યુગવંદના/શૌર્યવતીના વિલાપ
← કોણ ગાશે ! | યુગવંદના શૌર્યવતીના વિલાપ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
તરુણોનું મનોરાજ્ય → |
કંથનાં કોમલ દિલ ક્યમ કર્યાં !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !
મહા જ્વાલામુખી જ્યમ બુઝાય,
સિંધુજળ ઠરી ઠરી થીજી જાય;
આભથી તારક-મંડળ ખરે,
હિમગિરિ-શૃંગો ઊથલી પડે,
નિહાળી ગગનપતિની આંખ
ગરુડ સંકેલી બેસે પાંખ :
ગાઢ એહવાં હૈડાં પિયુનાં આજે ડગમગ થાય;
ગગન લગી ગજવેલાં એનાં શૌર્યગાન શોષાય.
કંથનાં કોમળ દિલ ક્યમ કર્યા !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !
રાખતો સદા રાતૂડાં નેન,
લાગણી ભર્યા ભરપૂર કલ્પનાઘેન;
વીંઝતો જહીં વાણ-સમશેર,
ઊમટતા રણરસિયાના ઘેર;
મનાયો મહા શૌર્યચકચૂર,
મદોન્મત મેંગળ ગાંડોતૂર :
તારાં તપ ડોલાવણ પાપી કોણ હૃદયમાં જાગે !
રોમ રોમ મુજ લજ્જિત દેહે ઝળઝાળ ઝાળો લાગે.
પિયુનાં પોચાં દિલ કાં કર્યા !
પ્રભુ ! ક્યમ કાયર ભાવો ભર્યા !
લલિત લાગણીઓના લલકાર
છોડ : ખંજરી બજાવે કાળ;
ચોયદિશ યુદ્ધધખારા ઝરે,
પુષ્પ-શા માતબેટડા મરે;
મોજ શું સૂઝે તને મસાણ ?
આગ બિચ ક્યમ ગમતી ફૂલલ્હાણ ?
રસતરસ્યા ! એ મધુરજનીને આજ ન સંભારાય;
પ્રલયદેવનાં ડહકત ડમરુ, ત્યાં મુજ મનડું ધાય.
કંથનાં કોમળ દિલ ક્યમ કર્યાં!
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !
દેખી ઘનઘટા મોરલો ધાય,
ગગન કડકડે તેમ મલકાય;
વીજના વજ્રઘાત વરસન્ત,
પંખી ત્યમ અધિક મસ્ત હર્ષન્ત;
ઢેલડી એહ રૂપ પર ઝલે,
ટહુકતી પ્રણયવારણે લળે :
હુંય એ જ ટહુકાર અંતરે ભરી જોઉં છું વાટ;
રુદ્રરૂપ વહાલમજી, તારાં તલખું વરવા માટ!
કંથનાં કોમળ દિલ કાં કર્યાં !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !