← વિદાય યુગવંદના
આગે કદમ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ફૂલમાળ →




આગે કદમ


આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
યારો ! ફનાના પંથ પર આગે કદમ !

આગે કદમ ઃ પાછા જવા રસ્તો નથી,
રોકાઓ ના – ધક્કા પડે છે પીઠથી,
રોતાં નહિ – ગાતાં ગુલાબી તોરથી :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

બેસી જનારા ! કોણ દેશે બેસવા!
આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;
આશા ત્યજો આરામ-સે લેટવા :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આગે કદમ ઃ દરિયાવની છાતી પરે,
નિર્જળ રણે, ગાઢાં અરણ્ય, ડુંગરે;
પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે:
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;
પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે,
રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આવે ન આવે સાથીઓ સાથે છતાં,
ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,
વૈરીજનોનાં વૈરનેયે ભેટતાં ?
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !



ક્યાં ઊભશો ! નીચે તપે છે પથ્થરો :
બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;
અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો !
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આ તો બધા છેલ્લા પછાડા પાપના;
હોશે ખતમ – જો, ભાઈ, ઝાઝી વાર ના !
પૂરી થશે તારી જીવનયાતનાઃ
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

જ્વાલામુખીના શૃંગ ઉપર જીવવા
તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં !
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવા :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
યારો ! ફનાના પંથ પર આગે કદમ !