યુગવંદના/ઝંખના
< યુગવંદના
← ઝંડાવંદન | યુગવંદના ઝંખના ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
ઓતરાદા વાયરા, ઊઠો ! → |
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય :
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.
જંપે જરી રોતાં લોચનિયાં ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે :
મહાવીર દૂરે દરશાય. — મારી૦
આભ લગી એનાં મસ્તક ઊંચાં ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. — મારી૦
ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળતી ચાલી જાય;
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે :
એનાં બંધન કયારે કપાય ! – મારી૦
ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે
અણભીંજલ ઊભાં છે તીર. — મારી૦
જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ;
આવો, વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો, રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. — મારી૦