← કોઈનો લાડકવાયો યુગવંદના
ધરતી માગે છે ભોગ !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
રાતાં ફૂલડાં →




ધરતી માગે છે ભોગ !
[ઢાળઃ 'દેવાયત પંડિત દા'ડા દાખવે' – એ જૂના ભજનનો.]


'પૉરો રે આવ્યો, હો સંતો ! પાપનો;
ધરતી માગે છે ભોગ.'

ઊંડી રે નીંદરુંમાં અમે સાંભળ્યું:
'ધરતી માગે છે ભોગ !'
સૂતાં રે સ્વપ્નામાં અમે સાંભળ્યું :
'ધરતી માગે છે ભોગ !' '

પડઘા પડ્યા રે ખંડેખંડમાં,
ઘન ઘન સૂસવ્યા પવન;
અંધારી રાત્યુંનો મારો સાયબો
આઘે વીંઝે ગાઢાં વન. — ઊંડી રે૦

દીધા રે ટકોરા એણે દ્વારમાં,
ભાંગ્યા એણે ભોગળોના ભાર;
વેણુ રે વગાડી વસમા સૂરની,
સાયબાના ઝણેણ્યા સિતાર. — ઊંડી રે૦

'નીંદરનાં ઘેરાણાં તમે જાગજો !'
ગરજ્યો સાહેબનો સવાલ;
‘આગ્યુનાં ઓરાણાં તમે ઊઠજો !
કબરુંનાં ઊઠો રે કંકાલ !' — ઊંડી રે૦

જાગો હો, બળહીણાં બંધુબેનડી !
આપણાં આવ્યાં છે ટાણાં;
ઊઠો હો ખંખેરી ખોટી બીકને !
મુગતિનાં વાયે રે વા'ણાં. — ઊંડી રે૦



સમરથનો સૂરજ આજે આથમે,
આથમે ભૂપતિઓના ભાણ;
ખંડ રે પતિયુંનાં તખતો ખળભળે,
ભાઈ ! એના દળમાં ભંગાણ. — ઊંડી રે૦

દૂબળાં રેવું છે દિન કેટલા!
કેટલા જુગ રે કંગાળ !
નોધારાં થઈને શીદ શરણાં લિયો ?
દુનિયાને દેજો રે હુંકાર. — ઊંડી રે૦

લખોમખ વેરી છે ધણીએ રિદ્ધિયું
ધરતીને ખોળે ઠોરઠોર;
ખાવિંદે દીધાં છે દરિયા ને હવા
આજે એમાં પડિયા છે ચોર — ઊંડી રે૦

ઊંચાં ને નીચાં રે ધનવંત-નિર્ધનાં,
ભાઈ ! એ તો કૂડના રે ભેદ !
ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી;
મનડાની આખરી ઉમેદ. — ઊંડી રે૦

પ્યાલા રે ઘૂંટ્યા મેં અમરત-પાનનાઃ
આવજો પીવા પ્રેમવાન !
ઘૂરે રે લાલપ-ઘેરી આંખડી,
મરવા બનો મસ્તાન. — ઊંડી રે૦

ઊંડી રે નીંદરુંમાં અમે માનિયું:
વાયરો સૂચવે ભેંકાર,
ગાઢ રે સપનામાં અમે શોચિયું :
વાદળાં કરે રે પોકાર. — ઊંડી રે૦



ગાફિલ બનીને ઓઢ્યાં ગોદડાં,
ઘર ઘર ઘોય સારી રેન;
જાગન્તાં દીઠા રે નેજા ફટકતા,
ઊતર્યા મતલબનાં ઘેન. — ઊંડી રે૦

સાયબાને દીઠો ઝળહળ ઝૂઝતો,
ચોય દશ ચડ્યા એના વીર;
તંબૂરાની કીધી તુરી ને ભેરીઓ,
પાયાં એણે પોતાનાં રુધિર. — ઊંડી રે૦

માટીનાં કીધાં રે એણે માનવી,
જળમાંથી જલાવ્યા ચેરાગ;
ધજા રે રોપાણી સત-ધરમની,
કૂડ-ઘેરે કળેળ્યા હો કાગ. — ઊંડી રે૦