મૈત્રિ
નર્મદ



મૈત્રિ

સુંદર જેને નાર, મૈત્રિ તેની સહુ કરતા
ડાહી જેને નાર, મૈત્રિ તેની સહુ કરતા,
ભણેલિ જેને નાર, મૈત્રિ તેની સહુ કરતા,
ચતુરા જેને નાર, મૈત્રિ તેની સહુ કરતા,

રૂપગુણવંતી નાર જેને, મૈત્રિ તેની સહુ જન કરે;
નર્મદ થોડા સજ્જનો પણ, આખર ખળ જન બહુ ઠરે. ૧

જેને જે અધિકાર, મૈત્રિ તેની સહુ કરતા,
જે આપે અધિકાર, મૈત્રિ તેની સહુ કરતા,
દેવાડે અધિકાર, મૈત્રિ તેની સહુ કરતા,
દેખાડે અધિકાર, મૈત્રિ તેની સહુ કરતા,

અધિકારી કહેવાય જે કો, મૈત્રિ તેનિ સહુ જન કરે;
નર્મદ થોડા સજ્જનો પણ, આખર ખળ જન બહુ ઠરે. ૨

જેની પાસે ધન, મૈત્રિ તેની સહુ કરતા,
જે આપે બહુ ધન, મૈત્રિ તેની સહુ કરતા,
જે સંચે બહુ ધન, મૈત્રિ તેની સહુ કરતા,
જે દેખાડે ધન, મૈત્રિ તેની સહુ કરતા,

કહેવાયો ધનવંત જે કો, મૈત્રિ તેનિ સહુ જન કરે;
નર્મદ થોડા સજ્જનો પણ, આખર ખળ જન બહુ ઠરે. ૩

ખરો ભણ્યો નર હોય, થોડા જણ મૈત્રિ કરતા,
ખરો હિતૂ નર હોય, થોડા જણ મૈત્રિ કરતા,
ખરો ચતુર નર હોય, થોડા જણ મૈત્રિ કરતા,
ખરો પ્રેમિ નર હોય, થોડા જણ મૈત્રિ કરતા,

અધિકાર ધન ને નારવણ, મૈત્રિ તેની થોડા કરે ;
નર્મદ થોડા સજ્જનો તે, આખર પણ સજ્જન ઠરે. ૪