીચે મલમલનું પહેરણ પહેરીને બેઠેલએ જુવાન ગરાસદાર ઢોલિયેથી પગ નીચે ઉતારીને બોલ્યોઃ "ગરાસ કાંઇ વડવાઓએ કો'કના સાટુ નથી કામી રાખ્યો. લીલાંછમ માથાં વાઢીને.."
એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે 'લીલાંછમ માથાં' વાઢીને જમીન જીતવાની વાત હવે બહુ મશ્કરીને પાત્ર બની ગઇ છે, એટલે એ ચૂપ રહ્યો.
સાંજ પડી. દિવસ આથમ્યો. એક સાંઢિયો ડેલીએ આવીને ઝૂક્યો. અને સામી ચોપાટેથી "લ્યો, મામા આવી પોગ્યા !" એવો આનંદ-ધ્વનિ થયો, ઊંટના અસ્વાર ઊતરી સૌને હળ્યામળ્યા, અને ઊંટના કાઠાની મોખરે બાંધેલી એક નાની ટ્રંક છોડીને સાંઢિયા-સવારે ચોપાટમાં મૂકી.
"આ પેટીમાં કુંવરનું ઝબલું છે. ગઢમાં લઇ જાવ." ઊંટ પર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઇને વહેમ પડી જ ન શકે.
અને જેના ચપોચપ બીડેલા ઢાંકણામાંથી પવન પણ આવ-જા કરી ન શકે એવી એક નવીનકોર તાળાબંધ ટ્રંકમાં ભરેલી સામગ્રી વિષે તો વહેમ જ કોને પડે ? ગોલી ટ્રંક લેવા આવી, અને એણે મહેમાનનાં ઓવારણાં લઇને કહ્યું: "કુંવર અવતર્યા ત્યારથી બોન તો ભાઇભાઇ ઝંખે છે. આપ પધાર્યા ને માને કાં ન લેતા આવ્યા ?"
"બોનને નારાયણ કહેજે. ને મા તો શું આવે, બાપા ! અટાણે આફૂડા-આફૂડા વહેમ ઊઠે ને ! બાકી તો, ઇશ્વર જ્યાં દીકરો દેવા બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંચકી લઇ શકે ?"
એમ કહીને એ આવેલ મહેમાને સામી ચોપાટમાં બેઠેલા પેલા સોનેરી બટનના 'સેટ'વાળા, મલમલિયા પહેરણવાળા ને રેશમી કબજાવાળા ગુસ્સેભર્યા જુવાન સામે નજર માંડી; માંડતાં જ કહ્યું: "ઓહો ! મારા બાપ ! તમે અહીં જ બેઠેલ છો એ તો ખબર જ નહિ." એમ કહી, સામી ચોપાટે ચડી, એ પુરુષને બથમાં લઇ હેતપ્રીત ઊભરાઇ જતાં હોય તે રીતે ભેટ્યો.આંહીં સૌરાષ્ટ્રમાં જ કટ્ટર શત્રુઓ એ રીતે ભેટી શકે છે.
આંહીં ડેલીએ જ્યારે આવી વૈરભાવે ટપકતી હેતપ્રીતનો તમાશો મચ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓરડે એક સુવાવડી સ્ત્રીના ખાટલાની સામે મહેમાને આણેલી ટ્રંક ચૂપચાપ, ઉત્કંઠાભેર ઊઘાડી રહી હતી. વીસેક વર્ષની લાગતી, રૂપાળી, પણ સૌભાગ્યની ચૂડીવિહોણી અને પતિ-મરણ પછી મહાકષ્ટે સાચવી રાખેલા ગર્ભના પ્રસવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટ્રંકના તાળામાં ફરતી ચાવીને ચિચૂડાટે ચિચૂડાટે રગેરગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો. ટ્રંકનું ઢાંકણ ઊઘડે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલા એક તાજા જન્મેલા બાળકને દૂર ખેસવી પણ દીધું હતું - કેમકે એ બાળક નારી જાતિનું હતું.
ટ્રંક ઊધડી. ખૂલતાં જ કોઇક ઓકારી આવે તેવી બાફ નીકળી પડી, ને ઉપલું લૂગડું ખેસવતાં એક ચાર વાસાનું બાળક દેખાણું. બાળકને ઉપાડીને સુવાવડી બાઇના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં ટાઢુંબોળ લાગ્યું. પણ એ બાળક જીવતું હતું કે મૂએલું તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધીરાઇમાં નહોતી.
"મરો રે મરો, રાંડની જણિયું !" એમ કહેતે જ સૂતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટ્રંકમાંથી નીકળેલા બળકને ઘા કરી નીચે નાખી દીધું. અને હૈયે શૂળા પરોવાયા હોય એવી વેદનાથી એણે પોતાનું માથું કૂટ્યું: "મારો ભાઇ લાવ્યો તેય મરેલો છોકરો ! મલકમાં ક્યાંય છોકરા મળતા નથી ! મારે અભાગણીને હવે મારી આબરૂ તે કેમ કરીને સાચવવી ? પાંચ દી તો ખેંચી નાખ્યા. હવે હું કેટલુંક ખેંચી શકીશ ?"
