← બાળુડાંને યુગવંદના
ટિપ્પણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧




ટિપ્પણ
[શરૂઆતના આંકડા પાનાં-ક્રમાંક સૂચવે છે.]

૩. કસુંબીનો રંગ : આ સંગ્રહનું પ્રારંભગીત : ૧૯૩૪, સ્વતંત્ર. સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચુંદડી, શૌર્ય પ્રેમીની કસુંબલ આંખ, બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં' અને 'ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમશૌર્યઅંકિત’ એ કવિ નર્મદની ગીતપંક્તિ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એ જ કસુંબલ રંગ : હૃદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઊર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રચ્યું છે. બિસ્મિલ=કતલ થયેલ.

૫. ઝાકળનું બિન્દુ : રચ્યા સાલ ૧૯૩૪. રવીન્દ્રનાથના એક કાવ્યનું અંગ્રેજી ભાષાન્તર ઘણાં વર્ષો પર વાંચેલું તેના છૂટક બોલ 'ધ ડ્યૂડ્રોપ વેટ એન્ડ સેઇડ... માય લાઈફ ઈઝ ઓલ એ ટીઅર' એવા યાદ રહી ગયેલા, તે પરથી રચ્યું. બીજી આવૃત્તિ વેળા મૂળ બંગાળી કાવ્ય 'પ્રસાદ' નામનું મળી ગયું છે. પણ મેં એમાં ફેરફાર કર્યો નથી.

૭. સ્વપ્ન થકી સરજેલી : ૧૯૨૫. દ્વિજેન્દ્રલાલ રાય કૃત નાટક ‘શાહજહાં'ના રાષ્ટ્રગીત ‘આમાર જન્મભૂમિ'નો અનુવાદ.

૯, તોય મા તે મા : ૧૯૩૪. સ્વતંત્ર. 'જન્મભૂમિ' માટે ધારાસભાની ચૂંટણી વેળા.

૧૦. પરાજિતનું ગાન : ગાંધીજી છેલ્લા કારાવાસ પછી પ્રથમ વાર મુંબઈ આવતા હતા તે વેળા સ્ફૂરેલું : સ્વતંત્ર : એ રચનાની પાછળ કોણ જાણે ક્યાં વાંચેલી રવીન્દ્રનાથની આવી કંઈક એક ગીત-પંક્તિ ગુંજતી રહી છે : 'માય માસ્ટર હૅઝ બીડન મી ટુ સ્ટૅન્ડ બાય ધ વેસાઈડ ઍન્ડ સીંગ ધ સૉન્ગ ઓફ ડીફીટ'.

૧૧. સ્વતંત્રતાની મીઠાશ : ૧૯૩૦. સ્વતંત્ર

૧૩. નવ કહેજો : ૧૯૨૮-૨૯. સૂચિત. શ્રી જગદીશચંદ્ર બોઝના એક વ્યાખ્યાનને છેડે એમણે ટાંકેલી એક અંગ્રેજી કાવ્યકડી પરથી. 'સૌરાષ્ટ્ર'માં.

૧૫. ઊઠો : ૧૯૨૫. ‘શાહજહાં' નાટકમાંથી અનુવાદિત.

૧૬. છેલ્લી પ્રાર્થના : ૧૯૩૦. આયરિશ વીર સ્વ૦ મેક્‌સ્વીનીના એક ઉદ્ગાર પરથી સૂઝેલું. સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્દમો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મૅજિસ્ટ્રેટ મિ. ઈસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમના અનુજ્ઞાથી ગાયેલું તે.  ૧૭. ભીરુ : ૧૯૨૮. 'કાવર્ડ' નામક અંગ્રેજી ગીત પરથી ઉતારેલું. મૂળનો એક ભાવ 'હૅસ્ટ ધાઉં નૉટ ડૅશ્ડ ધ કપ ફ્રોમ પર્જર્ડ લીપ્સ?' ('Hast thou not dashed the cup from perjured lips ?) અનુવાદમાં સ્પષ્ટ નથી થયો : જૂઠડી જીભ પરથી અમીપાત્રને, તે નથી, મિત્ર, શું ધૂળ કીધાં?" પણ નવી આવૃત્તિમાં “જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને' આટલો સુધારો કર્યો છે. એમાંથી સત્ય બોલવાના સોગંદ લેતા ખ્રિસ્તી સાહેદને અદાલતમાં શપથ-કટોરી પિવરાવવામાં આવતો એ નિયમ કવાં ગોચર થાય છે ?

૧૮. વિદાય : ૧૯૩૦. કારાગૃહમાં એક સાથીએ ગુંજેલી 'હમ ભી ઘર રહ સકતે થે' જેવી કોઈ ઉર્દૂ ગીતની કડી પરથી સૂઝેલું.

૨૦. આગે કદમ: ૧૯૩૧. સ્વતંત્ર 'લાવા' શબ્દ અંગ્રેજી છે જવાળામુખીમાંથી ઝરતો અગ્નિરસ.

૨૨. ફૂલમાળ : ૧૯૩૧. સ્વતંત્ર. સ્વ૦ ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન. ત્રણ રૂખડાં = ત્રણ વૃક્ષોઃ ત્રણ જણાને ફાંસી આપી સતલજ નદીને કિનારે બાળેલા. 'ઈધણ તોય ઓછાં પડ્યાં...પિંજર પૂરાં નો બળ્યાં’ = ઘાસલેટ છાંટીને બાળ્યા છતાં તેમના મૃતદેહનું પૂરું દહન ન થયું હોવાની ફરિયાદ હતી.

૨૪. કોણ ગાશે : ૧૯૩૧. સ્વતંત્રતા સંગ્રામમાં બંધ પડેલા 'સૌરાષ્ટ્ર'ના પુનરારંભ માટે.

૨૭. શૌર્યવતીના વિલાપ : ૧૯૩૦. કારાવાસની કેટલીક નબળી પળોમાં સ. પત્નીના ઠપકાનું કલ્પનાચિત્ર સજીને રચેલું. સ્વતંત્ર.

૨૮. તરુણોનું મનોરાજ્ય : ૧૯૨૯. સ્વતંત્ર. છંદ ચારણી: 'કુંડળિયા' નામનો.

૩૦. શિવાજીનું હાલરડું : ૧૯૨૭. ભાવનગર મુકામે. સ્વ્૦ મિત્ર અમૃતલાલ દાણી. વગેરે સ્નેહીજનોની હૂંફમાં બાલકિશોરોને માટે ગીતો રચવાના ઊર્મિપ્રવાહમાં ભીંજાયેલો હતો ત્યારે. અમારા આંગણામાં ચૂનો કૂટતી મજૂરણો એક ગીત ગાતી હતી :

પરભાતે સૂરજ ઊગિયો રે
સીતા રામની જોવે વાટ :
શેરડીએ સંતો આવે
ભિક્ષા તેને કોઈ નો લાવે.

એ પરથી ઢાળ મૂક્યો. આ ઢાળ 'કાચબા-કાચબી'થી જુદો પડે છે. રચનામાં પણ એ ભજનની કડીથી એક મોટું ચરણ આમાં કમતી છે. દસમી કડીમાં ‘બંધૂકાં' એ 'બંદૂકો'નું ચારણી બહુવચન-રૂપ છે.  ૩૨. અંતરની આહ : ૧૯૩૧. સ્વતંત્ર. ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં હાજર થવાની ના વાઈસરોયને લખી મોકલી તે પરથી એમની મનોવેદનાનું આલેખન.

૩૪, છેલ્લો કટોરો : ૧૯૩૧. ગાંધીજી ગોળમેજીમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું આ સંબોધન. ‘સૌરાષ્ટ્રનો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ ‘બંધુ' શબ્દોને સ્થાને 'બાપુ' 'બાપુ' શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે.

બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઈતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનો રૂપક પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.

૩૬. માતા, તારો બેટડો આવે : ૧૯૩૧. ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર – સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય 'બિરૂદ છહુતેરી'માંથી ઉઠાવી છે : :

૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.

૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
મેવાંડો ત્તિણ માંહ પોયણ રાણા પ્રતાપસી.

૩૯. છેલ્લી સલામ : ૧૯૩૩. સ્વતંત્ર. બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ બરોડા જેલમાં અનશન વ્રત લીધું ત્યારે. આ ગાંધીજીને મોકલ્યું હતું તેના જવાબમાં એમનું એક પતું મળેલું કે 'તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.'

૪૨. ઝંડાવંદન : ૧૯૩૧. સ્વતંત્ર.

૪૫. ઝંખના : ૧૯૨૯. સ્વતંત્ર. ‘સૌરાષ્ટ્ર' અઠવાડિકના પહેલા પાના પર મૂકવા માટે છેક છેલ્લી મિનિટોમાં રચાયેલું. આ કાવ્ય પ્રથમવૃત્તિ વેળા મૂકવાનું ચુકાઈ ગયેલું.  ૪૭. ઓતરાદા વાયરા ઊઠો : ૧૯૩૪. સ્વતંત્ર બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તર-દક્ષિણ વહે છે, વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે.

ખંડ ૨ : પીડિતદર્શન

૫૧ ઘણ રે બોલે ને : ૧૯૩૨. સ્વતંત્ર. 'ફૂલછાબ' માટે રચાયું હતું. ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. 'જેસલ કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આતરાનો ઢાળ બેસાડ્યો છે.

૫૩. દીઠી સાંતાલની નારી : ૧૯૩૫. રવીન્દ્રનાથનું મૂળ બંગાળી 'સાંતાલેર મેયે' તો નથી જોયું, પણ એના અંગ્રેજી ભાષાન્તર પરથી ઉતારેલું..

૫૫. ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત : ૧૯૩૨. ‘ફૂલછાબ' માટે રચેલું. સ્વતંત્ર.

૫૮, કોદાળીવાળો : ૧૯૩૨. 'ક્રાય ફૉર જસ્ટિસ' નામના અંગ્રેજી સંગ્રહના એક કાવ્ય પરથી.

૬૦. કેદીનું લ્પાંત : ૧૯૩૧. સ્વતંત્ર

૬૩. કાળ સૈન્ય આવ્યાં : ૧૯૩૪. સ્વતંત્ર. '

૬૪. ફાગણ આયો : ૧૯૩૨. 'ફૂલછાબ' માટે. સ્વતંત્ર

૬૬. વૈશાખી દાવાનલ આવો : સ્વતંત્ર. કટાક્ષ-કાવ્ય.

૬૮. કાલ જાગે : ૧૯૨૯. એક અંગ્રેજી કાવ્ય પરથી 'સૌરાષ્ટ્' પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌપહેલું પીડિત-ગીત.

૭૦. કવિ, તને કેમ ગમે ? : ૧૯૨૯, 'કાલ જાગે' વાંચીને શ્રી બચુભાઈ રાવતે મોકલેલા 'બોમ્બે ક્રોનિકલ’ના તાજા અંકમાં આવેલા શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલા 'ધ માસ્ક' નામક કાવ્ય પરથી.

૭૨. હાલરડું : ૧૯૩૦. કારાવાસમાં રચેલું. સ્વતંત્ર.

૭૩. તારા પાતકને સંભાર : ૧૯૩૨. ગાંધીજીના અનશનવ્રતની અસરતળે. ‘ફૂલછાબ' માટે સ્વતંત્ર રચ્યું.

૭૬. અમે ! : ૧૯૨૯, પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને રચેલું.

૭૮, વિરાટદર્શન : ૧૯૩૨. અપ્ટન સિંકલેરના 'સૅમ્યુઅલ ધ સીકર'ના છેલ્લા સંઘગાનને આધારે. નિશાન=નગારું.  ૮૧. બીડીઓ વાળનારીનું ગીત : ૧૯૩૧. ઢાળ બંગાળી બાઉલગાનનો. જેની કબ્ર ઉપર લખ્યું છે – “ધ પોએટ ઑફ ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’ એ અંગ્રેજ કવિ ટૉમસ હૂડનું મશહૂર 'સોન્ગ ઓફ ધ શર્ટ' ઘણા સમયથી મનમાં ગુંજતું હતું. એટલે મૂળ પ્રેરણા એ ગીતની. તે સિવાય આને ને એને કશી નિસ્બત નથી.

૮૩. દૂધવાળો આવે : ૧૯૩૩. મુંબઈ શહેરના ઘરેઘરનો અનુભવ મારા પોતાના રોજિંદા જાતઅનુભવમાં નિહાળ્યો. દૂધવાળા ભૈયાઓની જીવનકથનીમાં પડેલી કરુણતાને કટાક્ષમાં લપેટવાની પહેલી આવૃત્તિવાળો પ્રયાસ સફળ નહોતો. ઉપરાંત, છેલ્લું તારણ તો ખોટું હતું. એક દૂધવાળો મરે તેથી તેની જગ્યા પૂરનારી પરંપરા કંઈ અટકતી નથી. ઉપલી ક્ષતિને દૂર કરવા માટે બીજી આવૃત્તિમાં છેલ્લી કડી નવી ઉમેરી છે. ઓ. કે. ચા = એ કંપનીના લેબલવાળી ચા.

