મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧. રેલગાડીના ડબ્બામાં
← નિવેદન | મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ૧. રેલગાડીના ડબ્બામાં ઝવેરચંદ મેઘાણી |
૨. દિવાળીની બોણી → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
.
રેલગાડીના ડબ્બામાં
ગાંડી હશે !
ઘડીવાર ઓશીકે પોટકું મૂકીને આ બાઈ પાટિયા ઉપર સૂવે છે. ઘડીમાં પાછી ઊઠીને બેસે છે. બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે. બે પળમાં પાછી નીચે ઊતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંધી પડે છે. ફરીવાર ઊઠીને બાંકડા પર બેસે છે. થોડી વાર માથે ઓઢણું ઓઢે છે, તો થોડી વાર ઉતારી નાખે છે.
આ તે ગાંડી હશે ! ઠીક થયું, ગમ્મત આવશે. કાંઈક જોણું તો જડ્યું !
એ રીતનું એનું સૂવું, ઊઠવું, બેસવું, બારીએ ઝકડવું, નીચા પડવું, ડોળા તાણવા, હોઠ ફફડાવવા વગેરે ચસકેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી; ગાંડાં-ડાહ્યાં સર્વને ઉઠાવી જતી ગાડી સૂસવાટ દોડતી રહી; અને ડબ્બાનાં લોકો એ બાઈ તરફ હસતાં, ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતાં રહ્યાં.
પડખામાં એ ગાંડીનો આદમી બેઠો હતો. ૩૮-૪૦ વરસની ઉંમરે એના મોંમાં ફક્ત ચાર-પાંચ જ દાંત, કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ બહોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જણ જેવા, સૂનમૂન ઊભા છે. બાઈ જ્યારે જ્યારે આવી રીતે લોચતી લોચતી બેવડ વળી જાય છે, ત્યારે એ બોખો પુરુષ પૂછે છે કે, "પાણી પાઉં ?" પુરુષના હાથમાં પાણીની નાની ટબૂડી છે. ટબૂડીના વણમાંજ્યા પિત્તળ પર નજર કરીને નિહાળીએ તો નાની બાળ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે.
લોચતી લોચતી ને ગોટો વળી જતી બાઈ બે ગોઠણ વતી પેટ દબાવી રાખીને કહે છે કે, "ના રે ના !" પાછી શ્વાસ ખાય છે. વગડાની હવામાં ભરપૂર સૂસવતો પ્રાણવાયુ, કોઈ કંજૂસની માફક, એના ગળામાં પેસતો નથી. એ બોલી શકે છે માત્ર આટલું જ કે, "મારાં છોકરાં ! મારી પોટી ધાવવા...સારુ... વલવલતી હશે ! અંહ ! અંહ ! અંહ !"
બીજું સ્ટેશન આવે છે. વગર-ટિકિટે એક બાવો ચડે છે. પોતાની છલોછલ ભરેલી ઝોળી, ગંધાતી ગોદડી, સર્પાકાર લાકડી, માળાના લૂરખા, ભિક્ષાનું ખપ્પર વગેરે સરંજામ પાથરીને બાવોજી એ બાઈના બાંકડા પર પથારો કરે છે. રેલગાડીના સાંધાવાળાના એ 'ગરુ મા'રાજ' છે. બેસતાંની વાર જ "બચ્ચા ! મારી ચલમ-સાફી ક્યાં ?" કહી ચલમ માગે છે; "ગરુ દત્ત !" બોલતો ઝોળીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે. ગાંજામાં ડૂલ બનેલી એની આંખો, અને આંખો ફરતાં કાળાં કૂંડાળાંથી કદરૂપ બનેલું એનું મોઢું. એની જિંદગીની હેવાનિયતની સાખ પૂરે છે; એના સર્જનાહારને શરમિંદો બનાવે છે.
ચકચકિત, ઘડીદાર પોશાકવાળાં બીજાં ઉતારુઓ ચડે છે, અને, બાવાજીના પવિત્ર પથારાને અડક્યા વિના, એ ગાંડી જેવી લાગતી બાઈને જ ઓસીકે બેઠક લે છે. પુરુષ અને સ્ત્રી વધુ ને વધુ સંકોડાતાં જાય છે. પુરુષના લીરા-લીરા થઈ ગયેલ કેડિયાની કસે બે પીળી ટિકિટો બાંધેલી છે. બાવાજીને તો ટિકિટ લેવાની શી જરૂર હોય ! 'રામજી કી ગાડી' હતી.
ગાડી ત્રીજે સ્ટેશને ઊભી રહી. પાછલે બારણેથી એક ફકીર એનાં બેથી માંડી પંદર વરસ સુધીનાં પાંચ બચ્ચાંને લઈ ઓરત સાથે ચડે છે. વચેટ છોકરાના મોંમાં એ ધમાચકડ વચ્ચે પણ બીડી ઝગે છે. ગાંસડાં-પોટલાંની ફેંકાફેંક ચાલે છે.