ખસિયાણી પડેલી એ ગોલીઓએ ટ્રંકમાંથી નીકળેલા મૂએલ બાળકને એક બાજુ ગોટો વાળી મૂક્યું, ને મધરાત પછી પાછલા વાડામાં ખાડો ખોદી દાટી દીધું. દાટતાં દાટતાં બેઉ જણીઓ વચ્ચે વાત ચાલીઃ
"હવે ?"
"હવે તો ભાઇએ ફરી ઘોડાં દોડાવ્યાં છે. કહે છે વડલીના સૂતારને ઘેર પંદરેક વાસાનો છોકરો છે."
"ત્યારે આ મૂવો ઇ કોનો હશે ?"
"કીને ખબર છે, માડી ? ભગવાન જાણે ! અટાણે કાંઇ નાતજાત જોવાની હોય ?"
"હજી તો ટ્રંક ઊઘડતી'તી ત્યાં જ પેટની છોકરીને કેવી ઠેલી દીધી ?"
"અવતાર ! અરે અભાગી અવતાર !"
"અભાગણી તો જૂઓઃ પંદર વરસની જુવાન્ય સાઠ વરસનાને પરણીને આવી, અને પાંચ વરસ બેઠાંબેઠ કાઢ્યાં પછેં ગામેતીને મૂવા ટાણું આવ્યું ત્યારે આને આશા રહી ! આમાં તે છોરુ જણ્યાનો સવાદ શો, મારી બાઇ !"
"પોતાની છોકરીને તો મારશે, પણ પારકા કેટલા છોકરાની હત્યા લેશે !"
"ટ્રંકમાં ઘાલીને છોકરો લાવતાં એના ભાઇનું કાળજું ન કંપ્યું ?"
"ગરાસ ખાવો છે, માડી ! કાળજાં કંપે તો કામ કેમ આવે ?"
દિવસ પર દિવસ ખેંચાયે જતા હતા. સાત મહિનાપર મૂએલા એ ગામના બુઢ્ઢા ગામેતીની જુવાન વિધવાએ ચૂડો ભાંગતેભાંગતે ગર્ભનું જતન કર્યું હતું. કાણ્યો માંડીને છાતીફાટ રોવાના તમાશા કરવા પડ્યા, અને ગર્ભનું જતન કરવું પડ્યું - નહિ કે પુત્ર-પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી, પણ નિર્વંશ મૂએલા ગામેતીનો રૂપિયા પંદર હજારનો ગરાસ એના સગા ભાઇના દીકરાને ભાગે ન જાય તેવી એક જ દાઝનાં માર્યાં.
વીસ વરસની યુવાન બાઇની આ કામના કુદરતી નહોતી. એ કટ્ટર દાઝ એનામાં ઉત્પન્ન કરનારાં તો એનાં પિયરિયાં હતાં અને ગામના કેટલાક બેકાર, કંગાલ ભાગદારો એને પડખે ચડી ગયા હતા. 'બાઇ ! તને આ તારા ભત્રીજા જિવાઇનો ટુકડોય ખાવા નહિ આપે' એવી ડરામણી દેખાડીને તેમણે સૌએ સ્ત્રીને એના સ્ત્રીત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે ચડાવી હતી.
નાખી દીધેલી પોતાની પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઇને બાઇ નવા છોકરાની વાટ જોતી પડી રહી.
વળતા દિવસે ગોલીએ આવી ખબર આપ્યા કે, "પંદર ગાઉ માથેથી વડલી ગામના સુતારનો દસ વાસાનો છોકરો વેચાતો લઇને આપણો સવાર આવેલ છે પણ મરી ગયો છે."
"હવે ?"
"ભાઇએ કે'વાર્યું છે કે, બોનને કહીએઃ ફિકર ન કરે; એક દિ આમ ને આમ કાઢી નાખે. ભાઇ બીજી તજવીજ કરે છે."
બપોર થયાં ત્યાં ડેલીએથી અમલદારનું કહેણ આવ્યું:"બાઇને કહો કે અમારે કુંવર જોયા વગર છૂટકો નથી."
બાઇએ કહાવ્યું:"મારે છે માતાની માનતા, કે સવા મહિને ના'ઇને માતાએ જઇ કુંવરને પગે ન લગાડું ત્યાં સુધી કોઇને દેખાડીશ નહિ. માટે જો કોઇ આ ઓરડે આવ્યા, તો હું જીભ કરડીને મરી જઇશ. જાવ કહી દ્યો જે અમલદાર હોય તેને."
મામાએ અને ગામના બીજા પડખે ચડી ગયેલ ગામેતીઓએ શીખવેલો આ પાઠ હતો. બહેન એ પાઠ પથારીમાં પડી પડી ભજવતી હતી. એ જવાબ સાભળીને અમલદાર ચૂપ થઇ સવા મહિનો પૂરો થવાની વાટ જોતો બેઠો.