ખંડ ૩ : કથાગીતો

૮૭. અભિસાર : ૧૯૩૧. રવીન્દ્રનાથના 'કથા ઓ કાહિની'માંના મેં 'કુરબાનીની કથાઓ'માં લીધેલા એક કાવ્યનો અનુવાદ. 'કૌમુદી' માટે કરેલો.

૯૧. આખરી સંદેશ : ૧૯૩૦. કારાવાસમાં. 'ધ ન્યૂઝ ઑફ બૅટલ' નામના અંગ્રેજી બૅલડ પરથી.

૯૭. વીર બંદો : ૧૯૩૪. રવીન્દ્રનાથના કથાગીત ‘બંદીવીર’ પરથી.

૧૦૨. સૂના સમદરની પાળે : ૧૯૩૦. કારાવાસમાં, કેરોલીન શેરીડાન નોર્ડનના અંગ્રેજી કથાગીત ‘બીન્જન ઑન ધ ર્‌હાઈન’ પરથી.

૧૦૯. કોઈનો લાડકવાયો : ૧૯૩૦. કારાવાસમાં. 'સમબડીઝ ડાર્લિંગ’ નામના મૅરી લા કોસ્ટેના રચેલા એક કાવ્ય પરથી. ઉપલાં બેઉ અંગ્રેજી કાવ્યો જૂની “રૉયલ રીડરમાંથી જડેલાં. 'સમબડીઝ ડાર્લિંગ’ તરફ ધ્યાન ખેંચનાર શ્રી દેવદાસ ગાંધી હતા. એના ગુજરાતી રૂપાન્તરના યોગ્ય મૂલ્યાંકનને માટે અસલ કાવ્ય નીચે શામિલ કરું છું :

SOMEBODY'S DARLING

[1].

Ward of the white-washed halls,
Where the dead and dying lay,
Wounded by the bayonets, shells and balls,
Somebody's Darling was born one day -



Somebody's Darling, so young and so brave
Wearing yet on his pale sweet face,
Soon to be hid by the dust of the grave,
The lingering light of his boy-hood's grace.

[2]
Matted and damp are the curls of gold,
Kissing the snow of that fair young brow,
Pale are the lips of delicate mould –
Somebody's Darling is dying now.
Back from his beautiful blue-veined brow
Brush all the wandering waves of gold :
Cross his hands in his bosom now –
Somebody's Darling is still and cold.

[3]
Kiss him once for Somebody's sake
Murmur a prayer soft and low,
One bright curl from its fair mates take, –
They were somebody's pride, you know;
Somebody's hand had rested there;
– Was it a mother's soft and white ?
And have the lips of a sister fair
Been baptized in the waves of light ?

[4]
God knows best – He had Somebody's love;
Somebody's heart enshrined him there;
Somebody's wafted his name above
Night and morn on the wings of prayer,
Somebody wept when he marched away,
Looking so handsome, brave, and grand;
Somebody's kiss on his forehead lay,
Somebody clung to his parting hand.

[5]

Somebody's waiting and watching for him –
Yearning to hold him again to her heart,
And there he lies, with his blue eyes dim,
And the smiling, childlike lips apart,
Tenderly bury the young dead.
Pausing to drop in his grave a tear:
Carve on the wooden slate at his head, –
'Somebody's Darling slumbers here.'

૧૧૨. ધરતી માગે છે ભોગ : ૧૯૩૦ના સંગ્રામના પ્રારંભકાળમાં, સ્વતંત્ર.

૧૧૫. રાતાં ફૂલડાં : ૧૯૩૯. 'ફેર ફ્‌લાવર્સ ઇન ધ વૅલી' નામે એક અંગ્રેજી લોકગીત પરથી.