આ ધકાધકીએ ડબ્બાના એક મહત્ત્વના મુસાફરની તલ્લીનતાને ઉડાડી દીધી. હાથમાં જગતનાં પીડિતોની ચીસો પાડતું 'ઈન્સાફનો આર્તનાદ' નામનું પુસ્તક હતું, તે એના હાથમાં જ થંભી રહ્યું. ભીડાભીડથી અકળાઈને પછી નિરૂપાયે, વખત કાઢવા માટે, એણે પેલા બોખલા મરદને પોતાની પડખે બેસારીને પૂછયું: "આ તમારું માણસ છે ? ગાંડી છે ? કશો વળગાડ ?"
પુરુષ બોલે તે પહેલાં તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઊઠી કે, "ગાંડી નથી, બાપુ ! રોગ છે. પેટમાં પોરની સાલથી રોગ ઊપડ્યો છે. રે'વાતું નથી. રાજકોટ જાયે છૈયેં."
"દવા કરી ? કોઈને દેખાડ્યું ?" વિદ્વાન પુરુષે મોઢા ઉપર કંટાળો, કુતૂહલ અને કરુણાના રંગો બતાવ્યા.
"દવા ? માણસુંએ બતાડી તેટલી સંધીય દવા કરી: સાકર પીધી, ધાણા પીધા, ધરાખ પીધા, મારાં કડલાં હતાં તે વેચીને ગાયનું ઘી પીધું, ગૂગળ ખાધો, સૂંઠ ખાધી..." એવાં એક શ્વાસે પચીસેક નામ દઈને બાઈ કે': "વાનાં-માતર ખાધાં-પીધાં. પીપળવા ગામની એક લંઘણ્યની નામચા સાંભળીને એની પાસે ગઈ. ઈ કહે કે, પંદર રૂપિયા મોર્યથી મૂકો. અમે અમારી ગા વેચીને રૂપિયા પંદર જોગવ્યા. લંઘીએ કાંઈક મંતરેલું પાણી પાયું...પછેગામના વૈદુંમાં રૂપિયા દસ વાવર્યા. પણ, બાપા..." બાઈના પેટમાં વઢાતું હતું... "આ રોગ મટ્યો નહિ. એહ, આમ જોવોને... આંઈ પેટ માથે ડામ સોત દેવરાવ્યા." એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી દેખાડ્યો.
ગાંડી માનીને પ્રથમ હસતાં હતાં તે ઉતારુઓને બાઈની આ નિર્લજ્જતા દેખીને શરમ આવી. સહુ એકબીજાંની સામે જોવા લાગ્યાં. પછી વળી અનુકંપા દેખાડી કે, "અરે બાઈ, દેઈનાં દરદ તો દેઈમાં જ સારાં. બારાં નીકળ્યાં દોયલાં છે, બાપા ! ઈશ્વરની લીલા અગાધ છે."
દરમિયાન 'ગુરુ મહારાજ'ની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા. સાંઈમૌલાની લીલી કુટુંબ-વાડીમાં એક પછી એક મુખે એ એક બીડી, ગરબે ઘૂમતી સ્ત્રી જેવી, ગોળ-કૂંડાળે રમતી હતી. બીમાર બાઈ ગૂંચળું વળતી હતી: ચોમાસાની ઋતુમાં રસ્તે ચગદાતા મામણમૂંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું.
"તે હવે ક્યાં જાઓ છો ?"
પુરુષ કે જેના ચહેરા ઉપર કશી લાગણી જ ઊઠતી નહોતી, તેણે કહ્યું: "આ લીંબડીની નરસને દેખાડ્યું, તે કહે રાજકોટ ગોરા સરજન કને જાવ. ગામના મા'જને ચાર રૂપિયા ઉઘરાણું કરીને ટિકિટના દીધા. જઈને દાગતરખાને પડશું."
"હા, બાપા !" બાઈ બોલી: "મારાં તો પૂરાં પાપ ઊવળ્યાં છે. પણ મારાં છોકરાંના ભાગ્ય હશે તો પાછી આવીશ."
"છોકરાં છે ! કેવડાં છે ?" વિદ્વાનને ધૃણા આવી. 'બેકારો પણ બ્રહ્મચર્ય ન પાળે !' એ એના આત્માની ઊંડી વરાળ હતી.
"એક તો મારી પોટી ધાવણી છે. ચાર અવડ્યાં-અવડ્યાં છે..." બાઈએ ભોંયથી એક-બે ફૂટ ઊંચે હાથ રાખીને, વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે, ખ્યાલ આપ્યો. "ઘરમાં એક મણ દાણો નાખી આવ્યાં છીએ. હળુ-હળુ રાંધીને ખાશે."
