મોહજીત રાજા મહાવિવેકી રે

ગંગાસતીના ભજનો
મોહજીત રાજા મહાવિવેકી રે
ગંગાસતી



મોહજીત રાજા મહાવિવેકી રે

મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે;
સંકલ્પ વિકલ્પ જેને એકે નહિ ઉરમાં રે, જેને લાગ્યો હરિ સે તાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નિર્મળ ભક્તિ સદાય અવિચળ, જેનો પ્રેમ પ્રગટયો અભંગ રે;
અમાપ બુદ્ધિ છે સદાય એમની રે, જેને લાગ્યો પરિપૂરણ રંગ...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એક સમે હરિ બેઠા એકાંતમાં ને, નારદ આવ્યા તેની પાસ રે;
પ્રસન્ન થઈને હરિ ઊઠયા ને, સન્માન કીધું અવિનાશ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ઘણે દિવસે તમે નારદ પધાર્યા ને, અમને કીધા છે કૃતાર્થ રે;
ભાગ્ય હોય તો નારદ દર્શન તમારાં ને, તમ પર સદ્દગુરુનો હાથ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ કહે હરિ સાંભળો રે, મને થયો મનમાં પ્રશ્ન રે;
જગત સર્વે તમને ભજે છે ને, તમે કોને ભજો છો શ્રીકૃષ્ણ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! મોહજીત રાજા અનન્ય દાસ મારો રે, તેને મારું છે ચિંતવન રે;
તનમન સર્વે તેણે મને આપ્યા છે, ને પાળે છે ગુરુજીનું વચન રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...


ભાઈ રે ! એવું સુણીને નારદ બોલિયા રે, પરીક્ષા લેવા જાવું આ વાર રે;
પ્રીતિ કેવી છે એહની ને, કેવો છે તેનો એકતાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ ત્યાંથી ઊઠયા ને, લાગ્યા હરિને પાય રે;
મનમાં હરખ છે અતિ ઘણેરો રે, મોહજીતની પરીક્ષા લેવા જાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ત્યાંથી નારદ ચાલ્યા રે, ચાલી નીકળ્યા તત્કાળ રે;
પ્રભાતમાં આવીને ઊતર્યા રે, રાજાની ફૂલવાડી મોઝાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! તંબોળિયા નાગને તુરત તેડાવીને, નારદે કર્યો છે હુકમ રે;
મહોજીત રાજાના પુત્રને ડંખજો ને, પ્રાણ લેજો તત્કાળ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! મોહજીત રાજાએ પુત્રને કીધું રે, ફૂલ લેવા વનમાં જાઓ રે;
આજ્ઞા સુણીને પુત્ર ચાલિયા રે, પિતાની આજ્ઞા ધરી મનમાંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! પુત્ર ઘોડેથી ઊતર્યો રે, લાગ્યો નારદજીને પાય રે;
ઘોડાને ત્યાં બાંધી કરીને, ફૂલડાં વીણવાને જાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એવામાં તંબોળિયો નાગ આવ્યો રે, રાજકુમારની પાસ રે;

જમણે અંગુઠે ડંખ દીધો રે, તુરત તજ્યો તેણે શ્વાસ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ફૂલ લઈને કુંવર ન આવ્યો રે, ઘણી થઈ ગઈ છે વાર રે;
બાનડીને કહે છે તું જા વનમાં રે, ફૂલ લેવાને આ વાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! આજ્ઞા માનીને દાસી ચાલી રે, વેગે આવી વનમાંય રે;
કુંવરને ત્યાં પડેલા ભાળ્યા રે, દાસી લાગી નારદને પાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! દાસી કહે તમે સાંભળો રે, મંદિર પધારો મહારાજ રે;
મોહજીત રાજા ભક્ત પરિપૂરણ ને, સર્વે એવો છે સમાજ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! પુત્ર રાજાનો એક જ હતો રે, મરી ગયો વનની માંય રે;
સાંભળતાં શોક થશે એહને રે, અમે કેમ આવીએ શહેરની માંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! દાસી કહે મહારાજ સાંભળો રે, ઝાડવેથી પક્ષી ઊડી જાય રે;
તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું રે, તેના મનમાં શોક નવ થાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એટલું કહી દાસી ઘરે આવી ને, નારદના દીધા સમાચાર રે;
રાજા ને રાણી, કુંવરની રાણી રે, આવ્યાં છે વનની મોઝાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...


ભાઈ રે ! આવી નારદને પાય લાગ્યા રે, વૃત્તિ ડોલે નહિ લગાર રે;
નારદ કહે તમને ધન્ય છે રે, તમને ખરો લાગ્યો છે તાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

એટલું કહી પુત્રને સજીવન કીધો ને, નારદને લાવ્યા શહેરમાં ય રે;
હરિથી વિશેષ હરિના દાસને જાણ્યા ને, આનંદ થયો છે ઉરમાંય...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ કહે છે માગો માગો તમે રે, માગીએ એક જ વચન રે;
મોહમાયા અમને નડે નહિ ને, સદાય હરિ પ્રસન્ન રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એવું કોઈ મળે નહિ રે, જેની માયા દૂર થઈ જાય રે;
તો તમને માયા કેમ નડે નહિ, જેને સંકલ્પ વિકલ્પ મનમાંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

એવો ઈતિહાસ મેં તમને કીધો રે, જેના ચિત્ત ગળ્યા ભક્તિમાંય રે;
સદ્દગુરુજીને શીશ સોંપ્યા રે, એને નડે નહિ બીજું કાંઈ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! આ ઈતિહાસ કોઈ સાંભળે રે, તે થાય હરિનો દાસ રે;
ગંગાસતી એમ બોલિયાં રે, એને આવે પૂરણ વિશ્વાસ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...