૧૧૭. સોના–નાવડી : ૧૯૩૧. રવીન્દ્રનાથના ‘સોનાર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર'ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન બાબુ પાસેથી જાણેલું ‘સોનાર તરી’ ગીતનું રહસ્ય એવું હતું કે, નાવિક એટલે કર્મદેવ, જીવનક્ષેત્રના કૃષિકાર, પ્રત્યેક માનવીની પાસેથી એ માનવીની જીવનકમાઈ ઉઘરાવીને કાળનદમાં ચાલ્યો જાય છે. ખુદ માનવીને એ મુકામ પર પહોંચાડતો નથી. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે સ્ત્રીપાત્ર જ બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. નવી આવૃત્તિમાં ૬૭-૬૮-૬૯મી પંક્તિઓમાં જે ફેરફાર કર્યો છે તે મૂળ કાવ્યના ભાવને વફાદાર છે.

ખંડ ૪: આત્મસંવેદન

૧૨૩. યાચના : ૧૯૩૪. સ્વતંત્ર.

૧૨૪. ઇજન : ૧૯૩૪. સ્વતંત્ર. 'જન્મભૂમિ' દૈનિકના પહેલા જ અંકમાં મૂકેલું ગીત.

૧૨૫. એકલો : ૧૯૩૪. સ્વતંત્ર.

૧૨૬. હસતું પંખી : ૧૯૩૪. એક અંગ્રેજ સ્ત્રી-કવિના કાવ્ય પરથી.

૧૨૭. સાગરરાણો : ૧૯૨૭. જુહૂના સમુદ્રતટે સૂઝેલું. ૧૨૯, અર્પણ : ૧૯૨૮. ‘કિલ્લોલ' નામના ગીતસંગ્રહનું અર્પણ વિ. પત્નીને કરેલું. સ્વતંત્ર.

૧૩૦. એક જન્મતિથિ : ૧૯૩૦. કારાવાસમાં. સ્વતંત્ર.

૧૩૩. મૃત્યુનો ગરબો : ૧૯૩૦. કારાવાસમાં. સૈનિક ત્રિવિક્રમના શબનું દર્શન કરતાં સ્ફુરેલું. સ્વતંત્ર. .

૧૩૫. નવા વરસનો સબરસથાળ : ૧૯૩૪. દિવાળીને દિવસે જન્મભૂમિ'માં ધરવા માટે.

૧૩૭. નિર્ભય : ૧૯૩૧. રવીન્દ્રનાથના એક કાવ્ય પરથી.

૧૩૯, એ જ પ્રાણ : ૧૯૩૪. રવીન્દ્રનાથના 'પ્રાન’ નામના ગીત પરથી.

૧૪૦. થાકેલો : ૧૯૨૫. સ્વ. દેશબંધુ ચિત્તરંજનના એક બંગાળી ગીત પરથી.

૧૪૧. સુખદુખ : દ્વિજેન્દ્રરાય કૃત નાટક ‘પ્રતાપસિંહ'માંનું એક ગીત.

ખંડ ૫ : પ્રેમલહરીઓ

૧૪૫-૧૫૪. “સમર્પણ'થી “માલાગૂંથણ' સુધી : રવીન્દ્રનાથના નાટક ‘રાજારાણી’માંનું એક ગીત ‘હું ને તું' તથા બાકીનાં દ્વિજેન્દ્ર રાયના નાટક ‘રાણો પ્રતાપ’ અને ‘શાહજહાં'માંનાં.

૧૫૩. તદ્દુરે-તદ્વન્તિકે –: 'મોડર્ન રિવ્યુ'ના તંત્રી શ્રી રામાનંદ ચેટરજીએ પોતાની પત્નીના અવસાન સમયે ટાંકેલા એક અંગ્રેજી ગીત પરથી.

૧૫૫. વીંજણો : ૧૯૨૭. સ્વતંત્ર.

૧૫૬. જલ-દીવડો : ૧૯૩૨. સ્વતંત્ર.

૧૫૭. દીવડો ઝાંખો બળે : ૧૯૧૮. સ્વતંત્ર. મારું પહેલવહેલું ગીત.

૧૫૮. અનામી ! અનામી !: ૧૯૩૬. ‘એનોનીમા' નામના અંગ્રેજી ગીત પરથી.

૧૬૦. વિશ્વંભર : એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ.

૧૬૨. પ્રત્યેક વર્ષે : 'ફૂછાબ' માટે રચેલું.

૧૬૩. બાળુડાને : ૧૯૩૩માં બોટાદમાં પ્રથમ પત્નીના અગ્નિસ્નાન પછી લગભગ પોણાત્રણ વરસે મુંબઈમાં રચ્યું.