વિદ્વાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી. એણે સલાહ આપી: "નડિયાદ જાવ ને ! મીરજ કાં નથી જતા ? ત્યાં વાઢકાપનું દવાખાનું છે."
બાઈ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યાં. ભાષા કંઈક અજાણી હોવાનો વહેમ પડ્યો.
બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંધાવાળાથી ન રહેવાયું: "હવે મીરત્ય ને ફીરત્ય, રાજકોટ ને નડિયાદ... કોણ બેટીનો બાપ આવરદાની દોરી સાંધવાનો હતો ? આવા અબધૂતનાં પગું ઝાલી લ્યો ને !"
ફકીરથી ન સહેવાયું: "દાતારની ટેકરીને માથે કૈક ઓલિયા પડ્યા છે. મીટ્યું મળ્યે મુડદાં ઊઠે."
જેના કાળા રંગની ઝાંય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આઘેરી બેઠી હતી, તેમાંથી એક બોલી: "અરે બાઈ ! આંઈ અંતરિયાળ શું ઉપાય ! કંડોરણે આવે તો એક દિ'માં ફેર દેખાડીએ. ન મટે શું ! કૈકને મટાડ્યાં છે."
વઢવાણ સ્ટેશને સહુ વિખરાયાં. રહ્યાં ફક્ત ત્રણ જણાં: એક વિદ્વાન, બીજો બગોયા ગામનો બોખો સામત કોળી, ને ત્રીજી પોટીની મા સજૂડી. સજૂનો ગૂંચળાકાર હજુ ચાલુ જ હતો.
"સામત પગી !" વિદ્વાને 'ઇન્સાફના આર્તનાદ'ની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડમાંડ વારીને વાતો ચલાવી: "આટલી ઉમ્મરે દાંત કેમ પડી ગયા ? ગામડિયા ભૂત ખરા ને, એટલે માવજત નહિ રાખી હોય."
ઘેરથી ઘડીને લાવેલ રોટલાનો ભુક્કો કરીને મોંના પેઢાં વચ્ચે મમળાવતો મમળાવતો સામત હસીને બોલ્યો: "દાંત તો ઢાંઢે પાડી નાખ્યા છે ઢાંઢે, બાપા !"
"ઢાંઢે એટલે બળદે ?" વિદ્વાને અર્થની ખાતરી કરી.
"હું બગોયે વાડી વાવતો. જાતજાતની લીલોતરી શાક કરતો. એક દિ' કોસ હાંકું છું, એમાં મેં ઢાંઢાને ખૂબ માર્યો. કોસ ઠાલવીને ઢાંઢા પાછા વાળું છું, ત્યાં આની નજર પડી..."
સજૂએ વાત ઉપાડી: "હું ધોરિયાની કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી'તી એમાં મારી નજર પડી કે, ઢાંઢો એમ ને એમ થાળા ઢાળો પાછલે પગે હાલ્યો જ જાય છે. જોઉં-જોઉં ત્યાં તો પટલને ઢાંઢે ઠેઠ થાળાની કોર સુધી ધકેલ્યા. મેં રાડ્ય પાડી કે, નીકળી જાવ. પણ ઇને તો ઢાંઢો કૂવામાં પડવાની બીક -" આટલું બોલતાં જ બાઈને વેદના ઊપડી, એ ગોટો વળી ગઈ. ત્યાંથી પાછો વાતનો તાર પટેલે સાંધી લીધો:
"એટલે મેં થાળામાં પગ ટેકવીને ઢાંઢાના પાછલા બે પગ વચ્ચે માથું નાખ્યું. ઘણું જોર કર્યું; પણ ઢાંઢો મારે માથે આવ્યો - મને ભીંસી દીધો. મારું જડબું થાળાના પાણામાં ચેપાણું. ઢાંઢો મારે માથેથી અળગોટિયું ખાઈને જઈ પડ્યો કૂવામાં."
બાઈને જરી શાંતિ વળી, એટલે એણે વાત ઉપાડી લીધી:
"અને આને મોઢે લોહીનાં પરવાળાં વયાં જાય છે; દાંતનો ઢગલો નીકળી પડ્યો છે. મારા તો શાકાળા હાથ: એમ ને એમ, ધોયા વગર, હું તો ધ્રોડી. પટલ કહે કે, મને નહિ, ઝટ ઢાંઢાને બચાવો. હું તો ધ્રોડી ગામમાં. ઝાંપડાને કહ્યું કે, ઝટ ઢોલ પીટો, ઢોલ પીટો: તમારા ભાણેજને ચેપી નાખીને ઢાંઢો કૂવે પડ્યો છે. હું ગામમાં ફરી વળી. માણસું ધ્રોડ્યાં આવ્યાં. હું ઘરેથી ગોદડાં લઈ આવી."