પાંચમે દિવસ બાજુના ગામડાના ઢેઢવાડામાં એક બનાવ બનતો હતો. વીસેક વાસાના એક છોકરાની મા ઢેઢડી પાણી ભરવા ગઇ હતી. પાણીનું બેડું લઇને એ પોતાની ખડકીમાં દાખલ થાય છે તે જ ઘડીએ બેડું પછાડીને ઘરની વંડી તરફ ધસે છે. વંડીએથી એનો ધણી વંડીની બહાર ઊભેલા એક ગરાસદારને પોતાનો છોકરો ચોરીછૂપીથી આપી રહેલ છે.
"તારાં.. મરે રે મરે, મારા રોયા !" એમ ચીસ પાડતી એ ઢેઢડી પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ઝાલી ઝોંટ મારે છે. એ ઝોંટમાં ને રકઝકમાં ઢેઢડીના છોકરાનો જીવ જાય છે.
ધણીએ બાઇને પાટુ લગાવીને કહ્યું: "રાંડ ! તારો છોકરો સામા ગામનો કુલહોલ ગરાસ-ધણી થાત, ને આપણને પચાસ રૂપૈયા મળત. રો હવે મારા બાપનું મોં વાળીને !"
"તારા ગરાસમાં મેલને અંગારો, રોયા ! રૂપૈયાને મારે શું કરવા છે ! મને પારકાના ગરાસ સારુ છોકરા વગરની કરી !" એક કહીને એ ઢેઢડીએ બાળકના શબ પર હૈયાફાટ રુદન માંડ્યું.
ત્રણ પારકા છોકરા મૂઆ તે પછી પણ નજીક અને દૂર, ગામડે ગામડે, તાજા જન્મેલા છોકરાઓની શોધ ચાલુ હતી. બ્રાહ્મણથી લઇ ભંગી સુધી હરકોઇ ઘરનો 'દીકરો' ચાલે તેમ હતું. જેમને જેમને 'દીકરો' બનાવી દેવામાં નાનો-મોટો સ્વાર્થ હતો તે સર્વની લાગણીઓએ એક 'દીકરો' નક્કી કરવાને સારુ જેટલાં છોકરાંને જોખવામાં પડે તેટલાંનો ભોગ લેતાં જરીકે થરથરાટી અનુભવી નહોતી.
છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ છેક જ નિરર્થક છે, અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા, ત્યારે એક રાત્રીએ સુવાવડી બાઇને એની નાની પુત્રી સહિત ગઢમાંથી પાછલી દિવાલેથી ઉપર ચડાવીને બહાર કાઢી. ચોકિયાતોને રાજી કરી એને પિયર લઇ જવામાં આવી. નાની બાળકીને પણ મારી નાખવામાં આવી, અને જાહેર કરવામાં આવ્યું કે, કુંવર ગુજરી ગયા છે.
આ ખબર ડેલીએ પડ્યા એટલે અમલદાર પડાવ ઉપાડી ચાલ્યા ગયા. અને મૂએલા ગામેતીના વારસાનો કબજો પેલા મલમલના પોશાકવાળા પિતરાઇને સોંપી દેવાનું ઉપલી કચેરીમાંથી નક્કી થઇને આવી ગયું. એ-નો એ જ અમલદાર જાગીરની સોંપણ કરવા પાછો આવ્યો.
"ઊભા રો', સાહેબ !" એમ કહી નવા હક્કદારે પેલી વિધવા બાઇના ભાઇને તેમ જ 'દીકરો' પેદા કરવાની પ્રવૃતિમાં શામિલ એવા બે બીજા બે ગામેતીઓને તેડાવ્યા. ડાયરાની વચ્ચે એ નવા હક્કદારે જાહેર કર્યું કે,"ભાઇઓ, હવે તો દીકરો હતો કે દીકરી એની કોઇ તકરાર રહી જ નથીઃ છતાં હું એમ જ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઇઓ ફક્ત આ 'ગીતા' ઉપાડે, એટલે હું અરધો ગરાસ મારાં કાકીને કાઢી દેવા અટાણે ને અટાણે તૈયાર છું, ને હું એ વચન પાળવા માટે આ 'ગીતા' ઉપાડું છું."
એમ કહીને એણે ગામના એક ટીપણું જોનાર જોષી પાસેથી આણેલી ફાટેલી-તૂટેલી એક ચોપડીને ઉપાડીને આંખે લગાડી. આંખે લગાડનાર અભણ હતો; તેથી એને ખબર પણ નહોતી કે, આ ગીતા છે કે ગજરામારુની વાર્તા.
અમલદાર બ્રાહ્મણ હતો. એ તો ત્યાં દિગ્મૂઢ બની ગયો. આગળ બેઠેલા એ બન્ને ગામેતીઓએ અને બાઇના ભાઇએ, જેમણે આટલાં બાળકોની હત્યા કરતાં આંચકો નહોતો ખાધો, તેમણે જવાબ દીધોઃ
"'ગીતા' તો અમે નહિ ઉપાડીએ !"