"ગોદડાં ?" વિદ્વાન ચમક્યો.
"હા, ઢાંઢાનું ડિલ છોલાય નહિ તે સારુ એને ડિલે વીંટીને પછી રાંઢવા બાંધીને સિંચાય. પછી તો બીજા જણ માલીપા ઊતર્યા. પણ ઢાંઢો કોઈને ઢૂકડા આવવા ન દ્યે. એટલો ખીજેલ, એટલા ફરડકા નાખી રહેલ, પણ જ્યારે આ પટલ પંડ્યે લોહી વહેતે મોઢે માંઈ ઊતર્યાં, ત્યારે ઈ ઢાંઢે રીસ મેલીને બાંધવા દીધું. સૌએ રીડિયા કરીને ઢાંઢાને સીંચ્યો. મારાં છોકરાં ને હુંય એક રાંઢવે વળગ્યાં'તાં. કાઢ્યો પણ પગ ભાંગી ગ્યો'તો. આ તે દિ' પટલના દાંત પડ્યા. મને મે'નત્ય પડી એટલે કસુવાવડ થઈ ગઈ ને આ રોગ લાગુ પડ્યો. ઈ ઢાંઢો ભાંગ્યો ને અમારી ખેડ્યા ભાંગી."
"તે દિ'થી હું ઉભડ બન્યો છું. પાંચ દિ' કામ કરું ત્યાં વળી ખાટલે પડું, ને બે દિ' એમ ને એમ નીકળી જાય." સામતે કહ્યું.
"પણ તમારે તત્કાળ તમારા રાજને દવાખાને જવું'તું ને ? તમારા લોકોનું ગયું છે જ આમ પ્રમાદમાં." કહીને વિદ્વાને બગાસું ખાઈ આળસ મરડી. ચોપડીનો મોહ વધતો હતો.
"હેં-હેં-હેં-હેં ! દવાખાનું !" સામત પટેલે બોખા દાંતવાળું મોઢું ફાડ્યું; એની છાતીની એક-એક ગણાય એવી તમામ પાંસળીઓ પણ ચુડેલોના વૃંદ-શી હસી પડી: "રાજનું દવાખાનું ?"
બાઈ બોલી: "આપડે દરબારે કો'ક એક નોખો લાગો ઉઘરાવીને આંતરડાંની છુબી પાડવાનો એક કારસો તો મગાવેલ છે. જોવો ને ! છુબી પાડ્યાના વીશ રૂપિયા મેલાવે છે. પણ કે' છે કે રોગ માતર મટી જાય છે."
વિદ્વાન સમજી ગયો: 'એક્સ-રે ફોટોગ્રાફી'ની વાત કરે છે.
"પણ ઈ તો શાહુકાર સારુ. આપડા સારુ નહિ. બચાડા શેઠીઆવે મારા બળધિઆને મા'જનમાં લીધો. પણ અમે ક્યાં જાયેં ?"
"અનાથ-આશ્રમ ઘણા છે. કહો તો હું ભલામણ લખી દઉં." વિદ્વાનના દિલમાં દયાના ઝરા છૂટ્યા.
"ના, બાપા ! અમારે અણહકનું ખાવું નથી. કાયા હાલશે ત્યાં લગી ઢરડશું. આને હું અસ્પતાલમાં રાખીશ. ઈ સાજી થાશે, એટલે એને ગાડીએ બેસારીને ઘરે વે'તી કરવા જેટલું ભાડું છે. અને હું પગપાળો નીકળીને મહિને-પંદર દહાડે ઘેર પોગી જઈશ."
એક મહાન ગ્રંથકારે 'સ્વાશ્રય' પર લખેલો લેખ વિદ્વાનને યાદ આવ્યો. બોખો સામત રડવા લાગ્યો:
"એંહ, બાપ ! મે'રબાનીથી મને આટલું કરી દેશો ? મને રાજકોટમાં જો કાં'ક મે'નતમજૂરીનું કામ મળી જાય ને, તો હું એમાંથી મારું પેટિયું કાઢીને આની પથારી પાસે પડ્યો રહીશ. મને જો કાંઈ મે'નત્યનું કામ અલાવી દ્યો ને, તો તમે જ મારા પરભુ !"
રાજકોટની ઇસ્પિતાલમાં એ દંપતીને મૂકીને વિદ્વાન પોતાને કામે ચડ્યો. એની ઘોડાગાડીમાં પૈડાં નીચે કચૂડાટ થતો હતો, તેમાંથી એક જ વેણ સંભળાતું હતું: 'એંહ, બાપા ! મને કાં'ક મે'નત્યનું કામ અપાવી દ્યો ને, તો તમે જ મારા પરભુ !'